વિવિધ વિભાગ
News of Monday, 25th March 2019

સરકારી મહેમાન

વડોદરા લોકસભા સીટ પર સત્યજીત અને મોદીનો રેકોર્ડ કોઇ કેન્ડિડેટ તોડી શકે નહીં

રાજ્યમાં 13 વર્ષમાં એકપણ એનકાઉન્ટર થયું નથી, હવે રાજકીય સ્ટ્રાઇક થાય છે : કેન્દ્ર સરકાર અને ભાજપમાં અચ્છે દિન ચાલે છે, દિલ્હીમાં ચોકીદાર સલામત છે : રહેવા માટે ઘર જોઇએ છે, જાણો ગુજરાતમાં 26 લાખ મકાનો ભૂતિયા બંગલા છે

વડોદરાની બેઠક હંમેશા ઇતિહાસ સર્જતી આવી છે. એક બેઠકના બે છેડા જોઇએ તો એક તરફ સત્યજીત ગાયકવાડ છે અને બીજા છેડે મોદી છે. 2014ની લોકસભા ચૂંટણીએ મતદારોએ ભારે આશ્ચર્ય સર્જ્યુ હતું. સત્યજીતના વિજય વખતે દેશમાં ચમત્કાર હતો અને મોદીના વિજય વખતે પણ ચમત્કાર...!! ભાજપના સ્ટાર કેમ્પેઇનર અને પ્રાઇમ મિનિસ્ટરના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ્યારે વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી લડતા હતા ત્યારે એવું કહેવાતું હતું કે કોંગ્રેસના સિનિયર નેતા મધુસુદન મિસ્ત્રી તેમને સારી એવી ફાઇટ આપશે પરંતુ પરિણામ આવ્યા પછી લાગ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના આ લિડરને મોદીએ હંફાવી દીધા હતા. ભૂતકાળમાં કોઇપણ ઉમેદવારને લીડ મળી ન હોય તેટલી લીડથી મોદી વડોદરાનો જંગ જીત્યા હતા. મોદીને 5.70 લાખની લીડ મળી હતી. ગુજરાતની તમામ 26 બેઠકો જીતનાર મોદીને વડોદરામાં ખોબો ભરીને મતો મળ્યા હતા. વડોદરામાં 1998થી ભાજપનો આ સતત પાંચમો વિજય હતો. આ એ જ બેઠક છે કે જ્યાં કોંગ્રેસના સત્યજીત ગાયકવાડ માત્ર 17 મતે ચૂંટણી જીત્યા હતા. વડોદરામાં 1962થી ચૂંટણી યોજાય છે. 1991ના હિન્દુત્વના વેવમાં રામાયણ ફેઇમ સીતા એટલે કે ભાજપની ઉમેદવાર દિપીકા ચિખલીયા વિજયી બન્યા હતા. પશ્ચિમ બંગાળના સીપીઆઇએમના ઉમેદવાર અનિલ બસુને લોકસભાની પેટા ચૂંટણીમાં 5.92 લાખ મતોની સરસાઇ મળી હોવાનો ભારતમાં રેકોર્ડ છે. મોદી આ રેકોર્ડ તોડી શક્યા ન હતા. હવે વડોદરા બેઠક ઉપર કોંગ્રેસની ફરીવાર કસોટી છે. એટલું નિશ્ચિત છે કે કોંગ્રેસે માત્ર લડવાનું છે અને લીડ કાપવાની છે, જીતની આશા કરી શકાય તેમ નથી.

રાજ્યમાં એનકાઉન્ટર નહીં સ્ટ્રાઇક થાય છે...

