વિવિધ વિભાગ
News of Monday, 23rd March 2020

સરકારી મહેમાન

પાંચ એવા વાયરસ કે જેણે દુનિયાને ફફડાવી હતી, હવે દુનિયાના માથે ‘ક્રાઉન’ લાગી ગયો

26 વર્ષ પહેલાં સુરતમાં મરકી નામના રોગચાળાએ હાહાકાર મચાવી દીધો હતો : કાશ, પોલિટીકલ પાર્ટીનું ભારત બંધ આવું હોય, સત્ય હોય ત્યાં લોકો સાથ આપે : કોઇપણ રોગચાળા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવી ખૂબ જરૂરી છે

વિશ્વમાં અત્યારે ખળભળાટ મચાવતા નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ હજી તો ચાલુ છે, પરંતુ વિશ્વના દેશોમાં વાયરસનો ઇતિહાસ ચોંકાવનારો છે. વિશ્વમાં એવા પાંચ વાયરસ પેદા થયેલા છે કે જેના કારણે કરોડો લોકોના અકાળે મોત થયાં છે. સૌ પ્રથમ સ્પેનિશ ફ્લૂ જે જેને વિશ્વમાં સૌથી વધુ ભયાનક માનવામાં આવે છે. 20મી સદીની એ ઘાતક બિમારી હતી. 1918 થી 1919 દરમ્યાન ફેલાયેલા આ ફ્લૂના કારણે અઢી કરોડ લોકોના મોત થયાં હતા. એનસાઇક્લોપિડીયા બ્રિટાનિકાના જણાવ્યા પ્રમાણે સ્પેનિશ ફ્લૂના કારણે ભારતમાં 1.25 કરોડ લોકો માર્યા ગયા હતા, જ્યારે અમેરિકામાં 5.50 લાખ લોકો મોતને ભેટ્યા હતા. બીજો ઘાતક એશિયન ફ્લૂ હતો. 1959માં ઇસ્ટ એશિયામાંથી શરૂ થયેલા આ વાયરસના કારણે 20 લાખ લોકો મોતને ભેટ્યા હતા. અમેરિકામાં પણ આ વાયરસના કારણે 68000 લોકોના મોત થયાં હતા. ત્રીજો હોંગકોંગ ફ્લૂ 1968માં ફેલાયો હતો. આ વાયરસની શરૂઆત ચીનમાંથી થઇ હતી અને 1970સુધી વાયરસ ચાલ્યો હતો. આ વાયરસના કારણે 10 લાખ લોકો મોતને ભેટ્યા હતા. ચોથા રોગચાળામાં સાર્સ આવે છે જે 21મી સદીનો વાયરસ છે. 2002માં ચીનના ગ્વાંગડોંગમાં સૌ પ્રથમ દેખાયો હતો. એકલા ચીનમાં 800 લોકોના મોત થયાં હતા. જો કે તેને 2003 સુધીમાં કાબૂમાં લેવાયો હતો. સાર્સ એ કોરોના વાયરસનું સ્વરૂપ કહેવાય છે. 2009માં વિશ્વમાં પાંચમો વાયરસ સ્વાઇન ફ્લૂ આવ્યો હતો જેનો ભોગ ખુદ નરેન્દ્ર મોદી બની ચૂક્યાં છે. આ વાયરસ મેક્સિકોના લા ગ્લોરિયામાં જોવા મળ્યો હતો. ભારતમાં સ્વાઇન ફ્લૂના કારણે 2010ના પ્રથમ વર્ષમાં 1700 લોકોના મોત થયાં હતા, 2015નું વર્ષ સ્વાઇન ફ્લૂ માટે સૌથી ખરાબ હતું. એક જ વર્ષમાં દેશમાં 1.37 લાખ કેસ નોંધાયા હતા જે પૈકી 10,600ના મોત થયાં હતા. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કારણે 1800ના મોત થયાં છે.

ખરૂં ભારત બંઘ આ ને કહેવાય, સ્વયંભૂ બંધ...

