વિવિધ વિભાગ
News of Monday, 25th October 2021

કોરોનાથી કંટાળેલા સહેલાણીઓએ દિવાળીમાં ફરવા માટે દોટ મૂકી

ફોરેન ડેસ્ટીનેશનમાં દૂબઇના ધડાધડ બુકીંગ થયાઃ માલદિવ્ઝ, શ્રીલંકા અને રશીયા માટે પણ આકર્ષણઃ રાજકોટથી દૂબઇ જવા માટે ચાર વખત RTPCR ટેસ્ટ કરાવવો પડે છે! : પસંદગીના સ્થળોએ જવા માટે બસ-ટ્રેન-ફલાઇટના બુકીંગ ફુલઃ હોટલો પણ પેક થવા લાગી : ટ્રાવેલ માર્કેટમાં વિવિધ રેઇટસના પેકેજીસ ઉપલબ્ધ : ટીકીટના ભાવો આસમાને : દાર્જીલિંગ, ગંગટોક, લાચુંગ, પેલીંગ, યુમ્થાન, કાશ્મીર, કુર્ગ-કબિની, આંદામાન-નિકોબાર, ઉ

રાજકોટ તા. રપ :.. છેલ્લાં પોણા બે વર્ષથી ભારત સહિત સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું હતું. જેના કારણે પ્રવાસન ઉદ્યોગને માઠી અસર પહોંચી હતી. દર વર્ષે કે સમયાંતરે ફરવા નિકળી પડતા સહેલાણીઓ કોરોના દરમ્યાન ફરવા જવા માટે રીતસર તરસી ગયા હતાં. જલ્દીથી કોરોના-કાળ પુરો થાય અને ગ્રુપ-સર્કલ-ફેમીલી સાથે બેગ બીસ્તરા લઇને ફરવા ઉપડી જઇએ તેવું મોટાભાગના લોકો ઇચ્છતા હતાં. ગુજરાત તથા ભારતમાં આવેલી કોરોના (કોવીડ-૧૯) ની બીજી લહેર ખૂબ ભયંકર હતી. પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી ધીમેધીમે કોરોના ઓછો થવા લાગતા અને સરકારના નિતી-નિયમોમાં પણ યોગ્ય છૂટછાટ મળતા કોરોનાથી કંટાળેલા સહેલાણીઓએ આ દિવાળીની રજાઓમાં ફરવા માટે રીતસર દોટ મૂકી હોવાનું દેખાઇ રહ્યું છે.

પસંદગીના સ્થળોએ ફરવા જવા માટે બસ - ટ્રેન- ફલાઇટના બુકીંગ ફુલ થઇ ગયા છે અને લાંબા વેઇટીંગ લીસ્ટસ ઓપરેટ થઇ રહ્યા છે. વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપરની આકર્ષણરૂપ હોટેલો પણ પેક થવા લાગી છે. પેટ્રોલ-ડીઝલ -સીએનજી-એલપીજીના ભાવમાં વધારો થતાં પેકેજીસ અને ટ્રાન્સપોર્ટશન પણ મોંઘુ થયું છે. છતાં પણ મોંઘવારીને અવગણીને સહેલાણીઓ દિવાળીની રજાઓમાં મજા માણવા માટે અધીરા બન્યા હોવાનું જાણવા મળે છે.

દિવાળી દરમ્યાન લોકો દાર્જીલીંગ, ગંગટોક, લાચુંગ, પેલીંગ, યુમ્થાન, કાશ્મીર, કુર્ગ-કબિની, આંદામાન-નિકોબાર-પોર્ટબ્લેર, ઉદયપુર, કુંબલગઢ, જેસલમેર, જોધપુર, સેન્ડયુન્સ, શ્રીનાથજી, સોમનાથ, ખોડલધામ, સત્તાધાર, પરબ, સાસણગીર, દ્વારકા, ગીરનાર રોપ-વે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોલો ફોરેસ્ટ, દિવ, માઉન્ટ આબુ, ઇમેજીકા, મહાબળેશ્વર,લોનાવાલા-ખંડાલા, ગોવા, સીમલા, કુલુ-મનાલી, હરીદ્વાર, મથુરા, દિલ્હી, આગ્રા, કચ્છ, પંચમઢી વિગેરે ડેસ્ટીનેશન્સ ઉપર સહેલગાહે નિકળવા તૈયારી કરી રહ્યાનું રાજકોટના ટ્રાવેલ એજન્ટસ દિલીપભાઇ મસરાણી (ફેવરીટ ટુર્સ -મો. ૯૮૭૯પ ૪૦૬૩૩), દિપકભાઇ કારીયા (બેસ્ટ ટુર્સ-૯રર૭પ પ૯પ૦૦), જીતુભાઇ વ્યાસ (વ્યાસ ટુર્સ-૯૮ર૪૩ ૩૦પપપ), રૂદ્ર મહેતા (આરોહી ટુર્સ-૮૪૮૭૦ ૦૦૦૭૦), સમીરભાઇ કારીયા (સનરાઇઝ ટુર્સ -૯૮રપ૩ ૭૭૭૦૪), રમેશભાઇ પ્રજાપતિ (કૈલાષ યાત્રા સંઘ- ૯૪ર૮૧ પ૬૬૩૪) વિગેરે જણાવી રહ્યા છે. લોકોના બજેટ મુજબ અને અનુકુળતા મુજબ વિવિધ પેકેજીસ પણ બજારમાં અવેલેબલ છે. અમુક કિસ્સામાં તો ડીસ્કાઉન્ટ પણ મળતું હોય છે. તો સાથે - સાથે ઓનલાઇન બુકીંગ કરાવીને પણ અનુકુળતા મુજબ ટ્રાવેલ કરી શકાય છે.

