વિવિધ વિભાગ
News of Tuesday, 21st March 2017

આવકવેરો ભરતા પહેલા ટેક્ષ બચતોનો લાભ મેળવોઃ વ્યકિતગત તથા એચ.યુ.એફ. કરદાતાઓને ટેક્ષ બચત માટે યોજનાઃ ઈન્કમ ટેક્ષ ભરવા કરતા ટેક્ષ બચતોની આવકવેરાની કલમોનો ઉપયોગ કરો

ફાયનાન્સીયલ વર્ષ ૨૦૧૬-૧૭ પૂર્ણતાને આરે ફકત દશ દિવસ હોય, તમામ કરદાતાઓ પોતાને કેટલો ટેક્ષ ભરેલ છે અથવા કપાત થયેલ છે અને હવે શું ટેક્ષ ભરવાનો થશે? તેની ગણતરીમાં પડેલ હોય છે. હજુ પણ આ દશ દિવસમાં એટલે કે ૩૧મી માર્ચ ૨૦૧૭ સુધીમાં કાયદેસર રોકાણ કરવાથી તેમજ આવકવેરા કાયદા મુજબ કઈ-કઈ રાહતો મળે તેની વિગતો મેળવી, આવકવેરો બચાવવાની તજવીજ કરતા હોય છે, પ્રયત્નો કરતા રહે છે.

આ સાથે આવકવેરા કાયદા મુજબ કયાં-કયાં રોકાણ કરવાથી તેમજ કઈ-કઈ બાબતોથી આવકવેરામાં મુકિત મળે છે? તેની સંક્ષિપ્તમાં વિગત જણાવીએ છીએ. મોટાભાગના કરદાતાઓ પોતાની રીતે તથા અન્ય નિષ્ણાંતો પાસેથી વિગતો મેળવી આવકવેરો કાયદેસર બચાવવાના પ્રયત્નો કરતા જ હોય છે. તેમને કદાચ થોડીઘણી વધુ માહિતી મળે તે માટે આ લેખ લખીએ છીએ.

(૧) રોકાણ કરવાથી આવક વેરાની બચત

કલમ ૮૦-સીઃ પ્રોવીડન્ટ ફંડ, પીપીએફ, લાઈફ ઈન્સ્યુરન્સ પ્રીમીયમ હાઉસીંગ લોનના હપ્તા (તેમજ ૨૦૧૬-૧૭માં ખરીદેલ રહેણાંકના મકાનના રજીસ્ટ્રેશન ખર્ચ) બે બાળકોની સ્કૂલ ફી, કોલેજ ફીની રકમ, સીનીયર સીટીઝન સેવીંગ સ્કીમ, સુકન્યા ડીપોઝીટ, એન.એસ.સી. તથા મ્યુચ્યુઅલ ફંડની ઈકવીટી લીંગ સેવીંગ સ્કીમ (ઈએલએસએસ)માં રોેકાણ કરવાથી રૂ. ૧,૫૦,૦૦૦ની રકમ બાદ મળે છે. આ બધામાં સૌથી ઓછા સમય એટલે કે ફકત ૩૬ માસ માટે જ રોકાણ કરવાથી તથા ૩૭મે મહિને પરત પૈસા લઈ ફરી રોકાણ કરવાથી ટૂંકામાં ટૂંકા સમયગાળાના રોકાણથી આવકવેરા કલમ ૮૦ સી નીચે ફકત મ્યુચ્યુઅલ ફંડની ઈ.એલ.એસ.એસ. સ્કીમ છે. જેમાં વળતર પણ વાર્ષિક ૧૫ ટકા જેવું અન્ય લાંબા સમયના રોકાણ કરતા વધુ આવે છે. કોઈપણ જાતનો ટીડીએસ કપાતો નથી. તેમજ ૩૭મે મહિને મળેલ લાંબા ગાળાનો નફો પણ તથા વાર્ષિક ડીવીડન્ડ પણ ટેક્ષ ફ્રી છે.

આવકવેરા કલમ ૮૦ સી નાં રૂ. ૧,૫૦,૦૦૦ રોકાણ ઉપરાંત રૂ. ૫૦,૦૦૦માં એન.પી.એસ.માં રોકાણ કરવાથી કુલ ૨,૦૦,૦૦૦ બાદ મળશે.

