વિવિધ વિભાગ
News of Monday, 13th August 2018

સરકારી મહેમાન

કોંગ્રેસની સોચથી ભાજપ પાંચ વર્ષ આગળ છે; 2019 બાકી છે પણ 2024ની તૈયારી છે!

શરાબ પીવા ગુજરાતની બહાર જાવ છો, પરંતુ પાછા આવો ત્યારે જરા સંભાળજો : સચિવાલયમાં એન્ટ્રીપાસ કે આઇકાર્ડ વિના માત્ર એક જ સમુદાય દાખલ થાય છે: હિન્દુસ્તાનના રાજકીય ઇતિહાસમાં જે 70 વર્ષમાં નથી થયું તે 17 વર્ષમાં થયું છે

રાજકારણ પણ અજીબ છે. ટેકનોલોજી બદલાય છે તેમ દુનિયા બદલાય છે. રાજકારણ પણ બદલાયું છે. ભારતીય રાજનીતિમાં જ્યારથી નરેન્દ્ર મોદીનો જન્મ થયો છે ત્યારથી કોંગ્રેસના માથે મુસિબતના પહાડ તૂટી પડ્યાં છે. કોંગ્રેસે જ્યાં વિક્રમ સર્જ્યા હતા ત્યાં આજે ભાજપ તેના વિક્રમો તોડી રહ્યું છે. 2001માં ગુજરાતમાંથી શરૂ થયેલો નરેન્દ્ર મોદીનો કરિશ્મા 2018માં પણ જળવાઇ રહ્યો છે. 17 વર્ષના શાસને 70 વર્ષના શાસનને ડોલાવી દીધું છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કોંગ્રેસની યુપીએ સરકારની નજર મોદીના ભાષણોમાં સ્થિર થયેલી હતી. કેન્દ્રની સંસ્થાઓને મોદીને ગુજરાતમાં રોકવા માટેના ધમપછાડા કરવામાં આવ્યા છતાં મોદીનો વિજયરથ આગળ વધતો રહ્યો છે. કોંગ્રેસે હજી 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી નથી ત્યાં તો નરેન્દ્ર મોદી અને અમિત શાહે 2024ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બન્ને નેતાઓ તેમના પ્રવચનોમાં 2024ના ડેવલપમેન્ટની વાતો કરી રહ્યાં છે. ગુજરાત કોગ્રેસના એક સિનિયર નેતાએ સાચુ જ કહ્યું છે કે-- અમારી કોંગ્રેસની સોચ થી મોદીની સોચ પાંચ વર્ષ આગળ છે. કોંગ્રેસમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી ન હતા ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બેઠાં બેઠાં 2009માં લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી.

નકલી ડ્રેસ સામે પોલીસે ઝૂંબેશ શરૂ કરવી જોઇએ...

ફિલ્મોમાં આપણે જોઇએ છીએ કે નકલી પોલીસ જ અસલી પોલીસને છેતરતી હોય છે. અમિતાભ બચ્ચન અને ગોવિંદાની એક ફિલ્મમાં નકલી પોલીસ અસલી પોલીસને જેલમાં નંખાવી દે છે. એક કોમેડી ફિલ્મમાં અસલી પોલીસ સ્ટેશન પર ચાલતા નશીલા પદાર્થોના વ્યવસાય ઉપર નકલી પોલીસ રેડ પાડીને જથ્થો લઇ જાય છે. અક્ષયકુમાર અભિનિત એક ફિલ્મમાં નકલી સીબીઆઇ દરોડા પાડે છે અને અસલી સીબીઆઇ હાથ ઘસતી રહી જાય છે. ગુજરાતમા નકલી પોલીસની માત્રામાં વધારો થયો છે. આપણે ત્યાં જ એવી છૂટ આપવામાં આવી છે કે આર્મી અને પોલીસના ડ્રેસકોર્ડની નકલ થાય છે. સામાન્ય લોકો બિન્દાસ ઉપયોગ કરે છે પરંતુ તે તદ્દન ગેરકાયદે અને લોકોને ભરમાવા જેવું છે. સરકાર કે પોલીસ તેની સામે કોઇ કાર્યવાહી કરી શકતું નથી પરિણામે નકલી પોલીસના સ્વાંગમાં રાહદારી તેમજ વાહન ચાલકો લૂંટાય છે. સૌથી વધુ નકલી પોલીસ અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાંથી પકડાઇ છે. પોલીસનો ડ્રેસ પહેરીને નકલી આઇકાર્ડ વસાવીને લોકોનો લૂંટી લેતી નકલી પોલીસ જેલમાંથી છૂટીને પાછી એ જ લૂંટારૂં ટોળીમાં સામેલ થઇ જાય છે. આપણે તેમનું કંઇ ઉખાડી શકતા નથી. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ગયા વર્ષે નકલી પોલીસના 75 કિસ્સા સામે આવ્યા છે જે અચરજ પમાડે તેવા છે.

