વિવિધ વિભાગ
News of Monday, 16th July 2018

સરકારી મહેમાન

લોકસભા પહેલાં કોંગ્રેસમાં 'ઘરવાપસી' થાય કે નહીં, ભાજપનું 'ઘરભરો' મિશન સફળતા તરફ

ગાંધીનગરમાં ખાનગી વાહનોની જય હો: ST તંત્ર ખાડે, ખાનગી વાહનોને જલસા : ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ-2019 સફળ બનાવે તેવા ઓફિસરોની તલાશ : રાજીવ ગુપ્તાએ વાવેલા નીમ પ્રોજેક્ટના બીજ ઉછેરવાની ફરજ MS ડાગુરને માથે

ગુજરાતમાં કોંગ્રેસનો ઘરવાપસીનો કાર્યક્રમ સફળ થાય કે ના થાય, ભાજપનો ઘરભરો કાર્યક્રમ સફળ થઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના મજબૂત અને ચૂંટણી જીતી શકે તેવા નેતાઓને ભાજપમાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે. એક યોગાનુયોગ છે કે અમિત શાહ જ્યારે ગુજરાત આવે છે ત્યારે ભાજપના નેતાઓ નહીં કોંગ્રેસના પ્રદેશ નેતાઓ ફફડી ઉઠે છે. અમિત શાહ એરપોર્ટ પર પગ મૂકે છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા તેમના ધારાસભ્યો અને પૂર્વ સંસદસભ્યોની ખબર અંતર પૂછવાનું શરૂ કરે છે. રાજકોટના કોળી નેતા કુંવરજી બાવળિયાએ ભાજપને પોતાનું ઘર બનાવ્યું ત્યારે કોંગ્રેસને એમ હતું કે હવે બઘું પતી ગયું છે પરંતુ જેવી અમિત શાહની એન્ટ્રી થઇ કે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહનો ભાજપ પ્રવેશ થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાં ચૂંટણી જીતીને નહીં, કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પ્રવેશ અપાવીને કોંગ્રેસ મુક્ત ગુજરાતનો નારો ગજવી રહ્યાં છે. સૂત્રો કહે છે કે લોકસભાના 26 પૈકી 15થી વધુ ઉમેદવારો ભાજપ બદલી રહ્યું છે તેમાં કોંગ્રેસમાંથી આયાત થયેલા ઉમેદવારોની સંખ્યા 8 હોય તો નવાઇ પામવા જેવું નહીં હોય...

વાયબ્રન્ટ ઓફિસરોની શોધખોળ ચાલી રહી છે...

ગુજરાત સરકારે તાજેતરમાં સિનિયર આઇએએસની બદલીઓ કરી છે પરંતુ હજી આ ટ્રાન્સફર અધુરી છે. હજી બીજા તબક્કાની બદલીઓ બાકી છે, કારણ કે નવમી ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ જાન્યુઆરી 2019માં યોજાવા જઇ રહી છે ત્યારે ઉદ્યોગ અને તેને સંલગ્ન વિભાગોમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ ટીમ તૈયાર કરવી પડશે. ગુજરાતની છ વાયબ્રન્ટ સમિટમાં ડી.રાજગોપાલન, એ.કે.શર્મા, એસ.કે.નંદા, ડી.જે.પાંડિયન, એસ.અપર્ણા, મહેશ્વર શાહુ જેવા અધિકારીઓની મહેનત રંગ લાવી હતી પરંતુ આ ઓફિસરો અત્યારે ગુજરાત સરકારમાં નથી તેથી તેમના જેવા મહેનતુ અને વાયબ્રન્ટને સમજી શકનારા ઓફિસરોની શોધ શરૂ કરવામાં આવી છે. વાયબ્રન્ટના સાક્ષી હોય તેવા અધિકારીઓમાં હાલ એસ.જે.હૈદર, અજય ભાદુ, પંકજકુમાર, અરવિંદ અગ્રવાલ, મમતા વર્મા, મનોજકુમાર દાસ મોજૂદ છે, જેથી રૂપાણી સરકારને ગાઇડન્સ મળી રહેશે. જો કે હાલ પીએમઓમાં ફરજ બજાવતા અધિકારીઓ પણ ગુજરાતને વાયબ્રન્ટ સમિટમાં મદદ કરી રહ્યાં છે, કારણ કે તેમની પાસે અનુભવનું ભાથું છે. આમ છતાં કેટલાક ફેરફારો સરકાર માટે અનિવાર્ય બન્યા છે.

