વિવિધ વિભાગ
News of Friday, 10th January 2020

સોની બજારોમાં આવકવેરાની નોટીસોથી ફફડાટ

હીસાબી વર્ષ ર૦૧૬-ર૦૧૭ નાં સમયમાં તા. ૮-૧૧-ર૦૧૬ ની નોટબંધીના સમયમાં નાણાની હેરફેર તેમજ રૂ. પ૦૦ તથા રૂ. ૧૦૦૦ ની રોકડ રકમ બેન્કમાં જમા કરાવવા માટે અનેક પેટ્રોલ પંપો, વેપારીઓ તથા અન્ય કરદાતાઓને આવકવેરા ખાતાની નોટીસો આવેલ અને તેનાં એસેસમેન્ટ પણ ૩૧-૧ર-ર૦૧૯ સુધીમાં પુર્ણ થયા. જેમાં અનેક કરદાતાઓ હડફેટે  આવી ગયા છે. અને મોટી રકમ ટેક્ષ ભરવાનો થતો હોવાથી અપીલની કાર્યવિધિમાં પડી ગયેલ છે. એસેસમેન્ટ ઓર્ડર મળ્યાને ૩૦ દિવસમાં અપીલ ફાઇલ કરવાની હોય છે. અને કુલ ડીમાન્ડનાં ર૦ ટકાનું ચલણની નકલ ઇન્કમટેક્ષ ઓફીસરને મોકલી જાણ કરવાથી પેનલ્ટી તથા દંડની કાર્યવિધી હાલ પુરતી અટકી શકે છે. આમ અત્યારે અનેક એપેલેટ ઓફીસમાં અપીલ દાખલ થાય છે. અપીલ અનુભવી સીએ અથવા ઇન્કમ ટેક્ષ કન્સન્ટન્ટ દ્વારા કરવી જરૂરી છે.

હવે આવકવેરા ખાતુ ઝવેરી બજાર કે સોની બજારનાં વેપારીઓ જેઓએ નોટબંધી દરમિયાન સોનું-ચાંદી તથા ડાયમન્ડનું વેચાણ કરી, બીલો ફાડી રૂ. પ૦૦ તથા રૂ. ૧૦૦૦ ની નોટો સ્વીકારી જુદી જુદી બેંકનાં ખાતામાં જમા વેપારીઓ  દ્વારા જમા કરાવેલ છે. હવે પ્રશ્ન એ થાય છે કે વેપારી પાસે સોનું ચાંદી કે ડાયમન્ડ પોતાનાં ચોપડે સ્ટોક જ ન હતો તો કઇ રીતે વેચાણ કરી શકે ?  આમ નોટબંધીના દિવસે રાત્રે ૯ થી બીજા દિવસે સવાર સુધી વેચાણ કરી રૂ. પ૦૦ તથા રૂ. ૧૦૦૦ ની નોટો સ્વીકારી મોટો ધંધો કરી નાખેલ છે. જે તેમનાં વાર્ષિક નીયમિત ટર્ન ઓવર કરતાં અનેક ગણું ટર્ન ઓવર ખરીદી વેચાણ ફકત સ્ટોકના દિવસમાં કરેલ છે. આ બધા ઉપર આવકવેરા ખાતાની  બાજ નજર હોય છે. અને જો સ્ટોક ઓછો હોય અને માલનું વેચાણ દર્શાવેલ હોય તો આવક વેરા કલમ ૧પ૯  બીબીઇ જોગવાઇ પ્રમાણે ખોટા વેચાણની રકમ ઉપર ૬૦ ટકા (સાઇઠ ટકા) લેખે ઇન્કમટેક્ષ ભરવાને પાત્ર બને છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્ષ કાયદા મુજબ છૂપાવેલ આવક, પેનલ્ટી-દંડ તથા વ્યાજ પણ ભરવાની નોટીસ આવશે.

કાયદા મુજબ રોકડ વેચાણની મર્યાદામાં (રૂ. બે લાખ સુધી) વેચાણની મંજૂરી છે. અને ખરીદનારનાં પાન-કાર્ડ - આધાર કાર્ડ તેમજ એડ્રેસનાં પુરાવાઓએ વેચાણ કરનાર સોની જવેલર્સએ રાખવા જરૂરી હોય છે. આવકવેરા ખાતુ માહિતિ લઇને જવેલર્સ - સોના-ચાંદી વગેરેનાં વેચાણ - ખરીદનારનાં ઇન્કમટેક્ષ રી ઓપન એટલે કે ફરી એસેસમેન્ટ કરવાની નોટીસ કાઢવાની ધારણાઓ છે. આમ નોટબંધીનાં સમયમાં જે કોઇ કાળા નાણાના વહીવટ થયેલા તેઓને હવે આવકવેરા ખાતુ ફરી તેની જાળમાં લેશે. તેવો ફફડાટ જવેલર્સ તથા સોનાનાં ડીલર્સ થયેલ છે. આ સમયે ૧૦ ટકાથી ૩૦ ટકા વધારો થયેલો.

આ બાબતની રજૂઆત માટે આખો રોજમેળ, સ્ટોક મેળ તથા નોટબંધીના તમામ વ્યવહારો આવક વેરા ખાતુ બારીકાઇથી ચેક કરશે તે માટે તેની તૈયારી આવા વ્યવહાર કરનાર કરદાતાઓએ અત્યારથી તૈયારી કરવી જરૂરી છે.