હેલ્મેટ-સીટબેલ્ટ સાથે ટ્રાફિકના અનેક ગુનાઓ છે...

હેલ્મેટ અને સીટબેલ્ટ વિના વાહન ચલાવતા લોકો સામે પોલીસ ભૂખ્યા વરૂની જેમ તૂટી પડે છે પરંતુ હવામાં ડીઝલનો ઝેરી કચરો છોડતા વાહનો, નંબર પ્લેટ વિનાના વાહનો અને કાળા કાચની ફિલ્મ લગાવીને ગેરકાયદે હેરાફેરી કરતા વાહનચાલકો ટ્રાફિક અને પોલીસને દેખાતા નથી. હકીકતમાં આ પ્રકારના વાહનો પણ જોખમથી ભરેલા છે. ટુ-વ્હિલર્સને હેલ્મેટ નહીં પહેરવા બદલ કે સીટબેલ્ટ નહીં બાંધેલા કાર ચાલકને પાવતી ફાડીને દંડ વસૂલ કરાય છે અથવા તો ઇ-મેમો આપવામાં આવે છે પરંતુ કાળા કાચની ફિલ્મ ધરાવતી કાર, નંબરપ્લેટ વિનાની કાર અને કાળો ધુમાડો કાઢતા વાહનો પોલીસની નજરમાં તો ઠીક માર્ગો પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં નથી. ટ્રાફિક નિયમનનું પાલન કરવામાં આવે તો તમામ પાસાનું ટ્રાફિક પોલીસે ધ્યાન રાખવાનું હોય છે. માર્ગ પર ઉભેલા ટ્રાફિકમેનનું કામ માત્ર કાળા ધુમાડા પીવાનું નથી. હવે તો સીસીટીવીમાં વાહનો કેદ થાય છે ત્યારે મુંબઇની જેમ ટ્રાફિકના કોઇપણ પ્રકારના ભંગ બદલ વાહનચાલકનું લાયસન્સ જપ્તિ સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી. આવા ગુનાઓ કરનારા તમામ વાહનચાલકોનું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવશે તો આવી ઘટનાઓ આપોઆપ નિયંત્રણમાં આવી જશે. આશ્ચર્ય એ છે કે ટ્રાફિક પોલીસ વાહનચાલકને એક કે બે નહીં ટ્રાફિક ભંગના 25થી વધુ ગુનામાં પકડી શકે છે પરંતુ મેનપાવરની અછત છે...

કોંગ્રેસ પાસે હવે માત્ર ગુમાવવાનું જ બાકી રહ્યું છે...

કોંગ્રેસે પહેલાં 2014માં કેન્દ્રની સરકાર ગુમાવી દીધી છે. લોકસભામાં વિપક્ષનું પદ ગુમાવ્યું છે પછી મોદી સામે વિપક્ષોની અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો, હવે રાજ્યસભામાં ઉપાધ્યક્ષનું પદ પણ ગુમાવ્યું છે. પહેલાં ગુજરાત થયું તે હવે દિલ્હીમાં થઇ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી. દિલ્હીમાં પણ ગુમાવી દીધી. અન્ય રાજ્યોમાંથી કોંગ્રેસ નામશેષ થઇ છે કે જ્યાં પહેલાં કોંગ્રેસનો ડંકો વાગતો હતો. ગુજરાતમાં 28 વર્ષનો વનવાસ કોંગ્રેસે પૂર્ણ કર્યો છે. દિલ્હીમાં ચાર વર્ષનો વનવાસ પૂર્ણ થયો છે પરંતુ તે બેવડાઇ જતાં વાર નહીં લાગે, કારણ કે કોંગ્રેસ દેશમાં હવે એકલેહાથે સત્તા પર આવી શકે તેમ નથી. બીજી તરફ કોંગ્રેસની કઠણાઇ એવી છે કે બિન ભાજપી પક્ષોમાં રાહુલ ગાંધી સર્વસ્વિકૃત નેતા નથી. મહાગઠબંધનની વાતો કરતી દેશની વિવિધ પાર્ટીઓમાં ચૂંટણી સમયે જ તડાં બહાર આવે છે. વિપક્ષોના મતમતાંતરો વચ્ચે આજે ભાજપ પ્રેરિત એનડીએ પાસે દેશના 19 રાજ્યોમાં સત્તા છે. હવે વિપક્ષી એકતા ન થઇ તો ફીર એકબાર નરેન્દ્ર મોદી નક્કી છે...