ડાગુર સાહેબ નીમ પ્રોજેક્ટનું ધ્યાન રાખજો...

ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટના અધિક મુખ્યસચિવ એમ.એસ.ડાગુર જુલાઇમાં વય નિવૃત્ત થઇ રહ્યાં છે તે પૂર્વે તેમની બદલી ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ- જીએનએફસીમાં મેનેજીંગ ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે. ડાગુર પહેલા એવા ઓફિસર છે કે જેમની નિવૃત્તિને 15 દિવસ બાકી છે ત્યારે તેમને સરકારી સાહસમાં બે વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાહસનો નીમ પ્રોજેક્ટ રાજ્યના 25 જિલ્લાઓના 5000થી વધુ ગામોમાં સક્રિય છે. લીમડાની પ્રોડક્ટ્સ બનાવવામાં મશહૂર થયેલા નીમ પ્રોજેક્ટનું ડો. રાજીવકુમાર ગુપ્તાએ સિંચન કર્યું છે. તેમના કાર્યકાળમાં એક ડઝન કરતાં વધુ એવોર્ડ આ પ્રોજેક્ટે મેળવ્યા છે. હવે તેમની બદલી ફોરેસ્ટ એન્ડ એનવાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી છે. ડાગુર માટે આ વિશેષ જવાબદારી છે, કારણ કે આ સામાજીક અને આર્થિક પરિયોજના છે અને તેમાં ગામડાની 4000 મહિલાઓ આવક મેળવી રહી છે. રાજીવકુમાર ગુપ્તાના આ પ્રોજેક્ટમાં ત્રણ વર્ષમાં ત્રણ લાખ મહિલાઓને 35 કરોડ કરતાં વધુનું મહેનતાણું સુપરત કર્યું છે. આ નીમ પ્રોજેક્ટને ત્રણગણો આગળ લઇ જવામાં એમ.એસ. ડાગુરનું યોગદાન રહે તેવી શુભેચ્છાઓ તેમને આપવી પડે...

મફતમાં ઝેર મળે તો તે પણ ભારત લઇ લે છે...

મેડીકલ ડમ્પીંગની સમસ્યા વિશ્વના દેશોને સતાવે છે તેના કરતાં ભારતને વધારે પ્રમાણમાં પરેશાન કરે છે. હમણાં જ બ્રિટનના સીરિંજ પમ્પનો વિવાદ ચાલી રહ્યો છે જેમાં કહેવાય છે કે બ્રિટનમાં અસંખ્ય મોત થતાં હોસ્પિટલોએ આ પમ્પ રદ કર્યા પછી તે ભારત, નેપાળ અને સાઉથ આફ્રિકા જેવા દેશોને દાનમાં આપ્યા છે. સવાલ એ છે કે બ્રિટનમાં જે ઝેર છે તે ભારતની દવા બને છે. મેડીકલના મામલામાં ભારત ખતરનાક મોડ પર ઉભું છે. એક અનુમાન છે કે ભારત હેલ્થકેરની તેની જરૂરિયાત સંતોષવા માટે 75 ટકા સામાન આયાત કરે છે. મેડીકલ ડમ્પીંગ રોકવા માટે આપણી પાસે કોઇ પુખ્તા કાનૂન નથી. સરકારની કોઇ નિશ્ચિત નીતિ પણ નથી. એક રિપોર્ટ પ્રમાણે વિકાસશીલ દેશો પાસે જે મેડીકલ ઉપકરણો ઉપલબ્ધ છે તેમાંથી 80 ટકા દાનમાં મળેલા છે જે પૈકી 40 ટકા મશીનો કામ કરતા નથી. ડબલ્યુએચઓના રિપોર્ટમાં એક બાબત સામે આવી છે કે વિકાસશીલ દેશોમાં દસમાંથી એક દવા ખરાબ છે અથવા તો નકલી છે. એક મેડીકલ વૈજ્ઞાનિક એ.કે.અરૂણ કહે છે કે મેડીકલ ડોનેશન માટે ભારત પાસે કોઇ સ્પષ્ટ નિતી કે દિશા નથી. આપત્તિના સમયે અન્ય દેશોમાંથી ભારતને દૂષિત મેડીસિન અને હલકી ગુણવત્તાના સાધનો ગિફ્ટમા મળે છે પરંતુ તે સ્વાસ્થ્ય સાથે ભયાનક ચેડાં સમાન છે.

