Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અંજલી સાગઠીયાને મરવા મજબૂર કર્યાનો છ લોકો સામે ગુનોઃ એક આરોપીનો લોકઅપમાં ફાંસો ખાવાનો પ્રયાસ

સતત પાંચ દિવસ સુધી મોટા બાપુ-પિત્રાઇઓએ જમીનના ભાગ મામલે ઝઘડો કરતાં યુવતિએ ઝેર પી જિંદગી ટૂંકાવી હતી : તાલુકા પોલીસે મવડી પંચશીલનગરમાં રહેતાં અનિલભાઇ સાગઠીયાની ફરિયાદ પરથી તેના જ મોટા બાપુ અને તેના દિકરાઓ સહિત સામે ગુનો નોંધ્યોઃ એક આરોપી કેતને લોકઅપમાં આપઘાતનો પ્રયાસ કર્યો : કેટલી સજા પડે? એ વિચારી ડરી જઇ કેતને ગોદડામાંથી લીરો કાપી લોકઅપના સળીયામાં બાંધ્યોઃ પોલીસ સ્ટાફ જોઇ જતાં બચાવી લીધો

રાજકોટ તા. ૧: મવડીના પંચશીલનગરમાં રહેતી અંજલીબેન પ્રકાશભાઇ સાગઠીયાએ તા. ૭/૧૨ના રોજ ઝેર પી આઘપાત કરી લીધો હતો. આ બનાવમાં તેના જ મોટાબાપુ અને પિત્રાઇ ભાઇઓએ જમીનનો ભાગ ન આપી તેમજ તેણી વિશે અને તેના ઘરના વિશે સતત ખરાબ બોલતાં તેણીને માઠુ લાગતાં મરી જવા મજબૂર થયાનો ગુનો તેણીના ભાઇની ફરિયાદ પરથી તાલુકા પોલીસે દાખલ કરી એક આરોપીને પુછતાછ માટે ઉઠાવી લીધો હતો. આ આરોપી કેતન નિતીનભાઇ સાગઠીયા (રહે. મવડી)એ રાતે તાલુકા પોલીસ મથકના લોકઅપમાં પોતાના વિરૂધ્ધના ગુનામાં કેવી સજા પડે? એ વિચારથી ડરી જઇ ઓઢવા માટેના ગોદડામાંથી લીરો કાઢી લોકઅપની જાળીમાં બાંધી ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ સ્ટાફે તેને તુરત અટકાવી લઇ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

તાલુકા પોલીસે મૃતક અંજલીબેનના ભાઇ અનિલભાઇ પ્રકાશભાઇ સાગઠીયા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી તેના મોટા બાપુ જેન્તીભાઇ સાગઠીયા, તેના પુત્રો પિયુષભાઇ, રાજેશભાઇ, કિરીટભાઇ અને મોટા બાપુના સગા કેતન સાગઠીયા તથા છગનભાઇ સાગઠીયા વિરૂધ્ધ આઇપીસી ૩૦૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

અનિલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રાજકોટ ટ્રાફિક શાખામાં નોકરી કરુ છું. મારે બે ભાઇ અને બે બહેનો પૈકી અંજલીબેન (ઉ.વ.૨૫)ને તથા મારે અમારા મોટા બાપુ જેન્તીભાઇ સાથે કોટુંબીક જમીન મામલે દોઢ વર્ષથી વિવાદ ચાલે છે. તે અમારી બાજુમાં જ રહે છે. તા. ૦૨/૧૨ના રોજ હું તથા મારા મોટા બહેન અંજલીબેન એમ અમો ધરે હાજર હતા ત્યારે મેં મોટા બાપુ જેન્તીભાઇને ફોન કરી અમારી જમીન અમારા નામે કરવા માટે જણાવતા  તેણે ફોનમાં મારી સાથે ઝધડો કરેલ બાદમાં ફોન કાપી નાખેલ. જે વાત મે મારા અંજલીબેનને કરેલ હતી બાદમાં એ જ દિવસે રાત્રીના આશરે ૦૯/૩૦ વાગ્યે હું તથા મારો પરિવાર અમારા ઘરે હતાં ત્યારે મોટા બાપુ જેન્તીભાઇ સાગઠીયા તથા તેમના દિકરા પિયુષભાઇ તથા રાજેશભાઇ તથા કિરીટભાઇ એમ અમારા ધરે આવેલ અને અમોને જણાવેલ કે કોઇ જમીનમાં ભાગ નહિ મળે.

જેથી મેં કોર્ટમાં જવાનું જણાવતા મોટા બાપુ જેન્તીભાઇ તથા તેના દિકરાઓએ અમારી સાથે મારામારી કરેલ હતી. જેથીઅમોએ ૧૦૦ નંબરમાં ફોન કરેલ અને પોલીસ આવતા આ તમામ ત્યાંથી નાશી ગયેલ અને પોલીસ સ્ટેશન ખાતે લેખિત માં અરજી કરેલ હતી.

