વિવિધ વિભાગ
News of Tuesday, 18th May 2021

બાંગ્લાદેશના 'ભોલા'એ ત્રણ લાખ લોકોનો ભોગ લીધો હતો, ગુજરાતને કંડલાની બરબાદી યાદ છે

વાવાઝોડાંના નામ પણ ખૂબસુરત હોય છે જેવાં કે કયાર, પ્રિયા, બુલબુલ, કેટરિના, પેયતી, મોરાઃ ભારતે વાવાઝોડાંને અગ્નિ, બિજલી, જલ, મહેર, મેધ, સાગર અને આકાશ જેવાં નામ આપ્યાં છેઃ ગુજરાતના માથે 'તૌકતે' વાવાઝોડાંનું મહાસંકટ, રાજયની સાથે ભારત સરકારની પણ નજર છે

ગુજરાતના માથે 'તૌકતે'નામના વાવાઝોડાંનું સંકટ તોળાઇ રહ્યું છે જે વેરાવળથી ૬૦૦ કિલોમીટર દૂર છે. એટલે કે ૧૭ અને ૧૮ મે ના રોજ દરિયાકિનારાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. રાજયના સમુદ્રકાંઠાના તમામ જિલ્લાઓને રેડ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમો આ વિસ્તારમાં બિછાવી દેવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાંનો ઇતિહાસ જોઇએ તો ૧૯૭૦ પછી ૧૧ જેટલા મોટા વાવાઝોડાં આવ્યા છે જેમાં ૧૯૮૧ અને ૧૯૯૮માં સર્જાયેલા વાવાઝોડાંએ ભારે ખાનાખરાબી કરી હતી. ૧૯૯૮માં કંડલામાં આવેલા વાવાઝોડાંના કારણે ૧૧૦૦થી વધુ લોકોના મોત થયાં હતા. જો કે બિન સત્તાવાર મૃત્યુઆંક ૧૦,૦૦૦ ચર્ચાઇ રહ્યો હતો. ૩૦ હજારથી વધુ લોકો બેઘર બન્યાં હતા. ૧૫૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે કંડલા બંદરને ખૂબ હાનિ પહોંચી હતી. લોખંડની ક્રેન વાળી દીધી હતી. તીવ્રતા એટલી પ્રચંડ હતી કે મજૂરો દરિયામાં તણાઇ ગયા હતા. આ સમયે ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૫૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. જો કે તે સમયે જીપીએસ અને ઇન્ટરનેટ જેવી ટેકનોલોજીનો પ્રભાવ નહીં હોવાથી ગુજરાતને વધારે સહન કરવું પડ્યું હતું. કંડલાના એ વાવાઝોડાંની અસર ૭૦૦ કિલોમીટની ત્રિજયામાં જોવા મળી હતી. આ તોફાન ત્રણ કલાક ચાલ્યું હતું જેના કારણે ફ્રેન્ડ્સ એન્ડ ફ્રેન્ડ્સ કંપનીના ૧૩૦૦ કર્મચારી લાપત્ત્।ા બન્યા હતા. ૭૦ હજાર ટનનું નોર્વેનું જહાજ પણ ફંગોળાઇ ગયું હતું. આ સમયે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું શાસન હતું. તેમના જ શાસનમાં કચ્છમાં ૨૦૦૧માં ભયનાક ભૂકંપ આવ્યો હતો.

સામાન્યરીતે સમુદ્રના ગરમ પાણીના કારણે હવા ગરમ થઇને વધુ ઝડપથી ઉપરની તરફ જાય છે. આ હવા જયારે ઠંડી પડે છે ત્યારે તે નીચે રહેલી ગરમ હવા તેને વધુ ધક્કો આપે છે અને શકિતશાળી પવન ફૂંકાય છે. આ શકિતને વાવાઝોડું કે ચક્રવાત કહેવામાં આવે છે. હિન્દ મહાસાગરના આઠ દેશો કે જેઓ આ મહાસાગર સાથે દરિયાઇ સીમા ધરાવે છે તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઇલેન્ડ વચ્ચે ૨૦૦૪ એક કરાર થયો હતો. આ કરાર પ્રમાણે દરેક દેશોએ વાવાઝોડાં માટે આઠ નામ સૂચવવાના હોય છે. વાવાઝોડાંનું નામ એવા શબ્દોમાંથી પસંદ કરવામાં આવે છે કે જેના કારણે લોકોને યાદ રહી જાય છે. વાવાઝોડાના નામ અગાઉથી નક્કી કરવામાં આવે છે. બઘાં વાવાઝોડાંને નામ આપવામાં આવતું નથી પરંતુ જે વાવાઝોડાની ગતિ ૩૪ નોટીકલ માઇલ કલાકની હોય તેને નામ આપવું ફરજીયાત છે. વિશ્વમાં ૧૯૪૫ સુધી કોઇપણ વાવાઝોડાંનું નામ આપવામાં આવતું ન હતું જેના કારણે હવામાન વિભાગ અને ભૂવિજ્ઞાનના વૈજ્ઞાનિકોને વાવાઝોડાનો ઉલ્લેખ કરવામાં મુશ્કેલી ઉભી થતી હતી.