ગુજરાત ભવનમાં હવે કેમ છો... સંભળાય છે...

ગુજરાત ભવન નામ ક્યાંય સાંભળવા મળે ત્યારે કોઇપણ રાજ્ય કે પ્રદેશમાં ગુજરાતીઓના કાન ઉંચા થઇ જાય છે અને એક હાશકારો અનુભવે છે કે હાશ, આપણને ગુજરાતી યજમાન મળ્યા... પરંતુ દિલ્હીના ગુજરાતી ભવનમાં એન્ટર થઇએ તો આપણને એવું લાગે કે આપણે કોઇ ઉત્તરપ્રદેશ કે બિહારના ભવનમાં આવ્યા છીએ. ગુજરાત ભવનમાં બિન ગુજરાતી એટલે કે હિન્દી ભાષી અધિકારીઓની તાનાશાહી ચાલતી રહી છે, પરંતુ હવે તે ધીમે ધીમે ઓછી થઇ રહી છે. દિલ્હી સ્થિત રેસિડેન્ટ કમિશનર આરતી કનવરની નિયુક્તિ પછી હવે તેમણે ગુજરાતી છટાને વધારે મહત્વ આપ્યું છે. રસોઇમાં તેમણે વધુ ગુજરાતી સ્વાદ ઉમેરાવ્યા છે. ગુજરાત ભવનને તેઓ ગુજરાત મોડલ બનાવવા માગે છે. હવે જે ભરતી થઇ રહી છે તેમાં પણ ગુજરાતી ઓફિસરો તેમજ કર્મચારીઓ લેવાય તેવો તેમનો આગ્રહ છે. જો કે ગુજરાતમાંથી દિલ્હી જવા કોઇ તૈયાર થતું ન હોઇ ભવનમાં હિન્દીભાષી સ્ટાફ રાખવો પડે છે. આરતી કનવર આ ભવનને ગુજરાત મોડલ બનાવવા માગે છે.

જેમને નથી જવું તેમને દિલ્હી જવા મળે છે...

ગુજરાતમાંથી ડેપ્યુટેશન પર નવી દિલ્હી જવા માગતા અધિકારીઓને દિલ્હી જવાનું મળતું નથી પરંતુ જેમને જવું નથી તેમને દિલ્હી મોકલી દેવામાં આવે છે. ડેપ્યુટેશનની યાદીમાં જેમનું નામ ન હોય તેવા અધિકારીઓને ડેપ્યુટેશન પર મોકલી દેવામાં આવે છે. ગુજરાતના ઓછામાં ઓછા સાડા ત્રણ ડઝન ઓફિસરો દિલ્હીમાં ગયેલા છે. એટલું જ નહીં બે મહિને એક ઓફિસર ડેપ્યુટેશન પર દિલ્હી જાય છે. આપણા વેટ કમિશનર (હજી જીએસટી કમિશનર બન્યા નથી)- પી.ડી, વાઘેલાએ ડેપ્યુટેશન પર દિલ્હી જવાની માગણી કરી હતી પરંતુ તેમને તેમ કહીને ના પાડી દેવામાં આવી છે કે તમારે લોકસભાની ચૂંટણી સુધી વેટ કમિશનર તરીકે રહેવાનું છે. 2014થી એક જ પોસ્ટ પર ફરજ બજાવે છે છતાં બદલીના પહેલા તબક્કામાં તેમની બદલી પણ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સભ્ય સચિવ હાર્દિક શાહને દિલ્હી જવું ન હતું પરંતુ તેમને દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા. પોલ્યુશન સામે નહીં ઝૂકનારા એક ઉત્તમ કોટીના ટેકનિકલ ઓફિસરને ગુજરાત છોડાવી દિલ્હી લઇ જવામાં આવ્યા છે.