ગુજરાતમાં ફેક એનકાઉન્ટરના કેસો અદાલતમાં ચાલી રહ્યાં છે અને એક પછી એક અધિકારીઓ જામીન પર છૂટી રહ્યાં છે. ભાજપના ગુજરાતના શાસનમાં અત્યાર સુધી જેટલા એનકાઉન્ટર થયા છે તેની તપાસ વિવિધ એજન્સીઓને સોંપવામાં આવેલી છે. આપણા પોલીસ અધિકારી વણઝારાની નિવૃત્તિ થઇ ચૂકી હતી પરંતુ હવે તે જેલ મુક્ત છે. કોંગ્રેસના શાસનમાં એનકાઉન્ટરના કેસોમાં સીબીઆઇની તપાસનો ધમધમાટ હતો આજે બઘું શાંત છે. સીબીઆઇનું વલણ બદલાઇ ચૂક્યું છે. રાજ્યમાં છેલ્લુ એનકાઉન્ટર 2006ના વર્ષમાં થયું હતુ આજે આ ઘટનાને 13 વર્ષ થઇ ચૂક્યાં છે. ગુજરાત પાસે હજી પણ એનકાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ છે પરંતુ એવા આતંકવાદીઓ હવે ગુજરાતમાં આવતા નથી. ગુજરાતમાં 2002 થી 2006 દરમ્યાન 17 જેટલા એનકાઉન્ટર થયાં છે. રાજ્યમાં ભૂતકાળમાં થયેલા એનકાઉન્ટર અંગે બોલીવુડના કોઇ નિર્માતા સિરીયલબંધ ફિલ્મો ઉતારી શકે તેમ છે. ગુજરાતે દિશા બદલી છે. એનકાઉન્ટરની જગ્યાએ હવે પોલિટીકલ સર્જીકલ સ્ટ્રાઇક થાય છે. કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને ભાજપમાં લઇ જવા માટે આવી સ્ટ્રાઇક થતી હોય છે. છેલ્લા પાંચ વર્ષથી એવું જોવામાં આવ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે ગુજરાત આવ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ તૂટ્યાં છે. 2003 પછી ગુજરાતમાં ભાજપે કોંગ્રેસના 65 જેટલા નેતાઓ કે જેમાં પૂર્વ અને વર્તમાન સંસદસભ્યો, ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે, એટલું જ નહીં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અત્યાર સુધીમાં કોંગ્રેસના 2500 કરતાં વધુ સભ્યોને પક્ષપલ્ટા કરાવીને ભાજપે સત્તા હાંસલ કરી છે.

ગુજરાત મેં ભી મોસમ બદલ રહા હૈ...

દિલ્હી અને ગાંધીનગરની મોસમ બદલાઇ રહી છે. નવા-જૂનીના અણસાર દેખાય છે અને તેના સંકેત ધીમે ધીમે મળી રહ્યાં છે. હવામાન તો ચોક્કસ બદલાયું છે સાથે સાથે અચ્છે દિન, બુરે દિન રેલવે પાટાની જેમ દોડે છે. આ વાક્યનો બીજો અર્થ કભી ખુશી કભી ગમ એવો પણ થાય છે. કોઇને નોકરી મળવાનો આનંદ છે તો કોઇને નોકરી છૂટવાનો ગમ પણ છે. સરકારમાં એક કંપનીને પ્રોજેક્ટ મળે છે બીજી કંપની રિજેક્ટ થાય છે. આવું તો ચાલ્યા કરશે. ભૂતકાળમાં પણ હતું અને આજે પણ છે. સરકાર બદલાય એટલે બિઝનેસ કરનારા વર્ગને ફાયદો કે નુકશાન થવાનું જ છે. કોઇ માનિતાને લાભ મળે છે અને અણમાનિતાને લાત પડે છે. સરકારનું હંમેશા એક જ નિશાન હોય છે અને તે વોટબેન્ક છે. જો વોટબેન્ક મજબૂત હશે તો એક જ સરકાર વર્ષો સુધી રાજ કરી શકશે તેવું મોદીએ સિદ્ધ કરી દીધું છે અને એટલે જ તેમણે પહેલા જ્ઞાતિઓ પછી મોટા સમૂહોને સાથે લઇને ભાજપ પ્રત્યે આકર્ષણ પેદા કર્યું છે. આ સમૂહો એટલે મધ્યમવર્ગ, મહિલાઓ અને યુવાનો...આ ત્રણેય પરિબળોએ મોદીને દેશના વડાપ્રધાન બનાવી દીધા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીને ગુજરાતની 26 બેઠકો મળી હતી પરંતુ હવે 2019માં ભાજપને શંકા છે કે આટલી બઘી બેઠકો શક્ય નથી તેથી તમામ પ્રકારના પ્રયોગો ગુજરાતમાં કરવાનું શરૂ કર્યું છે. આ પ્રયોગો પૈકી એક પ્રયોગ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે. રાજ્યસભાના સાંસદ હોવા છતાં અમિત શાહને ગુજરાતમાં લોકસભાના લિડર બનાવી દેવામાં આવ્યા છે. ભાજપે હવામાન બદલવાનો પ્રયાસ કર્યો છે, જે કોંગ્રેસમાં હોળીનું નિર્માણ કરી શકે છે.

