Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાજકોટ મ્‍યુનિ.કોર્પોરેશનનાં બજેટમાં માત્ર સ્‍માર્ટ વાતો, પાયાની સુવિધા જરૂરી

તંત્રીશ્રી,

રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનનું ર૦૧૮-૧૯ના વર્ષનું અંદાજપત્ર મ્‍યુ. કમિશ્નર દ્વારા સ્‍ટેન્‍ડીંગ કમીટીને અપાયેલ છે. તેમાં જે જોગવાઇ થઇ છે તેમાં સુધારો કરવાની જરૂર છે. રાજકોટ સ્‍માર્ટ સીટી માટે ફકત ભભકા અને બાગબગીચા, હરવા ફરવાના સ્‍થળો વિકસાવવા સારી વાત છે પરંતુ તે પહેલા પાયાની સુવિધાની જરૂર છે.

ટ્રાફીક સમસ્‍યા

રાજકોટમાં પંદર લાખ વાહનો છે અને રસ્‍તા સાંકડા પડે છે. વારંવાર ટ્રાફીક જામ થઇ જાય છે. રસ્‍તા તથા ચોક પહોળા કરવા કોઇ જોગવાઇ નથી. રસ્‍તાની બન્ને બાજુ ગાડી પાર્ક થાય છે વચ્‍ચે એક વાહન ચાલી શકે તેટલી જગ્‍યા હોય છે. બે વાહનો સામસામા આવી જાય ત્‍યારે ટ્રાફીક જામ થઇ જાય છે. કેટલાક ચોકને પહોળા કરવા પડે તેમ છે. જેમ કે લોધાવાડ ચોક, ભુતખાના ચોક, કાંતાસ્ત્રી વિકાસ ગૃહ અને રાજ પેટ્રોલ પમ્‍પ વાળો ચોકમાં સતત ટ્રાફીકનો પ્રશ્ન રહે છે. ગોંડલ રોડ ઉપર રાજકમલ પેટ્રોલ પમ્‍પ સામેનું રેલ્‍વે ફાટક પહોળું કરાવવા અને ગોંડલ રોડ ક્રોસીંગ પાસે પહોળો ચોક બનાવાય તો વાહનો ચાલી શકે.

કોઠારીયાની હદમાં ફાયર સ્‍ટેશન બનાવવા

તાજેતરમાં કોઠારીયા, વાવડી ગામો મ્‍યુ. કોર્પોરેશનની હદમાં ભળેલા છે અને ત્‍યાંથી શરૂ કરી રીબડા સુધી રસ્‍તા ઉપર ઉદ્યોગો તથા બહુમાળી મકાનો આવેલ છે. આગ લાગે ત્‍યારે રાજકોટ સીટીમાંથી વાહન ટ્રાફીકના કારણે ઝડપી આવી શકતુ નથી. ફાયર સ્‍ટેશન થાય તેવો સરકારી ખરાબો પણ હાઇવે ઉપર આવેલ છે. હાઇવે ઉપર ફાયર સ્‍ટેશન થાય તો સીટી તથા હાઇવે ઉપરના રહેણાંક તથા ઉદ્યોગના એકમો તેમજ શાપર-વેરાવળ ઔદ્યોગીક ઝોન, હડમતાલા ઔદ્યોગીક ઝોન તેમજ નજીકના ગામોને લાભ મળી શકે. ફાયર સ્‍ટેશનનો બજેટમાં સમાવેશ કરવા આથી રજુઆત કરવામાં આવે છે.

નવા બાગ બગીચા

મવડી, કોઠારીયા, મોરબી રોડ, વાવડીમાં નવા બગીચા બનાવવા લોક ભાગીદારી યોજના તથા જાહેરાતના બોર્ડની આવક લેવાના હક્ક આપીને કોર્પોરેશનના ભંડોળની બચત કરવી. બગીચામાં મેન્‍ટેનન્‍સ ખર્ચ બચાવવા સ્‍વૈચ્‍છીક સંસ્‍થાનો સહકાર મેળવવો. બગીચાને દાતાના નામ સાથે જોડીને તે ફંડનો ઉપયોગ બગીચો બનાવવા કરવો તેવું સુચન છે.  જમીન વેચાણ નહિ કરવાનો નિર્ણય વ્‍યાજબી છે. જમીન સંપાદનના કિસ્‍સામાં જમીન આપી શકાય. પાણીનો મહતમ ખર્ચ છે તેથી પાણીનો વેરો વધારવામાં આવે તે વ્‍યાજબી છે. વેરાની આવક ર૭૦ કરોડ અને પગાર ખર્ચ ૩૦૪ કરોડ થશે આ માટે સ્‍ટાફની સંખ્‍યાનું નિયમન કરવાની જરૂરત જણાય છે. ઘરવેરાની આવક વધે તે કોર્પોરેશનના હીતમાં છે. હાલ ભાદરનું પાણી જે મળે છે તેમાં વધારો કરવા રાજય સરકારને ભલામણ કરવાની જરૂર છે. હવે નક્કી કરવાનું છે કે પીવાના પાણી અને ખેતી તેમાં કોની અગત્‍યતા વધારે છે તે ધોરણે પાણી મેળવવું પડે.

લી. ધીરૂભાઇ ધાબલીયા

(માનદ મંત્રી-રાજકોટ જિલ્લા સહકારી સંઘ)

મો. નં. ૯૮રપર ૧૭૧૧૦.

(4:29 pm IST)