વિવિધ વિભાગ
News of Monday, 9th July 2018

સરકારી મહેમાન

કેરાલામાં ચમત્કાર થાય છે, પુરૂષનું સરેરાશ આયુષ્ય 75.2 વર્ષ અને મહિલાનું 78.6 વર્ષ

એકવાર સરિતા ઉદ્યાન આંટો મારી આવજો, લવ ગાર્ડન નહીં ચિલ્ડ્ર્ન ગાર્ડન બન્યો છે : રાજસ્થાનના RTDCમાં પહેલાં "પધારો મારે દેશ" ની ગૂંજ હતી, હવે ખંડિયર બોલ રહા હૈ : પ્રજાના પ્રતિનિધિઓ જે કામ લઇને સચિવાલય આવે તેને સાર્વજનિક કરી દેવા જોઇએ

આરોગ્ય ક્ષેત્રે વધતી જતી સુવિધાઓના કારણે ભારત અને તેના દેશના રાજ્યોમાં લોકોના આયુષ્યમાં વધારો થયો છે. આશ્ચર્યજનક બાબત એવી છે કે સૌથી લર્નેડ સ્ટેટ તરીકે જેની ગણના થાય છે તે કેરાલામાં સાક્ષરતા દર તો ઉંચો છે જ પરંતુ હવે માનવીના આયુષ્યમાં પણ વધારો થયો છે. કુદરતી સાનિધ્યમાં આવેલા કેરાલા રાજ્યમાં ખૂબીઓનો ભંડાર છે. આયુર્વેદ ટુરિઝમ આ સ્ટેટમાં વિકસ્યું છે. આ રાજ્યમાં પુરૂષ કરતાં મહિલાઓનું પ્રમાણ સૌથી વધારે છે તેમ પુરૂષ અને મહિલાઓનું આયુષ્ય પણ સૌથી વધારે છે. કેન્દ્રના હેલ્થ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેરાલામાં પુરૂષનું સરેરાશ આયુષ્ય 75.2 વર્ષનું આંકવામાં આવ્યું છે જ્યારે મહિલાનું આયુષ્ય 78.6 દર્શાવાય છે. એટલે કે આ રાજ્યમાં અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં હેલ્થની સુવિધાઓ વધુ સારી છે. ગુજરાતમાં પુરૂષનું સરેરાશ આયુષ્ય 71.9 અને મહિલાનું આયુષ્ય 74.9 દર્શાવાય છે. 2001-2005 કરતાં આ સ્થિતિ ઘણી સારી છે, પરિણામ સુધર્યું છે. એ પાંચ વર્ષમાં સરેરાશ આયુષ્ય અનુક્રમે 6409 અને 69.0 આંકવામાં આવેલું હતું. લોકોના જીવનધોરણ સુધરતાં અને હેલ્થની સુવિધાઓ વધતાં તેની સીધી અસર આયુષ્ય પર પડી છે. કેરાલા દેશમાં આ દિશામાં ટોચક્રમે આવે છે.

લવર્સની ગુસપુસ નહીં બાળકોનો કિલ્લોલ અહીં છે...

