Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રામેશ્વર શરાફી મંડળીના સંચાલકો રાજકોટ, પડધરી, જામજોધપુર, કાલાવડ સહિતના ૪૨૦૦ રોકાણકારોના ૬૦ કરોડ ચાંઉ કરી ગયા

કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે શ્રીમદ્દ ભવનમાં આવેલી મંડળી દોઢેક મહિના પહેલા ઉઠી જતાં રોકાણકારોએ સીઆઇડીમાં અરજી કરી'તીઃ ચેરમેન સંજય દુધાગરાએ પોતાના સગાને પણ છોડ્યા નહિઃ વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી, મેનેજર વિપુલ વસોયાના પણ આરોપીમાં નામઃ ભકિતનગર પોલીસે ગુનો નોંધી પુરાવા એકઠા કરવા સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ ડેઇલી બચત, મન્થલી બચત, ફિકસ ડિપોઝીટમાં રોકાણ કરવાથી ખુબ સારુ વ્યાજ મળશે તેવી લાલચમાં રોકાણકારોને લલચાવ્યા

રાજકોટ તા. ૧:  શહેરના ઢેબર રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે શ્રીમદ્દ ભવનના બીજા માળે ઓફિસ નં. એફ-૨૭, ૨૮માં આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર સહિતના કાવત્રુ રચી જુદા-જુદા લોકોને જો અમારી મંડળીમાં રૂપિયાનું રોકાણ કરશો તો સારા એવા વ્યાજ સાથે રકમ પરત મળશે તેવી લાલચ-પ્રલોભન આપી ડેઇલી બચત સ્કીમ, મન્થલી બચત સ્કીમ અને ફિકસ ડિપોઝીટની અલગ-અલગ સ્કીમો સમજાવી રાજકોટ,  પડધરી, જામજોધપુર, કાલાવડ તથા આસપાસના ગ્રામ્ય પંથકોના ૪૨૦૦ રોકાણકારોના કુલ રૂ. ૬૦ હજાર પાકતી મુદ્દતે પરત ન આપી ઠગાઇ કરતાં ભકિતનગર પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દોઢેક મહિના પહેલા જ મંડળીની ઓફિસને તાળા લાગી જતાં રોકાણકારોમાં હોબાળો મચ્યો હતો અને સીઆઇડીમાં પણ અરજી થઇ હતી.

  આ બનાવમાં કોઠારીયા રોડ દેવપરા-૧માં રહેતાં અને નિલકંઠ ટોકિઝ પાસે ન્યુ પટેલ મેડિકલ સ્ટોર ધરાવતાં સંજયભાઇ જેન્તીભાઇ સોજીત્રા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી મંડળીના ચેરમેન સંજય હંસરાજભાઇ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલભાઇ રૈયાણી અને મેનેજર વિપુલ રતિલાલ વસોયા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી તથા ગુજરાત પ્રોટેકટશન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડિપોઝીટર એકટની કલમ ૩-૪ મુજબ છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સંજયભાઇ સોજીત્રાએ ફરિયાદમાં જણાવ્યું છે કે  હું મારા પરીવાર સાથે રહુ છું અને મેડીકલ સ્ટોર્સ ચલાવું છુ. મારા પિતા હાલમાં હયાત નથી. તેઓ હયાત હતાં ત્યારે તેઓએ ૨૦૧૧/૨૦૧૨ના વર્ષમાં પોતાની અંગત બચતના રૂપીયા અમારા દુરના સગા સંજય હંસરાજભાઇ દુધાગરાની કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ સામે શ્રીમદભવન બીજા માળે એફ-૨૭ તથા એફ-૨૮ માં શ્રી રામેશ્વર શરાફી સહારી મંડળી લી. માં રૂ. ૧૧ લાખ જેટલા રૂપીયા જે તે સમયે ફીકસ ડીપોજીટમાં રોકેલ હતાં. આ આ ઉપરાંત સંજયએ મને પણ મંડળીમાં રોકેલ થાપણ ઉપર એક વર્ષના વાર્ષીક ૧૨ ટકા વ્યાજ મળવાની શરતે ફીકસ ડીપોઝીટમાં રૂપીયાનું રોકાણ કરવા કહેતાં મેં તે કહે તે પ્રમાણે તેના ભરોસે અમો તેમની મંડળીમાં રૂપીયાનું રોકાણ કર્યુ હતું અને દર વર્ષે મુદત પાકી જાય એટલે આ બાંધી મુદતની થાપણની રસીદ તેઓ અમારી પાસેથી પરત લઇ લેતા અને બીજી નવી રસીદ અમને બનાવી આપતા હતા.

