વિવિધ વિભાગ
News of Monday, 4th June 2018

સરકારી મહેમાન

રાજનીતિમાં વંશવાદ સર્વત્ર છે, કોઇ પાર્ટી બાકાત નથી: હા, બેચરલની વાત જુદી છે

ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણી જેવો માહોલ છે તેવું માનવું ભૂલભરેલું છે : ભાઇ હમણાં ભારતમાં કોઇ ચૂંટણી નથી તેથી પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે : ઓફિસરોની અછત નથી પણ ડઝન વિભાગો વધારાના હવાલાથી ચાલી રહ્યાં છે

રાજનિતીમાં પરિવારવાદ એ કોમન બાબત છે. મજબૂત, લોકપ્રિય અને ધનાઢ્ય પરિવારોમાં વંશવાદ ચાલે છે. કોંગ્રેસમાં જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એમ એક પછી એક સભ્યએ કોંગ્રેસની ધુરા સંભાળી છે. ભાજપમાં પણ એવા ધારાસભ્યો અને સંસદસભ્યો છે કેમાં વંશવાદ અપનાવવામાં આવેલો છે. આશ્ચર્યજનક બાબત એવી છે કે દેશની આ બન્ને પાર્ટીઓ ઉપરાંત અન્ય પાર્ટીઓમાં પણ પરિવારવાદ છે. શિવસેનામાં બાલ ઠાકરે પછી ઉદ્ધવ ઠાકરે અને તેમના પછી તેમનો પુત્ર વારસ બનશે. એનસીપીમાં શરદ પવાર પછી તેમની દિકરી, આરજેડીમાં લાલુપ્રસાદ પછી તેજસ્વી, એસપીમાં મુલાયમ પછી અખિલેશ યાદવ, જેડીએસમાં દેવગૌંડા પછી તેમનો પુત્ર, ટીએમસીમાં મમતા પછી તેમની સ્નેહી અને ડીએમકેમાં સ્ટાલીનનો પુત્ર સુપ્રિમો થશે. જો કે પરિવારવાદ જેટલો કોંગ્રેસમાં છે તેટલો અન્ય પાર્ટીમાં નથી. સચિવાલયમાં એક ઓફિસરે કહ્યું હતું કે પાર્ટીમાં વંશવાદ રોકવો હોય તો બેચરલ વ્યક્તિને પાર્ટી પ્રેસિડેન્ટ બનાવવા જોઇએ. કોંગ્રેસમાં હજી વાંઘો નથી કારણ કે રાહુલની પેરેરલ પ્રિયન્કા તૈયાર છે. ભાજપમાં તો ટોચના પદ વંશવાદમાં મળતા નથી. જો તેમ હોત તો ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા પાર્ટી પ્રેસિડેન્ટ બની ચૂકી હોત. ભાજપ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હાવી છે તેથી આવું શક્ય નથી.

શાળા પ્રવેશોત્સવ પહેલાં બદલીઓ નિશ્ચિત...

ગુજરાત સરકારમાં જળસંચય અભિયાન પછી વહીવટી તંત્રમાં ફેરફારો તોળાઇ રહ્યાં છે. ઘણાં લાંબા સમયથી આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીઓ થઇ નથી તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે ‘મિશન ટ્રાન્સફર’ના મોડ પર આવી શકે છે. સચિવાલયમાં સિનિયર અધિકારીઓએ ફેબદલની આશા છોડી દીધી છે, કારણ કે ‘બદલીઓ આવે છે...’ના ભણકારા વચ્ચે મુખ્યમંત્રી જળસંચય અભિયાનમાં પરોવાઇ ગયા હતા. હવે તેઓ મુક્ત થયા છે. રાજ્યના પોલીસ વડાએ તો પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓની બદલીનો નિર્ણય લઇને કામગીરી શરૂ કરી દીધી છે ત્યારે હવે મુખ્યમંત્રી પણ ત્રણ કે તેથી વધુ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ઓફિસરોની ટ્રાન્સફર કરવા માગે છે. ચર્ચાય છે કે બ્યુરોક્રેસીના રિસફલ માટે હાઇકમાન્ડની લીલીઝંડી મળી ચૂકી છે. જૂન મહિનાના મધ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતું હોઇ અને શાળા પ્રવેશોત્સવ અભિયાન પહેલાં સરકાર તેના અને કર્મચારીઓના હિતમાં સચિવાલય તેમજ પોલીસ વિભાગમાં સામૂહિક ફેરબદલ કરે તેમ મનાય છે.

પાંચ વર્ષમાં ઘણું બદલાઇ ચૂક્યું છે...

