વિવિધ વિભાગ
News of Monday, 30th July 2018

ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુરમાં ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળમાં ગાંધી - મેઘાણી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ

રાજકોટ તા. ૩૦ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે માહિતીસભર ગાંધી-મેઘાણી સચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકાયું. મહાત્મા ગાંધી તથા કર્મભૂમિ રાણપુર સાથે ઝવેરચંદ મેઘાણીનાં લાગણીસભર સંભારણાં-સંસ્મરણોની રસપ્રદ માહિતી અને દુલર્ભ તસ્વીરો અહિ કાયમી પ્રદર્શિત રહેશે. મુનિશ્રી સંતબાલજી પ્રેરિત છ દાયકાથી કાર્યરત અને રાણપુરનાં પ્રવેશ પાસે જ આવેલી આ ખાદી સંસ્થામાં રેંટિયો કાંતતા ગાંધીજી અને કસ્તૂરબાની તસ્વીરો ખાસ સ્મૃતિરૂપે મૂકાઈ છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા પરિકલ્પિત આ પ્રદર્શન તેમજ અહિ અગાઉ સ્થાપિત 'મેઘાણી-સાહિત્ય' કોર્નર રાણપુરનું અનોખું આકર્ષણ બનીને રહેશે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી, સહકારી-ક્ષેત્રના આગેવાનો દાજીભાઈ ફલજીભાઈ ડાભી અને ધીરૂભાઈ ફલજીભાઈ ડાભી, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના મુકુન્દભાઈ વઢવાણા, ખાદી-ક્ષેત્રના મનુભાઈ ચાવડા, ગગુભાઈ ગોહિલ, ભુપતભાઈ ધાધલ, ભીખુભાઈ ડોડીયા, ધીરૂભાઈ રાઠોડ, વેલભાઈ સોલંકી, હરિભાઈ પટેલ, રાજાભાઈ પટેલ, હરદેવસિંહ રાણા, શાંતુબેન મઢવી અને દીવુબેન વાણીયા, વાલજીભાઈ પિત્રોડા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. સહુએ મહાત્મા ગાંધી, કસ્તૂરબા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, રવિશંકર મહારાજ, મુનિશ્રી સંતબાલજી અને સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠને ભાવાંજલિ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણીનાં હ્રદયસ્પર્શી સંભારણાંને પિનાકી મેઘાણીએ વાગોળ્યાં હતા. ૨૮ વર્ષથી ખાદી ક્ષેત્રમાં કાર્યરત ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભીએ તેમની સંસ્થામાં ગાંધી-મેઘાણી પ્રદર્શનની સ્થાપના થઈ તે બદલ ગૌરવ અને આનંદની લાગણી વ્યકત કરી હતી. સાંપ્રત સમયમાં ખાદીનું વિશેષ મહત્વ પણ જણાવ્યું હતું.  બોટાદ જિલ્લાના સરવા ગામના મૂળ વતની એવા મેઘાણી-ગીતોનાં મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડનાં કંઠમાં ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોની મ્યૂઝીક સીડીનો આસ્વાદ પણ સહુએ માણ્યો હતો.   

જીવનનાં ૨૩-૨૩ વર્ષ સુધી સંનિષ્ઠ અને નીડર પત્રકાર તરીકે કાર્યરત રહીને ઝવેરચંદ મેઘાણીએ પત્રકારત્વના ક્ષેત્રે અનોખી ભાત પાડી હતી. 'ફૂલછાબ'માં તંત્રી તરીકે ફરજ બજાવતા ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે દરરોજ ટ્રેન દ્વારા આવ-જા કરતા. ૧૯૨૨માં પ્રગટ પ્રથમ પુસ્તક 'કુરબાનીની કથાઓ' સહિત તેમનાં અનેક લોકપ્રિય પુસ્તકોનું સર્જન રાણપુરમાં થયું. એપ્રિલ ૧૯૨૫માં મહાત્મા ગાંધી સાથે ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત રાણપુરમાં થઈ હતી. તે સમયે રાણપુર સુધરાઈ દ્વારા ગાંધીજીનું વિશેષ સન્માન કરાયું હતું. નિર્ભય બનીને અંગ્રેજ સરકાર સામે અહિંસાપૂર્વક લડત કરવાની સહુને ગાંધીજીએ ત્યારે પ્રેરણા આપી હતી. પ્રેસમાં ગાંધીજીએ રાત્રી રોકાણ પણ કર્યું હતું. ૧૯૩૧માં ગાંધીજીને સંબોધતું કાવ્ય 'છેલ્લો કટોરો' ઝવેરચંદ મેઘાણીએ રાણપુરમાં રચ્યું અને 'રાષ્ટ્રીય શાયર'નું ગૌરવભર્યું બિરૂદ પામ્યા. ગાંધીજી અને ખાદી એકબીજાનાં પૂરક હતાં. દેશની આઝાદી માટેની લડતોનાં સ્વાતંત્ર્ય-સેનાનીઓનો પોષાક ખાદીનો જ રહેતો. ઝવેરચંદ મેઘાણી પણ ખાદીનાં વ સ્ત્રો પહેરતા. રાણપુર સ્થિત 'ફૂલછાબ'કાર્યાલયમાં ખાદી-વિભાગ દ્વારા ખાદીનાં વપરાશને પ્રોત્સાહન આપતા. આથી રાણપુર સ્થિત ખાદી સંસ્થામાં ગાંધી-મેઘાણી પ્રદર્શનની સ્થાપના થઈ તેનું સવિશેષ મહત્વ છે.

ઝવેરચંદ મેઘાણીના અન્ય સ્મૃતિ-સ્થળો 'જન્મભૂમિ'ચોટીલા (ઐતિહાસિક જન્મસ્થળ), 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ' રાજકોટ (૧૯૦૧માં જયાંથી શાળા-શિક્ષણનો આરંભ કર્યો તે વખતની સદર સ્થિત તાલુકા શાળા અને હાલની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા) અને 'શૌર્યભૂમિ' ધંધુકા (તે સમયનો ડાક-બંગલો અને હાલનું જિલ્લા પંચાયતનું રેસ્ટ-હાઉસ, જયાં ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ઝવેરચંદ મેઘાણીએ સ્વરચિત કાવ્ય 'છેલ્લી પ્રાર્થના' ગાયું ને ત્યાં ઉપસ્થિત વિશાળ માનવ મેદની અને મેજીસ્ટ્રેટ ઈસાણી સહિત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી) ખાતે પણ સચિત્ર પ્રદર્શનની પરિકલ્પના-સ્થાપના પિનાકી મેઘાણી દ્વારા થઈ છે જે ખાસ ઉલ્લેખનીય છે.

-: આલેખન :-

પિનાકી નાનકભાઇ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯

(4:19 pm IST)