વિવિધ વિભાગ
News of Monday, 24th February 2020

સરકારી મહેમાન

ચૂંટણીનો ખર્ચ 5000 થયો ત્યારે કહ્યું, બસ હવે મારે ચૂંટણી લડવી નથી, હું સમાજ સેવા કરીશ

પ્રામાણિકતા, સાદગી અને કાર્યદક્ષતાનો સમન્વય એ બહાદુરભાઇના ઘરેણાં હતા: ધારાસભ્યએ કહ્યું તે એક નાળું તૂટ્યું છે ત્યારે તેમણે કહ્યું એક નહીં ત્રણ તૂટ્યાં છે : 70 વર્ષની ઉંમરે પણ સાયકલ ચલાવી સમાજસેવાના કામો કરવાની આદત હતી

ગાંધીનગર- ડિજીટલ યુગમાં ગુજરાતના રાજકારણની દિશા અને દશા બદલાઇ ચૂકી છે. અંગત સ્વાર્થ સર્વોપરી છે. ભ્રષ્ટાચાર, જમીનના સોદા, ઉદ્યોગોને લાભ કરાવી આપવાની પ્રવૃત્તિ, કુદરતી સંપદા સાથે છેડછાડ અને શાસક પક્ષ સામે આક્ષેપો તેમજ વિપક્ષ પર પ્રતિઆક્ષેપો એ આજના રાજકીય નેતાની મૂડી બની રહી છે. અંગત સ્વાર્થ સાથે હિત ધરાવતા તત્વોને કાયદા-કાનૂન તોડીને આર્થિક ફાયદો કરાવી આપતાં રાજ્યના કેટલાક રાજનેતાઓ બહોળા નાગરિક સમુદાયને ભારે નુકશાન કરી રહ્યાં છે, તેવામાં ગુજરાતને એવા પ્રામાણિક રાજનેતાઓ મળ્યા છે કે જેમણે લોકસેવાનો અસલી ભેખ ધારણ કરેલો હતો. દ્વિભાષી મુંબઇ રાજ્યની તેમજ ગુજરાતની સ્થાપના પછીની પાંચ સરકારોમાં રાજ્યની જનતાને એવા પ્રધાન મળ્યાં હતા કે જેઓ સત્તાને સાધન નહીં સાધના માનતા હતા. વર્ષો પહેલાં એક એવા પ્રધાન ગુજરાતને મળ્યા હતા કે જેમને સાયકલ પર સમાજસેવાના કામો કરવાની આદત હતી. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 26મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે ત્યારે આવી જ એક વિધાનસભામાં કાર્યદક્ષ પ્રધાન ગુજરાતમાં તેમનો વિભાગ સાદાઇથી નિભાવતા હતા. પ્રામાણિકતા, સાદગી અને કાર્યદક્ષતાનો સમન્વય એટલે સ્વ.બહાદુરભાઇ પટેલ. એક એવું નામ કે જેણે કદી અંગત સ્વાર્થ જોયો નથી.

નવી પેઢીને પૂર્વજ સભ્યોનું જ્ઞાન આપવું જોઇએ...

ગુજરાતના રાજકારણની નવી પેઢીને બહાદુરભાઇ પટેલના ભવ્ય ભૂતકાળનો પરિચય નહીં હોય, કારણ કે તેઓએ સેવાની જે ભાવના વિકસાવી છે તેવી ભાવના હાલના રાજનેતાઓમાં જોવા મળતી નથી. આવા સંજોગોમાં ગુજરાત વિધાનસભામાં શાસક અને વિપક્ષના સભ્યોને આપણાં પૂર્વ ધારાસભ્યોના જીવનચરિત્ર્યના પાઠ ભણાવવાની વ્યવસ્થા કરવી આવશ્યક બની છે. ગુજરાતમાં એક તાલીમ પામેલો ધારાસભ્ય લોકો માટે શું કરી શકે છે તેની સમજ કેળવવાની જરૂર છે. સ્કૂલ કે કોલેજમાં વિદ્યાર્થીઓ ઇતિહાસના પાઠ ભણે છે તેમ વિધાનસભાના ધારાસભ્યોને પણ ગુજરાતની ગૌરવવંતી વિધાનસભાના ઇતિહાસના પાઠ શિખવવા જોઇએ. તાલીમ કે સેમિનારમાં વક્તત્વ રાખીને આપણાં ભૂતપૂર્વ શાસકોએ વિધાનસભા તેમજ તેમના જાહેર જીવનમાં કેવું આચરણ કર્યું હતું તેનું જ્ઞાન વહેંચાય તે પણ જરૂરી છે. આવું જ એક જ્ઞાન બહાદુરભાઇના જીવન ઉપરથી મળી શકે છે.