સરકારી પ્લોટ વેચનારા માલામાલ થાય છે...

ગાંધીનગરમાં રાહતદરના પ્લોટ લઇને વેચી દેનારાઓની યાદીમાં માત્ર ઓફિસરો કે કર્મચારીઓ જ નથી, આપણા સંસદસભ્યો અને ધારાસભ્યોએ પણ કરોડો રૂપિયા લઇને સરકારી પ્લોટને વેચી માર્યા છે. ગાંધીનગરમાં આ પ્રકારના 1000 થી વધારે દાખલા મોજૂદ છે. ખરીદનારા વર્ગની કમનસીબી છે કે પ્લોટ લાખો રૂપિયામાં ખરીદે છે અને સરકારી પ્રિમિયમના દરો પણ ખરીદનાર વર્ગને જ ભરવો પડે છે. સરકારી નિતીમાં વેચનારને તગડો ફાયદો છે અને ખરીદનારને નુકશાન છે. ગાંધીનગરમાં હજી એવા 900થી વધારે પ્લોટ છે કે જેમાં બાંધકામ થયું નથી અને શરતભંગ થયો છે છતાં સરકારના ચોપડે શરતભંગના ખૂબ ઓછા પ્લોટ બોલે છે, કારણ એવું છે કે એક રૂમનું ઝૂંપડું બનાવ્યું હોય તો પણ શરતભંગમાંથી છટકી શકાય  છે. શહેરના સેક્ટર-1 થી સેક્ટર-8માં સરકારે આપેલા રહેણાંક, ઔદ્યોગિક, સામાજીક તેમજ શૈક્ષણિક હેતુના પ્લોટમાં શરતભંગના 500 કેસ શોધી કાઢવામાં આવ્યા છે. આ તમામને શરતભંગની નોટીસ આપવામાં આવી છે પરંતુ તેની મુદ્દતમાં છેલ્લા સાત વર્ષમાં વધારા કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે માત્ર એક જ પ્લોટ સરકાર હસ્તક કર્યો છે, બાકીના કિસ્સામાં દંડ ભરીને બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. આ શરતભંગ તો ઠીક પણ જેમણે પ્લોટ વેચી કાઢ્યા છે તેમના માટે આટલા વર્ષોમાં પગલાં ભરી શકાયા નથી. ગાંધીનગર માટે એવું કહેવાય છે કે માલામાલ થવું હોય તો ગમે તેમ કરીને સરકારી પ્લોટના માલિક બની જાવ, પછી બજાર તમારા માટે રાહ જોઇને બેઠું છે. બજારના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ઓફિસર, સાંસદ કે ધારાસભ્યના 330 ચોરસ મીટરના એક પ્લોટની કિંમત 2.50 કરોડ રૂપિયા થવા જાય છે. ક્લાસ-1 અને ક્લાસ-1 ઓફિસરને મળેલા 135 ચોરસ મીટરના પ્લોટની કિંમત 1 કરોડ થી 1.25 કરોડ રૂપિયા છે.