ટ્રાવેલ માર્કેટમાંથી મળતી માહિતી મુજબ આ દિવાળી ઉપર બુક થયેલા વિવિધ પેકેજીસ ઉપર એક નજર કરીએ તો...

* કાશ્મીર જવા માટેનું બુકીંગ ઘણું થયું છે. પરંતુ તાજેતરમાં થયેલી આતંકવાદી પ્રવૃતિઓને કારણે રપ ટકા જેટલું કેન્સેલેશન થયું હોવાનું જાણવા મળે છે. છતાં પણ ટીકીટ તો અવેલેબલ ન હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. અમદાવાદ-શ્રીનગર-અમદાવાદની ફલાઇટ ટીકીટ ૩ર હજારથી ૩પ હજાર સુધીમાં મળતી હોવાનું જાણવા મળે છે. કાશ્મીરના ૬ રાત્રી ૭ દિવસના થ્રી સ્ટાર હોટેલ સાથેના પેકેજ રર હજારથી શરૂ થતા હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

* નોર્થ ઇસ્ટમાં દાર્જીલીંગ, ગંગટોક, લાચુંગ, પેલીંગ, યુમ્થાનના એકસ બાગડોગરા, જલપાઇગુડીના ૮ રાત્રીના પેકેજ હોટેલની કેટેગરી અને ફેસેલિટીઝ મુજબ પ્રતિ વ્યકિત ૩૦ હજારથી માંડીને એક લાખ દસ હજાર સુધી બોલાઇ રહ્યા છે. અમદાવાદ-બાગડોગરા-અમદાવાદ ફલાઇટ ટીકીટ અંદાજે ૪૦ હજાર આસપાસ છે.

* એવરગ્રીન અને અબોવઓલ ગોવા આ વખતે પણ જામપેક છે. મોટાભાગે પસંદગીની એકેય હોટલ દિવાળી દરમ્યાન ખાલી નથી. જો કે પ્રયત્ન કરવાથી કયારેક ઇઝીલી બુકીંગ મળી જતુ હોવાનું પણ જોવા મળે છે. પ્રતિ વ્યકિત એકસ ગોવાના પેકેજ દિવસો પ્રમાણે ૧૦ હજારથી ૩૭ હજાર રૂપિયા સુધી સેલ થઇ ગયા છે. અમદાવાદ -ગોવા-અમદાવાદનું એરફેર હાલમાં રપ થી ૩૦ હજાર જેટલું હોવાનું જાણવા મળે છે જે દિવાળી-તહેવારો સિવાયના સામાન્ય દિવસો કરતાં લગભગ ત્રણ ગણા જેટલું થાય છે. ગોવા સંદર્ભે લીકરના શોખીનોમાં તો 'દારૂ પીના પડેગા મહેંગા' જેવું રમુજી સૂત્ર ફરતું થઇ ગયું છે.

* દર વર્ષની સરખામણીમાં આ વખતે કેરાલા જવા વાળા સહેલાણીઓ ઘણાં ઓછા છે. કારણ કે ત્યાં બીજા રાજયોની સરખામણીમાં કોરોનાના કેસો વધુ છે અને સાથે-સાથે ફલડ (પૂર) આવવાને કારણે પણ લોકો ત્યાં જવાનું પ્રીફર ઓછું કરે છે. જો કે કોરોના સામેની તમામ તકેદારી સાથે ત્યાં જવાનું વિચારી શકાય.

