વિવિધ વિભાગ
News of Monday, 23rd September 2019

સરકારી મહેમાન

અરવિંદ અગ્રવાલ એપ્રિલમાં વય નિવૃત્ત થશે: મુખ્ય સચિવ તરીકે સંગીતા સિંઘની સંભાવના

સચિવાલયના મુલાકાતીઓને હવે કાચના ગ્લાસમાં નર્મદાનું પાણી પીવા મળશે: CM રૂપાણીએ પોઇઝન-ફ્રી ઝૂંબેશ શરૂ કરીને આઉટસોર્સિંગથી ભરતી કરવી જોઇએ : ગુજરાતના મુખ્યમંત્રી CS જેએન સિંહને વધુ એક એક્સટેન્શન આપવાના મૂડમાં છે

ગુજરાતના વહીવટી વડા તરીકે સચિવાલયમાં સંગીતાસિંઘની અટકળો તેજ બની છે. 1986 બેચના ગુજરાત કેડરના આ મહિલા આઇએએસ અધિકારીનું નેટીવ દિલ્હી છે. તેઓ જેએનયુના સ્ટુડન્ટ પણ રહી ચૂક્યાં છે. આ સાથે ગુજરાતના કેટલાક સિનિયર આઇએએસ ઓફિસરોની નિવૃત્તિવય નજીક આવી રહી છે જેમાં રાજ્યના ચીફ સેક્રેટરી પદ માટે ઇચ્છુક અરવિંદ અગ્રવાલ એપ્રિલ 2020માં વય નિવૃત્ત થઇ રહ્યાં છે. તેઓ હાલ ફાયનાન્સ વિભાગમાં અધિક મુખ્ય સચિવ પદે કાર્યરત છે, તેમના હરીફ માનવામાં આવે છે તેવા મહિલા અધિકારી સંગીતાસિંઘ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પદે છે અને તેઓ ઓક્ટોબર 2020માં વયનિવૃત્ત થવાના છે. સચિવાલયના સૂત્રો કહે છે કે ગુજરાતમાં અનેક દાખલા એવા છે કે ચીફ સેક્ટેરી પદે નિયુક્ત થયેલા ઓફિસર ફાયનાન્સ અથવા તો ગૃહ વિભાગના વડા જોવા મળ્યા છે. ભૂતકાળમાં બલવંતસિંહ ગૃહ વિભાગના વડા હતા અને અચલકુમાર જોતિ ફાયનાન્સ વિભાગના વડા હતા. વહીવટના સુપ્રીમ પદ માટે ઓર્ડરની રાહ જોતાં બન્ને ઓફિસરો તેમની ચેમ્બરમાં મોડી સાંજ સુધી બેસી રહ્યાં હતા પરંતુ છેવટે મુખ્યમંત્રીએ અચલ કુમાર જોતિના નામનો ઓર્ડર ઇસ્યુ કર્યો હતો. ગુજરાતના સિનિયર અધિકારીઓ પૈકી સુજીત ગુલાંટી, પીકે ગેરા અને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયેલા ગીરીશચંદ્ર મુર્મુ આ વર્ષે નવેમ્બરમાં વયનિવૃત્ત થાય છે. સંગીતાસિંઘ પહેલાં તેમના પતિદેવ અને 1986 બેચના ગુજરાત કેડરના અધિકારી સંજય પ્રસાદ સપ્ટેમ્બર 2019માં નિવૃત્ત થવાના છે. તેમના પત્નીને ગુજરાતમાં સર્વોચ્ચ પદ મળે તેવી સંભાવના છે. 2020માં વયનિવૃત્ત થનારા અન્ય સિનિયર આઇએએસ અધિકારીઓમાં ડીએન પાંડે (ફેબ્રુઆરી), અતનુ ચક્રવર્તી (એપ્રિલ), પુનમચંદ પરમાર (જુલાઇ), અનિલ મુકીમ (ઓગષ્ટ), પીડી વાઘેલા (સપ્ટેમ્બર) અને મહિલા આઇએએસ અનુરાધા મલ્લ (ઓક્ટોબર) નો સમાવેશ થાય છે.

હવે પોઇઝન-ફ્રી ફૂડનું અભિયાન ચલાવો...