મેટ્રો નહીં તો BRTS આપો, ગાંધીનગરની સફર સુધારો...

ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે એસટી બસની અનિયમિતતા વચ્ચે બે સિસ્ટર સિટીને જોડતી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમની જરૂર છે, કારણ કે 70 ટકા મુસાફરો ખાનગી વાહનોમાં સફર કરી રહ્યાં છે. સરકારે હાલ પુરતી ગાંધીનગરને મેટ્રો રેલ આપવાની દરખાસ્ત ઉડાવી દીધી છે ત્યારે બીઆરટીએસને ગાંધીનગર સુધી લંબાવવામાં આવે તો ડેઇલી અપ-ડાઉન કરતાં મુસાફરોને સુવિધા મળે. અમદાવાદ મેટ્રોરેલની ગતિ જોતાં 2019માં પહેલો તબક્કો પૂર્ણ થવાની શક્યતા જણાતી નથી. 15 વર્ષ પછી પણ અમદાવાદની જનતા માટે મેટ્રોરેલનું સપનું અધુરૂં છે. સપ્ટેમ્બર મહિનામાં મેટ્રોરેલનું માત્ર ટ્રાયલ રન કરવામાં આવશે કે જ્યારે આ પ્રોજેક્ટના 6.5 કિલોમીટરનું અંતર પૂર્ણ થયું હશે. એપેરલ પાર્ક થી વસ્ત્રાલ સુધીની લાઇનો આ સમયમાં શરૂ થઇ શકશે. મેટ્રોરેલના પ્રથમ તબક્કામાં ભારતની સરકારની ઇક્વિટી 1990 કરોડ રૂપિયા છે જ્યારે તેટલી જ રકમ ગુજરાત સરકારની ઇક્વિટી છે. જાપાન સરકાર આ પ્રોજેક્ટમાં 6066 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી રહી છે, જ્યારે ગુજરાત સરકાર તરફથી સબોર્ડિનેટ ડેબ્ટના 727 કરોડ રૂપિયા આ પ્રોજેક્ટને મળવાના છે આમ કુલ 10773 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ કુલ 37.766 કિલોમીટરના અંતરની સફર કાપશે, જો કે તેમાં ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

નેનો ગાડીનું અત્યુતમ્-કેશવમ્ ...

અમદાવાદ પાસેના સાણંદ પ્લાન્ટમાં જૂન મહિનામાં ટાટા મોટર્સે માત્ર એક જ નેનો કાર બનાવી છે તેથી એવું લાગી રહ્યું છે કે રતન ટાટા લાખ રૂપિયાની કારનો પ્રોજેક્ટ સમેટી લેશે. નેનોની જગ્યાએ અન્ય મોડ્યુલ્સ બનાવવાની દરખાસ્ત છેલ્લા ચાર વર્ષથી ચાલે છે પરંતુ હજી સુધી સરકારે તેને મંજૂરી આપી નથી, કારણ કે નેનો પ્રોજેક્ટના 2008માં થયેલા કરાર પ્રમાણે ટાટા મોટર્સ અન્ય કાર બનાવી શકાતી નથી. આ પ્રોજેક્ટમાં સરકારે ટાટા મોટર્સને ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં સૌથી વધુ 33000 કરોડના લાભ આપ્યા છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:22 am IST)