ગુજરાતમાં ભાજપની સરકારનો રંગ ઉતરતો જાય છે ત્યારે લોકસભાની અડધો-અડધ બેઠકો ગુમાવવાની દહેશત વચ્ચે ગુજરાત પ્રદેશ એકમ અને સરકારને 26 બેઠકોનો ટારગેટ આપવામાં આવ્યો છે. આ મિશનના મુખ્ય સૂત્રધાર વિજય રૂપાણી છે. ગુજરાતમાં તેમનું નેતૃત્વ છે તેથી પાર્ટીને તેમની ઉપર મોટી આશા છે. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને જે નુકશાન થયું છે તેને સરભર કરવાની જવાબદારી પણ તેમના માથે છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસમાં નવું લોહી આવ્યું હોવાથી ભાજપની ધડકન વધી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાની અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ લોકોના પ્રશ્નો રજૂ કરી સરકારને ભિડવવાની પેરવી કરી રહ્યાં છે. કોંગ્રેસને વિધાનસભામાં મળેલી બેઠકો જોતાં તેમના ફાળે લોકસભાની ઓછામાં ઓછી 10 થી 12 બેઠકોમાં સફળતા મળે તેમ છે, જો કે સૌથી મોટું ફેક્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર હોવાના કારણે ગુજરાતની જનતા તેમને વધુ પસંદ કરી શકે છે પરંતુ એ માનવું ભૂલભરેલું છે કે રાજ્યમાં 2014નો માહોલ ચાલી રહ્યો છે. પાંચ વર્ષમાં ઘણું બદલાઇ ચૂક્યું છે.

પેટ્રોલની આગ થી MP-MLA પણ પરેશાન...

પેટ્રોલ અને ડીઝલની આગથી રાજ્યના સંસદસભ્યો અને ધારાસભ્યો પરેશાન છે. મતવિસ્તારમાં તેમને લોકોના પ્રશ્નોના જવાબ આપવા કઠીન પડી રહ્યાં છે. લોકસભાના સભ્યોની હાલત તો વધારે કફોડી બની છે. હાલ કોઇ ચૂંટણી નથી તેથી સરકાર પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટાડવાના મૂડમાં નથી પરંતુ વર્ષના અંતે આવતી વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રને ભાવઘટાડાની ફરજ પડી શકે છે. મોદી સરકારના મંત્રીઓ કહી રહ્યાં છે કે આ પેદાશોને જીએસટી હેઠળ લાવવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલ સસ્તા મળશે. હાલ આ બન્ને ફ્યુઅલ પર 55 ટકાથી વધારે ટેક્સ છે જે જીએસટી હેઠળ આવતાં જ 28 ટકા થઇ જશે. એટલે કે હાલના ભાવમાં 50 ટકાનો ઘટાડો થઇ શકે છે. કેન્દ્રના નાણામંત્રાલયને આ બાબત પોસાય તેવી નથી, કેમ કે સરકારી તિજોરી પર બોજ પડે છે. અરૂણ જેટલીએ કહ્યું હતું કે કેન્દ્ર જો માત્ર એક રૂપિયો એક્સાઇઝ ઘટાડે તો તિજોરીને 13000 કરોડ રૂપિયાનું નુકશાન થાય છે. ગુજરાત સરકાર વર્ષે પેટ્રોલ અને ડીઝલના વેટ પેટે 7000 કરોડ રૂપિયા કમાય છે તેથી રાજ્ય પણ વેટ ઘટાડવા તૈયાર નથી.

મંત્રીઓના પરફોર્મન્સનું ચેકીંગ થતું નથી...

ગુજરાત સરકારના અધિકારીઓના પરફોર્મન્સનું ચેકીંગ થાય છે પરંતુ મંત્રીઓના પરફોર્મન્સનું ચેકીંગ થતું નથી. મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓ કેબિનેટમાં વિભાગની માહિતી એકત્ર કરતા હતા અને વિભાગના મંત્રી, અધિકારી તેમજ વિભાગના અધિકારીઓ મોડે સુધી રોકાઇને પ્રેઝન્ટેશન બનાવતા હતા પરંતુ વિજય રૂપાણીની સરકારમાં મંત્રીઓ મારફતે આવું પ્રેઝન્ટેશન થતું નથી. વિભાગના અધિકારીઓ પાસેથી જવાબ માગવામાં આવે છે પરંતુ મંત્રીઓ પાસેથી કોઇ વસૂલાત થતી નથી. એક ઇન્ટરનલ સર્વે પ્રમાણે રાજ્યના 11 જેટલા મંત્રીઓ તેમના વિભાગની કામગીરીમાં અત્યંત નબળાં છે. સૌથી વધુ એક્ટિવ મંત્રીઓમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદિપસિંહ જાડેજાનો ક્રમ આવે છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ઓફિસમાં બેસીને તેમના વિભાગની કામગીરીમાં 8 કલાકથી વધારે સમય આપે છે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી સફર કરીને સરકાર અને પાર્ટીના મેસેજને જિલ્લા સુધી લઇ જાય છે. કેબિનેટમાં બઘી ચર્ચા થાય છે પરંતુ મંત્રીઓના પરફોર્મન્સની બાબતમાં રૂપાણી હજી એક્ટિવ બન્યા નથી. એડમિનિસ્ટ્રેશનમાં જોઇએ તો રાજ્યના ચીફ સેક્રેટરીના માથે મોટો ભાર છે.

