વિવિધ વિભાગ
News of Monday, 20th August 2018

સરકારી મહેમાન

પાર્ટીના સભ્યો ઇચ્છે છે કે અમને પ્રધાનપદ નહીં તો બોર્ડ-કોર્પોરેશનમાં ચેરમેન બનાવો

એક અધિકારી સાયકલ ઉપર નોકરી જાય છે, રોજની દસ કિલોમીટરની સફર છે : સચિવાલયમાં પહેલાં બંદર આવતા હતા પણ હવે તો શ્વાન 9મા માળે આંટા મારે : ભારતને બીજા વાજપેયી ક્યારે મળશે? આવા નેતાની બન્ને પાર્ટીઓને આવશ્યકતા

ગુજરાત સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં બાકી નિયુક્તિની હિલચાલ શરૂ થઇ છે. પાર્ટીના નારાજ ધારાસભ્યો તેમજ અગ્રણી કાર્યકરોને મૂકવા માટેનું દબાણ વધી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંગઠનના પદાધિકારીઓ પાસેથી નામો મંગાવ્યા છે કે જેથી ચેરમેન અને ડિરેક્ટરોની નિયુક્તિ થઇ શકે. સરકારે જે બોર્ડ-કોર્પોરેશનમાં નિયુક્તિ કરી હતી તેમાં વિધાનસભાની ચૂંટણી પછી પુન: નિયુક્તિ થઇ નથી. જીઆઇડીસી અને પ્રવાસન નિગમ સહિત માત્ર આઠ થી દસ જાહેર સાહસોમાં ચેરમેનપદ આપવામાં આવેલા છે. પાર્ટીના એક સિનિયર ધારાસભ્યએ કહ્યું હતું કે અમને ભલે મંત્રી ન બનાવો પરંતુ ચેરમેનપદ તો આપો, જેથી અમારૂં માન જળવાઇ રહે. આમ જોઇએ તો 2000 જેટલી જગ્યાઓ છે પરંતુ સરકારે હજી ભરી નથી. ચૂંટણી પછી રાજ્યના આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી વિકાસ સત્તામંડળમાં ચેરમેનના પદ ખાલી પડ્યા છે. એ ઉપરાંત મહત્વના સાહસો કે જ્યાં પોલિટીકલ નિયુક્તિ થઇ શકે છે તે જગ્યાને આઇડેન્ટીફાય કરવામાં આવી છે. સંભવ છે કે ઓગષ્ટના અંત સમયમાં અથવા તો સપ્ટેમ્બરમાં આ નિયુક્તિ કરી દેવામાં આવે. પાર્ટીના ધારાસભ્યો આ પ્રક્રિયાની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે...

પ્રવિણ ચૌધરી અને સાયકલની સવારી...

સામાન્યરીતે સરકારી અમલદાર મોંઘી સરકારી ગાડીમાં કચેરીએ જતા હોય છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના અધિક કલેક્ટર કક્ષાના એક અધિકારી આજે પણ સાયકલ પર નોકરીએ જાય છે. પ્રવિણ ચૌધરી નામના આ ઓફિસરે આદિવાસી વિસ્તારના યુવાનો માટે પ્રેરણાદાયી કામ કર્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે સાયકલ બેસ્ટ ઉપાય છે. તંદુરસ્તી પણ જળવાઇ રહે છે. પ્રવિણ ચૌધરીનું સાદગીભર્યુ જીવન ટોક ઓફ ધ ટાઉન બનેલું છે. તેઓ કહે છે કે 'નોકરીમાં એટલું વ્યસ્ત રહેવાય છે કે શરીરને વ્યાયામ મળતો નથી. સાયકલ ચલાવવાથી કસરત થઇ જાય છે. વળી પ્રદૂષણ પણ થતું નથી. હું રોજના 10 કિલોમીટર સાયકલિંગ કરૂં છું.' આ અધિકારીએ છોટાઉદેપુરને પ્રેરણા આપી છે. જાણીને નવાઇ લાગશે કે સચિવાલયમાં 1980-1990ના દસકામાં સાયકલ માટે સ્ટેન્ડ હતા, આજે આ સ્ટેન્ડની જગ્યાએ કાર પાર્કિંગ માટે છત ઉભી કરી દેવામાં આવી છે. કોઇ કર્મચારી સાયકલ લઇને સચિવાલય જાય તો તેને પાર્કિંગની તકલીફ પડે છે તેથી તે તેની સાયકલ કોઇ વૃક્ષની નીચે પાર્ક કરતા જોવા મળે છે.

