Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

હત્યાની કોશિષ-મારામારીમાં સંડોવાઇ ચુકેલો લાઇનબોય પિસ્તોલ સાથે પકડાયો

રેલનગર અન્ડર બ્રીજ પાસેથી પ્રતિપાલ ઉર્ફ સિતારામ ગોંડલીયાને એસઓજીએ દબોચ્યો : હેડકોન્સ. આર. કે. જાડેજા, કોન્સ. ક્રિપાલસિંહ અને નરેન્દ્રભાઇ ગઢવીની સફળ બાતમી : ગયા વર્ષે એકલા આર. કે. જાડેજાની બાતમી પરથી ૩૯ દિવસમાં ૪૨ ગેરકાયદે હથીયાર ઝડપી લેવામાં સફળતા મળી હતી

રાજકોટ તા. ૧: એસઓજીએ રેલનગર અર્પણ પાર્ક-૩માં 'ઇશ્વર કૃપા' ખાતે રહેતાં પ્રતિપાલ ઉર્ફ સિતારામ અકુલદાસ ગોંડલીયા (ઉ.૨૮) નામના બાવાજી યુવાનને રેલનગર અન્ડર બ્રીજ પાસેથી રૂ. ૧૦ હજારની કિંમતની ગેરકાયદે પિસ્તોલ સાથે પકડી લીધો છે.

આ શખ્સ સામે ડીસીબી પોલીસ મથકમાં કોન્સ. ચેતનસિંહ ગોહિલની ફરિયાદ પરથી આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી)એ મુજબ ગુનો નોંધાયો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પ્રતિપાલ ઉર્ફ સિતારામ છુટક વેપાર કરે છે. તેના પિતા અકુલદાસ ગોંડલીયા રૂરલ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. પ્રતિપાલ પાંચ વર્ષ પહેલા પ્ર.નગર પોલીસ મથકમાં હત્યાની કોશિષ તથા મારામારીના ગુનામાં પકડાયો હતો. આ ઉપરાંત એ-ડિવીઝનના મારામારીના અને વિછીયામાં પણ મારામારીના ગુનામાં સંડોવાયો હતો.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા તથા એસઓજી પી.આઇ. આર. વાય. રાવલની સુચના મુજબ   પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, એચ. એમ. રાણા, હેડકોન્સ. આર. કે. જાડેજા, મોહિતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, નરેન્દ્રભાઇ ગઢવી, ધર્મેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણસિંહ ઝાલા, જયંતીગીરી ગોસ્વામી, નિર્મળસિંહ ઝાલા, ગિરીરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. આર. કે. જાડેજા, ક્રિપાલસિંહ અને નરેન્દ્રભાઇની બાતમી પરથી આ શખ્સને પિસ્તોલ સાથે પકડી લેવાયો હતો.

પિસ્તોલ પર મેઇડ ઇન યુએસએનો માર્કો છે. પોતાને માથાકુટ ચાલતી હોઇ ચારેક માસથી પિસ્તોલ સાથે રાખ્યાનું પ્રતિપાલ ઉર્ફ સિતારામ રટણ કરે છે. પિસ્તોલ કોની પાસેથી લાવ્યો? તે અંગે વિશેષ પુછતાછ કરવાની હોઇ પીએસઆઇ ઓ. પી. સિસોદીયા વધુ તપાસ કરે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે એસઓજીના આર. કે. જાડેજાની એકલાની જ બાતમી પરથી ગયા વર્ષે ઓકટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં ૩૯ દિવસમાં જ ૪૨ ગેરકાયદેસર હથીયારો પકડાયા હતાં. અત્યાર સુધીમાં ૬૫થી વધુ હથીયારો પકડાયા તેમાં બાતમી આર. કે. જાડેજાની હતી. વધુ એક વખત તેની બાતમીથી ગેરકાયદે હથીયાર પકડવામાં સફળતા મળી છે.

(3:23 pm IST)