વિવિધ વિભાગ
News of Monday, 13th January 2020

સરકારી મહેમાન

મહાત્મા મંદિર ભલે સરકારે બનાવ્યું પણ તેનું સંચાલન હોટલ લીલા વેન્ચર કરે છે

રાજ્યના ખાણ માફિયાઓ પાસેથી સરકારને 1200 કરોડનો દંડ લેવાનો બાકી: છેલ્લા પાંચ વર્ષમાં સિંહ અને દિપડાએ 23,000 થી વધુ પશુઓને મારી નાંખ્યા: સૌથી વધુ જીએસટી ચૂકવતાં જિલ્લામાં અમદાવાદ, વડોદરા, કચ્છનો સમાવેશ

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે તે સમયે 500 કરોડ રૂપિયાના ખર્ચે મહાત્મા મંદિર બનાવીને ગાંધીનગરને નવી ઓળખ તો આપી દીધી છે પરંતુ તેનું સંચાલન રાજ્ય સરકાર કરતી નથી. જાળવણીનું પણ પ્રાઇવેટ પાર્ટીને આપી દેવામાં આવ્યું છે. ઉદ્યોગ વિભાગના સૂત્રોએ કહ્યું છે કે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરની ઇન્ડીપેન્ડેન્ટ વાયેબિલીટી વધારવા અને મંદિરને આંતરરાષ્ટ્રીય ધોરણે ચલાવવાની ટેકનિક માટે દિલ્હી સ્થિત લીલા વેન્ચર લિમિટેડને 25 વર્ષ માટે સંચાલન તેમજ જાળવણીનું કામ સોંપવામાં આવ્યું છે. આ કંપનીને મેનેજમેન્ટ ફી તરીકે બેઇઝ ફી અને પ્રોત્સાહક ફી ચૂકવવાનું નક્કી થયું છે. બેઇઝ મેનેજમેન્ટ માટે પ્રત્યેક નાણાકીય વર્ષની કુલ આવકના બે ટકા રકમ તેમજ કુલ નફામાંથી ફી તરીકે ચૂકવેલી રકમ બાદ કરતાં બાકી રહેતા એડજસ્ટમેન્ટ નફામાંથી સંચાલન વર્ષને ધ્યાને લઇ ગ્રોસ ઓપરેટીંગ પ્રોફિટના શૂન્ય ટકા થી 6.5 ટકા સુધીની રકમ પ્રોત્સાહક ફી તરીકે ચૂકવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નોંધનિય છે કે મહાત્મા મંદિરની છેલ્લા બે વર્ષની આવકનો આંકડો 17.50 કરોડ રૂપિયા થયો છે. આ જગ્યાએ બે વર્ષમાં વાયબ્રન્ટ સમિટ સહિત કુલ 51 સરકારી અને 56 ખાનગી કાર્યક્રમો થયાં છે.

સચિવાલયમાં પ્રવેશ લેવો હોય તો રૂપિયા ખર્ચો...

સચિવાલયમાં પ્રવેશ માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એન્ટ્રીકાર્ડની જોગવાઇ શરૂ કરી છે. આ કાર્ડ કર્મચારીઓ ઉપરાંત બિન સરકારી મહેમાનોને આપવામાં આવતા હોય છે. આ એન્ટ્રીકાર્ડ એક વર્ષ સુધી ઉપયોગ કરીને બીજા વર્ષે રિન્યુ કરવામાં આવે છે. બિન સરકારી મહેમાનોની મુલાકાતથી સરકારને એન્ટ્રીકાર્ડની આવક પણ થાય છે. સચિવાલયની સલામતીના કારણોસર એન્ટ્રીકાર્ડ કાઢી આપવાની ફી 200 રૂપિયા નિર્ધારિત કરવામાં આવેલી છે. આ વિભાગે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 6208 મહેમાનોને એન્ટ્રીકાર્ડ આપ્યાં છે જેમાં ઉદ્યોગજૂથોના પ્રતિનિધિઓ ઉપરાંત જેઓને કાયમી સચિવાલયમાં અવર-જવર કરવાની હોય છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એન્ટ્રીકાર્ડથી સામાન્ય વહીવટ વિભાગને પાંચ વર્ષમાં 12.41 લાખ રૂપિયાની આવક થઇ છે. વિભાગે જણાવ્યું છે કે આ કાર્ડ જે તે સંસ્થાની રેપ્યુટેશન જોઇને જે તે વિભાગની ભલામણથી કાઢી આપવામાંઆવતા હોય છે.

પ્રોફેસરો વિનાની બાળકોની યુનિવર્સિટી પણ છે...

