વિવિધ વિભાગ
News of Monday, 15th April 2019

ગાંધીવાદી-પૂર્વ સાંસદ સ્વ. જયાબેન વજુભાઇ શાહની પાંચમી પૂણ્યતિથી

રાજકોટ : ગાંધી-સર્વોદય મૂલ્યો-વિચારોને વરેલાં પીઢ ગાંધીવાદી, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, પૂર્વ સાંસદ અને આજીવન સમાજ-સેવિકા જયાબેન વજુભાઈ શાહે ૧૪ એપ્રિલ ૨૦૧૪દ્ગક્નત્ન રોજ, ૯૨ વર્ષની વયે, આપણી વચ્ચેથી વિદાય લીધી.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને સ્વ. જયાબેન શાહના ભાણેજ પિનાકી નાનકભાઈ મેદ્યાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા પાંચમી પુણ્યતિથિએ સાદર શ્રધ્ધાસુમન અર્પણ થયા.જીવનનાં અંતિમ દિવસે જયાબેન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણી રચિત સ્વાતંત્ર્ય-સંગ્રામ અને ગાંદ્યી ગીતોનું ગુંજન કરતાં હતાં જે ખાસ ઉલ્લેખનીય છે. આથી લાગણીથી પ્રેરાઈને ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતો થકી સ્વ. જયાબેન શાહને અનોખી સ્વરાંજલિ અર્પણ કરી. જયાબેનને પ્રિય એવાં મેઘાણી-ગીતો કસુંબીનો રંગ, કોઈનો લાડકવાયો, છેલ્લો કટોરો, છેલ્લી પ્રાર્થના, શિવાજીનું હાલરડું, ફૂલમાળ, ત્રાજવડાં ત્રોફણહારી રજૂ કરતા અભેસિંહભાઈ ભાવુક થઈ ગયા હતા.   સ્વ. જયાબેન શાહ સદેહે આપણી વચ્ચે નથી, પણ એમનાં જીવન અને કાર્યમાંથી આજેય સતત પ્રેરણા મળતી રહે છે.

