વિવિધ વિભાગ
News of Monday, 23rd December 2019

સરકારી મહેમાન

કેબિનેટના સભ્યોનો હિસાબ: દિલ્હીમાં PM જે કાર્ય કરે તે ગુજરાતમાં CM પણ કરી શકે છે!

અહીં એક એવા સંવેદનશીલ મંત્રી છે કે, કામગીરી નબળી પણ અવાજ બુલંદ છે : મોદીએ યુપીએ શાસન સમયે વાપરેલાં સૂત્રો-- ભાજપે ખરીદ્યા, કોંગ્રેસ વાપર્યા: ઉદ્યોગજૂથો ખેડૂતોના ખેતર લીઝ પર લઇ સજીવ ખેતી ના કરી શકે?, વિચાર કરો

કેન્દ્ર કે રાજ્ય સરકાર અધિકારીઓ તેમજ કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન નક્કી કરતી હોય છે તેવી જ રીતે કેબિનેટના મંત્રીઓનું પણ મૂલ્યાંકન હોવું જોઇએ તેવું ગુજરાતના એક સિનિયર અધિકારીએ કહ્યું છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કેબિનેટના સભ્યોનું પરફોર્મન્સ જોતા હતા પરંતુ તેમના દિલ્હી ગયા પછી છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત સરકારમાં કેબિનેટના સભ્યોનું પરફોર્મન્સ મેળવવામાં આવ્યું નથી. ક્યા મંત્રી કેવું કામ કરે છે અને ક્યા મંત્રીએ કેવા પ્રકારના નિર્ણયો લીધા કે કેટલા કામો કર્યા તેનો હિસાબ સામાન્ય રીતે મુખ્યમંત્રીએ લેવાનો હોય છે. ગુજરાતમાં મોદી આવું કરતા હતા. હવે તેઓ વડાપ્રધાન છે તેથી કેન્દ્રીય કેબિનેટના સભ્યોનું પરફોર્મન્સ જુવે છે. તાજેતરમાં જ તેમણે આદેશ આપ્યો હતો કે કેન્દ્રના પ્રત્યેક મંત્રીએ તેમના કામનું પરફોર્મન્સ બતાવવું પડશે. આ અધિકારી કહે છે કે "સરકારમાં જો આવું મૂલ્યાંકન થાય તો નાગરિકોની ફરિયાદોમાં નિયંત્રણ આવી શકે અને પ્રજાલક્ષી યોજનાઓ શરૂ કરવામાં સૂચનો મળતા રહે. પેન્ડીંગ ફાઇલો માટે માત્ર અધિકારીઓ જ નહીં, રાજ્ય સરકારના મંત્રીઓ પણ એટલા જ જવાબદાર હોવા જોઇએ. આ સપ્તાહમાં રૂપાણી તેમની બીજી ટર્મના શાસનના બે વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે ત્યારે તેમણે કેબિનેટના સભ્યો પાસેથી હિસાબ માગી આ પરફોર્મન્સના આધારે કેબિનેટનો વિસ્તાર અને વિભાગોમાં ફેરફારો કરવા જોઇએ."

કૃષિમંત્રી-- કામગીરી નબળી પણ અવાજ બુલંદ...

કોણ કહે છે કે ભાજપની સરકાર સંવેદનશીલ નથી, ખોટી વાત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જેટલા સંવેદનશીલ છે તેટલા તેમના વિભાગના કેટલાક મંત્રીઓ પણ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વાત ન્યારી છે. અલગ છે. તેમની કામ કરવાની પદ્ધતિ એવી છે કે કોઇ સાચો અને ન્યાયની વાત કરતો મુલાકાતી તેમની ચેમ્બરમાં ક્યારેય નિરાશ કે નારાજ થતો નથી. ગુજરાત સરકારના કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફલદુની કામ કરવાની પદ્ધતિ પણ કાબિલેદાદ છે. વિભાગની કામગીરીમાં ભલે તેઓ નબળા સાબિત થયાં છે પરંતુ તેઓ ઓફિસમાં હોય ત્યારે પ્રત્યેક મુલાકાતીને મળે છે. મુલાકાતીની હાજરીમાં જ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે વાત કરીને વિષયને પરિણામલક્ષી પૂર્ણ કરવાની સીધી સૂચના આપે છે. તેઓ કહે છે કે, ‘હું અરજદાર ભાઇને આપની પાસે મોકલું છું, તેમને ન્યાય આપજો, નિરાશ કરશો નહીં.’ એક કેસમાં તો તેમણે વિભાગના અધિકારીને ત્યાં સુધી કહ્યું હતું કે- “આવા બકવાસ આદેશો મહેરબાની કરીને બહાર પાડશો નહીં. આપણે લોકોની સેવા કરવા માટે બેઠાં છીએ. દૂર અંતરથી આવેલો મુલાકાતી નિરાશ થઇને પાછો જાય તો તેમાં સરકારનું નુકશાન છે. તમે તઘલખી નિર્ણયો લઇ શકો નહીં...”