ટોબેકો અને પ્લાસ્ટીક ફ્રી ના કડક અમલ પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોઇઝન-ફ્રી ફૂડનું અભિયાન શરૂ કરવાની આવશ્યકતા છે, કેમ કે આજે બજારમાં મળતાં શાકભાજી અને ફળોમાં એટલી માત્રામાં કેમિકલ હોય છે કે જે ખાવામાં ઉપયોગ કરવાથી અનેક રોગ થાય છે. ગુજરાતમાં જંતુનાશક દવાઓ અને કેમિકલમાં પકવવામાં આવતા ફળો પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. અન્ન અને કઠોળમાં થતી ભેળસેળ રોકવાની પણ એટલી જ જરૂર છે. આજે લોકોને ચોખ્ખુ દૂધ અને ઘી મળતાં નથી. આરોગ્યની સંભાળ માટે સરકાર બજેટ ફાળવે છે અને નવી નવી સ્કીમો જાહેર કરે છે પરંતુ ભેળસેળ અને કેમિકલના ઉપયોગ પર કોઇ નિયંત્રણ નથી. આપણા કાયદા છે પરંતુ તેનું પાલન કરનારો વર્ગ નથી. સરકાર એક પછી એક ઝૂંબેશ શરૂ તો કરે છે પરંતુ તેના માટે સરકારમાં અલાયદો સ્ટાફ નથી. એક નિવૃત્ત અધિકારીએ કહ્યું હતું કે ટોબેકો, પ્લાસ્ટીક અને પોઇઝન-ફ્રી અભિયાન માટે સરકારે આઉટસોર્સિંગ કરીને સ્ટાફની ભરતી કરવી જોઇએ કે જેથી બેકાર યુવાનોને નોકરી પણ મળી રહશે અને સરકારનો ઉદ્દેશ સફળ થશે.

MV એક્ટ એક્ટની જવાબદારી બે મહિલાના માથે...

ગુજરાતમાં નવા મોટર વાહન કાયદાનું પાલન શરૂ કરવામાં આવ્યું છે પરંતુ મહત્વની બાબત એવી છે કે આ નવા કાયદાની અમલવારી કરાવનાર બે મહિલા આઇએએસ ઓફિસરો છે. આ ઓફિસરોમાં એક સંગીતાસિંઘ કે જેમનું નામ રાજ્યના મુખ્યસચિવ પદ માટે સચિવાલયમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે તે છે. તેઓ હાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પદે છે. બીજા મહિલા આઇએએસ અધિકારી સુનયના તોમર છે કે જેઓ વાહન વ્યવહાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી છે. સરકારે હેલમેટ અને પીયુસીનો અમલ 15મી ઓક્ટોબરથી શરૂ કરવાનું નક્કી કર્યું છે પરંતુ લોકોના વ્યાપક વિરોધ વચ્ચે આ અમલની મુદ્દત હજી પણ લંબાઇ શકે છે. સચિવાલયમાં એવું કહેવાય છે કે આ કાયદાના અમલમાં ડ્રાઇવર સીટ પર બે મહિલા અધિકારીઓ છે, જેઓ અમલ લાગુ કરવાના મૂડમાં છે. 16મી સપ્ટેમ્બરે શરૂ થયેલો નવો કાયદો હાલ તો અનિશ્ચિતતા ભણી કૂચ કરી રહ્યો છે. આ કાયદાની અસરથી વાહન વ્યવહાર વિભાગની આવકમાં ત્રણ થી ચાર ગણો વધારો થઇ શકે છે. ગયા વર્ષે રાજ્યમાં ટ્રાફિક નિયમનનું પાલન કરવામાં સરકારને 105 કરોડની આવક થઇ હતી જ્યારે આ વર્ષે નવા કાયદામાં દંડની રકમમાં વધારો જોતાં એવો અંદાજ બાંધવામાં આવ્યો છે કે વિભાગની આવક 200 કરોડ સુધી પહોંચી શકે છે.

CM રૂપાણી માટે સિંહ ઇઝ કિંગ છે...

ગુજરાતના વહીવટી વડા એટલે કે રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત જગદીપ નારાયણ સિંહને વધુ છ મહિનાનું એક્સટેન્સન મળી શકે છે તેવી સચિવાલયમાં હવા છે. તેઓ આ વર્ષે મે મહિનામાં વયનિવૃત્ત થયા હતા પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભલામણના કારણે તેમને વધુ છ મહિના સુધી એટલે કે નવેમ્બર 2019 સુધી એક્સટેન્શન મળી ગયું છે. હવે ફરીથી તેમને ત્રણ કે છ મહિનાનું એક્સટેન્શન આપવાની વાતો ચાલે છે. સચિવાલયના સૂત્રો કહે છે કે દેશના કેટલાક રાજ્યોમાં ચીફ સેક્રેટરીને બે વખત એક્સટેન્શન મળેલા છે. જેએન સિંહ અને વિજય રૂપાણીનો તાલમેલ સારો છે. ગુજરાત સરકારની તમામ વહીવટી પ્રક્રિયા જેએન સિંહને માથે છે એટલે રૂપાણીને રાહત છે. રૂપાણી ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ જેએન સિંહ સારા સબંધો ધરાવે છે. કેન્દ્ર સરકારમાં પણ એવા દાખલા છે કે ચીફ સેક્રેટરીની સમકક્ષનો હોદ્દો ધરાવતા આઇએએસ ઓફિસરોને અનેક વખત એક્સટેન્શન મળેલું છે. આમ પણ સિંહ એ ગુજરાત સરકાર માટે કિંગ સાબિત થયેલા છે. ગુજરાતની બ્યુરોક્રેસી સાથે પણ તેઓ બેલેન્સીંગ એક્ટ પ્રમાણે કામગીરી કરી રહ્યાં છે.