વી બિલ્ડ ધ બેસ્ટ એજ્યુકેશન એનવાયર્નમેન્ટ ફોર ચિલ્ડ્રન --એવા રૂપકડાં નામ સાથે ગાંધીનગરમાં 2009માં શરૂ કરવામાં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં સ્ટાફની ભારે અછત પ્રવર્તી રહી છે. આ યુનિવર્સિટીનો ઉદ્દેશ બાળકોનો વિકાસ કરવાનો અને શિક્ષણનું સ્તર સુધારવાનો છે. આ યુનિવર્સિટી બાળકો માટે શિક્ષણમાં નવા સંશોધનો પણ કરતી હોય છે. આ સંસ્થામાં પાંચ પ્રોફેસર, 10 એસોસિયેટ પ્રોફેસર અને 20 આસીસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે પરંતુ હાલની સ્થિતિએ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરોની તમામ જગ્યા ખાલી છે જ્યારે આસીસ્ટન્ટની માત્ર છ જગ્યા જ ભરાયેલી છે. સંસ્થામાં કુલ 29 જગ્યાઓ ખાલી પડી છે. આ સંસ્થાનું લક્ષ્ય બાળકો, શિક્ષકો, માતા-પિતા, કેળવણીકાર ઉપરાંત એમફીલ, પીએચડી વિદ્યાર્થીઓ, આંગણવાડી શિક્ષકો સહિત લાંબા અને ટૂંકાગાળાના અભ્યાસક્રમો છે. આ યુનિવર્સિટી ગાંધીનગરમાં બનાવવામાં આવેલી છે પરંતુ સ્ટાફના અભાવે કેવી રીતે ચાલે છે તે સરકારના શિક્ષણમંત્રીને પૂછવું પડે...

બાળકોનું ભોજન ક્યાં બનાવશો, મોટો પ્રશ્ન...

ગુજરાતની સ્કૂલોમાં બાળકો અભ્યાસ કરવા આવે તે આશયથી શરૂ કરેલી મધ્યાહ્ન ભોજન યોજનામાં સૌથી મોટું વિધ્ન આવ્યું છે. રાજ્યની કેટલીક સ્કૂલોમાં બાળકોના ભોજન માટે કેટલીક સંસ્થાઓને રૂપિયા ચૂકવીને તેમની પાસેથી ભોજન ખરીદવામાં આવે છે પરંતુ કેટલીક જગ્યાએ સ્કૂલના એક ખૂણામાં બાળકો માટેના ભોજન બનતાં પણ હોય છે. એવું ધ્યાને આવ્યું છે કે સ્કૂલોમાં બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા હોતી નથી. વીજળીનું જોડાણ હોતું નથી. બાળકો માટે ટોયલેટ હોતું નથી. કેટલીક સ્કૂલોમાં બાળકોને રમવા માટેના મેદાન પણ નથી. પૂરતા ઓરડા કે શિક્ષકો પણ હોતા નથી. હવે મધ્યાહ્ન ભોજન બનાવવા માટેના અલગ ઓરડા પણ નથી. રાજ્યની 800 જેટલી સ્કૂલો એવી છે કે મધ્યાહ્ન ભોજન બનાવવા માટે સ્કૂલો પાસે અલગથી ઓરડા પણ મોજૂદ નથી. સરકારમાં વારંવાર ફરિયાદ કરવામાં આવે છે ત્યારે શિક્ષણ વિભાગ એવો જવાબ આપે છે કે-- ગ્રાન્ટ અને જમીન ઉપલબ્ધ થયા પછી ભોજન બનાવવાના ઓરડા બનાવવામાં આવશે.

GST ચૂકવતા રાજ્યના ટોપ ફાઇવ જિલ્લા...

ગુજરાતમાં સૌથી મોટી આવક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની છે. આ આવક ક્યા જિલ્લામાંથી કેટલી મળે છે તેના આંકડા પણ રસપ્રદ છે. રાજ્યમાં સૌથી વધુ જીએસટી ભરતું શહેર અને જિલ્લો અમદાવાદ છે. અમદાવાદ જિલ્લામાંથી જીએસટીની સૌથી વધુ આવક રાજ્ય સરકારને મળે છે. બીજાક્રમે વડોદરા જિલ્લો, ત્રીજાક્રમે કચ્છ જિલ્લો, ચોથા ક્રમે સુરત અને પાંચમે જામનગર જિલ્લો આવે છે. આમ તો રાજ્યના કુલ 33 જિલ્લામાંથી જીએસટીની આવક સરકારને મળી રહી છે પરંતુ આ પાંચ જિલ્લા જેટલી આવક બીજા કોઇ જિલ્લાની નથી. ચાર આંકડાની આવક સુધી પહોંચેલો અન્ય એક જિલ્લો ભરૂચ છે, બાકીના જિલ્લાઓમાં આવક ત્રણ અંકોમાં થાય છે. રાજ્યના આદિવાસી વિસ્તારના જિલ્લા જેવાં કે અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં જીએસટીની આવક ખૂબ ઓછી જોવા મળે છે. ઓછી આવકનું કારણ આ વિસ્તારોમાં ઉદ્યોગોની અછત કહી શકાય છે.

સિંહ-દિપડાએ 23000થી વધુ પશુ મારી નાંખ્યા...