ભીડ વચ્ચે સ્વર્ણિમ સંકુલમાં શ્વાસ રૂંધાય છે...

સોમવારે જનતાના દિવસે તેમજ મંગળવારે ધારાસભ્ય અને સંસદસભ્યના અનામત દિવસે સચિવાલયમાં એટલી મોટી સંખ્યામાં ટોળાં આવે છે કે સ્વર્ણિમ સંકુલના તમામ મજલા સબ્જી માર્કેટ જેવા બની જાય છે. કેટલીક વખત સલામતી રક્ષકોને ટ્રાફિક કન્ટ્રોલ કરવો અઘરો પડે છે. સચિવાલયમાં કામો થાય છે તેવી છાપ લઇને જતાં મુલાકાતીઓને ક્યાંય સારો તો ક્યાંક ખરાબ અનુભવ થાય છે. ગાંધીનગરનું સ્વર્ણિમ સંકુલ આ બન્ને દિવસોએ હાઉસફુલ હોવાનું મુખ્ય કારણ એ છે કે એક ધારાસભ્ય સચિવાલયમાં એન્ટ્રી લેતા હોય છે ત્યારે તેમની પાસે 15 થી 20 સમર્થકોનું મોટું ટોળું જોવા મળે છે. એક કામ માટે આટલી મોટી સંખ્યામાં સમર્થકો લાવવાનું કારણ મંત્રીઓના અગત સ્ટાફને પણ સમજાતું નથી. ઘણી વખત મુલાકાતીઓની ભીડ વધી જતાં શ્વાસ રૂંધાય છે. સ્વર્ણિમમાં જેવી ભીડ હોય છે તેવી ભીડ સચિવાલયના પાર્કિંગ પ્લોટ્સમાં પણ જોવા મળે છે. મુલાકાતીઓ વધતા સંકુલ નાનું પડે છે, પરંતુ માર્ગ-મકાનના ઇજનેર કહે છે કે આ સંકુલનું એક્સપાન્શન કરવું શક્ય નથી. જો એના કરતાં મુખ્યમંત્રી અને મંત્રીઓની ઓફિસો સચિવાલયમાં (પહેલાં હતી ત્યાં) હોય તો શ્વાસ રૂંધાવાનો કોઇ પ્રશ્ન ઉભો થઇ શકે નહીં.

કૃષિ સેક્ટરમાં ઉદ્યોગોનું રોકાણ થવું જોઇએ...

ગુજરાતમાં કૃષિ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ આ દરજ્જા પ્રમાણે કામ થતાં નથી. કૃષિને જો ઉદ્યોગનો દરજ્જો હોય તો નરેન્દ્ર મોદીના નકશેકદમ ગુજરાતમાં એગ્રીકલ્ચર વાયબ્રન્ટ સમિટ કેમ થતી નથી. છેલ્લે 2011માં જ્યારે મોદીએ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ કરી હતી ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે હવે ગુજરાતમાં એક વર્ષ એગ્રીકલ્ચર સમિટ થશે અને એક વર્ષ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થશે. 2013માં સપ્ટેમ્બર મહિનામાં મોદીના નેતૃત્વમાં મહાત્મા મંદિરમાં જાયન્ટ એગ્રીકલ્ચર ગ્લોબલ સમિટ થઇ હતી. મોદીએ કહ્યું હતું કે હવે દર બે વર્ષે એગ્રી સમિટ થશે પરંતુ બે વખત થયા પછી આ સમિટ બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના કૃષિ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે "કૃષિ સમિટનો ઉદ્દેશ ખેડૂતો માટે હોય છે. તેમના વ્યવસાયમાં પણ નવું મૂડીરોકાણ આવે તે જરૂરી છે. તેમને પણ ઉદ્યોગ જેવા પ્રોત્સાહન મળવા જોઇએ. ઉદ્યોગોને ખેતી કરવા માટે સરકાર ખેડૂતોની જમીન લીઝમાં અપાવી શકે તેમ છે. આપણે બે વર્ષે એક ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ કરવી જોઇએ કે જેથી ખેડૂતો અને ખેતીને પ્રોત્સાહન મળી રહે."