બાદ ૩/૧૨ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યે હું મારો પરિવાર અમારા ઘરે હાજર હતા ત્યાં મોટા બાુપ જેન્તીભાઇ, તેમના દિકરા પિયુષભાઇ તથા રાજેશભાઇ તથા કિરીટભાઇ એમ તેમના ઘરે જોર જોરથી અમારા ઘર વિષે ખરાબ ખરાબ શબ્દો બોલતા હોઇ  તેને આવુ બોલવાની ના પાડતા ઝઘડો કરતાં મારા અંજલીબેન મને સમજાવી ધરે લઇ ગયેલ હતા. એ પછી બાદ તા.૦૪/૧૨ના રાત્રીના આશરે દસેક વાગ્યે હું મારા પરિવાર સાથે ધરે હાજર હતો તેવામાં આ મોટા બાપુ જેન્તીભાઇનો મારા પર ફોન આવેલ અને મને જણાવેલ કે હું તને મારવા આવું છું. જેથી મે જણાવેલ કે તમો પોલીસ સ્ટેશન આવી જાવ બાદ માં ફોન કાપી નાખેલ. જેથી અંજલીબેનને મે વાત કરતા તેમણે ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસને બોલાવેલ. ત્યારે જેન્તીભાઇ સાગઠીયા તથા તેમના દિકરા પિયુષ તથા રાજેશ, કિરીટભાઇ એમ અમારી સાથે ઝધડો કરતા હતા તેવામાં પોલીસ આવી જતા બધા નાશી ગયેલ અને રાજેશભાઇ પકડાઇ જતા પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયેલ હતા.

બાદ થોડીવારમાં જેન્તીભાઇના સગા કેતનભાઇ તથા છગનભાઇ પણ અમારી સાથેઆ જેન્તીભાઈનો પક્ષ લઇને ઝધડો કરવા આવેલ. જેથી અંજલીબેને પોલીસને બોલાવવાનું જણાવતા આલોકો પણ ત્યાંથી ચાલ્યા ગયેલ. એ પછીં તા. ૦૬/૧૨ના રોજ આ લોકો જામીન પર છુટેલ હતા અને રાત્રીના ઘરે આવતા તેમના ઘરે મારા અંજલીબેન વિષે જેમફાવે તેમ વાતો કરતા હતા જેથી અંજલીબેન આ લોકોની વાતોથી બહુ દુખી હતાં.

જેથી અંજલીબેને મોટા બાપુ જેન્તીભાઇને તેમના વિષે જેમ ફાવે તેમ ન બોલવાનું જણાવતાઆ જેન્તીભાઇ સાગઠીયા તથા તેમના દિકરા પિયુષ, રાજેશ  તથા કિરીટભાઇએ ઝધડો કરેલ અને આ લોકોના આવા દરરોજના ઝધડાથી મારા બહેન અંજલીબેન ખુબ દુખી રહેતા હતા.મોડી રાત્રી સુધી મારા બહેન આ લોકોના ઝધડાની ચિંતા કરતા હતા.

બાદ તા. ૦૭/૧૨ ના રોજ સવારે મારા બહેને ઝેરી દવા પી લીધી હતી. તેને  મેં પુછતાં કહેલું કે આપણા મોટા બાપું જેન્તીભાઇ સાગઠીયા જેઓ જમીનમાં ભાગ આપતા ન હોઇ અને તેના જેન્તીભાઇ તથા તેમના દિકરા પિયુષભાઇ તથા રાજેશભાઇ તથા કિરીટભાઇ તથા કેતનભાઈ તથા છગનભાઇ જેઓ કોઇ કારણ વગર તેમના વિષે જેમફાવે તેમ લાંછન લાગે તેવી વાતો કરી પોતાની તથા પોતાના પરિવાર સાથે ઝધડો કરી શારીરિક તેમજ માનશીક ત્રાસ આપતાં હોઇ જેથી કંટાળી જઇ પોતે ઘઉમાં નાખવાના ટીકડા પી ગયેલ છે. આ વાત કરતાં જ હું રિક્ષા બોલાવી તેણીને સિવિલ હોસ્પિટલે લઇ ગયો હતો. પરંતુ સારવાર દરમિયાન બહેનનું મૃત્યુ થયું હતું. આમ મારી બહેન મોટાબાપુ, પિત્રાઇ ભાઇઓના ત્રાસને લીધે મરી જવા મજબૂર થઇ હોઇ મેં ફરિયાદ નોંધાવી છે.

પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. રાજપુરોહિત સહિતે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓ પૈકી એક કેતન સાગઠીયાને રાતે અટકાયતમાં લીધો હતો. કેતને રાતે અઢી વાગ્યે લોકઅપમાં ગોદડામાંથી લીરો ફાડી ગળાફાંસાનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. તે રિક્ષા ચાલક છે. સંતાનમાં એક પુત્ર છે. પોતાને કેવી સજા પડશે? એ વાતે ડરી જતાં પગલુ ભર્યાનું ખુલ્યું હતું.

(12:57 pm IST)