વિવિધ વિભાગ
News of Monday, 11th June 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

શિક્ષણ જયારે  વ્યકિતની અજોડ અને અદ્વિતીય નિજતાનું સત્ય સ્વીકારશે ત્યારે એક મોટી ક્રાંતીની શરૂઆત થશે.

ગુલાબનેજુઇ થવાનો ઉપદેશ મુર્ખાઇભર્યો છે. ઘાસના ફુલને કમળ થવાનો ઉપદેશ વ્યર્થ છે. ઘાસનું કે ગુલાબનું ફુલ પૂર્ણ વિકસે એ જ સાર્થકતા છે.

એક ખરાબ કામમાં સફળ થવા કરતાં સારા કામની નિષ્ફળતા વધુ કીમતી અને ગૌરવશાળી છે.

પ્રતિસ્પર્ધામાં સફળ થવા કરતા પ્રેમમાં નિષ્ફળ જવું હજાર દરજજે સારૃં છે.

જીવનને જેણે જાણી લીધું તેનું મૃત્યુ સમાપ્ત થઇ ગયું સમજવું જે પોતાને જ જાણી નથી શકતો તે બીજાને શી રીતે જાણશે ? અને જેણે પોતાને જ જાણ્યું છે તેણે બીજાને જાણ્યા જ છે. સાગરના એક ટીપાને જે ઓળખે છે તે સાગરને ઓળખે જ છે.

જે પોતાની અંદરના ચૈતન્યની હાજરીને જ નથી જાણતો તે બીજાના આકારને જ જાણી શકે છે, આત્માને નહિ.

જેમ નાના સરખા બીમાં વૃક્ષ છુપાયેલ હોય છે તેમ નાની સરખી વ્યકિતમાં વિરાટનો આવાસ છે. સ્વ જ નહિ. સર્વ પણ છે. આત્મા આત્મા જ નહિ, પરમાત્મા પણ છે.

પ્રકાશ પ્રકટાવવાનો નથી, પોતે જ પ્રકટવાનું છે. અથવા પ્રકાશમય બનવાનું છે.

જે તમે થઇ શકો તે જ જુઓ. જે તમે મેળવી શકો તેનું જ ચિંતન કરો.

શિક્ષક પોતે સ્વતંત્ર હોય તો જ વિદ્યાર્થીઓને માટે સ્વતંત્રતાનો સંદેશવાહક બની શકે.

મૌન રહેતા આપણને આવડે તો રહસ્યના અનંત દ્વાર ખુલી જાય છે.

પ્રકૃતિને મૌન વિના બીજી કોઇ ભાષા નથી. પ્રકતિથી દુર થવું એ જ દુઃખ છે. સૌંદર્યને ચાહનાર કદી ફુલને છોડથી અલગ નહીં કરે. હિંસા એ મોટી કદરૂપતા છે અને અહિંસા એ શ્રેષ્ઠ સૌંદર્ય. જયાં પ્રેમ છે ત્યાં અધિકાર અને બંધન નથી.

તમે પુછો છો-પ્રસાદ દ્વારા પરમાત્મા ઉપબ્ધિ કઇ રીતે શકય છે ? પરમાત્મા પ્રાપ્તિ જયારે પણ સંભવી છે ત્યારે આ રીતે જ સંભવી છે.

તમારૃં આ જગતમાં  આવવું તે એક ઘટના છે તમે પોતાની જાતને સ્વયં લાવ્યા નથી. તે જ તો છે- પ્રસાદનું સૂત્ર ! તમે સ્વયં તમારી જાતને નિર્મિત નથી કરી. આ જીવન તમારૂ કૃત્ય નથી. આ તો તમને મળેલું દાન છે ! પરમાત્માનો પ્રસાદ છે ! અચાનક એક દિવસ તમે તમારી જાતને જીવન્ત અનુભવી. આ સમગ્ર અસ્તિત્વને રસવિમુગ્ધ અનુભવ્યું.

તમારા પર પ્રસાદની સતત વર્ષા થઇ રહી છે- અંદર-બહાર જતા શ્વાસરૂપે ! પરંતુ તમે તો માનો છો કે શ્વાસ તમે લઇ રહ્યા છો. અહંકારની કોઇ સીમા તો હોય ને ? આવી વિક્ષિપ્ત વાતો ના કરો. તમે કઇ રીતે શ્વાસ લઇ શકો ? જો શ્વાસ લેવાનુ તમારા હાથમાં હોત તો તમે કયારેક મૃત્યુ પામત જ નહિ-તમે તો શ્વાસ લેવાનું ચાલુ જ રાખત. પરંતુ આ પ્રક્રિયા તમારા હાથમાં નથી.

હકીકતમાં તો શ્વાસ તમને લઇ રહ્યો છે. તમે ન તો શ્વાસને રોકી શકો છો કે ન તો શ્વાસ બંધ થયા પછી લઇ શકો છો. શ્વાસ તો આપમેળે ચાલી રહ્યો છે- રાત-દિવસ ચાલી રહ્યો છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:19 am IST)