વિવિધ વિભાગ
News of Monday, 9th March 2020

સરકારી મહેમાન

તેં ખેંચ્યા એ દુપટ્ટાઓ બહું રંગીન લાગે છે: પડ્યા ગાલે તમાચાઓ બહું રંગીન લાગે છે

કોરોના વાયરસને દૂર રાખવા માટે વૈદિક હોળીની પ્રદક્ષિણા કરવી હિતાવહ છે : આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનું પર્વ અને દુશ્મની મિટાવવાનો મોકો: હોલીકા અને પ્રહલાદની કથા, રાધા અને કૃષ્ણનો પ્રેમ તેમજ શિવજીનું કામદહન

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો વાજતે ગાજતે એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.

કવિ રઇશ મણિયાર લખે છે--

ધુળેટીના તમાશાઓ બહું રંગીન લાગે છે,

આ પરણ્યાઓ, કુંવારાઓ બહું રંગીન લાગે છે.

તેં ખેંચ્યા એ દુપટ્ટાઓ બહું રંગીન લાગે છે,

પડ્યા ગાલે તમાચાઓ બહું રંગીન લાગે છે...

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી લોકો અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે. આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે. હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તેણે સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું હતું.

મીરાંબાઇએ લખ્યું છે કે—

ફાગુન કે દિન ચાર હોલી ખેલ મના રે...

સીલ સંતોખકી કેસર ઘોલી પ્રેમ પ્રીત પિચકાર રે,

ઉડત ગુલાલ લાલ ભયો અંબર, બરસત રંગ અપાર રે...

દરમિયાન, હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની છે.

આચાર્ય સંજીવ સલિલ કહે છે—

કરો આતંકિયોં પર વાર, અબકી બાર હોલી હૈ,

ન ઉનકો મિલ સકે ઘર-દ્વાર અબકી બાર હોલી હૈ...

ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.

અબકી હોલી મેં હો જાયે, કુછ એસા અદ્દભૂત ચમત્કાર,

હો જાયે ભ્રષ્ટાચાર સ્વાહા, મહગાઇ, ઝઘડે, લૂંટમાર...

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં આ પ્રથા પ્રચલિત છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.

ધીરેન્દ્ર સિંહ કાફીર લખે છે—

પલઝડ મેં પત્તે સાખેં છોડ દેતે હૈ,

સદાબહાર જબ આતા હૈ,

તો બહાર જવાં હોતી હૈ...

હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીના ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). હોળીના ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે જેમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે. વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે. જે મહદાંશે વ્રજ ભાષામાં હોય છે.

ન જીત કા હૈ ન હાર કા, ત્યોહાર હૈ બસ પ્યાર કા...

સાધારણ સી રીત નહીં, બસા રાધા-ક્રિશ્ન કા પ્યાર હૈ...

દ્વિદિવસીય પર્વ સમગ્ર દેશમાં પરંપરાગત તથા વિવિધ રૂપે ઊજવાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં હોળી-ધુળેટી, મહારાષ્ટ્રમાં રંગપંચમી, પંજાબમાં હોલામહોલ્લા, હરિયાણામાં દુલંદી, બિહારમાં ફ્ગુઆ, તામિલનાડુમાં કાળમંદીગાઇ, ગોકુલ-મથુરામાં લઠમાર હોલી, કોંકણમાં શિમગો, દક્ષિણ ભારતમાં કામદહન, ગોવામાં શિળગોણ વગેરે નામે-રૂપે આ પર્વ ઊજવાય છે. વિશ્વમાં પણ રંગોત્સવ મનાવવામાં આવે છે પરંતુ સમય અને પ્રકાર અલગ હોય છે.

સંજય વર્મા લખે છે—

બાત નહીં હોતી, રંગો કી કોઇ જાત નહીં હોતી...

પાની ન ગિરે તો નદિયાં ખાસ નહીં હોતી,

સૂરજ બિના ઇન્દ્રધનુષ કી ઔકાત નહીં હોતી,

યે ખેલ હૈ પ્રેમ કી હોલી કા,

ફૂલ ન ખિલે તો ખુશ્બુઓં મેં બાત નહીં હોતી...

વિશ્વમાં આજે જ્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં હોળીનો તહેવાર અતિ મહત્વનો બની શકે છે. વસંત ઋતુનો મુખ્ય ઉત્સવ હોળી છે. પ્રાચીન સમયથી ઋતુ પરિવર્તનના તહેવાર તરીકે તે ઉજવાય છે. નવસત્યેષટિ એટલે શેકેલા અનાજની અગ્નિમાં આહુતિ આપવી તેને હોલાકા કહે છે. હોલાકા એટલે હોળી. આર્યો દેવોને અન્નનો ભોગ ધરાવીને પછી તેનો ઉપયોગ કરતા હતા તેથી અન્નનો ઉત્સવ એટલે હોળીનો તહેવાર એમ કહેવાય છે. ઋતુ સંધિકાળમાં વિવિધ વાયરસનું પ્રમાણ સામાન્ય દિવસો કરતાં વધે છે. આ વખતે શીશિર-વસંત ઋતુ સંધિકાળમાં સ્વાઇન ફ્લુ, બર્ડ ફ્લુ અને ઝીકા જેવા વાયરસ જનપદોદ્વંશ સ્વરૂપમાં ફેલાઇ રહ્યાં છે. આયુર્વેદ અને વેદમાં હોલિકા દહન સમયે વાયરસ નાશના ઉપાયો બતાવવામાં આવેલા છે. શિયાળાની ઠંડી વખતે શરીરમાં વધી ગયેલા કફને હોળીની પ્રદક્ષિણાથી ઓગાળવાનો આ શ્રેષ્ઠ અવસર છે. વૈદિક હોળીમાં 111 પ્રકારની દિવ્ય ઔષધિઓ, 11 પ્રકારના યજ્ઞ સમધિ કાષ્ટ અને નવા ઉગેલા શિયાળુ પાકોથી હોમ કરવાથી ઉત્સર્જીત વાયુઓ અને તેની વ્યક્તિગત અને સામાજીક સ્વાસ્થ્ય પર થતી તાત્કાલિક અસરો બાબતે જર્મની, રશિયા, અમેરિકા, શાંતિકુંજ-હરિદ્વાર જેવા સ્થળોએ વૈજ્ઞાનિક પ્રયોગો થયેલા છે. ભારતમાં તેથી વૈદિક હોળીનું ખૂબ મહત્વ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:41 am IST)