વિવિધ વિભાગ
News of Monday, 28th January 2019

સરકારી મહેમાન

સિંહોના સ્થળાંતર માટે MPમાં ફરી હિલચાલ કમલનાથ સરકારે કેન્દ્ર પાસે 40 સિંહ માગ્યા

જિલ્લા અને રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરબદલની સંભાવના, વાયબ્રન્ટના ઘડવૈયાં બદલાશે: કોંગ્રેસના કાર્યકરોને વિશ્વાસ રહ્યો નથી કે તેમના સ્થાનિક નેતાઓ લોકસભાના કેન્ડિડેટ વહેલા જાહેર કરે : જુલાઇનું બજેટ બે લાખ કરોડને પાર હશે પરંતુ ચાર મહિનાનું લેખાનુંદાન 65 હજાર કરોડ હોઇ શકે છે

વિધિની વક્રતા જોવા જેવી છે. મધ્યપ્રદેશની ભાજપ સરકારે સિંહો માટેની કુનો પાલપુરમાં એક વિશાળ ચેન્ચ્યુરી બનાવી છે. આ સેન્ચ્યુરીમાં ભાજપની શિવરાજસિંહ સરકારની ગણતરી એવી હતી કે નવી સેન્ચ્યુરીમાં 500 સિંહ એક સાથે વસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. આ કામગીરી તેમના સમયમાં પૂર્ણ કરવામાં આવી પરંતુ પાંચ વર્ષમાં સિંહો તો વસ્યા નહીં પરંતુ શિવરાજ 'સિંહ'નું ઘર બદલાઇ ગયું. હવે કોંગ્રેસની સરકાર આવી છે. મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારના વન અને પર્યાવરણ વિભાગે એક પત્ર લખીને કેન્દ્રની મોદી સરકાર સમક્ષ એવી માગણી કરી છે કે મધ્યપ્રદેશમાં સિંહોને અનુકૂળ જંગલ ઉભું થયેલું છે પરંતુ તેમાં સિંહ નથી તેથી ગુજરાત ને કહો કે-- મધ્યપ્રદેશને સિંહો આપે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અમને સિંહો મળવા જોઇએ. સુપ્રીમ કોર્ટે 2013માં કહ્યું હતું કે ગુજરાતના સિંહો પર મોટું જોખમ આવે-- જેવું કે જંગલમાં આગ લાગે, વાયરસ ફેલાય કે અન્ય કોઇ કારણોસર મોટી સંખ્યામાં સિંહો મૃત્યુ પામે તો-- એશિયાટીક લાયનનું અસ્તિત્વ ભૂંસાઇ શકે છે. આ સ્થિતિથી બચવા માટે કેટલાક સિંહોને બીજા રાજ્ય એટલે કે માગણી પ્રમાણે મધ્યપ્રદેશમાં ખસેડવા જોઇએ. કુનો પાલપુરમાં ભાજપના શિવરાજસિંહના શાસનમાં 24 ગામોમાંથી 1543 પરિવારોને ટ્રાન્સફર કરવા માટે 14.84 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે, પરંતુ આ અભ્યારણ્યમાં આજ સુધી એક પણ સિંહ આવ્યો નથી. મધ્યપ્રદેશની કમલનાથની સરકારે ગુજરાત પાસે 40 સિંહ માગ્યા છે. મોદી સરકારે ભાજપની સરકાર માટે તો સિંહોના સ્થળાંતરની તરફેણ કરી નથી પરંતુ હવે જોવાનું એ રહે છે કે-- મોદી સરકાર કોંગ્રેસના કમલનાથને સિંહ આપે છે કે નહીં!

હાર્દિકને લગ્નની જેલ, હવે લોકસભામાં પ્રશ્નાર્થ...

ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ અને કિંજલ લગ્નના બંધને બંધાયા છે. હાર્દિકને હવે સરકારી નહીં ઘર ની જેલની સજા થઇ છે. આ સજા તો લાંબી ચાલશે પરંતુ હાર્દિકની રાજકીય કેરિયરનું શું થશે તેવો પ્રશ્ન પાટીદાર યુવા નેતાઓને સતાવી રહ્યો છે. કેન્દ્રની મોદી સરકારે નબળાં સવર્ણો માટે 10 ટકા અનામતનો લાભ તો આપી દીધો છે ત્યારે હાર્દિક પટેલનું અનામત માગવાનું આંદોલન હવે રહેતું નથી. હાર્દિકને ભાજપનો વિરોધ કરવા માટે અલગ સ્ટેટેજી બનાવવી પડશે, કેમ કે 10 ટકા નબળાં સવર્ણોમાં પાટીદારો પણ આવી ગયા છે. ગુજરાત સરકારે તો નોકરી તેમજ શિક્ષણમાં આર્થિક અનામતનો પ્રારંભ પણ કરી દીધો છે. થોડાં સમય પહેલાં કહેવાતું હતું કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે પરંતુ હવે તેના નવા નવા લગ્ન થયા છે તેથી તેના આ પ્લાન પર હાલ તો પ્રશ્નાર્થ મૂકાઇ ગયું છે. સવાલ એ થાય છે કે નવા લગ્ન છે ત્યારે હાર્દિક લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બની શકશે. ચૂંટણી પ્રચારમાં જઇ શકશે. રાજનીતિમાં સમય ફાળવી શકશે કે કેમ એવા અનેક સવાલો ઉભા થયા છે. જો કે આ સવાલોનો જવાબ કેવળ હાર્દિક પટેલ જ આપી શકે છે.

કોંગ્રેસ વહેલા ઉમેદવારો જાહેર કરશે: વોટ અ જોક...

કહેવાઇ રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ તેના લોકસભાના ઉમેદવારો વહેલા જાહેર કરશે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ પણ કહે છે કે આ વખતે અમે ગુજરાતના ઉમેદવારો અમે વહેલા જાહેર કરીશું. તેમના આ વિધાનથી નવાઇ લાગે છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસે જાહેર કર્યું હતું કે અમે ચૂંટણીના છ મહિના પહેલાં ઉમેદવારો જાહેર કરી દઇશું પરંતુ કોંગ્રેસે છેક છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી ટુકડે ટુકડે જાહેર કરી હતી. કોંગ્રેસના કાર્યકરો પણ આ  જાહેરાતને જોક માની રહ્યાં છે, કેમ કે તેમને વિશ્વાસ નથી કે અમારા નેતાઓ લોકસભાની ચૂંટણીના એક મહિના પહેલાં પણ ઉમેદવાર જાહેર કરી શકે. જો તેમ થશે તો કોંગ્રેસ માટે સોનેરી સુરજ ઉગશે. ચૂંટણીમાં વહેલા ઉમેદવાર જાહેર કરવાથી ફાયદો એ થાય છે કે કોઇપણ ઉમેદવાર સામે કોઇને વાંઘો હોય તો સમજાવટ માટે પુરતો સમય મળી રહે છે, બીજો મોટો ફાયદો એ છે કે ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે વધુ સમય મળે છે, પરંતુ હકીકતમાં કોંગ્રેસને આ સ્થિતિ જોઇતી નથી. 1995 પછીની તમામ ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે નામો જાહેર કરેલા છે. મોડા નામો જાહેર કરવામાં પણ કોંગ્રેસને પારવધા નેતાઓ એવી દલીલ કરે છે કે-- ભાજપ ક્યા ઉમેદવારને મૂકે છે તે પછી અમે ઉમેદવાર નક્કી કરીએ છીએ. એક બાબત સ્પષ્ટ છે કે કોંગ્રેસની વિલંબની નીતિના કારણે ભાજપના ઉમેદવાર ચૂંટણીમાં મેદાન મારી જાય છે.

હવે રાજ્યના વહીવટી તંત્રમાં બદલીની મોસમ આવશે...

