વિવિધ વિભાગ
News of Thursday, 8th October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

સદાચારી લોકો વાતાવરણને સ્વર્ગ જેવું સુંદર બનાવે

આપણે આપણા જીવનની રીતિનિતી પરમ કૃપાળુ પરમાત્માની ઇચ્છા મુજબ રાખીએ ત્યારે આપણે તેમના સાચા ભકત બની શકીએ.

સાધનાના સર્વસ્વ ઇશ્વરને સમર્પિત કરવામાં આવે છે. આપણી બુધ્ધિ, શ્રમ, સમય, પ્રતિભાએ બધુ જ આપણે પરમાત્માના કાર્યો પૂર્ણ કરવા માટે ખર્ચવું જોઇએ.

આપણે જયારે આપણું બધું જ પરમાત્માને  અર્પણ કરી દઇએ છીએ. ત્યારે ભગવાન પણ પોતાનું બધુ જ આપણને આપી દે છે.

ભગવાનના આશિષ પ્રાપ્ત કરવા માટે પહેલાં ઓગળવુ પડે છે. પરમાત્મા પાસે અનુદાનોની કોઇ ખોટ નથી. પરંતુ એ મેળવવા માટે પહેલાં આપણે આપવાની સાધના કરવી પડે છે.

પરમ કૃપાળુ પરમાત્મા સાથે સબંધ જોડયો હોય તો સમર્પણ જ કરવું જ પડે. પોતાને તથા પોતાના સર્વસ્વને પરમાત્માને સમર્પિત કરી દેનાર જ સાચો સાધક કહેવાય છે.

દેવ માનવો સ્વર્ગ મેળવવાના અધિકારી હોવા છતાં દુઃખી લોકોની પીડાને દૂર કરવા માટે નરકમાં રહેવાનું સ્વીકારે છે.

યુધિષ્ઠીરને એક દિવસનું નરક અને સો વર્ષનું સ્વર્ગ મળ્યુ હતું.

આ બેમાંથી પહેલાં શું ભોગવવું છે. એવું પુછતાં તેમણે પહેલાં નરક ભોગવવાનું પસંદ કર્યુ.

યુધિષ્ઠીર નરકમાં જતાં જ તેમના શરીરમાંથી શિતળ સુગંધ આવવા લાગી એનાથી ત્યાંના દુઃખી લોકોને ઘણી રાહત મળી.

આ દુઃખીજનોએ કહયું કે, આપ અહીં રહો તો સારૃં....!

ત્યારે યુધિષ્ઠિરે આ નરક વાસીઓને પોતાનું પુણ્ય આપી દીધુ અને તેઓને સ્વર્ગમાં મોકલી દીધા અને યુધિષ્ઠીર પોતે નરકવાસીઓનું પાપ લઇને નરકમાં જ રહેવા લાગ્યા.

અને.... યુધિષ્ઠીરના ત્યાં રહેવાથી નરકનું વાતાવરણ પણ સ્વર્ગ જેવું સુંદર બની ગયું.

સત્યવૃતિઓ કરનારા સદાચારી લોકો જયાં પણ રહે છે ત્યાંના વાતાવરણને સ્વર્ગ જેવું સુંદર બનાવી દે છે

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:06 am IST)