સને-૨૦૧૪ના વષેમાં મારા પિતાશ્રી અવસાન પામેલ ત્યારે તેઓની મરણમુડી તેઓએ અમુક લોકોને હાથ ઉછીની આપેલ હતી તે રકમની મે ઉઘરાણી કરતા આશરે રૂ. ૧૮ લાખ જેટલી રોકડ રકમ મળેલ હતી તે રકમ મે મારા તથા મારા પરીવારના અલગ-અલગ સભ્યોના નામે સને-૨૦૨૦ના વર્ષે સુધી આ શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીમાં રોકાણ કરેલ હતુ. તે રૂપીયા મે તથા મારા પરીવારના કોઇ સભ્યોએ આજદીન સુધી મંડળી માંથી કયારેય ઉપાડેલ નથી તે રોકાણ કરેલ રૂપીયાની પાકતી મુદતે જ રૂપીયાનું રોકાણ કરી નાખેલ છે અને રોટેશન મુજબ તે રૂપીયા મંડળીમાં જ મુદલ તથા વ્યાજ જમાં થતુ હતુ છેલ્લે મે નીચેની વિગતે મંડળીમાં થાપણ મુકેલ હતી.

સંજયભાઇ જેન્તીભાઇ, નીલમબેન સંજયભાઇ, દક્ષ સંજયભાઇ, જીતુભાઇ જેન્તીભાઇ, શિલ્પાબેન જીતુભાઇ, જપીન જીતુભાઇ, શુભમ જીતુભાઇ, કાન્તાબેન જેન્તીભાઇના કુલ રૂપીયા ૩૧,૬૭,૦૦૦નું રોકાણ કર્યુ હતું.

જુન-૨૦૨૦ માં મારી અમુક ફીકસ ડીપોઝીટ રસીદ મુજબ પાકતી હોય જેથી તેનું વ્યાજ લેવા માટે મંડળીની ઓફીસે જતા મંડળીના ચેરમેન સંજયભાઇ દુધાગરા હાજર હતા ત્યારે અમને મને કહેલ કે અત્યારે રૂપીયાની સગવડ થાય તેમ નથી તમને બે મહિના પછી રૂપીયા ચુકવી આપીશુ. આમ જણાવતા હું બે મહિના પછી ફરી રૂપીયા લેવા ગયેલ પરંતુ ઓફીસ બંધ હતી અને ત્યાં કોઇ મળેલ નહીં અને છેલ્લે તા.૨૮/૧૦/૨૦૨૦ ના રોજ મારા મોટા ભાઇ જીતુભાઇને ધંધા માટે રૂપીયાની જરૂરત પડેલ હોય જેથી તેઓને રૂપીયા ઉપાડવા માટે મંડળીની ઓફીસએ મોકલતા ત્યાં મંડળીએ સંજયભાઇ દુધાગરા હાજર ન હતા પરંતુ ત્યા મેનેજર વિપુલભાઈ વસોયા હાજર હતા તેઓને રૂપીયા ઉપાડવાની વાત કરતા હાલમાં કોઈ સભ્યોને રૂપીયા આપવાના નથી. તમારા કેટલા રૂપીયા આ મંડળીમાં પડેલ છે તે તમે લખાવી દો આમ વાત કરતા મારા ભાઇ જીતુભાઇ પરત આવતા રહેલ હતા. થોડા દિવસો બાદ ફરી મંડળીની ઓફીસે હું તપાસ કરવા માટે ગયેલ હતો.