કલમ ૮૦ સી  સીડી (૧-એ): હિસાબી વર્ષ ૨૦૧૫-૧૬થી દાખલ કરવામાં આ કલમને 'નેશનલ પેન્શન સ્કીમ' તરીકે ભારત સરકારની માલિકીની સ્કીમ છે. જેમાં ઉપર જણાવેલ ૮૦ સી ના રોકાણ રૂ. ૧,૫૦,૦૦૦ ઉપરાંત રૂ. ૫૦,૦૦૦ સુધીનું રોકાણ વધારાનું બાદ મળે છે. આમ કુલ રૂ. ૨,૦૦,૦૦૦ (બે લાખ) સુધીનું રોકાણ કરીને માત્ર આવકમાંથી બાદ મળે છે. ૨૦૧૫-૧૬થી આ નવા બેનીફીટ 'નેશનલ પેન્શન સ્કીમ' પ્રચલીત ન હોવાથી મોટાભાગના કરદાતાઓને ખ્યાલ નથી. આ સ્કીમમાં રોકાણ માટે યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયા - રેસકોર્ષ રીંગ રોડ-રાજકોટ તથા સ્ટોક હોલ્ડીંગ કાલાવડ રોડ રાજકોટ સંસ્થાને સરકાર દ્વારા એજન્ટ તરીકે નિમણૂક કરેલ છે. ઉંમર વર્ષ ૧૮ થી ૬૦ વર્ષની વ્યકિતઓ રોકાણ કરી શકે છે પરંતુ સામાન્ય રીતે ૫૦ થી ૬૦ વર્ષની વ્યકિત માટે આ રોકાણ ફાયદાકારક છે. ૬૦ વર્ષ પૂર્ણ થયે મુદલ રકમ તથા વ્યાજના ૬૦ ટકા ઉપાડવા મળે. જ્યારે ૪૦ ટકા રકમ એન્યુઈટી એટલે પેન્શનરૂપે વ્યકિતગત રોકાણકારને પરત મળશે. નેશનલ પેન્શન સ્કીમમાં ૨૦૧૫-૧૬મા ૧૧ ટકાથી ૧૧.૫૦ ટકા વાર્ષિક વ્યાજ આપેલ છે.

કલમ ૮૦ ડીઃ મેડીકલ ઈન્સ્યુરન્સ પ્રીમીયમ દરેક વ્યકિત તથા એચ.યુ.એફ.ને રૂ. ૨૫૦૦૦ના પ્રીમીયમ ભરવાથી તેમજ સીનીયર સીટીઝન માતા-પિતાના સંયુકત વિમાથી ૩૦,૦૦૦ સુધી બાદ મળે છે. ઘણી વખત સીનીયર અથવા સુપર સીનીયર સીટીઝન કરદાતાઓને મેડીકલ વિમો તેમની ઉંમરને કારણે ન મળતો હોય તો આવા સીનીયર/સુપર સીનીયર સીટીઝનોના વર્ષ દરમિયાન ખરેખર કરેલ મેડીકલ ખર્ચમાં રૂ. ૩૦,૦૦૦ સુધી પણ બાદ મળવાને પાત્ર છે. આ ખર્ચ મેડીકલ ટ્રીટમેન્ટ - દવા વગેરેનો ખરેખર ચુકવેલ ખર્ચના બીલો જાળવવા જરૂરી છે.

આ ઉપરાંત વાર્ષિક 'મેડીકલ હેલ્થ ચેકઅપ' માટે દરેક કરદાતાઓને રૂ. ૫૦૦૦ સુધીનો ખર્ચ બાદ મળવાને પાત્ર છે. જેને મેડીકલ પ્રીવેન્ટીવ ખર્ચ કહેવામાં આવે છે. કલમ ૮૦ ડી નો લાભ લેવા તમામ કરદાતાઓએ વિમા પ્રીમીયમ દવાના ખર્ચા તથા મેડીકલ ચેકઅપ ખર્ચ ચેક-ડ્રાફટ અથવા બેકીંગ ચેનલ દ્વારા પુરવાર થઈ શકે તે રીતે ખર્ચ કરી તેના પુરાવાઓ જાળવી રાખવા જરૂરી છે.

(૨) કરદાતાએ કરેલ ખર્ચા આવકમાંથી બાદ...

શારીરીક અશકત તથા વિકલાંગ, આશ્રીતો, વિકલાંગ કરદાતા તથા તેના આશ્રીતો માટે ખાસ રાહતો...

