Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કાલાવડ રોડ ઉપર જાનકી કોમ્પ્લેક્ષમાં વૃદ્ધા ઉપર છરી કાતર વડે હત્યાની કોશિષના ગુનામાં સોનલ વેગડાનો છૂટકારો

રાજકોટ, તા.૧ : કાલાવડ રોડ ઉપર પંજાબ શો રૂમની બાજુમાં જાનકી કોમ્પલેક્ષમાં રહેતા લાભુબેન ઇશ્વરભાઇ ચૌહાણ ઉપર છરી, કાતર વતી જીવલેણ હુમલો કરનાર સોનલ વેગડાનો શંકાનો લાભ આપી સેસન્સ કોર્ટે છૂટકારો ફરમાવતો ચુકાદો આપેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ગઇ તા. ૦૧-૦ર-ર૦૧૭ ના રોજ ફરીયાદી લાભુબેન કિશોરભાઇ ચૌહાણનાઓએ તા. ર-ર-ર૦૧૭ના રોજ સોનલ ભાવનજીભાઇ વેગડા વિરૂદ્ધ મારી નાંખવાની કોશિષ અને લૂંટ કર્યા અંગેની ફરીયાદ નોંધાવેલ હતી.

રાજકોટ શહેરના ૧પ૦ ફૂટ રીંગ રોડ હોસ્પિટલ પાસે આવેલ ગીરીરાજ હોસ્પિટલ વાળી શેરીમાં જોલી પેલેસ એપાર્ટમેન્ટમાં ફરીયાદી લાભુબેન ઇશ્વરભાઇ પોતાની પથારીવશ રહેલ તારાબેનની દેખરેખ માટે રોકાયેલા અને તેમની સાથે જ રહેતા હતાં અને એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આરોપી કેશોદની છાત્રા સોનલ વેગડાએ ફરીયાદી લાભુબેનની બીમાર બહેનની દેખરેખ માટે નોકરી પર ન રાખતા ઘરમાં ઘુસી છરી, પાઇપથી હુમલો કરી ગળુ દબાણવી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને સોનલ આડેધડ ઘા જીકી રહી હતી તે વખતે જ ફરીયાદીના પુત્ર અને પુત્રવધુ ખબર કાઢવા આવ્યા હોય તેમને બચાવ બચાવની બુમ સાંભળતા તેમને દરવાજો ખખડાવતા આરોપી સોનલ ગભરાઇને રસોડાની દરવાજો ખોલીને પાછળથી છજા પર છૂપાઇ ગઇ હતી અને દરવાજો ન ખુલતા બીજી ચાવી મંગાવીને દરવાજો ખોલાવેલ હતો અને લોહી લુહાણ વૃદ્ધાને હોસ્પિટલમાં ખસેડેલ હતાં.

આ બનાવમાં ફરીયાદીનો સોનાનો ચેઇન લૂંટી અને આરોપી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવેલ હતી જે કેસમાં ચાર્જશીટ થઇ જતા ઉપરોકત કેસમાં પુરાવો લેવાનું શરૂ થયેલ હતું અને આ કેસમાં ફરીયાદી તથા અન્ય સાહેદે બનાવને સમર્થન આપેલ ન હતું અને ફરીયાદી સહિત કુલ ૬ સાહેદોની જુબાની નોંધવામાં આવેલ હતી અને ફરીયાદ પક્ષે અમુક દસ્તાવેજો રજુ કરવામાં આવેલ હતાં. ત્યારબાદ પુરાવો નોંધાયા બાદ બંને પક્ષકારો તરફે દલીલો કરવામાં આવેલ અને નામદાર સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકતા ચુકાદામાં જણાવલ હતું કે, આરોપીએ ઇજા કરેલ છે તેવું ફરીયાદ પક્ષે કોઇ જ પુરાવો રજૂ કરેલ નથી. કોઇ વ્યકિતને થયેલ ઇજા કેવી રીતે, તથા કઇ વ્યકિત દ્વારા કરવામાં આવેલ તેની શ્રેષ્ઠ જાણકારી ઇજા પામનાર વ્યકિતની જ હોય શકે હાલના કિસ્સામાં બનાવ કેવી રીતે બનેલ તે અંગેનો શ્રેષ્ઠ પુરાવો ખુદ ફરીયાદી ભોગ બનનાર સિવાય અન્ય કોઇને હોઇ શકે નહીં તથા ઇજા પામનાર ફરીયાદીની જુબાની ધ્યાને લેતા તેને આરોપીને લોખંડના પાઇપ છરી તથા કાતરના ઘા મારી કરેલ હોવાનું ફરીયાદી પાસેથી સોનાની ચેનની લૂંટ કરવામાં ઓલ હોવાનું તેમ જ આરોપીએ બનાવ સ્થળે હથીયારો સાથે હાજર હોવાનો કોઇ જ પુરાવો રજૂ કરેલ નથી તેવું અવલોકન કરી આરોપી સોનલ વેગડાને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ ફરમવોલ હતો.

આ કામના આરોપી સોનલબેન વેગડા તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના એડવોકેટશ્રી અંશ ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત , રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્ર કાનાબાર, તારાક સાવંત, કિશન ટીલવા,ગૌરાંગ ગોરાણી, ચેતન પુરોહિત, શ્રેયસ શુકલ, જીજ્ઞેશ લાખાણી, શુકલ, નૈમીશ જોશી, યોગી ત્રિવેદી, અબ્દુલ સમા, અનીતા રાજવંશી રોકાયા હતાં.

(11:30 am IST)