 ત્યારે મંડળીની ઓફીસે ઘણા બધા થાપણદારો રૂપીયા લેવા માટે ભેગા થયેલ હતા અને મને તે ભેગા થયેલા માણસોમાંથી જાણવા મળેલ કે, આ મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર મારા સિવાયના બીજા ૧૬ થાપણદારોના ડેઇલી બચત સ્કીમ, મંથલી બચત સ્કીમ તથા ફીકસ ડીપોઝીટની સ્કીમો સમજાવી ઓળવી ગયા છે. બીજા થાપણદારોમાં નીશાબેન હેમંતભાઇ પરમાર (રહે. રણુજામંદિર પાછળ શ્યામપાર્ક-૪ કોઠારીયા મેઇન રોડ), અશોકભાઇ ચંદુભાઇ મારૂ (રહે. ભકિતનગર સોસા. શેરી નં.-૮), ડેનીશ કૌશિકભાઈ ચાવડા (રહે. કેદારનાથ સોસા. શેરી નં.-૧૦), તેજશભાઇ હીરાભાઇ મેવાડા (રહે. સોરઠીયાવાડી શેરી નં.-૧ બાપાસિતારામ ચોક),  અનિલભાઇ ધીરૂભાઇ ટીંબડીયા (રહે. કોઠારીયા મેઇન રોડ ગોવિદનગર મે.રોડ, ભોજલરામ સોસા. શે.નં.-૨),  હિતેષભાઇ કરમશીભાઈ દુધાગરા (રહે. કોઠારીયા મેઇન રોડ સ્વાતિ પાર્કની બાજુમાં જાનકોપાર્ક શેરી નં.-૨,), હર્ષાબેન દુર્લભજીભાઇ કારેલીયા, જગદીશભાઇ ખોડાભાઇ રાઠોડ, જયસુખભાઈ લક્ષ્મણભાઇ પરસાણા રહે. પંચવટી ટાઉન ન્યુ મોરબી રોડ રાજકોટ, શાંતીલાલ વેલજીભાઇ પેઢડીયા રહે. ચિંંતનપાર્ક શે.નં.-૧ કુવાડવા રોડ,  હરેશકુમાર એન. ગોહીલ રહે. પેડક રોડ,  અલ્પેશભાઇ નટુભાઇ કાલરીયા રહે. પાવરહાઉસ રોડ મીની બસસ્ટેન્ડ પાસે જામજોધપુર, સાગરભાઇ દિનેશભાઇ દુધાગરા રહે. નાની ચણોલ તા.પડધરી, રમેશભાઇ ધરમશીભાઇ સભાડીયા રહે. તીરૂપતિ પાર્ક ગ્રીનલેન્ડ ચોકડી પાસે, પ્રફૃલભાઇ ભીખાભાઇ ઢોલરીયા રહે. ગઢીયાનગર શે.નં.-૩, મુકેશભાઇ કલ્યાણજીભાઇ લીંબાસીયા રહે. ગઢીયાનગર સંતકબીર રોડના કુલ  રૂ.૨,૮૦,૨૨,૯૦૦નું રોકાણ આ મંડળીમાં થયું હતું.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે મારા સિવાય ઉપરોકત રોકાણકારો/થાપણદારોના રૂપીયા પરત આપેલ નથી. આમ આ મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર એક બીજાથી મેળાપીપણુ કરી ગુન્હાહીત કાવત્રુ રચી અમો ફરીયાદીના રૂ. ૩૧,૬૭,૦૦૦ તથા અન્ય રોકાણકારો/થાપણદારોની રૂ.૨,૮૦,૨૨,૯૦૦/- મળી કુલ રૂ. રૂ. ૩,૧૧,૮૯,૯૦૦ ઓળવી ગયા છે. આ ઉપરાંત અમારા સિવાય  ૪૨૦૦ જેટલા થાપણદારોની આશરે રૂ. ૬૦ કરોડ જેટલી મોટી રકમ  છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ઓળવી ગયેલ છે.  આથી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય હંસરાજભાઇ દુધાગરા રહે. રાજકોટ તથા મંડળીના વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી રહે. રાજકોટ તથા મંડળીના મેનેજર  વિપુલ રતિભાઇ વસોયા રહે. રાજકોટ તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે.

પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ, નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે તપાસ શરૂ કરી છે. મંડળીમાં લોકોએ ૧ લાખથી માંડી ૩૩ લાખ સુધીના રોકાણ કર્યા હતાં. હાલ છેતરાયેલા પૈકીના ૩૮ લોકોના નામ જાહેર થયા છે. તપાસ આગળ વધતી જશે તેમ આંકડો વધતો જશે.

(11:23 am IST)