કેરાલાના થ્રી સ્ટાર હોટલના પ રાત્રી ૬ દિવસના પેકેજ પ્રતિ વ્યકિત ૧૭ હજાર આસપાસ મળી રહ્યા છે. ઉપરાંત અમદાવાદ - કોચીન-અમદાવાદ રીટર્ન એર ટીકીટ ૧૦ હજાર આસપાસ સંભળાય રહી છે.

* દક્ષિણ ભારતની વાત કરીએ તો કુર્ગ-કબિની જવા માટે લોકો દ્વારા બુકીંગ થઇ રહ્યું છે. આ માટે ૬ રાત્રી ૭ દિવસના એકસ બેંગ્લોર પેકેજ પ્રતિ વ્યકિત ૩૦ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે. રાજકોટના અમદાવાદ તથા જામનગરથી બેંગ્લોર જવા માટે ફલાઇટ પણ મળતી હોય છે.

આ વખતે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી મૈસૂર-ઊંટી-કોડાઇ કેનાલ જવા માટે ઓછા બુકીંગ થયા છે કારણ કે બેંગ્લોર સહિતના લોકલ  સ્થળોએથી સ્થાનિક લોકોના બુકીંગ વધુ થયા હોવાનું જાણવા મળે છે.

* આ દિવાળી ઉપર આંદામાન-નિકોબારના એકસ પોર્ટબ્લેર ૬ રાત્રી ૭ દિવસના પ્રતિ વ્યકિત ર૪ હજાર રૂપિયા આસપાસના પેકેજ પણ સારા પ્રમાણમાં બુક થયા છે. જેમાં ઇન્ટરનલ ટીકીટ અને આઇલેન્ડ સહિત પોર્ટબ્લેર, હેવલોક અને નીલ ડેસ્ટીનેશનનો સમાવેશ થાય છે. અમદાવાદ-પોર્ટબ્લેર-અમદાવાદ એરફેર ૩પ થી ૪૦ હજાર રૂપિયા જેટલું ચાલી રહ્યું છે.

* પોતાની કાર લઇને જઇ શકાય તેવા ડેસ્ટીનેશન્સ પણ આ દિવાળી ઉપર મોટા પ્રમાણમાં પસંદ થયા છે. જેમાં કુંબલગઢ, ઉદયપુર, જેસલમેર, જોધપુર, સેન્ડયુન્સ સહિતના રાજસ્થાનના સ્થળોનો સમાવેશ થાય છે. આ સ્થળોના પેેકેજ સ્થળ, હોટલ, કેસેલિટીઝ તથા સાઇટ સીન્સ મુજબ, બે થી ત્રણ રાત્રીના કપલ દીઠ ૧૧ હજારથી ૯૦ હજાર સુધી બજારમાં ચપોચપ વેચાઇ રહ્યા છે. ઉદયપુરમાં વિલા પેકેજ પણ ઘણાં ચાલ્યા છે જેના કપલદીઠ ર૦ થી રપ હજાર જેટલા જોવા મળે છે.

* સૌરાષ્ટ્રમાં સાસણગીર, સોમનાથ, દ્વારકા, શીવરાજપુર બીચ, ગીરનાર રોપ-વે, ખોડલધામ, માધવપુર બીચ, વીરપુર સહિતના સ્થળોની ટુરીઝમ સર્કીટ ઉપર સહેલાણીઓનો ખૂબ ઘસારો રહે છે. સાસણ ગીરમાં હજારથી માંડીને ૪પ હજાર રૂપિયા સુધીના ર રાત્રીના કપલ પેેકેજ હોટલ-રીસોર્ટની ફેસીલીટીઝ મુજબ બુક થયા હોવાનું જાણવા મળે છે. દેવળીયા પાર્ક કે પછી ફોરેસ્ટ સફારીના સંગાથે સિંહ દર્શનનો લ્હાવો લઇ શકાય છે.

* દરેક  તહેવારમાં તથા સામાન્ય દિવસોમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ સૌથી વધુ જોવા મળે છે. અહીંના કપલ દીઠ બે રાત્રીના પ્રિમીયમ પેકેજ રર હજાર રૂપિયામાં તથા રોયલ પેકેજ ર૪ હજાર રૂપિયામાં બુક થઇ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અનુભવ લેવો એ ખરેખર એક લ્હાવો છે.

* કચ્છ ટેન્ટ સીટી પણ બુક થઇ રહ્યું  છે પરંતુ અહીં આ વર્ષે હજુ પ્રમાણમાં ઓછા બુકીંગ હોવાની ચર્ચા છે. વિદેશીઓ દ્વારા બુકીંગ કરાયા હોવાનું જાણવા મળે છે.