સચિવાલયમાં રોજની 12500 બોટલો જોઇએ છે...

ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો અંત આવી રહ્યો છે ત્યારે સચિવાલયમાં સીએમઓ, કેબિનેટના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના મુલાકાતી ખંડમાં મળતી પાણીની પાંચ કે દસ રૂપિયાના દરની બોટલો બંધ થવાની છે. બીજી ઓક્ટોબરથી ગુજરાત સરકાર પ્લાસ્ટીક ફ્રી સ્ટેટ માટે અભિયાન ઉપાડી રહી છે. સરકારના વહીવટી તંત્રને કહેવાની ઇચ્છા થાય છે કે, રેવા એટલે કે નર્મદા નદીનું શુદ્ધ જળ જ્યારે આપણને પીવા માટે મળતું હોય ત્યારે ખાનગી કંપનીની પાણીની બોટલની કોઇ વેલ્યુ નથી. સચિવાલયમાં તો પાણી માટે ફરી પાછા કાચના ગ્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ગ્લાસમાં નર્મદાનું જળ આપવામાં આવે છે. સરકારને કાચના ગ્લાસ માટેના ઓર્ડર વિભાગો તરફથી મળવાના શરૂ થઇ ચૂક્યાં છે. નર્મદા નહેરનું પાણી જ્યાં આપવામાં આવે છે ત્યાં પીવા માટે પ્રતિ 1000 લીટર પાણીનો દર બે રૂપિયા કરતાં પણ ઓછો છે. ગાંધીનગરની એક સરકારી ઓફિસમાં રોજના એવરેજ 100 મુલાકાતી ગણવામાં આવે તો પાંચ રૂપિયાના દરની રોજની 500 બોટલો જોઇએ, જેનો ખર્ચ 2500 રૂપિયા થાય છે. સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓની ચેમ્બરોની સંખ્યા 50 ગણવામાં આવે તો રોજની 12500 બોટલો જોઇએ. એટલે કે પાંચ રૂપિયાની એક બોટલનો કુલ ખર્ચ 22500 રૂપિયા થાય છે. પીવાના પાણી માટે આટલો મોટો ખર્ચ સિગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવાથી બચી જશે.

રામ અને પાંડવો કરતાં બમણો વનવાસ...

રામાયણ ગ્રંથમાં લખ્યું છે કે ભગવાન રામચંદ્રને 14 વર્ષનો વનવાસ થયો હતો, જ્યારે મહાભારતમાં પાંડવોને 12 વર્ષના વનવાસ સાથે એક વર્ષનો અજ્ઞાતવાત આપવામાં આવ્યો હતો. આ બન્ને મહાપર્વની સરખામણીએ કોંગ્રેસનો રાજકીય વનવાસ કે અજ્ઞાતવાસ બમણો થયો છે. એટલે કે ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષથી શાસનમાં નથી. આટલા વર્ષોમાં બે થી ત્રણ વર્ષને બાદ કરીએ તો ભાજપે ગુજરાતમાં 26 વર્ષ સુધી એકલા હાથે શાસન આપ્યું છે. આ શાસનમાં વિધાનસભાની છ ચૂંટણીમાં ભાજપે કેસરિયો લહેરાવ્યો છે. કોંગ્રેસની બાજી ખુદ કોંગ્રેસના નેતાઓએ બગાડી છે. 2017માં કોંગ્રેસની સરકાર બને તેવી શક્યતા હતી પરંતુ ચૂંટણી પૂર્વેના સપ્તાહમાં નરેન્દ્ર મોદીએ ભાજપની બાજી સુધારી લીધી હતી. છ વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન કોંગ્રેસની હારમાં નરેન્દ્ર મોદીનો સૌથી મોટો ફાળો રહ્યો છે. આ વર્ષોમાં મોદી ગુજરાતમાં અને દેશમાં મોટા થતા ગયા અને કોંગ્રેસના નેતાઓ નાના બનતા ગયા. કોંગ્રેસ મુક્ત ગુજરાતનો મોદીનો કોલ સાચો પડતો જાય છે. ગાંધીજીએ કોંગ્રેસને વિખેરી નાંખવાની સલાહ આપી હતી તેનો અમલ હવે શરૂ થયો છે. કોંગ્રેસના નેતાઓ ખુદ તેમની પાર્ટીને વિખેરી નાંખવાનું કામ કરી રહ્યાં છે. ગુજરાતમાં શરૂ થયેલી કેસરિયા લહેર આજે આખા ભારતમાં ફેલાઇ ચૂકી છે. આજે સૌથી વધુ વધુ જો કોઇ પોપ્યુલર લિડર હોય તો તે માત્રને માત્ર નરેન્દ્ર મોદી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:44 am IST)