સરકારના નિર્ણયો સામે અથવા તો અન્યાય સામે ભારત બંધના એલાનો આપણે ખૂબ જોયાં છે. છાસવારે બંધના એલાન આપતાં નેતાઓએ આંખો ખોલવાનો સમય આવ્યો છે. લોકોને બાનમાં લેતાં વિપક્ષો કે શાસક પક્ષના નેતાઓએ બોધપાઠ લેવો જોઇએ કે ભારત બંધ આ ને કહેવાય... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા જનતા કરફ્યુના એલાનને જડબેસલાક સમર્થન મળ્યું છે. આ સમર્થનનું મુખ્ય કારણ લોકોમાં વ્યાપેલો ભય છે. કોરોના વાયરસના સંક્રમણને ખુદ લોકોએ ગંભીરતાથી લીધું છે. રવિવાર સંપૂર્ણ અને સજ્જડ બંધ રહ્યું છે. સત્ય હોય ત્યાં સાથ હોય છે તેવી ગુજરાતી કહેવત છે. આ કહેવત સાચી પડી છે. લોકોની હકીકતમાં ભલાઇ થતી હોય ત્યાં લોકો તો સાથ આપે જ છે પરંતુ રાજકીય ખિચડી પકવવા માટે અપાતા બંધમાં હિંસા સિવાય કંઇ હોતું નથી. જનતા કરફ્યુમાં હિંસાની એકપણ ઘટના સામે આવી નથી. પોલીસ લાઠીચાર્જ થયો નથી. ગોળીબાર થયાં નથી. લોકોએ આરામ અને ખુશીથી રવિવારની રજાનો પુરેપુરો ઉપયોગ પરિવારની સાથે રહીને કર્યો છે.

કોરોના એટલે ક્રાઉન – આપણે નથી જોઇતો મુકુટ...

કોરોના વાયરસ કેટલાક વિષાણું પ્રકારોનો સમૂહ છે જે સ્તનધારીઓ અને પક્ષીઓમાં જોવા મળે છે. આ આરએનએ વાયરસ હોય છે. માનવોમાં તે શ્વાસતંત્રને ડિસ્ટર્બ કરે છે. આ રોગચાળાને અટકાવવા માટે હજી સુધી કોઇ રસી બની શકી નથી. ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલા આ વાયરસનું સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે. ડબલ્યુએચઓએ તેનું નામ કોવિદ-19 રાખ્યું છે. લેટીન ભાષામાં કોરોનાનો અર્થ મુકુટ (ક્રાઉન) થાય છે. આ વાયરસના કણો આજુબાજુમાં ઉભરેલા કાંટા જેવા ઢાંચામાં હોય છે. ઇલેક્ટ્રોન શૂક્ષ્મદર્શીમાં તેનો આકાર મુકુટ જેવો દેખાય છે. આ વાયરસ પણ પશુઓ દ્વારા ફેલાયેલો છે. ચીનના હુઆનન સીફૂડ હોલસેલ માર્કેટમાં લોકો ખરીદી માટે આવતા હોય છે. આ માર્કેટમાં જીવિત અને સ્થળ પર વધ કરેલા જાનવરને વેચવામાં આવે છે. અમેરિકન નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થના એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ વ્યક્તિના થૂંકમાં આ વાયરસ ત્રણ થી ચાર કલાક જીવિત હોય છે અને હવામાં તરી શકે છે. જો આ કણો દરવાજાના હેન્ડલ કે લિફ્ટના બટન પર હોય તો તે 24 કલાક સુધી એક્ટિવ હોય છે. જો સ્ટીલ પર આ કણો ચોંટેલા હોય તો બે થી ત્રણ દિવસ સુધી એક્ટિવ રહે છે. કપડાં જેવી નરમ જગ્યાએ વાયરસ લાંબા સમય સુધી રહેતો નથી. મહત્વની બાબત એવી છે કે સીએઆઇટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભારતીય અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે કાગળથી બનેલી કરન્સી નોટો મહામારી બની ચૂકેલા કોરોના વાયરસના ફેલાવામાં સહાયક બની શકે છે. ભારતીય રીઝર્વ બેન્કે પણ કહ્યું છે કે કરન્સીનો ઉપયોગ બંધ કરીને લોકોએ ઓનલાઇ પેમેન્ટના વિકલ્પો પસંદ કરવા જોઇએ.

આખરે ધારાસભ્યો પણ આપણા ભાઇ છે...

ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને 26મી માર્ચે રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી છે ત્યારે રાજકીય કાવાદાવા બાજુએ મૂકીને બજેટ સત્ર બંધ કરવાની વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાનીએ કરેલી અપીલને ગુજરાત સરકારે ફગાવી દીધી હતી પરંતુ પરિસ્થિતિ ગંભીર વળાંક લેતાં હવે ખુદ સરકાર વિચારણા કરવા મજબૂર બની છે. નાયબ મુખ્યમંત્રીની અપીલથી ભારતનું ચૂંટણી પંચ રાજ્યસભાની ચૂંટણી મુલતવી રાખશે અને રાજ્ય સરકાર વિધાનસભાના બજેટ સત્રને બંધ કરશે. આખરે ધારાસભ્યો પણ આપણા ભાઇઓ છે. સરકાર સામાન્ય લોકોની સલામતીની ચિંતા કરતી હોય તો તેમના પોતાના સાથીમિત્રોની ચિંતા કરે તે જરૂરી હતું. ધારાસભ્યોની સાથે સાથે ફિલ્ડમાં કામ કરતાં સરકારી ઓફિસરો અને કર્મચારીઓની પણ તકેદારી રાખવી એ સરકારની ફરજ છે. છેલ્લા ત્રણ દિવસથી જાહેરમાં નહીં પણ ખાનગીમાં ભાજપના કેટલાક ધારાસભ્યો ચર્ચા કરતા હતા કે આપણી સરકારે રાજનીતિને બાજુએ રાખીને વિધાનભાનું સત્ર ટૂંકાવવું જોઇએ. રાજ્યની જનતાને ઘરમાં રહેવાની સલાહ આપતાં અમારા નેતાઓ પણ તેમના ઘરમાં રહે તે જરૂરી છે. કપરો અને કસોટી કાળ પૂર્ણ થયા પછી જે પાર્ટીને રાજનીતિ કરવી હોય તે બિન્દાસ કરી શકે છે.

પ્લેગથી પણ વિશ્વમાં કરોડો લોકો મૃત્યુ પામ્યા છે...

ભારત અને ગુજરાતમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારે એક સમયે સુરતમાં ફેલાયેલા મરકી એટલે કે પ્લેગના રોગચાળાએ અડધું સુરત ખાલી કરાવી દીધું હતું. આ રોગચાળો પણ ચીનથી ફેલાયેલો છે. પ્લેગ યેર્સિનિયા પેસ્ટીસ નામના જીવાણું વડે થાય છે. આ જીવાણું ઉંદર દ્વારા થાય છે અને ત્યારબાદ માનવ થી માનવમાં ફેલાય છે. આજના સમયમાં લગભગ લુપ્તતાને આરે આવેલા મરકીના રોગે સેંકડો વર્ષો સુધી સમગ્ર વિશ્વની માનવજાતને પોતાનુ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. મરકીનો ઉલ્લેખ આશરે ઈસવીસન પૂર્વે 1100 (3100થી વધુ વર્ષ પહેલા)માં લખાયેલા હિબ્રુ બાઇબલમાં જોવા મળે છે. થસાયડાયડસ નામના ગ્રીક ઇતિહાસકારના વર્ણન પ્રમાણે ઇ.સ. પૂર્વે 430માં મરકીનો ચેપ ઈથિયોપિયાથી ઇજિપ્ત, ઇજિપ્તથી લિબીયા અને ત્યાંથી ગ્રીસમાં પહોચ્યોં અને ગ્રીસના એથેન્સ શહેરની ત્રીજા ભાગની વસતી આ રોગમાં સપડાઇને મોતને ભેટી હતી. પ્લેગનો પ્રથમ હુમલો ઈ.સ. 541થી 750માં ઇજિપ્તથી લઈને ભૂમધ્ય પ્રદેશોમાં અને ઉત્તર-પશ્વિમી યુરોપ સુધી ફેલાયો હતો. બીજો હુમલો ઈસ. 1345થી 1840ના સમયગાળામાં મધ્ય-એશિયાથી લઈને ભૂમધ્ય પ્રદેશમાં અને યુરોપમાં ઉપરાંત ચીનમાં પણ ફેલાયો હતો. અને ત્રીજો હુમલો ઈ.સ. 1866થી 1960 દરમ્યાન ચીનમાંથી વિશ્વના ઘણા ભાગોમાં પ્રસર્યો. જેમાં ભારતને પણ આ રોગ ભેટી ગયો હતો. બીજા હુમલામાં મરકીનો રોગ 'બ્લેક ડેથ' નામે જાણીતો થયો અને તે વખતે એ મૂળ ચીનમાંથી પ્રગટ્યો હતો અને આખા એશિયા, આફ્રિકા અને યુરોપને પોતાના સકંજામા લઈ લીધા હતા. ચીને પોતાના લગભગ અડધા ભાગની વસતી ગુમાવી હતી. યુરોપે પણ ત્રીજાભાગની વસતી ગુમાવી હતી. મૃતાંકની દ્રષ્ટિએ મરકી ઈતિહાસનો સૌથી ખતરનાક અને જીવલેણ હવા દ્વારા ફેલાતો ચેપીરોગ સાબિત થયો હતો. મરકીનો ત્રીજો હુમલો પણ ચીનમાંથી જ થયો હતો. ચીનનું યુનાન રાજ્ય એપિસેન્ટર બન્યું હતું. 1896માં પ્લેગ મુંબઇમાં પણ ત્રાટક્યો હતો. મરકી જૈવિક હથિયાર તરીકે ખાસ્સો લાંબો ઈતિહાસ ધરાવે છે. ઐતિહાસીક વિગતો મુજબ પ્રાચીન યુગના ચીનમાં અને મધ્ય યુગના યુરોપમાં મરકીનો યુદ્ધ સમયે હથિયાર તરીકે ઉપયોગ થતો હતો. હુણ, મોંગોલ, તુર્ક, અને બીજી કેટલીક પ્રજાતિ દુશ્મન રાજ્યના પાણીના સ્ત્રોતમાં મરકીના ચેપવાળા મૃત માનવ-શરીર કે પ્રાણી-શરીર નાખી અને પાણીને ચેપ-યુક્ત કરતી હતી. સુરતમાં 1994માં પ્લેગ ફેલાયો હતો. આ રોગચાળાએ સુરતમાં 52 લોકોના જીવ લીધા હતા પરંતુ લાખો લોકો સુરતમાંથી સ્થળાંતર કરીને ભાગી ગયા હતા.

