વિવિધ વિભાગ
News of Monday, 18th March 2019

રાષ્ટ્રીય શાયરની કર્મભુમિ રાણપુર પોલીસ સ્ટેશનમાં મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના

રાજકોટ, તા.૧૮: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીની ૭૨મી પુણ્યતિથિ નિમિત્તે એમની કર્મભૂમિ રાણપુર સ્થિત પોલીસ સ્ટેશન ખાતે 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના થઈ. નવી પેઢી આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી સુરક્ષા સેતુ સોસાયટી – બોટાદ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું હતું. પોલીસ સ્ટેશને આવતા અરજદારો, ફરિયાદીઓ, મુલાકાતીઓ તથા પોલીસ-પરિવાર મેઘાણી-સાહિત્યનો આસ્વાદ માણી શકશે. પોલીસ સ્ટેશન પાસે સ્થાપિત પૂર્ણ-કદની મેઘાણી-પ્રતિમાને પણ સહુએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.      બોટાદ જિલ્લાના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, તત્કાલીન રાણપુર પીએસઆઈ એ. પી. સલૈયા તથા પોલીસ-પરિવાર, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી, રાણપુર એપીએમસીના ચેરમેન નરેન્દ્રભાઈ દવે, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણા, પૂર્વ સરપંચ જીવાભાઈ રબારી અને ઉસ્માનભાઈ દેસાઈ, અગ્રણીઓ જગદીશભાઈ વકીલ, હરેશભાઈ ઝાંબુકીયા, રાજુભાઈ શાહ, રામજીભાઈ ભરવાડ સહિત સાહિત્ય-પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.          મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલાં તેવાં સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેદ્યાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો ૬*૩*૧ ફૂટનાં આકર્ષક કાચનાં કબાટમાં વિષયવાર અહિ મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક 'કુરબાનીની કથાઓ'થી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા 'કાળચક્ર' ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો 'યુગવંદના', 'સિંધુડો', 'રવીન્દ્ર-વીણા', 'વેવિશાળ', 'સોરઠ તારાં વહેતાં પાણી', 'માણસાઈના દીવા', 'સૌરાષ્ટ્રની રસધાર', 'સોરઠી બહારવટિયા', 'સોરઠી સંતો', 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી' અહિ ખાસ ઉપલબ્ધ કરાયાં છે.પ્રાધ્યાપક રહી ચૂકેલા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ ઉપસ્થિત સહુ સાથે રસપ્રદ જ્ઞાન-ગોષ્ઠિ કરી હતી. પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીનું 'લાઈન-બોય' તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેદ્યાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેવી ભાવાંજલિ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ આપી હતી. વાંચન થકી જ નવી પેઢીમાં સંસ્કૃતિ અને સંસ્કાર જીવંત રહેશે તેમ જણાવ્યું હતું. યુવાનોમાં જીવન અને પરિવાર મૂલ્યોનાં સંસ્કાર-સિંચન પર વિશેષ ભાર મૂકયો હતો. ઝવેરચંદ મેદ્યાણીનાં બોટાદ-રાણપુર સાથેનાં લાગણીસભર સંભારણાંને પિનાકી મેદ્યાણીએ વાગોળ્યાં હતાં. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા સમસ્ત બોટાદ જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. કાચનાં પુસ્તક-કબાટનું કામ મિસ્ત્રી વાલજીભાઈ પિત્રોડા – વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું હતું. પિનાકી મેદ્યાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં ૩૫ જેટલાં 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના થઈ છે જે ખાસ ઉલ્લેખનીય છે.

 

આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(4:04 pm IST)