હિન્દ મહાસાગરમાં અવારનવાર ઉત્પન્ન થયેલા વાવાઝોડાંને અત્યાર સુધીમાં જાલ, ઓનિલ, થાને, નિશા, હિબારૂ, આઇલા, કેઇલા, ફયાન, બાજ, નરગિસ, ગિરી, બંધુ, રશ્મિ, મુકદા, માસા, ફેટ, ફનૂસ, ફેલિન, ઓખી, ફાની અને વાયુ જેવા નામ આપવામાં આવેલા છે. એ ઉપરાંત માડી, રોઆનુ, મકેનુ, નાનૌક, કયાંત, કયાર, મહા, લુબાન, પ્રિયા, નિલોફર, વરધા, પતંગિયું, બુલબુલ, મોહરાર, ઉપપુન, અમ્ફન, પેયતી અને મોરા જેવા નામ પણ રાખવામાં આવ્યા છે. ભારતને કોરોના મહામારીમાં ચક્રવાતનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ બની રહ્યું છે જેને તૌકતે નામ આપવામાં આવ્યું છે. આ શબ્દનો અર્થ ગેકો છે. એટલે કે ગરમ વાતાવરણમાં મળતી ગરોળી છે. આ નામ મ્યાનમારે સૂચવ્યું છે. આઠ દેશોએ કુલ ૬૪ નામ આપ્યાં છે. ૨૦૦૪માં જયારે નામ આપવાની પરંપરા શરૂ થઇ ત્યારે બાંગ્લાદેશ તરફથી પહેલું નામ ઓનિલ આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લે ૨૦૧૯માં આવેલા વાવાઝોડાનું નામ વાયુ હતું અને તે ભારતે પસંદ કર્યું હતું. નામકરણમાં એક એવું સૂચન હતું કે સાંસ્કૃતિક રીતે વાવાઝોડાંનું નામ સંવેદનશીલ ન હોવું જોઇએ અને તે દ્વિઅર્થી ન હોય. નામ નાનું અને સરળ હોવું જોઇએ, જે લોકોને યાદ રહી જાય. કોઇ ચક્રવાત અત્યંત વિનાશક હોય ત્યારે તે નામનો ભવિષ્યમાં ઉપયોગ કરવામાં આવતો નથી.

વિશ્વ હવામાન સંગઠને ૧૯૪૫થી દરેક વાવાઝોડાંને નામ આપવાનું નક્કી કર્યું હતું. નામની પસંદગી કોઇ ક્રમને ધ્યાનમાં રાખીને કરવાની હોતી નથી પરંતુ સમુદ્રી વાવાઝોડાંને પુરૂષ અથવા મહિલાનું નામ અપાય છે. જો વાવાઝોડું ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને ઉત્ત્।ર પૂર્વિય પેસિફિકમાં ઉત્પન્ન થાય તેને હરિકેન કહેવામાં આવે છે. જો વાવાઝોડું હિન્દ મહાસાગર અને દક્ષિણ પેસિફિકમાં સર્જાય તો તેને સાઇકલોન કહેવામાં આવે છે અને ઉત્તર-પશ્ચિમ મહાસાગરમાં ઉત્પન્ન થયેલા વાવાઝોડાને ટાયફૂન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ ચક્રવાતને ભારતમાં સાયકલોન, અમેરિકામાં હરિકેન અને જાપાનમાં ટાયફૂન કહેવાય છે. મહત્વની બાબત એવી છે કે ૧૯૫૩ સુધી  ઓસ્ટ્રેલિયમાં આવેલા ચક્રવાતના નામ ભ્રષ્ટ નેતાઓ અને અમેરિકામાં સ્ત્રીઓના નામ પર રખાતા હતા પરંતુ ૧૯૭૯ પછી એક પુરૂષ અને એક  સ્ત્રીનું નામ આપવામાં આવે છે. અમેરિકામાં દરવર્ષે તોફાનના ૨૧ નામની યાદી તૈયાર કરવામાં આવે છે. વાવાઝોડાની ગતિ વધુ હોય તો તેને વિશેષ નામ આપવામાં આવતા હોય છે. ભારતે અગ્નિ, બિજલી, જલ, લેહર, મેધ, સાગર, આકાશ અને વાયુ જેવા નામ આપ્યાં છે. પાકિસ્તાને નરગિસ, નિલમ, નાડા, નિલોફર, લૈલા, બુલબુલ અને તિતલી જેવા નામકરણ કર્યા છે. મહા વાવાઝોડાંનું નામ ઓમાન એ પાડ્યું હતું. કયાર નામ મ્યાનમારે આપ્યું હતું, જયારે ભારતે છેલ્લે વાયુ નામ આપ્યું છે.