ર૦ર૦ માં રૂ. પ૦,૦૦૦ કરોડનાં શેર બજારનાં ઇસ્યુઓ આવશે

તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૦ થી શરૂ થતા નવા વર્ષમાં આશરે રૂા૫૦,૦૦૦ કરોડ કે તેથી વધુ આઇ.પી.ઓ પબ્લીક ઇસ્યુ દ્વારા લોકો પાસેથી ફંડ મેળવશે. આ ફંડ મેળવવાથી કંપનીઓ પાસે નાણાં ભંડોળ આવશે તેમજ કંપનીઓ પોતાના બેન્ક કે અન્ય દેવામાં ચુકવી ભારણ ઓછુ કરશે.

૨૦૧૯માં ૧૬ કંપનીઓ દ્વારા રૂા ૧૨૩૬૨ કરોડ આઇ.પીઓ. દ્વારા ઉભા કરેલ, જેની સામે ૨૦૧૯-૨૦માં પાંચ ગણા આઇ.પી.ઓ બહાર કાઢી કંપનીઓ પોતાનું બેલેન્સસીટ મજબુત બનાવશે.

ર૦ર૦ ના  નવા વર્ષમાં (૧)  એસ.બી.આઇ. કાર્ડ એન્ડ પેમેન્ટનો ઇસ્યુ ૯૦૦૦ થી ૧૦,૦૦૦ કરોડ, (ર)યુ.ટી.આઇ. એસેટ મેનેજમેન્ટ દ્વારા રૂા ૩૫૦૦ થી ૪૦૦૦ કરોડ, (૩)  બર્ગર કિંગ રૂા ૪૦૦૦ કરોડ,(૪) હોમ ફર્સ્ટ ફાઇનાન્સ રૂા ૧૫૦૦ કરોડ, (પ) કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટ સર્વીસ દ્વારા રૂા૧૫૦૦ કરોડ,ના આઇ.પી.ઓ પ્રથમ છ માસમાં આવવાની ધારણા છે.

જયારે બીજા છ માસમાં મઝગાવ ડોક યાર્ડ, શિવ બિલ્ડર્સ, ઇકિવટાસ સ્મોલ બેંક ફાયનાન્સ, ઇમામી સીમેન્ટ, ઇઝીટ્રીપ પ્લાનર્સ, પુરાણીક બિલ્ડર્સ, સામ્હી હોટલ્સ અને ઇન્ડિયન રીન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનો આઇ.પી.ઓ આવવાની ધારણા છે. ૨૦૧૮-૧૯ નું વર્ષ શેર બજાર માટે સારૃં રહેલ અને  અ નેક સારી કંપનીઓએ વળતર પણ સારૂ આપેલ છે, તે ઉપરાંત નાણાંમંત્રી દ્વારા કોર્પોરેટ ઇન્ડેક્ષમાં  ઘટાડો કરવાથી કંપનીઓને ટેક્ષનું ભારણ ઓછું થવાથી શેર બજાર પ્રવૃતિમય રહેલ. આવું ર૦ર૦-ર૦ર૧નું વર્ષ પણ શેરબજારમાં સારૂ રહેશે તેવી ધાારણાઓ છે.

ગયા વર્ષે બહાર પાડેલા કુલ આઇ. પી. ઓ.માં સરેરાશ ૪ર ટકાથી ૪૩ ટકા વળતર મળેલ છે. જેમાં ખાસ કરીને ઇન્ડીયન રેલ્વે કેન્ટીન તથા ઇન્ડીયા માર્ટમાં મુળ ભાવના બમણાથી વધુ રોકાણકારોને મળ્યા છે.

ભારત સરકાર આવતા પાંચ વર્ષમાં ૧૦ર લાખ કરોડ ઇન્ફ્રા. પ્રોજેકટમાં રોકાણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસનાં ભાષણમાં રૂ. ૧૦૦ લાખ કરોડ સાર્વાગીક વિકાસ માટે ઇન્ફ્રાકટકચર ક્ષેત્રે રોકાણ કરવાનું વચન આપેલું. તેનાં અનુસંધાને આજે નાણામંત્રી નિર્મલા સીતારામને તેમાં વધારો કરી કુલ ૧૦ર લાખ કરોડ ઇન્ફ્રાસ્ટકચર પ્રોજેકટો જેમાં વિજળી, રેલ્વે, સિંચાઇ મોબીલીટી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની પસંદગી કરેલ છે. આ બધા પ્રોજેકટો તાત્કાલીક શરૂ કરી સમયસર પુરા થાય તેનુ મોનેટરીંગ કરવા એક ખાસ ટાસ્ક ફોર્સ બનાવશે. અને તમામ ક્ષેત્રોનાં નિયત કરેલ પ્રોજેકટો પુર્ણ થાય તેની તકેદારી રાખવામાં આવશે. આમ આ બધા પ્રોજેકટો ચાલુ કરવાથી લોખંડ સીમેન્ટ તેમજ અન્ય ઉદ્યોગોમાં ડીમાન્ડ ઉભી થશે તેમજ પ્રોજેકટો પુર્ણ કરવા અનેક લોકોને રોજગાર પણ મળશે  તેવું જણાવવામાં આવેલ છે.

આલેખન :-

નીતિન કામદાર એન્ડ કાં. ચાર્ટડ એકાઉન્ટન્ટસ

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ. મો. ૯૮રપર ૧૭૮૪૮

(10:10 am IST)