વિવિધ વિભાગ
News of Monday, 21st January 2019

ગુરૂવારે પ્રજાસતાકદિન નિમિત્તે પોલીસ હેડ કર્વાટરમાં કસુંબીનો રંગ-લોકડાયરોઃ ઝવેરચંદ્ર મેઘાણીના ગીતો ગુંજશે

અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ ગીતો, લોકગીતો ભજનોની રમઝટ બોલાવશે

રાજકોટ, તા.૨૧ પ્રજાસત્તાક દિન નિમિત્તે ૨૪ જાન્યુઆરી ૨૦૧૯ ને ગુરુવારે — રાત્રે ૮.૩૦ કલાકે — રાજકોટ પોલીસ હેડકવાર્ટર (રેસકોર્સ પાસે) ખાતે શ્નકસુંબીનો રંગલૃલોકડાયરો યોજાશે. નવી પેઢી આપણાં સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના બિરુદથી નવાજયા હતા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની, સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા નીડર અને નેકદિલ પિતા કાળીદાસ મેઘાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી થતાં, તેઓ ૨થી ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના કવાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા હતા. પોતાની 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ'રાજકોટ સાથે ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં છે જે ખાસ ઉલ્લેખનીય છે.   ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને સાથીઓ ઝવેરચંદ મેદ્યાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે,  કાન તારી મોરલી, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો પણ તેમના સંગ્રહ શ્નરઢિયાળી રાત શ્નમાંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.આ કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (આઈપીએસ), સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ) તથા પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નું ભાવભર્યું જાહેર નિમંત્રણ છે.(૨૩.૧પ)

(3:43 pm IST)