વિવિધ વિભાગ
News of Tuesday, 26th March 2019

અમદાવાદમાં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા શહિદ દિને શહિદ વંદના કાર્યક્રમ યોજાયો

રાજકોટ : આઝાદીની લડતના અમર ક્રાંતીવિર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરાજ રાજયગુરૂને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપુર્વક ફાંસી અપાઇ, તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ હૃદયસ્પર્શી કાવ્ય ફૂલમાળ રચેલુ : વીરા એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ. ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઇ કરતા વાલ્મીકી સમાજના વયોવૃધ્ધ સફાઇ કામદારભાઇની હાથની બનેલી રોટી ખાવાની ઇચ્છા ભગતસિંહે વ્યકત કરેલી. શહિદ ભગતસિંહે અંતિમ સમયે ખાધેલી વાલ્મીકી સમાજની આ રોટીનું ઋણ અને મુલ્ય કયારેય વીસરાશે નહિ. આથી પ્રેરાઇને સતત સાતમા વર્ષે શહિદ દિને સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા શહિદ વંદનાનું ભવ્ય આયોજન અમદાવાદ સાબરમતી ખાતે થયુ હતુ. નવી પેઢી પ્રેરીત થાય તે હેતુથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સાબરમતી વાલ્મીકી સમાજ તથા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્વારા આ સ્વરાંજલી કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાક મેઘાણી ૧૯૯૯ના કારગીલ યુધ્ધમાં માતૃભુમીની રક્ષા કાજે પ્રાણની આહુતી આપનાર વાલ્મીકી સમાજના વીર શહિદ સ્વ.દિનેશભાઇ વાઘેલાના માતાપિતા કુસુમબેન - મોહનભાઇ વાઘેલા અને ભાઇ રાજેશભાઇ વાઘેલા (નિર્માલી કપડવંજ), સાબરમતીના કોર્પોરેટર ચેતનભાઇ પટેલ, કેસી.વાઘેલા (વાલ્મીકી યુવા ઉત્થાન મિશન), કિશોરભાઇ સોલંકી, જગદીશભાઇ વાઘેલા, રમેશભાઇ સોલંકી, ડી.એ.વાઘેલા, પી.કે.વાઘેલા, કિશોરભાઇ વાઘેલા (ગુડ્ડુભાઇ), હિતેશભાઇ સોલંકી, બિપીનભાઇ સોલંકી, કિરણભાઇ સોલંકી, સુરેશભાઇ ગોરીયા, સુરેશભાઇ વાઘેલા, દેવેન્દ્રભાઇ વાઘેલા, ગિરીશભાઇ વાઘેલા, નરેશભાઇ વાઘેલા, લાલાભાઇ વાઘેલા, પ્રવિણભાઇ સોલંકી, દિલીપભાઇ વાઘેલા (નારોલ), રમેશભાઇ રાણા (રાણીપ), દશરથભાઇ રાણા (પાંજરાપોળ), વિનુભાઇ રાણા (વેજલપુર), પ્રવિણભાઇ કટારીયા (નરોડા) અને અનિલભાઇ સોલંકી (ચાંદખેડા), શીખ સમાજમાંથી દેવીન્દર સિંઘ, કુલદિપ સિંઘ, ભજનસિંઘ અને દલજીતસિંઘ બીટ્ટી જૈન સમાજમાંથી જતીનભાઇ ઘીયા અને રૂપાબેન મિતાલી મહેતા, પિયુષભાઇ વ્યાસ, જનકભાઇ રાવલ, વાયોલીન વાદક જયંતી કબીરા સહિત મોટી સંખ્યામાં વાલ્મીકી શીખ અને અન્ય સમાજની ઉપસ્થિતી રહી. બહેનો અને યુવાનોની વિશેષ હાજરી રહી. વિશ્વભરમાં વસતા છ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્રમનું ઇન્ટરનેટ પર પણ જીવંત પ્રસારણ માણ્યુ હતુ.

ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત સંપાદિત ગીતો લોકગીતો ભજનોની રમઝટ બોલાવી હતી. વાલ્મીકી સમાજમાંથી આવતા લોકગાયક ભજનીક ગંગારામ વાઘેલા અને તેમની ૧૦ વર્ષની પૌત્રી ધ્વની દીલીપભાઇ વાઘેલા તથા તેજલબેન રાણાએ પણ સમસ્ત વંચીત સમાજ વતી સ્વરાંજલી અર્પણ કરી હતી. હાસ્યકાર હરિસિંહ સોલંકી પોતાની આગવી શૈલીમાં રસપ્રદ વાતો કહી હતી. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સુરીલું સંગીત નિયોજન હતુ. મેઘાણી સાહિત્યમાં આલેખીત વાલ્મીકી સમાજના શૌર્ય, શીલ, સ્વાર્પણની ગૌરવગાથાઓની હૃદયસ્પર્શી રજૂઆત પિનાકી મેઘાણીએ કરી હતી. વાલ્મીકી સમાજમાંથી આવતા વાદ્યવૃંદ ચંદ્રકાંતભાઇ સોલંકી (તબલા) અને સાથીઓ નકુમ વાઘેલા - સુરેશ સોલંકી (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), જગદીશ વાઘેલા, દારાસિંહ, મોહિત વાઘેલા (મંજીરા), મલ્હાર વાઘેલા (તબલા), શુભાંગ વાઘેલા (કરતાલ)એ બખુબી સાથ આપ્યો.