સ્વ. જયાબેન વજુભાઈ શાહનો જન્મ ૦૧ ઓકટોબર ૧૯૨૨ના રોજ ભાવનગર ખાતે જૈન પરિવારમાં થયેલો. રેલ્વેનાં ભાવનગર ડીવીઝનમાં  કેશીયર તરીકે ફરજ બજાવતા પિતા ત્રિભુવનદાસ શાહ બાળકો માટે જૈન ધર્મની પાઠશાળા, શિક્ષણવર્ગ, સિવણવર્ગ સેવાકીય રીતે ચલાવતા. આઝાદીની લડત વખતે એમનાં ઘર પાસેથી એક વાર સ્વાંતત્ર-સેનાનીઓનું સરદ્યસ નીકળ્યું ને જયાબેન દોડીને તેમાં જોડાઈ ગયા. તે જમાનામાં કન્યા-કેળવણીનું ચલણ ખૂબ ઓછું છતાં નાનપણથી અભ્યાસમાં તેજસ્વી એવાં જયાબેન મુંબઈથી રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. થયેલાં.          ૧૯૩૯માં ભાવનગરમાં સ્થપાયેલી સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિનાં તેઓ સ્થાપક સભ્ય હતા. ૧૯૪૫માં લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની વજુભાઈ શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. આઝાદી પછી રાજકોટમાં ખાદી, રચનાત્મક અને હિન્દી-પ્રચારનાં કાર્યને વેગ આપ્યો. ભૂદાન પ્રવૃત્ત્િ। પણ સક્રીય ભાગ લીધો. ૧૯૫૨માં સૌરાષ્ટ્ર રાજયની વિભાસભામાં માંગરોળથી ચૂંટાયાં ને શિક્ષણ, સમાજ કલ્યાણનાં નાયબ મંત્રી તરીકે શાળાઓ, વિકાસગૃહો અને મહિલામંડળોની સ્થાપના કરી. ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭ એમ ત્રણ ટર્મ સૌરાષ્ટ્રના અમરેલી, કોડીનાર, પોરબંદર વિસ્તારના સંસદસભ્ય તરીકે ચૂંટાઈને ગરીબો, વંચિતો, ગ્રામજનો અને મહિલાઓનાં પ્રશ્નોને વાચા આપી. સંસદમાં અંદાજ સમિતિ અને જાહેર હિસાબ સમિતિનાં સભ્ય તરીકે નિયુકત થયા તેમજ અનેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું. ૧૯૭૫જ્રાક્નત્ન ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનાં અને ૧૯૮૦માં ગુજરાત નશાબંધી મંડળનાં અધ્યક્ષ તરીકે યશસ્વી કાર્ય કર્યું. મોરબી – મચ્છુ ડેમ જલપ્રલય અને જૂનાગઢ – વંથલી પૂર હોનારતના કપરા સમયે અસરગ્રસ્તોને વ્હારે આવ્યાં. વંચિત સમાજનાં ઉત્કર્ષ માટે સવિશેષ પ્રયત્નશીલ રહ્યાં. દ્વારકા – બેટ દ્વારકાનાં વિશ્વવિખ્યાત મંદિરમાં વંચિતોનાં પ્રવેશ માટે સફળતાપૂર્વક લડત પણ ચલાવી હતી. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ (સણોસરા), ગ્રામ સ્વરાજ મંડળ (પારડી), સર્વોદય સેવા સંદ્ય (વાંકાનેર), શારદાગ્રામ (માંગરોળ), ગંગાજળા ગ્રામ મહાવિદ્યાલય (અલિયાબાડા), અમરગઢ ક્ષય નિવારણ હોસ્પીટલ, બબલભાઈ મહેતા નેત્રરક્ષા ટ્રસ્ટ જેવી અગ્રગણ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલાં જયાબેનને, ગાંધી સેવા પુરસ્કાર (ગાંધી નેશનલ મેમોરિયલ - પૂના), સ્વાશ્રયી એવોર્ડ (શ્રી મોરારજી દેસાઈ મેમોરિયલ), કાનજીભાઈ દેસાઈ ગુજરાતી પ્રતિભા એવોર્ડ (વિશ્વ ગુજરાતી સમાજ), હિન્દી સેવી એવોર્ડ (ગુજરાત રાજય હિન્દી સાહિત્ય અકાદમી), પુષ્પાબેન મહેતા એવોર્ડ (વિકાસ વિદ્યાલય – વઢવાણ)  જેવાં પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરાયાં હતાં. સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો તેમજ લડતો, ગાંધીજીના અંતરતમ સાથીઓ, પડકારો અને સ્વધર્મ, આપણો સમાજધર્મ, વજુભાઈ શાહ સ્મૃતિ ગ્રંથ, અમેરિકા અને અમેરિકન જીવન, તવ ચરણે જેવાં પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મુખપત્ર સ્વરાજધર્મનાં તંત્રી તરીકે સેવા આપી તેમજ અનેક પ્રતિષ્ઠિત વર્તમાનપત્રો – સામયિકોમાં એમનાં લેખ નિયમિતપણે પ્રગટ થતાં. અમેરિકા, ઈંગ્લેન્ડ, યુરોપ અને આફ્રિકાનાં દેશોનો પ્રવાસ પણ કર્યો હતો.    જયાબેનનું જીવન ખૂબ જ સાત્વિક, સરળ અને સાદગીભર્યુ. જીવન-જરૂરિયાત ખપ પૂરતી જ. છેલ્લા સમય સુધી રસોઈ કરતા, પોતાના કપડા જાતે પણ ધોતા. કોઈપણ કામનો સંકોચ અને નાનપ જ નહિ. જયાબેને આજીવન ખાદી જ પહેરી. ઘરમાં ચાદર, ટૂવાલ-નેપકીન, પડદા અને મસોતા સુદ્ઘા ખાદીનાં જ. આર્થિક વ્યવહારમાં જયાબેન નખશિખ અણિશુધ્ધ પ્રામાણિક અને અતિ ચોકસાઈ-ચિવટવાળા. હિસાબમાં સહેજ પણ ભૂલચૂક સાંખી ન લે. હિસાબ ન મળે ત્યાં સુધી ચેન ન પડે. જમે પણ નહિ. જયાબેન પત્ર-વ્યવહારમાં ખૂબ નિયમિત અને ચોક્ક્સ. નાના-મોટા દરેકને યાદ રાખીને પત્રનો જવાબ આપે જ. જયાબેનને ઈશ્વરમાં ઊંડી શ્રધ્ધા. સર્વધર્મમાં આસ્થા.

આલેખન :

પિનાકી નાનકભાઇ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮રપ૦ ર૧ર૭૯)

(3:49 pm IST)