સરકારમાં વિભાગવાર ટ્રેઇનિંગ સેન્ટર બનાવો...

નિવૃત્ત થયેલા ઓફિસરને રિ-એપોઇન્ટ કરતી ગુજરાત સરકાર એવું માને છે કે અનુભવી કર્મચારીઓ વહીવટી કામમાં ઝડપ લાવી શકે છે. સરકારને તેના અનુભવનો નિચોડ મળે છે. કાયદા કાનૂનનું પણ તેને જ્ઞાન હોય છે. જો કે સરકારની આ સોચ ભૂલભરેલી છે, કેમ કે એક યુવાન જેટલું ઝડપથી કામ કરે છે તે નિવૃત્ત થયેલો ઓફિસર કરી શકતો નથી. નવા જોડાયેલા કર્મચારીને વિભાગની કામગીરી ફાવતી ન હોય તો તેને શિખવા માટે એક કે બે મહિના બસ છે. સરકારના વિવિધ વિભાગો તેમજ અર્ધસરકારી સંસ્થાઓમાં અંદાજે 2500 જેટલા કર્મચારીઓ વયનિવૃત્તિ પછી પણ નોકરીમાં ચાલુ છે પરંતુ સરકારે ટ્રેઇનિંગ સેન્ટર બનાવીને નવા કર્મચારીઓને તાલીમ આપી શકે તેવા અનુભવી નિવૃત્ત અધિકારીઓને પોસ્ટીંગ આપવા જોઇએ કે જેથી નવી પેઢી તૈયાર થઇ શકે. આ નિયુક્તિ વિભાગવાર કરવી જોઇએ. જેમ કે મહેસૂલના અનુભવી નિવૃત્ત અધિકારીને મહેસૂલના નવા કર્મચારીઓને તાલીમ આપવાનું કામ સોંપવું જોઇએ. સચિવાલયમાં 45 ટકા જેટલી ઓફિસો ખાલી પડી છે તેમાં સરકારના વિવિધ વિભાગ પ્રમાણેના 26 ટ્રેઇનિંગ સેન્ટરો ખોલી શકાય તેમ  છે.

શૂટીંગના સ્થળોમાં મંદિર, સ્ટેચ્યુનો સમાવેશ...

ગુજરાતમાં દર મહિને એક ગુજરાતી ફિલ્મ બને છે અને તેના શૂટીંગનું લોકેશન ગુજરાતની જ ભૂમિ હોય છે. હાલ રાજ્યમાં ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ છે તેથી ફિલ્મ નિર્માતાઓ વધુને વધુ ફિલ્મો બનાવી રહ્યાં છે. ફિલ્મોના શૂટીંગની વધતી જતી માગણીને ધ્યાને લઇને રાજ્ય સરકારે વિવિધ સ્થળોએ ફિલ્મો માટે શૂટીંગની પરવાનગી આપી છે. ભૂતકાળમાં અનેક હિન્દી ફિલ્મોના શૂટીંગ ગુજરાતમાં થયા છે પરંતુ તે સમયે ફિલ્મના નિર્માતા-નિર્દેશકોને ખબર ન હતી કે ગુજરાત પાસે શૂટીંગના લોકેશનનો ખજાનો છે. ગુજરાત સરકારે પ્રથમવાર ટુરિસ્ટ ડેસ્ટીનેશનની જેમ ફિલ્મ શૂટીંગ માટેના લોકેશન શોધી કાઢ્યા છે. બોલીવુડની ફિલ્મો હવે ગુજરાતની ધરતી ઉપર પણ બની શકે છે, કેમ કે રાજ્યના ટુરિઝમ કોર્પોરેશને ફિલ્મ શૂટીંગ માટેના એવાં 100 જેટલા સ્થળો નક્કી કર્યા છે કે જ્યાં ફિલ્મ શૂટીંગ માટેની જગ્યા ભાડે આપવામાં આવશે. ગુજરાતના ઉત્તમ લોકેશનમાં સૌ પ્રથમ સાપુતારા આવે છે, ત્યારપછી પોળોના જંગલો આવે છે. એ ઉપરાંત હાલના ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં દરિયાકિનારાના સ્થળો, કચ્છનું રણ, ધોળાવીરા જેવા પૌરાણિક શહેરો, ધાર્મિક સ્થળો, રજવાડી મહેલો તેમજ અભ્યારણ્યોનો સમાવેશ થાય છે. ટુરિઝમ કોર્પોરેશને ગાંધીનગરના મહાત્મા મંદિરની જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ ફિલ્મ શૂટીંગ માટે પસંદ કર્યું હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ ફિલ્મોના શૂટીંગ થશે. આ બન્ને સ્થળોનો ફિલ્મ શૂટીંગમાં સમાવેશ થતાં એવું કહી શકાય કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સ્મારકો સરકારને રોકડી કરાવી શકે છે.