ગુજરાતમાં આવાસની તંગી ક્યાં છે જરા જુઓ...

ગુજરાતમાં લોકોને રહેવા માટે ઘર નથી તેવી રાજકીય નેતાઓ વાતો કરે છે પરંતુ રાજ્યમાં નજર કરીએ તો એવા આવાસ છે જ્યાં માનવ વસતી નથી. રાજ્યમાં બિલ્ડરો અને ડેવલપર્સ દ્વારા ખાનગી આવાસ સ્કીમો બનાવવામાં આવે છે. એ ઉપરાંત સરકાર દ્વારા એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો મૂકવામાં આવે છે આમ છતાં બંધ આવાસનો આંકડો જોઇએ તો આંખો પહોળી થઇ જાય તેમ છે. જાણીને નવાઇ લાગશે કે આખા રાજ્યમાં એવા 26 લાખ આવાસ છે કે જેમાં માનવ વસવાટ નથી. ગુજરાતની ભારત સાથે સરખામણી કરીએ તો આ ટકાવારી 9.75 છે. આખા દેશમાં ખાલી મકાનોની સંખ્યા 2.60 કરોડ છે. આ આવાસો ખાલી પડ્યા છે. કોઇની માલિકીના તો છે પણ વેચાયા નથી અથવા તો ભાડે પણ અપાયા નથી. સરકારી આંકડા પ્રમાણે રાજ્યભરમાં 1.80 કરોડ આવાસો છે જેમાં 92.95 લાખ ગામડામાં અને 82.32 લાખ શહેરોમાં આવાસ શહેરોમાં આવેલા છે. તાજેતરની મોજણી પ્રમાણે ગુજરાતમાં પરિવારોની સંખ્યા 1.25 લાખ થવા જાય છે જેની સરખામણીએ આવાસોની સંખ્યા વધારે છે. બીજી તરફ આખા ભારતમાં કુલ 24.68 કરોડ પરિવારો રહે છે. આજે પણ ભારત દેશમાં સૌથી વધુ પરિવારો ગામડામાં વસે છે તેથી ભારત એ ગામડાનો બનેલો દેશ છે તે ઉક્તિ યથાવત રહી છે. આશ્ચર્યની બાબત એવી સામે આવી છે કે ગુજરાતમાં મંદિર, મસ્જીદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળોની સંખ્યા 1.82 લાખ જેટલી થવા જાય છે, જેની સરખામણીએ આખા ભારતમાં ધાર્મિક સ્થાનનો આંકડો 30.14 લાખે પહોંચ્યો છે.

દિલ્હીમાં અચ્છે દિન--ચોકીદાર સલામત છે...