માતૃભુમિની રક્ષા કાજે ફના થનાર વીર શહિદ જવાનોને ખાસ સ્વરાંજલી અર્પણ થઇ હતી. વાલ્મીકી સમાજના દિનેશભાઇ વાઘેલા શિક્ષકની નોકરી છોડીને ૧૯૯૬માં ભારતીય સેનામાં જોડાયા. ૧૯૯૯ના કારગીલ યુધ્ધમાં માતૃભુમીની રક્ષા કાજે પ્રાણની આહુતી આપી હતી. વાલ્મીકી સમાજના વીર શહિદ સ્વ.દિનેશભાઇ વાઘેલાના નિર્માલી કપડવંજથી આવેલા માતાપિતા કુસુમબેન મોહનભાઇ વાઘેલા તથા ભાઇ રાજેશભાઇ વાઘેલાનું ભાવભર્યુ અભિવાદન કરાયુ હતુ. 'ભારત માતાની જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, વિર શહિદો અમર રહો' નો સહુએ જયઘોષ પણ કર્યો હતો. અભેસિંહ રાઠોડે દુહા છંદની રમઝટ બોલાવીને કાર્યક્રમનો આરંભ કર્યો. શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને અંજલી આપતા ઝવેરચંદ મેઘાણી સહિત રચીત અમર કાવ્ય વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન, રોપાણા ત્રણ રૂખડા હોજીની અભેસિંહ રાઠોડ દ્વારા અર્થસભર હૃદયસ્પર્શી રજૂઆતથી સહુની આંખો આંસુભીની થઇ ગઇ હતી. અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે ઓતરાદા વાયરા ઉઠો ઉઠો, શિવાજીનુ હાલરડુ,  ચારણ કન્યા, મોર બની થનગાટ કરે જેવા અમર મેઘાણી ગીતો તથા રઢીયાળી રાત માંથી વેરણ ચાકરીના સદાબહાર ગીતો ઉભી ઉભી ઉગમણે દરબાર, આભમાં ઝીણી ઝબુકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, આવડા મંદિરમાં, માડી હુ બાર બાર વરસે આવિયો તેમજ ના છડીયા હથિયાર રજૂ કરીને સહુને ડોલાવી દીધા. સોરઠી સંતવાણી માંથી ગંગાસતી અને જેસલ તોરલની અમરવાણીની પણ હૃદયસ્પર્શી રજૂઆત કરી હતી. વાલ્મીકી સમાજમાંથી આવતા ગંગારામ વાઘેલા, ધ્વની વાઘેલાએ સોરઠી સંતવાણીમાંથી પ્રાચીન ભજનો વાગે ભડાકા ભારી ભજનના (હરજી ભાટી), મેં તો સધ રે જાણીને (અમરમા) તથા ચન્દ્રકાંત સોલંકીએ ગુરુ તારો પાર ન પાયો (દેવાયત પંડિત), મારે પૂરવની છે પ્રીત્યું (દાસી જીવણ) રજૂ કર્યા હતા. તેજલબેન રાણાએ શ્નરઢિયાળી રાતલૃમાંથી લોકગીતો કાન તારી મોરલી અને સૈયર મોરી રે રજૂ કર્યા.

આજે પણ લોકમુખે રમતું ઝવેરચંદ મેઘાણી રચિત સદાબહાર લોકપ્રિય ગીત કસુંબીનો રંગ સહુ કલાકારોએ રજૂ કરીને કાર્યક્ર્મને વિરામ આપ્યો. આ કાર્યક્રમમાં સહુ કલાકારો રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને લાગણીથી આવ્યાં હતાં. કુંતલભાઈ વર્મા – અંબિકાએ મંડપની તથા અલ્પેશભાઈ – વિષ્ણુભાઈ મકવાણા – ચામુંડા સાઉન્ડે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા સંભાળી હતી.  સમસ્ત વાલ્મીકિ અને શીખ સમાજની લાગણી નિહાળીને પિનાકી મેઘાણીએ ભાવવિભોર થઈ ગયા અને સહુનો હૃદયથી આભાર માન્યો હતો. વિરમદેવ સોસાયટીમાં રહેતા નિવૃત્ત્। સરકારી કર્મચારી ધનજીભાઈ એ. વાઘેલા, તેમના પુત્ર બળદેવભાઈ વાઘેલા અને જમાઈ કે. સી. વાઘેલા સાથે પિનાકી મેદ્યાણીએ પ્રીતિ-ભોજન પણ લીધું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

:: આલેખન :: પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન

 (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:49 am IST)