લોકસભાની ચૂંટણીને આડે માત્ર ત્રણ મહિનાનો સમય બાકી છે ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં ફેરબદલ આવી રહ્યાં છે. સરકારે તાજેતરમાં પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરી છે. હવે પોલીસના સિનિયર અધિકારીઓની બદલીઓ તોળાઇ રહી છે. જિલ્લા પોલીસ વડા, શહેરોના પોલીસ કમિશનરો સાથે પોલીસ ભવનના ઓફિસરોની પણ બદલીઓ થવાની સંભાવના છે. બીજી તરફ ગુજરાતના વહીવટી તંત્રમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, નાયબ કલેક્ટરો તેમજ સચિવાલયના વિવિધ વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનના વડાઓની બદલીઓ થવાની શક્યતા છે. વાયબ્રન્ટ સમિટ જેમના માથે હતું તે ઉદ્યોગ અને તેને સંલગ્ન વિભાગો તેમજ જાહેર સાહસોમાં મોટાપાયે બદલીઓ થવાની છે. સામાન્ય વહીવટ વિભાગના સૂત્રો કહે છે કે રાજ્યના વહીવટી તંત્રમાં કુલ 250થી વધુ બદલીઓ થશે જે પૈકી સિનિયર આઇએએસની 40થી વધુ બદલીઓ છે. જિલ્લા વહીવટી તંત્રમાં 150થી વધુ ટ્રાન્સફરો આવી રહી છે. ગુજરાત સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરવાની નહીં હોવાથી આ બદલીઓના ઓર્ડરમાં કોઇ ફરક પડવાનો નથી, કેમ કે રાજ્યનું સંપૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી પછી જુલાઇ મહિનામાં આવશે. સૂત્રો કહે છે કે ભારતનું ચૂંટણી પંચ માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે તેથી ગુજરાત સરકાર માટે હવે એકમાત્ર ફેબ્રુઆરી મહિનો જ બાકી રહે છે.  

65 હજાર કરોડનું લેખાનુદાન, બાકીના જુલાઇમાં...

ગુજરાત વિધાનસભાના સત્રમાં સંપૂર્ણ બજેટ નહીં પરંતુ વોટ ઓન એકાઉન્ટ એટલે કે લેખાનુદાન લેવામાં આવશે. જેને વચગાળાનું બજેટ પણ કહેવામાં આવે છે. આ લેખાનુંદાન રાજ્યના સંપૂર્ણ બજેટ પૈકીનો ત્રીજો હિસ્સો હશે. નાણાં વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે 2019-20ના સામાન્ય બજેટનું કદ બે લાખ કરોડ રૂપિયા હોઇ શકે છે. આ કુલ બજેટના ત્રીજા ભાગના એટલે કે 63 હજાર થી 65 હજાર કરોડ રૂપિયાનો ચાર મહિનાનો ખર્ચ 18મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા સત્રમાં મંજૂર કરવામાં આવે તેવી સંભાવના છે. લોકસભાની ચૂંટણીના વર્ષમાં ગુજરાતના સામાન્ય બજેટનું કદ વધી શકે છે. ગુજરાત સરકાર તેનું સંપૂર્ણ બજેટ જુલાઇ 2019માં રજૂ કરશે. 2014માં ગુજરાત સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાની જગ્યાએ લેખાનુદાન લીધું હતું તેવી જ રીતે આ વખતે પણ લેખાનુદાન લેવામાં આવશે. ગુજરાતના બજેટનો પણ રસપ્રદ ઇતિહાસ છે. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે પ્રથમ બજેટ ગુજરાતના મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે આખા બજેટનું કદ માત્ર 115 કરોડ રૂપિયા હતું. 22મી ઓગષ્ટ 1960માં તેમણે બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત સરકારે છેલ્લે 2018-19માં જે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું તેનું કદ 1.82 લાખ કરોડ હતું. બન્ને બજેટ વચ્ચેનો તફાવત ખૂબ મોટો છે.

હવે ખેડૂતો માટે પણ વાયબ્રન્ટ થાય તો સારૂં...