કલમ ૮૦ ડી ડી : વ્યકિતગત કરદાતાના અથવા એચ.યુ.એફ.ના સભ્ય જેઓએ શારીરીક તથા માનસિક રીતે અશકત હોય તેવા કરદાતાના આશ્રીત પુત્ર-પુત્રી, પત્નિ, મા-બાપ, ભાઈ-બહેનો જેઓ કરદાતાના આશ્રીત જ હોય અને કરદાતા તેઓના મેડીકલ તથા અન્ય ખર્ચા કરતા હોય તો તેમને ૪૦ ટકાથી વધુ વિકલાંગતા કે માનસિક બીમારી હોય તો આવકમાંથી રૂ. ૭૫૦૦૦ બાદ મળશે, જ્યારે ૮૦ ટકાથી વધુ બીમારી હોય તો રૂ. ૧,૨૫,૦૦૦ સુધી આવકમાંથી બાદ મળશે. આ વિકલાંગતા અથવા માનસિક બિમારી અંગે ઈન્કમટેક્ષ માન્ય ફોર્મ નંબર ૧૦-ઈમાં સરકારી હોસ્પીટલના સર્જન અથવા શહેરોના નામાંકીત આ અંગેના નિષ્ણાંત એમ.ડી. પ્રાઈવેટ પ્રેકટીશ્નર ડોકટરનું સર્ટીફીકેટ મેળવેલુ હોવુ ખાસ જરૂરી છે. આવક વેરા ખાતુ આ ડીડકશન લેનાર કરદાતા પાસેથી ગમે ત્યારે મંગાવી શકે છે.

૮૦ ડીડીબીઃ ગંભીર રોગના મેડીકલ ખર્ચ માટે રાહતઃ અત્યંત ગંભીર રોગથી પીડાતા તેવા કરદાતા પોતે અથવા તેમના આશ્રીતોની તબીબી સારવાર ખર્ચને પહોંચી વળવા માટે આવકવેરામાં પણ રાહત આપવામાં આવેલ છે. ગંભીર બીમારીમાં કેન્સર, એઈડસ, માનસિક રોગ, ક્રોનીકટીનલ, ફેલ્યર, હોમોફીલીયા, થેલેસેમીયા વગેરે અનેક કાયમી રોગોનો સમાવેશ થાય છે. આ માટે સુપર સીનીયર સીટીઝન (૮૦ વર્ષની ઉપર) માટે વાર્ષિક રૂ. ૮૦,૦૦૦ જ્યારે અન્ય કરદાતાઓને રૂ. ૪૦,૦૦૦થી રૂ. ૬૦,૦૦૦ ખરેખર મેડીકલ ખર્ચ કરેલ હોય તેની સામે બાદ મળવાને પાત્ર છે.

૮૦ ઈ : ઉચ્ચ અભ્યાસ લોન વ્યાજ સંપૂર્ણ બાદ મળે છેઃ કરદાતાના પુત્ર-પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે કોઈપણ બેન્ક કે માન્ય સંસ્થામાંથી લોન મેળવેલ હોય તો તેવી લોનનું સંપૂર્ણ વ્યાજ સાત વર્ષ સુધીના સમય માટે કરદાતાને પોતાની આવકમાંથી સંપૂર્ણ (૧૦૦ ટકા) બાદ મળે છે.

૮૦ જી જી : નવા રહેણાંક માટે રૂ. ૫૦,૦૦૦ વધુ બાદઃ સામાન્ય રીતે રહેણાકના મકાન માટે લીધેલ લોનનું વ્યાજ રૂ. ૨,૦૦,૦૦૦ સુધી સંપૂર્ણ બાદ મળે છે. જ્યારે ૨૦૧૬-૧૭ના વર્ષમાં ખરીદી કરેલ ફલેટ-મકાન માટે લીધેલ લોનના વ્યાજમાં વધુ ૫૦,૦૦૦ની રાહત આપવામાં આવેલ છે. આમ હાઉસીંગ લોન વ્યાજ રૂ. ૨,૫૦,૦૦૦ સુધી આ કલમ નીચે બાદ મળશે.

ટૂંકમાં આવકવેરાના કાયદામાં ઉપરોકત અનેક બાદને પાત્ર રોકાણો તથા ખરેખર કરેલ ખર્ચા બાદને પાત્ર છે તે આવકવેરા કાયદા હેઠળ દરેક વ્યકિતગત તથા એચ.યુ.એફ. કરદાતાઓ કાયદેસર રીતે આવકમાંથી બાદ મેળવી ટેક્ષ બચાવી શકે છે.

નીતિનભાઇ કામદાર

ચાર્ટડ-એકાઉન્ટન્ટ રાજકોટ

(મો. ૯૮રપર ૧૭૮૪૮  )

(3:56 pm IST)