સૌમ્ય એવા બહાદુરભાઇ પટેલ કોણ હતા...

ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા વાંસદાના વાલઝરના વતની અને 1952 થી 1957ના વર્ષો દરમ્યાન સુરત-2 લોકસભા બેઠક પરથી સંસદસભ્ય તરીકે તેમજ 1957 થી 1971 સુધી વિધાનસભામાં ચૂંટાઇને વિવિધ વિભાગોના પ્રધાન રહી ચૂકેલા બહાદુરભાઇ પટેલ ખરા અર્થમાં સમાજ સેવાના કામો કરતાં હતા. 12 વર્ષની શિક્ષકની નોકરી છોડીને તેઓ સમાજસેવાના કામોમાં લાગી ચૂક્યાં હતા. શાળાનો પગાર બંધ થતાં આજીવિકા ચલાવવાની મુશ્કેલી પડતાં તેઓ થોડાં વ્યથિત બન્યાં હતા પરંતુ એ સમયે પ્રજાના પ્રતિનિધિ એવાં બહાદુરભાઇના ચરણોમાં વાંસદાના આગેવાનો અને ખેડૂતોએ પોતાના રોકડ સર્ટિફિકેટ મૂકી દીધા હતા. આ સમયે તેમણે ભગ્ન હ્રદયે આગેવાનોને કહ્યું હતું કે હું આ આર્થિક મદદમાંથી રોટલા ખાઇશ નહીં, એના વ્યાજમાંથી સમાજ ઉપયોગી કાર્યો કરીશ.” તેમણે જીવન પર્યંત આ આર્થિક મદદમાંથી જનસેવાના કામો કર્યા છે.

તે સમયે જેવું કાર્ય તેવો વિભાગ મળતો હતો...

બહાદુરભાઇ જ્યારે દ્વિભાષી મુંબઇ રાજ્યના 44 જિલ્લાનો વિસ્તાર ધરાવતા પ્રદેશના નાયબ પ્રધાન હતા ત્યારે તેમને ડાંગના આદિવાસીઓની કામગીરી સોંપવામાં આવી હતી. જેવું કાર્ય તેવો વિભાગ – એવી સિસ્ટમથી સરકાર ચાલતી હતી. પહેલાંની સરકારોમાં ડોક્ટર હોય તેમને આરોગ્ય વિભાગ, ઇજનેર હોય તેમને માર્ગમકાન વિભાગ, શિક્ષણવિદ્દ હોય તેમને શિક્ષણ વિભાગ, ઇકોનોમિસ્ટ હોય તેમને નાણા વિભાગ આપવામાં આવતા હતા તેથી તેઓ તેમના વિભાગને સરખો ન્યાય આપી શકતા હતા. એ સમયમાં બહાદુરભાઇને આદિવાસીઓના ઉત્કર્ષ માટે મળતી ગ્રાન્ટ પુરેપુરી વાપરી નાંખતા હતા. 1960માં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં તેમને ખેતીવાડી અને વનખાતુ આપવામાં આવ્યું હતું. 1962 થી 1967 સુધી તેઓ બાંધકામ, સિંચાઇ અને બંદર વિભાગ સંભાળતા હતા. વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયમાં વ્યારાના એક ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો કે – સુરત-ધૂળીયા માર્ગ પર એક નાળું તૂટી ગયું છે ત્યારે સરકાર શું પગલાં ભરવા માગે છે, ત્યારે બહાદુરભાઇએ જવાબ આપ્યો હતો કે – માનનીય અધ્યક્ષશ્રી, આ સભ્ય ક્યા નાળાંની વાત કરે છે તે મને સમજાતું નથી, કારણ કે આ માર્ગ પર કુલ ત્રણ નાળાં તૂટેલાં છે. સાચી હકીકત નહીં છૂપાવવાનો આ એક અદ્દભૂત પ્રસંગ હતો.