પ્રતિવર્ષ સરેરાશ ૧૦૦ જેટલા ચક્રવાત બને છે જે પૈકી ઘણાં ઓછી તીવ્રતાવાળા હોય છે. જો કે કેટલાક ફિલિનની જેમ અતિ તીવ્ર અને આક્રમક હોય છે. વેસ્ટઇન્ડીઝમાં ૧૮૨૫ના સમયગાળામાં વાવાઝોડાના નામ તે સમયના સંત કે મહાત્માના નામે જોવા મળતા હતા. નામકરણ પછી અત્યારસુધીમાં કુલ ૯૦ નામ આપવામાં આવ્યા છે જે પૈકી ૨૫ નામ પુરૂષ અને ૬૫ નામ  સ્ત્રીના આપવામાં આવ્યા છે. એક સ્ટડી પ્રમાણે વાવાઝોડાને જયારે  સ્ત્રીનું નામ અપાય છે ત્યારે લોકો તેને ગંભીરતાથી લેતા નથી પરંતુ તે ખૂબ નુકશાન કરે છે. હવામાન વિભાગના એકસપર્ટના મતે વાવાઝોડાંની ઉત્પત્ત્િ। મોટાભાગે સમુદ્રમાં થાય છે અને તેની તીવ્રતા મુજબ તે સમુદ્રમાં જ સમાપ્ત થઇ જતા હોય છે. જયારે ફેનિલ જેવા વાવાઝોડાં સમુદ્રમાં ઉત્પન્ન થતાં હોય છે અને તેની સમાપ્તિ દરિયાકિનારાના વિસ્તારોમાં થતી હોય છે જે તબાહી મચાવે છે. ભારત દેશમાં સરકાર સામાન્ય લોકો પાસે વાવાઝોડાં માટેના નામ મંગાવતી હોય છે પરંતુ તે ટૂંકા અને ઝડપથી યાદ રહી જાય તેવા હોવા જોઇએ. ૨૦૧૩માં શ્રીલંકાએ વાવાઝોડાંનું નામ મહાસેન આપ્યું હતું ત્યારે આ નામ પર શ્રીલંકામાં જોરદાર વિરોધ થયો હતો, કારણ કે શ્રીલંકામાં રાજા મહાસેન એ શાંતિ અને સમૃદ્ઘિનું પ્રતીક ગણાય છે.

પૃથ્વી પર સૌથી વધુ ચક્રવાત અમેરિકામાં સર્જાય છે. મધ્ય અમેરિકાને ટોર્નેડો એલી કહેવામાં આવે છે જયાં વર્ષમાં નાના-મોટાં ૧૨૦૦થી વધુ ચક્રવાત આવતા હોય છે. વાવાઝોડાંમાં પવનની સૌથી વધુ ઝડપ ૧૯૯૯માં ઓકલાહમા શહેરમાં ૪૫૦ કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ છે. ૧૯૨૫માં અમેરિકાના મિસુરીથી ઇન્ડિયાના સુધીના વિસ્તારમાં ફેલાયેલા ચક્રવાતના કારણે ૬૯૫ લોકોના મોત થયાં હતા. પૃથ્વીના ગોળાર્ધમાં ચક્રવાત ઘડિયાળના કાંટાની દિશામાં તેમજ ઉત્ત્।ર ગોળાર્ધમાં ધડિયાળના કાંટાની વિરૂદ્ઘ દિશામાં ફરે છે. વાવાઝોડાંના મધ્યબિંદુને તેની આંખ કહેવામાં આવે છે. લગભગ ત્રણ થી ૪૫ કિલોમીટરના વ્યાસની આંખમાં હવા શાંત હોય છે. પૃથ્વી પર સૌથી ભયાનક વાવાઝોડું ૧૯૭૦માં બાંગ્લાદેશમાં આવ્યું હતું. ભોલા નામના આ વાવાઝોડાંના કારણે ત્રણ લાખ લોકોના મોત થયાં હતા. સાયકલોન શબ્દ ગ્રીકના સાયકલોસ પરથી આવ્યો છે જેનો અર્થ સાપની કોઇલ એવો થાય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્દમાં જે તોફાન આવે છે તે સર્પ જેવાં દેખાતા હોય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત એટલે કે ટ્રોપિકલ એ હિંસક અને તોફાની છે. મોટા પ્રમાણમાં વિનાશ લાવે છે. આ સાયકલોનમાં પવનની ગતિ ૩૬ કિલોમીટર પ્રતિ કલાક હોય છે. બીજા પ્રકારના ચક્રવાતને વિશેષ ઉષ્ણકટિબંધીય એટલે કે એકસ્ટ્રા ટ્રોપિકલ કહેવાય છે. એ ઉપરાંત સબ ટ્રોપિકલ, ધ્રુવીય અને મેરોસાયકલોન જેવા પ્રકાર હોય છે.

-: આલેખન :-

ગૌતમ પુરોહીત

gpurohit09@gmail.com

(12:01 pm IST)