વિવિધ વિભાગ
News of Thursday, 27th May 2021

બિલ્ડર્સને જંત્રી કિંમત કરતા ૨૦% ઓછો દસ્તાવેજ કરવાની છુટ

ડોમેસ્ટીક કંપની ડીવીડન્ડમાંથી TDS નહિ કપાય - ટેક્ષ ઓડિટમાં ૧૦ કરોડ લીમીટ

૨૦૨૧ના બજેટમાં નાણામંત્રીએ સૂચવેલા અમુક ફેરફારો જે તા. ૧-૪-૨૦૨૧થી અમલી બનેલ છે તે સુધારા - વધારા જોઇએ.

(૧) મકાન - ફલેટની જંત્રી કિંમતમાં રાહત :

બાંધકામ પ્રવૃત્તિને વેગ આપવા નાણામંત્રીએ ફકત બિલ્ડરનો ધંધો કરતા મકાન - ફલેટો બનાવી વેચનારાઓને જંત્રીમાં નક્કી કરેલ રકમ કરતા ૨૦% ઓછી રકમનો દસ્તાવેજ કરે તો પણ ખરીદનારને અથવા વેચનાર બિલ્ડરને આવકવેરા કલમ ૫૦સી, ૫૬(ર) તેમજ ૪૩સીએ નીચે નોટીસ આપવામાં આવશે નહીં. અત્યાર સુધી જંત્રી કિંમતથી ૧૦% ઓછા દસ્તાવેજની છુટ હતી તે હવે ટેમ્પરરી ૨૦% સુધી તા. ૧૨-૧૦-૨૦૨૦ થી તા. ૩૦-૬-૨૦૨૧ સુધી છુટ અપાયેલ છે. પરંતુ આવો સ્થાવર મીલ્કતનો દસ્તાવેજ રૂ. ૨ કરોડ નીચેનો હોવો જરૂરી છે.

આ કાયદો ફકત નવા બંગલા, ફલેટ, ટેનામેન્ટ બિલ્ડર્સ દ્વારા બનાવી વેચવાવાળા ધંધાદારી બિલ્ડર્સને જ લાગુ પડે છે. તે સિવાય અન્ય કોઇ સ્થાવર - મિલ્કતના ખરીદી કે વેચાણ કરનાર વ્યકિતઓને લાગુ પડતો નથી. બિલ્ડર્સ લોબીઓએ ૩૦-૬-૨૦૨૧ પહેલા વેચાણ દસ્તાવેજ કરી લાભ લઇ શકે છે.

(ર) ડોમેસ્ટીક કંપનીના ડીવીડન્ડ અંગે :

ડોમેસ્ટીક ભારતીય કંપનીઓ દ્વારા અત્યાર સુધી ડીવીડન્ડ ટેક્ષ ફ્રી હતું. જો કે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ ડીવીડન્ડ ચુકવતા પહેલા કંપની પાસેથી ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્ષ ઉઘરાવી લેતા હિસાબી ૨૦૨૦-૨૦૨૧માં વર્ષમાં ડીવીડન્ડ ચુકવવામાં આવતા ત્યારે ટીડીએસ કાપવામાં આવતો પરંતુ અનેક નાના - રોકાણકારોને ટીડીએસ પરત લેવા ઇન્કમટેક્ષ રીર્ટન ભરી પરત લેવામાં મુશ્કેલી નિવારવા સરકારે ટીડીએસ બંધ કરેલ છે પરંતુ ડીવીડન્ડથી મળતી આવક ગ્રોસ આવકમાં ઉમેરાશે અને કરને પાત્ર પણ બને છે.

(૩) ટેક્ષ ઓડીટને લગતા સુધારાઓ :

આવકવેરા કલમ ૪૪એ બી એટલે કે ફરજીયાત ટેક્ષ ઓડીટનો કાયદો ૧૯૮૫માં સૌ પ્રથમ નાખવામાં આવેલો. જેમાં કોઇપણ વેપારી કે અન્ય કરદાતાનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪૦,૦૦,૦૦૦ (ચાલીસ લાખ)થી વધુ હોય તેમણે ચાર્ટડ - એકાઉન્ટન્ટ પાસે ઓડીટ કરાવી તેનો રીપોર્ટ ઇન્કમટેક્ષ રીર્ટન સાથે અથવા અલાઇદો ફાઇલ કરવાનો રહેતું આ રૂ. ૪૦,૦૦,૦૦૦ ટર્ન ઓવરનો કાયદો પચીસ વર્ષ એટલે કે ૨૦૧૦ સુધી તેમજ રહ્યો ત્યારબાજ તેની લીમીટ ૬૦,૦૦,૦૦૦ (સાઇઠ લાખ) કરવામાં આવી. જે વધારી ૨૦૧૩થી ૧ કરોડ કરી અને ૨૦૧૩થી પાંચ કરોડ ટર્નઓવર સુધી કરવામાં આવેલ હતી.

ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટની અપેક્ષા એવી હતી કે સીએ પાસે ઓડીટ કરેલા એકાઉન્ટસ તથા તેના રીપોર્ટ હોવાથી ઇન્કમટેક્ષ ઓફિસરોને આકરણી કરવામાં સરળતા રહેશે. પરંતુ તે અપેક્ષા ફળીભૂત થઇ નહીં. તેથી ૨૦૨૧થી આ લીમીટ વધારી રૂ. ૧૦ કરોડ સુધીના ટર્નઓવર સુધી કરવામાં આવી તે ઉપરાંત વ્યવસાયી વ્યકિતઓ કે વ્યવસાય કરતી પેઢી વિગેરેને રૂ. ૧૦ લાખ આવક સુધી ફરજીયાત ઓડીટ હતું તે વધારી રૂ. ૫૦ લાખ વ્યવસાયીક આવક સુધી ઓડીટ કરાવવાની જરૂરીયાત નહી રહે. આમ મોટાભાગના કરદાતાઓએ ઓડિટ નહિ કરાવવું પડે.

આમ, આવક વેરા ખાતુ કરદાતાઓ ઉપર જ વિશ્વાસ અને સહકારની લાગણી સાથે કાર્ય કરવાનું શરૂ કરેલ છે. હવે કુલ ફાઇલ થયેલ ઇન્કમટેક્ષ રીર્ટનમાંથી ફકત ૨% રીર્ટનમાં સ્ક્રુટીની ઓન-લાઇન આવે છે. તે પણ મોટાભાગે સરકારી કોમ્પ્યુટરોમાં કરદાતાઓએ દર્શાવેલ આવક તથા કોમ્પ્યુટરો દ્વારા શોધી કાઢેલ આવક - ખર્ચ કે રોકાણોની માહિતીમાં ફેરફાર આવે ત્યારે જ નોટીસો નીકળે છે. કરદાતાના હિસાબોમાં આવક તથા ખર્ચમાં મોટા ફેરફારો આવે અથવા ટર્નઓવર મુજબ ઘણી ઓછી આવક દર્શાવેલ હોય ત્યારે તેની પૂછપરછ થાય છે.

નિતીન કામદાર (CA)

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

info@nitinkamdar.com

(10:32 am IST)