ધારાસભ્યના આક્રોશ સામે પણ સૌમ્યતા...

સમાજસેવાના ભેખધારી અને બે ચોપડી ભણેલા પાલનપુરના ધારાસભ્ય ગલબાભાઇ પટેલનો એક પ્રસંગ યાદગાર બન્યો હતો. ખેડૂત હોવાથી તેઓ વિધાનસભામાં હંમેશા ખેડૂતોના પ્રશ્નો રજૂ કરતા હતા. 1957માં તેઓ પાલનપુરથી ચૂંટાઇ આવ્યા હતા. મુંબઇ રાજ્યના સમાજકલ્યાણ વિભાગના નાયબ પ્રધાન બહાદુરભાઇ પટેલ જ્યારે બનાસકાંઠા આવ્યા હતા ત્યારે કોંગ્રેસની એક બેઠકમાં જિલ્લાના પ્રશ્નો ચર્ચાયા હતા. ગલબાભાઇએ ખેડૂતોને સબસીડીના મુદ્દે સરકારની આકરી ટીકાઓ કરી હતી. તેમણે કહ્યું કે ખેડૂતો દેવાં કરીને ખોદેલા કુવા નાશ પામે છે ત્યારે સરકાર કહે છે પૈસા નથી. ખેડૂતોની જમીન છીનવાઇ જાય છે પણ તેમને વળતર મળતું નથી. સરકારી તંત્ર સડી ગયું છે.” આ રજૂઆત પછી બહાદુરભાઇ ટૂંકું પ્રવચન કરવા ઉભા થયા ત્યારે તેમણે આ આક્રોશ સામે એટલું જ કહ્યું કે – લોકોની તકલીફો માટેની તમારી સજાગતાએ મારૂં ધ્યાન દોર્યું છે. હું કહું છું કે તમારા પ્રશ્નો આપણે સાથે બેસીને ઉકેલીશું.” બહાદુરભાઇએ અધિકારીઓ સાથે ચર્ચા કરીને છેવટે પ્રશ્નનો નિવેડો લાવી દેતાં ગલબાબાઇએ ખુશી વ્યક્ત કરી હતી.

70 વર્ષે પણ સાયકલ પર સેવા કરતા હતા...

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે પ્રધાનપદે રહી ચૂકેલા વ્યક્તિ પાસે પોતાની ગાડી હોય છે પરંતુ પદ છોડ્યાં પછી બહાદુરભાઇ સાયકલ પર ફરતા હતા. 70 વર્ષની ઉંમરે તેઓ 15 કિલોમીટર દૂર કાર્યક્રમમાં હાજરી આપવા તેમની સાયકલ પર જતા હતા. કર્તવ્ય કરવું ફળની આશા રાખવી નહીં તેવું ભગવત ગીતામાં કહ્યું છે. એ તેમનો જીવન મંત્ર હતો. તેમની પાસે આરસીસીનું મકાન પણ ન હતું. તેમની ચેમ્બરમાં ગયેલો કોઇપણ નાગરિક કે અરજદાર ઉકેલ વિના પરત ફરતો ન હતો. અધિકારીઓ સાથે પણ બહાદુરભાઇનો વહીવટ અને વર્તાવ સૌજન્યપૂર્ણ રહેતો હતો. તેમણે તેમના સમયમાં કોઇ બચત કરી ન હતી. એક સમયે ચૂંટણી ખર્ચ પાંચ હજાર રૂપિયાથી વધારે થયો ત્યારે તેમણે કહ્યું કે – બસ, હવે મારે ચૂંટણી લડવી નથી. હું સમાજ સેવા કરીશ. મારે લોકોના કામ કરવા છે તેમાં ધારાસભ્ય હોવું જરૂરી નથી.