શરાબના શોખીન છો, તો આ તમારે વાંચવું જ પડે...

ગુજરાતમાં કેટલીક મહત્વની જગ્યાઓ છે કે જ્યાંથી નજીકમાં વિદેશી શરાબ પીવા જઇ શકાય છે. આ ત્રણ જગ્યાઓ પાડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલી છે. મુખ્યત્વે શામળાજી એવું મથક છે કે જેની બોર્ડર પર રાજસ્થાનનો શરાબ પીવા મળે છે. સાપુતારા એવું મથક છે કે જ્યાં નાસિકનો શરાબ પી શકાય છે. સાપુતારાથી દારૂ પીવાનું અંતર માંડ એક કિલોમીટર છે એટલે કે સાયકલ પર શરાબ પીને પાછા આવી શકાય છે. ત્રીજું મહત્વનું સ્થાન દમણ છે. સુરતવાસીઓનું પ્રિય સ્થળ છે, કારણ કે ત્યાં જઇને શરાબ પી શકાય છે. ગુજરાતની બોર્ડરથી માત્ર 50 કિલોમીટરનું અંતર છે. આ જલસા હવે મોંઘા પડી શકે છે, કારણ કે ગુજરાત પોલીસે હવે બોર્ડર પર નજર દોડાવી છે. હમણાં જ અમદાવાદના કેટલાક યુવાનોએ રાજસ્થાનથી શરાબ પાર્ટીની મોજ માણીને શામળાજી માર્ગે ગુજરાતમાં પ્રવેશ કરી ચિલોડા પાસે આવ્યા ત્યારે પોલીસે તેમને પકડી લીધા હતા. વાહન ચેકિંગ દરમ્યાન આ યુવાનો નશાની હાલતમાં જણાયા હતા. આ કિસ્સા પછી જો તમારે ગુજરાત બહાર દારૂ પીવો હોય તો નશો કરીને ગુજરાતમાં પ્રવેશવું અઘરૂં છે જે જાણી લેજો, કેમ કે ભલે તમારી ગાડીમાંથી પોલીસને શરાબની બોટલ ન મળે, તમારૂં મ્હોં ગંઘાય ત્યારે તમે ગુનો કર્યો છે તેવું સાબિત થાય છે.

બંદરના ખેલ હવે સચિવાલયમાં દેખાય છે...

બંદરના ખેલ માત્ર દિલ્હીમાં જ નહીં હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ જોવા મળે છે. રાજા કરે રાજ અને બંદર કરે તા-રાજ... જૂના અને નવા સચિવાલયમાં ક્યાકેય બંદર દંગલ સર્જાય છે ત્યારે ભલભલા વાહનોને પછાડે છે. કારના બોનેટ અને છત પર જઇને કૂદીને મોટો ખાડો પાડે છે. કર્મચારીઓની શાકભાજી ભરેલી કોથળી હાથમાંથી છીનવીને ઝાડ પર કૂદકા મારે છે. સચિવાલયના આ બંદરો લૂંટારૂં બની રહ્યાં છે. બંદરનો ત્રાસ લોકસભા અને રાજ્યસભામાં પણ ચમકે છે હવે ગુજરાત વિધાનસભામાં પણ બંદરોનો તરખાટ ચમકશે તેવું લાગી રહ્યું છે. આ બંદરોને અટકાવવાનો કોઇ સરકારને અધિકાર નથી પરંતુ તેને નિયંત્રણમાં રાખી શકે છે. હવે તો હદ થાય છે, નવા સચિવાલયના બ્લોકની લોબીમાં બંદર-રાજ જેવો માહોલ ખડકાયો છે. બંદરો વિશ્રામ લેવા માટે સચિવાલયમાં એન્ટ્રીપાસ વિના એન્ટ્રી કરી રહ્યાં છે. પાર્કિંગમાં તેઓ વાહન મસ્તીમાં કર્મચારીઓનું ભારે નુકશાન કરે છે તો બીજી તરફ સચિવાલયમાં માર્ગ રોકીને બેઠાં હોય છે. સચિવાલયમાં ખુલ્લા પાર્કિગમાં પાર્ક થયેલી સંખ્યાબંધ ગાડીઓના બોનેટ અને છત પર મોટા ગોબા પાડી દીધા છે. બંદરો પોલીસ માટે પણ પડકારરૂપ બની રહ્યાં છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:36 am IST)