ગુજરાતના જંગલ વિસ્તારમાં આવેલા સિંહ, દીપડા અને અન્ય હિંસક પ્રાણીઓ હવે નવા શિકારની શોધમાં છે. જંગલ વિસ્તાર ઘટતો જતો હોવાથી અને હિંસક પ્રાણીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં હિંસક પ્રાણીઓ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ઘૂસી જવાના બનાવો બને છે. રાજ્યમાં સિંહ માનવીઓ પર હુમલો કરતો નથી પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં દિપડાના માનવીઓ પરના હુમલા વધ્યા છે. રાજ્યમા છેલ્લા પાંચ વર્ષમાં હિંસક પ્રાણીઓના હુમલાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં 23000થી વધુ દૂધાળાં અને બિન દુધાળાં પશુઓ શિકાર બને છે. પશુ મારણના બનવાનો રાજ્યના તમામ જિલ્લાઓમાં બને છે. પાંચ વર્ષની એવરેજ 4000 પશુઓની છે પરંતુ છેલ્લા વર્ષમાં કુલ 5536 પશુઓના શિકાર થયાં છે. એટલે કે આંકડો વધતો જાય છે. રાજ્યનો પશુપાલક તેમના દૂધાળાં પશુઓને હિંસક હુમલા સામે બચાવી શકતા નથી ત્યારે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા પશુપ્રમાણે પાલકને સહાય આપવામાં આવે છે. સરકાર ગાય, ભેંસ, ઉંટ માટે 30000, બકરી અને ઘેટાં માટે 300, ઉંટ, ઘોડા અને બળદ માટે 25000 તેમજ પાડી, પાડા, કે વાછરડાં માટે 16000 રૂપિયા આપે છે. રાજ્યમાં પાંચ વર્ષમાં કુલ 23088 પશુઓનો શિકાર કરવામાં આવેલો છે.

ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં ખનીજ ચોરી...

ગુજરાતમાં ખનીજ ચોરીના કિસ્સા ક્યારેય ઘટ્યાં નથી. વર્ષોવર્ષ તેમાં વધારો થતો રહે છે. સરકાર રાજ્યની જમીનમાંથી ખનીજો કાઢવાની લીઝ કે પરમિશન આપે છે પરંતુ ગેરકાયદે ખનીજકામનો એટલો મોટો ધંધો ચાલે છે કે જેમને ખનીજ માફિયા નામ આપવામાં આવતા હોય છે. દેશના બીજા રાજ્યોમાં હોય છે તેવા ખનીજ માફિયાઓ ગુજરાતમાં પણ સક્રિય છે. રાજ્યના ખનીજ માફિયાઓ પ્રતિવર્ષ સરેરાશ 100 કરોડ રૂપિયાનો દંડ ભરતા હોય છે. ગુજરાતમાં ખનીજની રોયલ્ટી પેટે રાજ્ય સરકારને વર્ષે 5000 કરોડ રૂપિયા મળે છે પરંતુ એનાથી મોટી રકમની ખનીજોની ચોરી થાય છે. સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ખનીજ માફિયાઓ પાસેથી કુલ 300 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે પરંતુ તેનાથી 10 ગણી રકમનું ખનીજ ગેરકાયદે ચાલ્યું ગયું છે, આમ છતાં ખનીજ ચોરી પેટે ખાણ માફિયાઓ પાસેથી સરકારને હજી 1200 કરોડ રૂપિયાના દંડની રકમ વસૂલવાની બાકી છે. સૌથી વધુ દંડની રકમ પૈકી અમદાવાદમાં 405 કરોડ, દ્વારકામાં 200 કરોડ, ગીર સોમનાથમાં 130 કરોડ અને ભાવનગરમાં 100 કરોડ બાકી છે. પાંચ વર્ષમાં ખાણ અને ખનીજ રોયલ્ટી ચોરીના સૌથી વધુ કેસો છોટાઉદેપુર અને સુરત જિલ્લામાં નોંધાય છે. એ ઉપરાંત સૌથી વધુ ખનીજ ચોરી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર અને નવસારીમાં થતી હોય છે. ખનીજ ચોરીમાં ડાંગને બાદ કરતાં રાજ્યનો એકપણ જિલ્લો બાકાત નથી. પાંચ વર્ષમાં રાજ્યમાં 22 હજાર કરતાં પણ વધારે કેસો નોંધાયેલા છે. એક વર્ષની એવરેજ કાઢીએ તો પ્રતિવર્ષ રાજ્યમાં 4000 કરતાં વધુ કેસો થતાં હોય છે.

ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે...

ગુજરાત ભાજપમાં સંગઠનની ચૂંટણીમાં ત્રણ મહિનાનો વિલંબ થયો છે. હવે આ મહિનાના અંત સુધીમાં જિલ્લા પ્રમુખો તેમજ રાજ્ય પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિયુક્તિ થાય તેવી સંભાવના છે. સંગઠનના મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો વચ્ચે ચર્ચા થઇ છે. પાર્ટીના સૂત્રો કહે છે કે હાલના એડહોક પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને બીજો ચાન્સ મળે તેમ નથી. પાર્ટીના નવા પ્રમુખ પાટીદાર અથવા તો ઓબીસી સમુદાયમાં આવશે તે પણ નિશ્ચિત છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(10:22 am IST)