Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પહેલા નશો કરતી હવે પોતે પેડલર બની ગઇઃ અમી ડ્રગ્‍સની પડીકી ૨૫૦૦ લેખે બંધાણીઓને વેંચતી

એસઓજીએ રેસકોર્ષમાંથી ૧,૨૩,૬૦૦ના મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે કરણપરાની યુવતિને પકડી સપ્‍લાયર બજરંગવાડીના જલાલ કાદરીને પણ દબોચ્‍યો : ક્રિકેટર પતિ સાથે ડ્રગ્‍સના રવાડે ચડતાં પકડાયા પછી સુધરી જવાની ઇચ્‍છા દર્શાવતા પોલીસે જ તેણીને આ દુષણમાંથી બહાર કાઢવા પ્રયાસો કર્યા હતાં: પોલીસમાં ભરતી થવાની તૈયારી પણ કરાવી હતીઃ પણ તાલિમ અધુરી મુકી ભાગી ગઇ અને ફરી ડ્રગ્‍સના રવાડે ચડી ગઇ : પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ ડી. બી. ખેર અને ટીમની કામગીરીઃ હેડકોન્‍સ. દિગ્‍વીજયસિંહ ઝાલાની બાતમી : સોશિયલ મિડીયાથી શ્રીમંત નબીરાઓ, કોલેજીયન છાત્રો સાથે મિત્રતા કેળવી તેની સાથે જમવા-ફરવા જઇ તેને ડ્રગ્‍સના ગ્રાહક બનાવતી હોવાનું રટણ

રાજકોટ તા. ૧: શહેરમાં અનેક યુવાનો ડ્રગ્‍સના રવાડે ચડયા હોવાનું અગાઉ સામે આવ્‍યું હતું. કરણપરામાં રહેતી એક યુવતિને અગાઉ ડ્રગ્‍સનું સેવન કરવાની લત્ત લાગી ગઇ હતી અને હવે તે પોતે જ પેડલર બની ડ્રગ્‍સ વેંચવા માંડી હોવાનું સામે આવ્‍યું છે. શહેર એસઓજીએ આ યુવતિને રેસકોર્ષ બગીચામાંથી ૧,૨૩,૬૦૦ની કિંમતના ૧૨.૩૬ ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્‍સ સાથે પકડી લઇ સપ્‍લાયર બજરંગવાડીના શખ્‍સને પણ દબોચ્‍યો છે. આ શખ્‍સ પંદર દિવસ પહેલા જ ડ્રગ્‍સ કેસમાંથી જામીન પર છુટયો છે. તે અમદાવાદ-મુંબઇ તરફથી માદક પદાર્થ લાવતો હોવાનું રટણ કરતો હોઇ બંનેના રિમાન્‍ડ મેળવવા તજવીજ થશે. યુવતિ પોતે ૬૦-૬૦મ મીલીગ્રામની પડીકીઓ બનાવી રૂા. ૨૫૦૦ની એક લેખે બંધાણીઓને વેંચતી હોવાનું સામે આવ્‍યું છે. સોશિલય મિડીયાથી નબીરાઓને ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી, દોસ્‍તી કેળવી તેની સાથે જમવા-ફરવા જઇ એક વખત જે તે ફ્રેન્‍ડની સામે પોતે ડ્રગ્‍સનું સેવન કરી સાથેના ફ્રેન્‍ડને પણ આ રવાડે ચડાવતી હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ શહેર એસઓજીના હેડકોન્‍સ. દિગ્‍વીજયસિંહ કે. ઝાલાને બાતમી મળી હતી તેના આધારે રેસકોર્ષ બાલભવન ગેઇટથી અંદર પ્રમુખ સ્‍વામિ પ્‍લેનેટોરિયમ પાસે વોચ રાખવામાં આવતાં ગુલાબી જેકેટ અને જીન્‍સ પહેરેલી યુવીત એક્‍ટીવા જીજે૦૩એલએસ-૪૭૪૯ લઇને નીકળતાં તેને અટકાવી મહિલા પોલીસ કોન્‍સ. નાઝનીનબેન મારફત અંગ જડતી કરાવવામાં આવતાં તેણીના પેન્‍ટના ખિસ્‍સામાંથી તથા એકટીવાની ડેકીમાંથી શંકાસ્‍પદ પાવડરની પડીકીઓ મળી હતી. પુછતાછમાં તેણે પ્રારંભે તો ગલ્લા તલ્લા કર્યા હતાં. બાદમાં આ પડીકીઓ બજરંગવાડીના જમાલ પાસેથી લાવ્‍યાનું કબુલ્‍યુ હતું.

પોલીસે એફએસઆઇ અધિકારીશ્રી વાય. એચ. દવેને બોલાવી પરિક્ષણ કરતાં બંને પડીકીમાંનો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્‍સ હોવાનું સ્‍પષ્‍ટ થતાં એનડીપીએસ એક્‍ટ હેઠળ પીઆઇ જે. ડી. ઝાલાએ ફરિયાદ બની કરણપરા-૧૧/૧૨ રાજહંસ એપાર્ટમેન્‍ટમાં ત્રીજા માળે રહેતી યુવતિ અમી દિલીપભાઇ ચોલેરા (ઉ.વ.૨૩) વિરૂધ્‍ધ તથા તેને માદકપદાર્થ મેફેડ્રોન (એમડી) ડ્રગ્‍સ આપનાર બજરંગવાડીના જમાલ વિરૂધ્‍ધઅ પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યોહ તો.