* અમદાવાદથી પોલોફોરેસ્ટ નજીક પડતું હોવાથી આ દિવાળી ઉપર અહીં ઘણો ટ્રાફીક જોવા મળશે. પોલો-ફોરેસ્ટ ખાતેના બે રાત્રીના કલપદીઠ પેકેજ રર થી રપ હજાર રૂપિયામાં કન્ફર્મ થઇ રહ્યા છે.

* લોનાવાલા-ખંડાલા-મહાબળેશ્વર-ઇમેજીકા-શીરડી-નાસિક-ત્રંબક-સાપુતારા નો રૂટ ધરાવતા ડેસ્ટીનેશન્સ ઉપર પણ પ્રવાસીઓ પસંદગી ઉતારી રહ્યા છે.

* આ દિવાળી ઉપર ફોરેન ડેસ્ટીનેશન્સની વાત કરીએ તો દૂબઇ હોટકેક બનયું છે અને નવેમ્બર મહિનાની શરૂઆતથી ડીસેમ્બર સુધીમાં જબ્બરદસ્ત બુકીંગ થયું છે. પાંચ રાત્રી અને એક રાત્રી લાપીતા રીસોર્ટ સહિતના છ રાત્રીના પેકેજ પ્રતિ વ્યકિત ૭૦ હજારથી ૯૦ હજારમાં બુક થઇ રહ્યા છે.

દૂબઇ જવા માટે આ વખતે એ વાત પણ ધ્યાનમાં આવી  છે કે રાજકોટથી દુબઈ જતા અને ત્યાંથી ડીપાર્ટ થઈએ ત્યાં સુધીમાં કુલ ચાર વખત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો થતો હોય  છે. ઉપરાંત ત્યાંના ટ્રાન્સપોર્ટેશનમાં પણ ૭૦ ટકા ઓકયુપેન્સી સાથે ટ્રાવેલ કરવાનું થાય છે. વિઝા સાથે ઈન્સ્યુરન્સ પણ લેવાનો થાય છે. પરિણામે દુબઈના પેકેજ થોડા ઉંચા બોલાઈ રહ્યા છે.

- આ ઉપરાંત માલદિવ્ઝ પણ ચાલ્યું છે, પરંતુ મોટાભાગે ત્યાં અત્યારે દિવાળી દરમ્યાનનું બુકીંગ ફુલ હોવાનું જાણવા મળે છે. અહીંના ચાર રાત્રી પાંચ દિવસના પ્રતિ વ્યકિત પેકેજ ૬૦ હજારથી દોઢ લાખ સુધી બોલાઈ રહ્યા છે.

- શ્રીલંકાના ફોર સ્ટાર હોટલ સાથેના પાંચ રાત્રીના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૫૫ હજાર રૂપિયા આસપાસ બુક થયા હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

- રશીયા જવા માટેના ૫ રાત્રી ૬ દિવસના પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ રૂપિયા આસપાસથી શરૂ થઈ રહ્યા હોવાનું જાણ વા મળે છે.

- કોરોના સહિતના અન્ય કારણોને લીધે આ વર્ષે યુરોપ, અમેરિકા, સિંગાપોર, મેલેશીયા, થાઈલેન્ડ તરફના પેકેજ સાવ નહિવત જેવા ચાલી રહ્યા છે.

તો ચાલો, તહેવારોની મહારાણી ગણાતી દિવાળી આવી પહોંચી છે ત્યારે કોરોના સંદર્ભેના સરકારના નીતિ-નિયમોનું પાલન કરીને અને તકેદારી રાખીને રજાની મજા માણવા નિકળી પડો. ભારત સહિત દુનિયામાં કયાંય પણ જઈએ, સતત ખંત અને મહેનત કરતા ખમીરવંતા ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ ન મળે તો જ નવાઈ ? અને એટલે જ તો કહેવાય છે કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત'. જય જય ગરવી ગુજરાત. સૌને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષના જયશ્રી કૃષ્ણ.

(કોઈપણ જગ્યાએ પેકેજ બુક કરાવતા પહેલા ટૂર વિશેના તમામ નિયમો અને શરતો જાણી લેવા હિતાવહ છે. ઉપરાંત પેકેજની કિંમત, ફૂડ, એકોમોડેશન ફેસેલિટીઝ, સાઈટસીન્સ વિગેરે વિશે ચોખવટ કરી લેવી જેથી કોઈ કન્ફયુઝન ન રહે. અહીં આપેલી પેકેજની કે ટીકીટની કિંમતોમાં સંજોગોવસાત ફેરફાર આવી શકે છે.)(૨૧.૧૧)

-: આલેખન :-

ડો . પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(2:49 pm IST)