ગુજરાતમાં ઉદ્યોગો માટે નવ વાયબ્રન્ટ સમિટ થયાં છે પરંતુ હવે ખેડૂતો માટે વાયબ્રન્ટ સમિટ થાય તો સારૂં એવું કૃષિ વિભાગના એક અધિકારીનું કહેવું છે. તેઓ કહે છે કે-- ગુજરાતે ઉદ્યોગને બહું આપ્યું છે પરંતુ હવે ખેડૂતોને પણ આપવું જોઇએ. કૃષિમેળામાં ખેડૂતોને વધારે રસ પડતો નથી તેથી હવે ખેડૂતોને એક જ જગ્યાએ એકત્ર કરી તેમની સમૃદ્ધિ માટે સરકારે વિચારવું જોઇએ. આપણે ઉદ્યોગો માટે ટ્રેડ શો કરીએ છીએ પરંતુ એગ્રીકલ્ચરની પ્રોડક્ટ્સ માટે પણ આવા ટ્રેડ શો થવા જોઇએ. ગુજરાત સરકારે ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે ત્યારે તેના માટે અલગ વાયબ્રન્ટ કરવામાં આવે તો ખેડૂતોને પણ વૈશ્વિક બજારનો લાભ મળી શકે છે. આ અધિકારીએ કહ્યું હતું કે-- તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2013ની વાયબ્રન્ટ સમિટમાં કહ્યું હતું કે આપણે બે વર્ષે એકવાર વાયબ્રન્ટ સમિટ કરીએ છીએ તેમ બે વર્ષમાં એકવાર એગ્રી સમિટ કરવી જોઇએ. એ સમયે સરકારના અધિકારીઓએ મોદીનો પડ્યો બોલ ઝીલીને એગ્રી સમિટ તો કરી દીધી પરંતુ પછીના વર્ષોમાં સરકાર આવી સમિટ કરી શક્યું નહીં. ઉદ્યોગોની જેમ ખેડૂતોને પણ વૈશ્વિક બજાર જોઇએ છે ત્યારે એક જ પ્લેટફોર્મ પર તેમને બઘું મળી રહે તે દિશામાં વિજય રૂપાણીની સરકારે વિચારવું જોઇએ.

સરસ્વતી નદી અને જયનારાયણ વ્યાસ...

ભાજપના સિનિયર નેતા જયનારાયણ વ્યાસ લખે છે કે-- એક જમાનો હતો જ્યારે સરસ્વતી નદીમાં હોડીઓ ચાલતી હતી. જ્યારે પાટણ ઉપર ચાવડા અને સોલંકી વંશની ગાદી તપતી હતી, જ્યારે આનર્તના મહાશક્તિશાળી રાજ્યની રાજધાની તરીકે પાટણનો સૂર્ય મધ્યાહને હતો ત્યારે ખોદેલી ખાઈમાં સરસ્વતીનાં નીર હિલોળા લેતાં અને સરસ્વતી નદીમાં નાવડીઓ ચાલતી તેનો ઉલ્લેખ કનૈયાલાલ મુનશીએ એક કરતાં વધુ વખત પોતાની નવલકથાઓમાં કર્યો છે. એક જમાનામાં સરસ્વતી નદીમાં કેટલું પાણી વહેતું હશે અને એનો જળ માર્ગ તરીકેનો ઉપયોગ થતો હશે એ બાબતે સાંયોગિક પુરાવા જોડવા માટે પાટણ સાથે જોડીને સરસ્વતી નદીનો વ્યાપ તેમજ તેમાં વહેતા જળ રાશીની વિપુલતા સમજાવવાનો વ્યાસજી એ પ્રયત્ન કર્યો છે. પ્રાચીન માન્યતાઓ પ્રમાણે સરસ્વતી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળી ઉત્તર ગુજરાતના 'સિદ્ધપુર' સ્થળ પાસેથી નીકળે છે અને કચ્છના રણમાં જઈ સમાઈ જાય છે, એટલે તે કોઈ સાગર કે મહાસાગરને મળતી નથી તેથી તેને કુંવારિકા પણ કહેવામાં આવે છે. મહાભારતમાં સરસ્વતીને લગતાં ત્રણ સંગમ કહેવાયા છે. બીજી તરફ રત્નમણિરાવ ભીમરાવ જોટેએ વૈદિક સરસ્વતીને ખંભાતના અખાતમાં ભળતી બતાવી છે. આ એક એવી નદી છે કે જેમાં અનેક સંશોધન થયાં છે પરંતુ હકીકત એ છે કે ઉત્તર ગુજરાતમાં રચાયેલું 'સરસ્વતીપુરાણ' એ સરસ્વતી નદીના માહાત્મ્યનો ગ્રંથ છે. 1893માં ભારતીય સર્વેક્ષણ ખાતાના ભૂસ્તરશાસ્ત્રી સી.એફ.ઓલ્ડહામે તેમના આ નદી અભ્યાસના નિચોડરૂપે જણાવેલું કે રાજસ્થાનના રણની ધારેધારે જે સૂકો પટ મળી આવેલો તે સરસ્વતી નદીનો હોવો જોઈએ. સરસ્વતી નદી માટે જેટલું સંશોધન કરીએ એટલું ઓછું છે તેમ વ્યાસજી કહે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:32 am IST)