સચિવાલયમાં શ્વાન પણ ઘુસી જાય છે...

સચિવાલયમાં મુલાકાતીઓ માટેના ત્રણ કોઠા હોય છે પરંતુ પશુ-પંખીઓને સલામતીની કોઇ દિવાર નડતી નથી. અત્યાર સુધી સચિવાલયમાં બંદરનો ત્રાસ હતો. ગમે ત્યાં ઠેકડા મારીને બંદરો સચિવાલયની અંદર ઓફિસ સુધી આવી જતા જોવામાં આવ્યા છે પરંતુ હવે તો સરકારી કચેરીઓમાં હવે તો શ્વાન ઘુસી જવાના કિસ્સા બને છે. સચિવાલયના બ્લોકની લોબીમાં ઘણીવાર શ્વાન ફરતા જોવા મળે છે તો ક્યારેક પગથિયા પર આડશ કરીને બેસી જાય છે. આ શ્વાન આવે છે ક્યાંથી તે પોલીસ માટે પણ તપાસનો વિષય છે. સચિવાલયની ખૂબસુરતી તેના ગાર્ડન છે અને તેમાં ઢગલાબંધ મોર આવતા હોય છે. સુરક્ષા કર્મચારીઓ મોરના માટે જુવાર અને અન્ય ખાદ્યપદાર્થો લાવતા હોય છે. જો કે શ્વાન સચિવાલયની અંદર આવવાનું કારણ કર્મચારીઓના નાસ્તા અને કેન્ટીન છે. જૂના સચિવાલયમાં તો પ્રત્યેક બ્લોકમાં શ્વાનના અડ્ડા જોવા મળે છે પરંતુ હવે આ શ્વાન નવા સચિવાલય સુધી લાંબા થયા છે. એક સરકારી અધિકારીએ કોમેન્ટમાં એવું કહ્યું હતું કે- આપણી સરકાર પશુ-પક્ષી પ્રેમી પણ છે તે જાણીને આનંદ થાય છે...

 પહેલાં ખાતાં ખોલ્યાં હવે બંધ કરાશે...

મોદી સરકાર તરફથી જનધન યોજનામાં પહેલાં લાખો બેન્ક ખાતાં ખોલવામાં આવ્યા હતા, આ ખાતાં મારફતે સરકારના તમામ લાભો સીધા લાભાર્થીને આપવાનો ઇરાદો હતો પરંતુ સરકારના ધ્યાન પર આવ્યું છે કે જનધન ખાતાંમાં આર્થિક વ્યવહાર થતાં નથી. જો તમારી પાસે જનધન એકાઉન્ટ છે અને તમે મહિનાઓ સુધી તેનો ઉપયોગ કર્યો નથી તો તમારૂં ખાતું બંધ શઇ શકે છે. એવાં ખાતાંઓ કે જેમાં કોઇ ટ્રાન્ઝેક્શન થયું નથી તેમને નોટીસ મોકલવામાં આવી છે અને ચેતવણી અપાઇ છે કે બેન્ક ટ્રાન્ઝેક્શન કરો અન્યથા તમારૂં ખાતું બંધ થઇ શકે છે. ગુજરાતમાં આવા ખાતાંની સંખ્યા હજારોમાં નહીં લાખોમાં થાય છે. જનધન યોજના હેઠળ બેન્કોમાં કુલ 32 કરોડ બેન્ક ખાતાં ખોલવામાં આવ્યા છે અને તેમાં કુલ 81000 કરોડ રૂપિયા જમા પડ્યા છે.

 ભારતને બીજા વાજપેયી ક્યારે મળશે...

ભારતના સહિષ્ણુ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અનંતની સફરે ઉપડી ગયા છે પરંતુ તેમના જેવા વક્તા ભારતને હવે ક્યારે મળશે તે નિશ્ચિત નથી. હાલના રાજકારણમાં એક બીજાને ઉતારી પાડવાની, બદનામ કરવાની તેમજ હલકાં ચિતરવાની હોડ મચી છે ત્યારે ભારત દેશને બીજા વાજપેયીની જરૂર છે. વાજપેયી જેવા ગુણોથી સભર હોય તેવા નેતા અત્યારના સમયમાં શોધવા મુશ્કેલ છે. તેમના પ્રવચનો ઓનલાઇન સાંભળીને કોઇ યુવા નેતા તૈયાર થાય તો નવાઇ પામવા જેવું નથી. કહેવાય છે કે નવા વાજપેયીની જરૂરિયાત ભાજપને જેટલી છે તેનાથી વધારે કોંગ્રેસને છે. જો પાર્ટીમાં મૂઠી ઉંચેરા માનવીઓ હોય તો તે પાર્ટીને લોકો માન-સન્માન આપી શકે છે. કેમ કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આજે ભેદરેખા રહી નથી. બન્ને પાર્ટીઓ તેમના ઓરિજનલ સિદ્ધાત વિસરી ચૂકી છે.