ગુજરાતમાં ફરી એકવાર અચ્છે દિન આવી રહ્યાં છે. આ દિવસો સરકાર નક્કી કરવાના છે. નરેન્દ્ર મોદીની સરકાર લોકો માટે અચ્છે દિન લાવી હશે તો ચોક્કસ મોદી માટે અચ્છે દિન આવશે પરંતુ જો બુરે દિન હશે તો મોદી માટે બુરે દિન શરૂ થઇ જવાના છે. જો કે હાલ તો ભારતની રાજધાની નવી દિલ્હીમાં અચ્છે દિન જ ચાલે છે. ભાજપ દાવો કરે છે કે લોકસભાની ચૂંટણીમાં અમને 400 બેઠકો મળવાની છે. પેટ્રોલ અને ડીઝલના રોજના ભાવવધારા સામે દેશની જનતા ચૂપ છે તેથી સરકાર માટે અચ્છે દિન છે. ગાંધીનગરની લોકસભા ટીકીટ નથી મળી છતાં લાલકૃષ્ણ અડવાણી ડાહ્યા થઇ ગયા છે. તેઓ વાત વાતમાં રિસાઇ જતા હતા પણ હવે તેઓ રિસાઇ જતા નથી. ભાજપ માટે આ અચ્છે દિનની નિશાની છે. અન્ના હજારે પાસે નવી યોજના નથી તેથી તેઓ ચૂપ છે અને સરકાર માટે અચ્છે દિન છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ જાણે કે વેકેશન માણી રહ્યાં છે, સરકાર માટે અચ્છે દિન છે. સોનિયા અને રાહુલ સહિત કોંગ્રેસના ટોચના અડધો ડઝન નેતાઓ જામીન પર છે તે મોદી માટે અચ્છે દિન છે. બાબા રામદેવ કે અરવિંદ કેજરીવાલના ધરણાં પ્રદર્શન બંધ થઇ ચૂક્યાં છે. મુલાયમસિંહ યાદવ કોઇ હોટ શબ્દનો પ્રયોગ કરતા નથી. દિગ્વિજયસિંહના દિવસો સારા છે. લાલુ પ્રસાદ યાદવ જેલમાં છે અને નિતીશકુમાર મોદીના ભાઇ બન્યા છે. નરેન્દ્ર મોદી હવે કોઇની ઉપર ગુસ્સે થતાં નથી. સુષ્મા સ્વરાજ એમની મેળે ગોઠવાઇ ગયા છે. અમિત શાહને ગાંધીનગરની બેઠક મળી છે. ભાજપના સિનિયર મોસ્ટ નેતાઓને રાજ્યોમાં ગવર્નરના પદ મળવા લાગ્યા છે. નોટબંધી અને જીએસટીની બોલબાલા છે છતાં વેપારી વર્ગ શાંત છે. બોલો હવે, આને અચ્છે દિન જ કહેવાય ને...!!

2022 અને 2024નું પ્લાનિંગ એકમાત્ર ઉકેલ...

ગુજરાતમાં 2022ની વિધાનસભા અને દિલ્હીમાં 2024ની લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે કોંગ્રેસના નેતાઓ 2019ની ચૂંટણીની સાથે સાથે આ બન્ને ચૂંટણીની તૈયારી કરે તો ગુજરાતમાં ત્રણ વર્ષ પછી અને દિલ્હીમાં પાંચ વર્ષ પછી કોંગ્રેસનો ઉદય થઇ શકે છે. ફેસબુકમાં એક મિત્રએ કોંગ્રેસને સલાહ આપી છે કે-- કોંગ્રેસે 2022 અને 2024ની ચૂંટણીની તૈયારીમાં લાગી જવું જોઇએ, કેમ કે 2017ની વિધાનસભા હાર્યા પછી 2019ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તામાં આવે તેવા કોઇ અણસાર જોવા મળતા નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને એક મેસેજ આપી પડકાર ફેંક્યો હતો કે 2024 લોકસભાની તૈયારી શરૂ કરી દો... બાળકો સાથેની એક પ્રશ્નોત્તરીમાં મોદીએ કહ્યું હતું કે તમે આવતીકાલનું ભાવિ છો. આગામી 10 વર્ષ સુધી તો શાસન કરવામાં મને કોઇ વાંઘો નહીં આવે, આપણે 2024ની તૈયારી શરૂ કરવાની છે. મોદીનું આ વાક્ય સાંભળીને કોંગ્રેસના નેતાઓ છંછેડાયા છે. કોંગ્રેસના એક પ્રદેશ નેતાએ કહ્યું હતું કે લ્યો, સાંભળો.. મોદી 2019ની નહીં પણ 2024ની તૈયારી શરૂ કરી રહ્યાં છે. આપણે તો રાજકારણને તિલાંજલિ આપવી પડશે અથવા તો ભાજપમાં જોડાવવા માટેના ફિલર મોકલવા પડશે, પરંતુ અમારી પાર્ટી જો અત્યારથી જ શરૂઆત કરે તો-- પરિણામ મળે તેમ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:34 am IST)