રહેઠાણ ઓછાં થતાં જંગલી પ્રાણીઓ વસતીમાં...

ગીર અભ્યારણ્યના સિંહો માનવવસતીમાં આવી જાય છે તે વાત તો બહુ જૂની છે પરંતુ હવે તો શહેરોના ભરચક વિસ્તારમાં પણ જંગલી પ્રાણીઓ ઘરમાં ઘૂસી જાય છે. સાબરમતી નદીમાં થઇને ગાંધીનગરના સચિવાલય સુધી દિપડા ઘૂસી જાય છે. જંગલી નીલગાય ગાંધીનગરના સેક્ટરોમાં ફરતી થઇ છે અને લોકોના આવાસમાં પક્ષીઓ ઘુસીને ફ્રુટ કે અન્ય ખાદ્યસામગ્રી પર તરાપ મારે છે. ગાંધીનગરના જંગલ વિસ્તાર અને આસપાસના ખેતરોમાં જોવા મળતું રાષ્ટ્રીય પ્રાણી મોર હવે તો જાહેર માર્ગો પર આવી જાય છે. સામાન્ય રીતે માનવીઓની વસતી વધે છે તેમ પ્રાણીઓ અને પક્ષીઓની વસતી પણ વધતી જાય છે. રાજ્યમાં પાંચ જગ્યાએ ગામડાઓમાં દિપડાએ ઘૂસીને ધમાલ કરી છે. લોકો પર હુમલા કરે છે. આવું કેમ થાય છે તેનો સીધો જવાબ વન વિભાગના એક અધિકારીએ આપ્યો છે. તેમના કહેવા પ્રમાણે-- રાજ્યમાં જંગલી પ્રાણીઓની વસતી પણ વધતી જાય છે પરંતુ તેમના રહેઠાંણ ઓછા થઇ રહ્યાં છે તેથી તેઓ માનવ વસતી તરફ આગળ વધી રહ્યાં છે. જો આપણે તેમના રહેઠાણને સાચવીશું નહીં તો માનવ વસ્તી માટે જોખમી સમય પણ આવી શકે છે.

રૂપિયા ખર્ચ્યા ભાજપે, વાપરે છે કોંગ્રેસના નેતાઓ...

દેશમાં જ્યારે કોંગ્રેસ પ્રેરિત યુપીએની સરકાર હતી ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને થતા અન્યાય માટે બનાવેલા સૂત્રો હવે કોંગ્રેસને કામ લાગે છે, કારણ કે ભાજપ હવે તે સૂત્રોને વાપરી શકે તેમ નથી. મોંઘવારી, બેકારી, નિષ્ફળ કાયદો અને વ્યવસ્થા, ગરીબોને અન્યાય અને ભાવવધારો જેવા વિવિધ મુદ્દાઓને સાંકળીને ભાજપે ચૂંટણીલક્ષી સૂત્રો બનાવ્યા હતા જેનો પ્રહાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પ્રેરિત યુપીએ શાસનમાં કરીને વિજય મેળવ્યો હતો. આ સૂત્રો બનાવવા માટે ભાજપે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે કોંગ્રેસને જલસા પડી ગયા છે, કેમ કે પાર્ટીને નવા સૂત્રો બનાવવા માટે રૂપિયા ખર્ચવાની જરૂર નથી. કેન્દ્રનો હડહડતો અન્યાય.. કેન્દ્રનું ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન... ગુજરાતને કેન્દ્રની થપ્પડ... આવા સૂત્રો હવે કોંગ્રેસને કામ લાગે છે. કારણ એવું છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે. કેન્દ્રનો અન્યાય હોય તો પણ-- ગુજરાત સરકારના મંત્રીઓ કે પ્રદેશ ભાજપના નેતાઓ “કેન્દ્રનો અન્યાય” એવો શબ્દ હવે વાપરી શકતા નથી. કોંગ્રેસના એક પ્રદેશ નેતાએ ટીખળમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દિલ્હી જતાં જતાં કોંગ્રેસને આ સૂત્રોની ગિફ્ટ અમને આપતા ગયા છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:45 am IST)