અમી ચોલેરા પાસેથી રૂા. ૧,૨૩,૬૦૦નું ૧૨.૩૬ ગ્રામ ડ્રગ્‍સ, ૨૫ હજારનો એપલ મોબાઇલ ફોન, ૩૦ હજારનું એક્‍ટીવા અને રૂા. ૧૦૦નો ઇલેક્‍ટ્રીક વજનકાંટો મળી આવ્‍યો હતો. આ તમામ ચીજવસ્‍તુ કબ્‍જે કરી એસઓજીએ બજરંગવાડીના જમાલ તાલબ કાદરીને પણ દબોચી લઇ પ્ર.નગર પોલીસને સોંપ્‍યો છે. તાલબને અગાઉ એસઓજીએ ઉમંગ પટેલ સાથે ચાર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે પકડયો હતો અને જેલમાં હતાં. પંદર દિવસ પહેલા જ આ ગુનામાંથી જામીન પર છુટી ફરી ડ્રગ્‍સ સપ્‍લાયર તરીકે કામ ચાલુ કર્યુ હતું. તે અમદાવાદ-મુંબઇ તરફથી આ પદાર્થ લાવતો હોવાનું ફર્યુ ફર્યુ બોલતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્‍ડની તજવીજ થશે.

એસઓજીએ અમીની પ્રાથમિક પુછતાછ કરતાં તેણે રટણ કર્યુ હતું કે પોતે ૨૫૦૦ની એક લેખે ૬૦ મીલીગ્રામ ડ્રગ્‍સની પડીકીઓ બંધાણીઓને વેંચતી હતી. સોશિયલ મિડીયાથી તે અલગ અલગ નબીરાઓ સાથે સંપર્ક કેળવી મિત્રતા કેળવી તેની સાથે જમવા, ફરવા જઇ પોતે ડ્રગ્‍સનું સેવન કરી સામેવાળાને પણ લલચાવી બાદમાં તેને પણ એકવાર નશો કરાવડાવી પછી તેને ગ્રાહક તરીકે સામેલ કરી લેતી હતી. જો કે તેની આવી વાતોમાં કેટલુ તથ્‍ય છે તેની તપાસ હવે થશે. અગાઉ અમીના લગ્ન ક્રિકેટર સાથે થયા હતાં. એ ક્રિકેટર પણ ડ્રગ્‍સના રવાડે ચડી ગયો હતો. જે તે વખતે ક્રિકેટરના માતાએ પોતાના પુત્ર અને પુત્રવધુને સુધા નામની પેડલરે ડ્રગ્‍સના રવાડે ચડાવી દીધાની ફરિયાદ કરતાં પોલીસે તે વખતે કાર્યવાહી કરી હતી અને રેસકોર્ષ રીંગ રોડ પરની હોટેલમાંથી બધાને દબોચ્‍યા હતાં.

અમીએ ત્‍યારે પોતે સુધરી જઇ નશો છોડી દેવા ઇચ્‍છે છે તેવું કહેતાં અને પોલીસમાં ભરતી થવા ઇચ્‍છે છે તેવું જણાવતાં મહિલા પોલીસ કર્મચારીઓએ તેણીને દોડવાની, લેખનની તૈયારીઓ કરાવી હતી. પરંતુ સમય જતાં તેના પતિ સાથે છુટાછેડા થઇ ગયા હતાં અને તાલિમ અધુરી છોડી ભાગી જઇ ફરીથી ડ્રગ્‍સ સેવનના રવાડે ચડી હતી. પણ નશા માટેના પૈસા ન હોઇ હવે પોતે જ ડ્રગ્‍સ વેંચવા માંડી હોવાનું તેણીએ કહ્યુ઼ હતું. તે ગ્રાહકો સાથે અને સપ્‍લાયર સાથે વ્‍હોટ્‍સએપથી વાત કોલીંગ કરતી હોઇ અને બાદમાં ચેટ ડીલીટ કરી દેતી હોવાનું પણ કહ્યું હતું. મોટા ભાગના ગ્રાહકો શ્રીમંત નબીરાઓ અને અમુક કોલેજીયન છાત્રો હોવાનું પણ બહાર આવી રહ્યું છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા, દિગ્‍વીજયસિંહ ગોહિલ, અરૂણભાઇ બાંભણીયા, કોન્‍સ. નાઝનીનબેન, ડ્રા. હેડકોન્‍સ. કૃષ્‍ણસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. એફએસએલ અધિકારી વાય. એચ. દવેએ પ્રાથમિક પરિક્ષણ કરી અભિપ્રાય આપ્‍યો હતો.

સ્‍વછંદી બની ગયેલી અમી માતા-પિતા સાથે પણ વાત કરતી નથી

ઞ્જ ડ્રગ્‍સ સાથે પકડાયેલી અમી એક સમયે નશાની આદત ધરાવતી હતી. પણ હવે પોતે જ ડ્રગ્‍સ વેંચવા માંડી છે. એસઓજીને તપાસ કરતાં જાણવા મળ્‍યું હતું કે અમી હવે સ્‍વછંદી જીવન જીવી રહી છે. તે તેના વાલીઓનું કહ્યું પણ સમજતી નથી. તેણીના વ્‍હોટ્‍સએપ ચેક કરતાં સામે આવ્‍યું હતું કે તેણીને આ દુષણમાંથી બહાર આવવાં વાલીઓ તરફથી અનેક સુવિચારો સાથેના મેસેજ મોકલવામાં આવ્‍યા હતાં. પરંતુ તેણે એકેય મેસેજનો વળતો જવાબ આપ્‍યો નથી.

(11:35 am IST)