રોગ સાથે લડે તે શરીરને વાયરસ નડતો નથી...

શરીરની રોગપ્રતિકાર કરવાની શક્તિ વધારે પાવરફુલ હશે તો કોઇપણ વાયરસ એવો નહીં હોય કે, તે શરીરમાં ઘૂસી શકે. તંદુરસ્તી એ આરોગ્યનો પાયો છે. વૈજ્ઞાનિકો કહે છે કે કુદરતના તમામ પદાર્થોનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરી શકાય છે પરંતુ 50 નેનોમીટરનું કદ ધરાવતો વાયરસ એક એવો પદાર્થ છે કે જે અપવાદરૂપ છે. વૈજ્ઞાનિકો તેને જિન્દા-મુર્દાની કેટેગરીમાં મૂકે છે. વાયરસના પ્રતિકાર કરવા માટેનું તંત્ર (ઇમ્યુન સિસ્ટમ) શરીરની અંદર જ મોજૂદ હોય છે. આપણા શરીરમાં પણ યુદ્ધ જેવો માહોલ ઉભો થતો હોય છે. હુમલાનો પ્રતિકાર કરવા માટે શરીર તૈયાર હોય છે. કોરોનાના રોગનો ભોગ બનેલા મોટાભાગના હતભાગીઓ મોટી વયના સ્યુગર, હ્રદય સબંધિત અને હાઇબીપી ધરાવતા જોવા મળ્યા છે. રોગ પ્રતિકારક તંત્ર બળવત્તર હોય ત્યારે ચમત્કાર સર્જાય છે. થોડાં દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જોવા મળ્યો હતો. વુહાનની 47 વર્ષિય મહિલા કોરોના સાથે આવી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાના ફેફસામાં સોજો ચઢ્યો હતો પરંતુ શરીરની અંદર ખેલાતા પ્રતિદ્રવ્યો વિરૂદ્ધ વિષાણુંના એક સપ્તાહ સુધી ચાલેલા સાઇલન્ટ યુદ્ધમાં આખરે મહિલાનો વિજય થયો. તેણીને બીજા સપ્તાહમાં રજા આપી દેવામાં આવી હતી. કોઇપણ જાતની દવા વિના રોગ પ્રતિકારક શક્તિને કારણે પણ દર્દી આપોઆપ સાજા થઇ જતા હોય છે. કોરોનાની રસી શોધાય નહીં ત્યાં સુધી આ સિસ્ટમ પર આપણે મદાર રાખવો પડે છે. આયુર્વેદમાં પણ કહ્યું છે કે—વ્યાધિક્ષમત્વ – એટલે કે ઇમ્યુનિટી. અશ્વગંધા અને મહાશુદર્શન જેવા ઓસડિયા આપણી પાસે છે. ભારતીય આયુર્વેદ રોગ થાય તે પહેલાં જ તેને અટકાવવાનો માર્ગ દર્શાવે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:02 am IST)