વિવિધ વિભાગ
News of Friday, 12th April 2019

બ્રિટીશ સરકારના ખોટા કેસમાં નિર્દોષ છુટતા ઝવેરચંદ મેઘાણીએ શ્રીકષ્ટભંજન હનુમાનદાદા સાળંગપુરની માનતા કરી'તી

આઝાદીની લડત વેળાએ ૧૯૪૧ માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પર બ્રિટીશ સરકારેખોટી રીતે ફોજદારી કેસ દાખલ કર્યો હતો. તે વખતના નામી ધારાશાસ્ત્રીઓની ત્રિપુટી હિંમતલાલ શુકલ, પ્રભુદાસ પટવારી, અને પાંડુરાવ દેસાઇએ ઝવેરચંદ મેઘાણીનો કેસ જુસ્સાભેર અને નિડરતાથી લડયો અને આખરે નિર્દોષ છુટયા હતા. ઝવેરચંદ મેઘાણી ખોટા કેસમાંથી  હેમખેમ બહાર આવે તે માટે બેરિસ્ટર હિંમતલાલ શુકલના ધર્મિષ્ઠ પત્ની કમળાબેનએ સાળંગપુર સ્થિત જગપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શનની માનતા રાખેલી. આ માનતા પૂર્ણકરવા ઝવેરચંદ મેઘાણી સહુને બોટાદથી ગાડામાં બેસાડીને સાળંગપુર દર્શનાર્થે તેડી ગયા હતા.

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર- સાળંગપુરધામ દ્વારા હાલમાં પ્રસિધ્ધ થયેલ પ્રેરક પુસ્તક '' સાળંગપુરમાં સારંગપાણી'' માં ઝવેરચંદમેઘાણીના હ્રદયસ્પર્શી સંભારણાનું ખાસ આલેખન કરાયું છે. આથી લાગણીથી પ્રેરાઇને ઝવેરચંદમેઘાણીના પોૈત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાપનના સ્થાપક પિનાકી  નાનકભાઇ મેઘાણીએ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કર્યા હતા. સાહિત્ય સંસ્કૃતિ પ્રેમી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા, તેમજ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, સાળંગપુરધામનો હ્રદયથી આભાર માન્યો હતો. ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) ના સેવાભાવી ચેરમેન અને ખાદી ક્ષેત્રના અગ્રણી ગોવિંદસંગ દાજીભાઇ ડાભીની વિશેષ ઉપસ્થિતી રહી હતી.

આલેખન પિનાકી નાનકભાઇ મેઘાણી . ઝવેરચંદમેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:54 pm IST)