 સ્વિટ્ઝર્લેન્ડ કમાણી માટે પણ ઉત્તમ પ્રદેશ...

વર્લ્ડ ટેલેન્ટ રેટિંગના લિસ્ટમાં રસપ્રદ બાબત એવી સામે આવી છે કે પૃથ્વી પરના સ્વર્ગ એવા સ્વિટ્ઝર્લેન્ડ એવો પ્રદેશ છે કે જ્યાં દુનિયામાં સૌથી વધુ સેલેરી મળે છે. ખૂબસુરત એવા આ દેશમાં સરેરાશ 92625 ડોલર એટલે કે 63.60 લાખનો વાર્ષિક સેલેરી મળે છે. એટલે કે નોકરીયાત વ્યક્તિ એવરેજ મહિને 5.30 લાખ રૂપિયા કમાય છે. બીજાક્રમે પ્રતિમાસ 3.47 લાખ સાથે અમેરિકા, ત્રીજે 3.34 લાખ સાથે લગ્જમબર્ગ, ચોથાસ્થાને 2.57 લાખ સાથે હોંગકોંગ અને પાંચમાક્રમે જાપાન અને જર્મની આવે છે. આ બન્ને દેશમાં સરેરાશ 33.08 લાખ રૂપિયા સેલેરી હોય છે. ભારત દેશની વાત પૂછવા જેવી નથી. આપણે ત્યાં સરેરાશ મહિને બે થી અઢી લાખ રૂપિયા પણ નસીબ નથી.

 ગુજરાતમાં 35 ટકા વરસાદ ઓછો થયો...

ગુજરાતમાં સામાન્ય કરતાં 35 ટકા વરસાદ ઓછો થયો છે ત્યારે ખેતીવાડીના અંદાજ જણાવે છે કે પાણીના અભાવે રાજ્યમાં કૃષિ ઉત્પાદનમાં થોડી બ્રેક લાગી શકે છે. પાક પરિવર્તન પણ સામે આવ્યું છે તેથી પરંપરાગત પાકોના ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં 15મી ઓગષ્ટ સુધીમાં 84.39 ટકા વાવેતર થયું હોવાનો કૃષિ વિભાગનો રિપોર્ટ છે. રાજ્યમાં સરેરાશ કુલ 85.65 લાખ હેક્ટર પૈકી અત્યાર સુધીમાં 77.90 હેક્ટર વાવેતર થયું છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં હજી વાવેતર વધી શકે છે આમ છતાં કૃષિ ઉત્પાદનમાં નજીવો ઘટાડો થવાની સંભાવના છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં અનાજ પાકો ઉપરાંત કઠોળ, મગફળી, કપાસ અને શાકભાજી મુખ્ય છે. રાજ્યમાં ખરીફના બાદશાહ એવા કોટનનું વાવેતર 102 ટકા થયું છે પરંતુ મગફળીનું વાવેતર હજી 96.87 ટકાએ પહોંચ્યું છે.

 IAS આલોક પાંડેને ગુજરાત આવવું છે...

ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર આલોક પાંડે હાલ ડેપ્યુટેશન પર ઉત્તરપ્રદેશમાં છે. તેમને એમ હતું કે તેમને યોગી આદિત્યનાથના સીએમઓમાં ફરજ મળશે પરંતુ ગુજરાતમાંથી ગયા પછી તેમનું પોસ્ટીંગ સહારનપુર જિલ્લા કલેક્ટર તરીકે થયેલું છે. 2006ની બેચના આ અધિકારીએ ઉત્તરપ્રદેશ ગયા પછી અનેક પ્રયાસો કરી જોયા કે તેમને યોગી આદિત્યનાથ સાથે સીધું કામ કરવા મળે પરંતુ તેમનું આ ખ્વાબ પૂર્ણ થયું નથી. વર્ષ અગાઉ તેમણે ગુજરાત પાછા આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે ફરીથી ગુજરાતમાં પાછા આવવા માટે લોબિંગ કરી રહ્યાં છે. મુખ્યમંત્રીના કાર્યાલયમાં તેમણે પોસ્ટીંગ મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા છે પરંતુ તેમને સફળતા મળી શકી નથી.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(9:12 am IST)