પ્લાસ્ટીક ફ્રી સ્ટેટનું શું થયું? CM સાહેબ…

હજી તો ગયા વર્ષે જ મે મહિનામાં પ્લાસ્ટીક ફ્રી ગુજરાતનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો હતો. રાજ્યને પ્લાસ્ટીક મુક્ત બનાવવાનો આ નારો હતો પરંતુ સરકાર પાસે મેનપાવરની અછતના કારણે તેનો અમલ થઇ શક્યો નથી. વિશ્વ પર્યાવરણ દિન 5મી જુલાઇએ છે. યુએનની થીમ બીટ પ્લાસ્ટીક ફ્યુચર છે. ગુજરાત સરકારે પણ આ સ્પેશ્યલ ડે ઉજવવા માટે પ્લાસ્ટીક ફ્રીનો નારો આપ્યો છે. સચિવાલય, શોપીંગ મોલ્સ, સિનેમાગૃહ, બગીચા, સબ્જી માર્કેટ, અભ્યારણ્યો, જાહેર માર્ગો, નદી-નાળાં અને તળાવો, સમુદ્ર, રાજ્યના યાત્રાધામો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ન થાય તે જોવાની તકેદારી સરકારની જ નહીં પ્રત્યેક વ્યક્તિની છે. આપણા પાડોશી દેશ મહારાષ્ટ્રને પ્લાસ્ટીક ફ્રી બનાવી દેવાયું છે અને પ્લાસ્ટીકના ઉપયોગ બદલ કડક દંડ રાખવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં સબ્જી માર્કેટ સિવાય ક્યાંય દંડ લેવાતો નથી. સરકારે કડકાઇથી આ સૂચનાનું પાલન કરવું જોઇએ. ખાસ કરીને પાનના ગલ્લે સૌથી વધુ પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે તેથી અમલીકરણ આ જગ્યાએથી થવું જોઇએ.

સરકારના વિભાગો-- બહુત નાઇન્સાફી હૈ યે...

રાજ્યના કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ પાસે ત્રણ વધારાના ડિપાર્ટમેન્ટનો હવાલો છે. તેઓ લેબર અને એપ્લોયમેન્ટ, સંસદીય બાબતો અને પાર્લામેન્ટરી અફેર્સ પણ જુએ છે. બીજી તરફ વિપુલ મિત્રા અને એ.કે.રાકેશ પાસે કેપેસિટી કરતાં ઘણાં નબળાં ડિપાર્ટમેન્ટનો હવાલો છે. આવતા મહિને વયનિવૃત્ત થતાં એમ.એસ.ડાંગુર હાલ હોમ અને પોર્ટ ઉપરાંત નર્મદા વિભાગનો હવાલો સંભાળે છે ત્યારે મહોમ્મદ શાહિદ અને સંદીપકુમાર પાસે પોસ્ટીંગ નથી. અરવિંદ અગ્રવાલ કે જેઓ ફોરેસ્ટ અને એનવાયર્નમેન્ટ ઉપરાંત ફાયનાન્સનો વધારાનો હવાલો સંભાળે છે. સંગીતાસિંઘ કે જેઓ સિવિલ સપ્લાયના અધિક મુખ્ય સચિવ છે તેઓ જીએડીનો તેમજ મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી એમ.કે.દાસ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સનો હવાલો સંભાળે છે. એવું નથી કે ગુજરાત સરકાર પાસે ઓફિસરોની અછત છે. દિલ્હી ડેપ્યુટેશન પર ભલે 22 ઓફિસરો હોય ગુજરાતમાં આ વધારાના હવાલા અધિકારીઓ પર ભારણ વધારે છે. અધુરામાં પુરૂં હોય તેમ સરકારના ચાર આઇએએસ મનીષા ચંદ્રા, કે.કે.નિરાલા, સંદીપકુમાર અને શાહમીના હુસેન લાંબી ટ્રેઇનિંગ ટૂર પર જઇ રહ્યાં છે.

પોલીસમાં પ્રમોશન, થોડી રાહ જુઓ...

ગુજરાતના પોલીસ અધિકારીઓના પ્રમોશન ઘણાં સમયથી ડ્યુ છે પરંતુ હવે તેનો અંત આવી રહ્યો છે. ડીપીસીએ ડીઆઇજી, આઇજી અને એડીજીપી રેન્કના ઓફિસરોના પ્રમોશન ક્લિયર કર્યા છે. પ્રમોશન અને ટ્રાન્સફર ઓર્ડર ટૂંક સમયમાં આવી શકે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:08 am IST)