લકવાગ્રસ્ત હાથ જોઇ આંખમાં પાણી આવ્યા...

વાંસદાના એક એક રૂમ-રસોડાના મકાનમાં બહાદુરભાઇ રહેતા હતા. તેમના મકાનમાં ટેલીફોન કે વાહન ન હતું. રાજનેતાએ હંમેશા પ્રજાનું કામ કરવું જોઇએ તેવું તેઓ સતત કહેતા હતા. ઠાઠ-માઠ, બંગલા, ગાડી, નોકર-ચાકર મળતા હતા છતાં તેઓ તેનાથી દૂર રહ્યાં હતા એ તેમનું ઉમદા ચારિત્ર્ય દર્શાવે છે. જીવનના અંતિમ દિવસોમાં તેમને લકવાની બિમારી લાગુ પડી હતી. તેઓ લાચારવશ સ્થિતિમાં સંવેદનશીલ બની જતા હતા. એક સમયે લકવાગ્રસ્ત હાથ જોઇને એમની આંખો પાણીથી છલકાઇ ઉઠી હતી. 28મી ફેબ્રુઆરી 1993ના રોજ તેમના બુઝાયેલા દિપકની ધ્રુમ્રસેરો અત્યારે વાતાવરણને પાવક બનાવી રહી છે. અત્યારના ધારાસભ્યો વિધાનસભામાં તેમના પૂર્વજ દિવંગત ધારાસભ્યોને જ્યારે યાદ કરે છે ત્યારે તેમનો ભવ્ય ભૂતકાળ વાગોળે છે પરંતુ તેનું આચરણ તેઓ કરતા નથી.

પહેલા મંત્રીમંડળના 14 સભ્યોમાં સ્થાન...

ગુજરાતનું પહેલું પ્રધાનમંડળ 14 સભ્યોનું હતું. 1લી મે 1960માં તેની રચના થઇ હતી. આ પ્રધાનમંડળમાં મુખ્યપ્રધાન ડો. જીવરાજ મહેતા હતા. ચાર મંત્રીઓમાં રસિકલાલ પરીખ, રતુભાઇ અદાણી, માણેકલાલ શાહ અને હિતેન્દ્ર દેસાઇ હતા. નાયબ પ્રધાનોમાં પ્રેમજી ઠક્કર, જસવંતલાલ શાહ, છોટુભાઇ પટેલ, બહાદુરભાઇ પટેલ, માલદેવજી ઓડેદરા, અકબરઅલી જસદણવાળા, ઉર્મિલાબેન ભટ્ટ અને કમળાબેન પટેલ સામેલ હતા. એકમાત્ર શાંતિલાલ શાહ સંસદીય સચિવ હતા. આ કેબિનેટમાં રાજ્યના 12 જિલ્લાઓને પ્રતિનિત્વ આપવામાં આવ્યું હતું જેમાં સુરત અને જૂનાગઢમાંથી બે-બે સભ્યો લેવામાં આવ્યા હતા. કેબિનેટમાં નવ સભ્યો 36થી 50 વર્ષના અને પાંચ સભ્યો 50 વર્ષથી ઉપરની વયના હતા. બહાદુરભાઇ આ પહેલાં મુંબઇ સ્ટેટની સરકારમાં પણ પ્રધાનપદે રહી ચૂક્યાં હતા.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

(8:26 am IST)