Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

રંગી મોહન કે રંગઃ યુરોપ, સાબરમતી, ટ્રેન, જેલ અને સ્ટીમર બધું એક મંચ પર

સંગીત નાટય અકાદમીના સહયોગથી યોજનારો સુંદર નાટ્યપ્રયોગ ભવ્ય સેટ્સ કલાત્મક લાઈટિંગ સાથે મધુર અને અર્થસભર સંગીત પણ ખરું: આઝાદીની ચળવળની અનેક ઘટનાઓનું જીવંત અને તથ્યોથી ભરપૂર મંચનઃ પાસ વિતરણ

રાજકોટ તા.૧:  શહેરમાં તા.૮માં ફેબ્રુઆરીએ યોજાનાર નાટક ''રંગી મોહન કે રંગ''ના પાસનું વિતરણ શરૂ થઇ ગયું છે. ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી ગાંધીનગરના સહયોગથી યોજાઈ રહેલુ આ નાટક દર્શકો માટે યાદગાર બની રહેશે.

''રંગી મોહન કે રંગ''ના પાસ રેસકોર્સ રોડ અને લીમડા ચોક પાસે આવેલા ટી પોસ્ટ તથા કાલાવડ રોડ પર દેશી કાફે ટી પોસ્ટ પર અને રોટરી મિડ ટાઉન લાયબ્રેરી ખાતે મળશે. એક પાસ પર એક વ્યકિતને પ્રવેશ અપાશે. સફેદ પાસ વાળા દર્શકોએ ટાગોર રોડ પર- મેઈન રોડ વાળા દરવાજેથી પ્રવેશ કરવાનો રહેશે. નિમંત્રીતો માટે વિરાણી સ્કૂલની દીવાલની સામે,શેરી માંથી પ્રવેશ વ્યવસ્થા છે. સફેદ પાસ ફકત પ્રવેશ માટે છે. બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલોના ધોરણે રહેશે.

સેવેન્થ સેન્સ કોન્સેપ્તના ઉપક્રમે યોજાનાર આ નાટ્યપ્રયોગ અનેક આકર્ષણથી ભરપૂર છે. સરસ મંચ રચના, સેટ્સ , કલાત્મક લાઇટિંગ અને પડકારરૂપ દિગ્દર્શન તો આ નાટકનું જમા પાસું છે જ. ગાંધી વિચાર, આઝાદીના સંગ્રામ વખતની મહત્વની ઘટનાઓની જીવંત રજુઆત પણ અનન્ય છે. પણ અહીં સંગીત પણ મહત્વનું પાસું છે.

ગાંધીજીના આશ્રમમાં ગવાતી પ્રાર્થના, એમને પ્રિય ભજનો અને અન્ય રચનાઓ ઉપરાંત પ્રસંગને અનુરૂપ ગીતો અહીં લેવાયાં છે. રાજકોટના વતની અને હાલ હૈદરાબાદ રહેતા સંગીતકાર ફલક છાયાએ એમની ટીમ સાથે આધુનિક સાઝ, વાઘો પર આ શો માટે સંગીત ખાસ તૈયાર કર્યું છે. વિવિધ વાઘોનો સુંદર ઉપયોગ એમાં થયો છે. રાજકોટના નીરજ શાહે પણ સંગીત નિયોજન કર્યું છે.

દરેક ઘટના માટે અનુરૂપ લાઇટ્સ, સંગીત પણ આ પ્રોગના અગત્યના પાસા છે. મંચ પર યુરોપ પણ હશે, સાબરમતી આશ્રમ પણ હશે અને જેલનું પણ દ્રશ્ય એજ મંચ પર ભજવાશે. રાજકોટના ૩૦થી વધુ કલાકારો આ નાટ્યકૃતિમાં છે. નાટકનું લેખન અને નિર્માણ પત્રકાર જવલંત છાયાનું છે.

નાટય પ્રયોગ પૂર્વે દીપપ્રગટ્ય પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ કરશે. સંગીત નાટક એકેડેમીના પ્રમુખ પંકજ ભટ્ટ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ઉપસ્થિત રહેશે.

(4:31 pm IST)