ગાંધીનગરનો વીઆઇપી ગાર્ડન એટલે પુનિત વન. આ જગ્યાએ વોકિંગ સ્ટ્રીટમાં વર્તમાન આઇએએસ ઓફિસરો ઉપરાંત નિવૃત્ત ઓફિસરો વોકિંગ માટે આવતા હોય છે. વહેલી સવાર અને મોડી સાંજ એ બન્ને તેઓના ફિક્સ ટાઇમ હોય છે. આ પુનિત વન, બીજા શબ્દોમાં તેને બિલીપત્ર વન કહે છે-- તેની માવજત કાબિલેદાદ છે. ફોરેસ્ટ વિભાગને સેલ્યુટ કરવાનું મન થાય તેવો આ ગાર્ડનને શણગાર્યો છે. આ પુનિત વન પછી શહેરના સેક્ટર-28માં આવેલા એક સમયના લોકપ્રિય ગાર્ડનને પણ ભૂલાવે તેવું ડેવલપમેન્ટ સરિતા ઉદ્યાનનું થયું છે. સાબરમતી નદી કિનારે રમણિય વિસ્તારમાં આવેલા આ ગાર્ડનને પહેલાં લવ ગાર્ડન કહેવાતો હતો કારણ કે આ ગાર્ડનની ઝાડી-ઝાંખરામાં પ્રેમીઓ તેમની પ્રેમક્રિડા કરતાં માલૂમ પડતાં હતા. કોઇ બાળકો સાથેનું પરિવાર આ ગાર્ડનમાં જાય તો તેમને શરમ આવે તેવી સ્થિતિમાં પ્રેમીઓ તેમની ક્રિડામાં મશગૂલ બનતાં હતા, પરંતુ હવે આ ગાર્ડનની સિકલ બદલી નાંખવામાં આવી છે. સરિતા ઉદ્યાનમાં હવે પ્રેમીઓ ઓછા અને બાળકો વધારે આવે છે, કારણ કે અહીં બાળકો માટે રમતગમતના સાધનોની જેટલી વ્યવસ્થા છે તેટલી ગાંધીનગરના કોઇ ગાર્ડનમાં નહીં હોય. નદી કિનારા વિસ્તારમાં વરસાદી સાંજે આ ગાર્ડનમાં મહાલવાનો મોકો અનેરો છે. હવે ડરશો નહીં, પ્રેમીઓ જે જગ્યાઓ પર બેસતા હતા તે જગ્યા સાફ અને ખુબસુરત બનાવી દેવામાં આવી છે.

રાજસ્થાનની શાન ખોવાઇ છે, ખૂબ અફસોસ થાય છે...

આરટીડીસી એટલે રાજસ્થાનની શાન... મહેમાનોને આવકારવા માટે રાજસ્થાન સરકારની આ હોટલો શિરમોર ગણાય છે. મહેમાન નવાજીશ કરતા હોટલના સંચાલકોની સર્વિસ કાબિલેદાદ હોય છે. રાજસ્થાની પહેરવેશ અને ખાણી-પીણીથી આ હોટલોમાં દરરોજ ધમધમાટ રહેતો હોય છે. એડવાન્સ બુકીંગ કરાવીને જ આ હોટલોમાં જવાનું હોય છે. અફસોસ-- આરટીડીસી—નો આ ભૂતકાળ છે. આજે આરટીડીસીની હોટલો ગોડાઉનથી ઓછી નથી. એક રાજસ્થાની ઓફિસરે કહ્યું હતું કે અમારા મુલતમાં રાજ્યની શાન ગણાતી આરટીડીસીની હોટલોમાં પ્રવાસીઓ આવતા નથી, કારણ કે પહેલા જેવી જાહોજલાલી જોવા મળતી નથી. તેમને આમ થવાનું કારણ પૂછતાં તેઓ કહે છે કે- રાજસ્થાનના જે શહેરમાં અથવા તો જે હાઇવે પર આરટીડીસીની હોટલો આવેલી છે તેની બાજુમાં જ ટુરિઝમ અને ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓની પ્રાઇવેટ હોટલો બની ચૂકી છે. રાજસ્થાન કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ હોટલ વ્યવસાયમાં મોટા ભાગીદાર બનેલા છે. ઓફિસરોની હોટલનો ચલાવવા માટે રાજસ્થાનમાં આરટીડીસીનો ભોગ લેવાયો છે. રાજસ્થાનની શાન હવે ઘસાતી જાય છે. આ હોટલોની માવજત કરનારા તેમની દુકાનો ખોલીને બેસી ગયા છે, પરિણામે આ હોટલો ખોટનો મોટો ખાડો બની ચૂકી છે. હવે ખંડિયેર બોલ રહા હૈ...

આપણાં ધારાસભ્યોના ક્યા કામો થતાં નથી...

ગુજરાતના ધારાસભ્યોના તમામ કામો સરકાર કરતી હોય છે કારણ કે પાર્ટી અને સરકારમાં તેમનો સપોર્ટ હોવો જરૂરી છે. રાજ્યમાં નરેન્દ્ર મોદી સતત 14 વર્ષ સત્તામાં રહ્યાં છે તે સમયે ધારાસભ્યોને કેમ કામ યાદ આવ્યા નહીં, રૂપાણીની સરકારમાં જ ધારાસભ્યોને નારાજ થવાનું કેમ સૂઝ્યું છે. ફરક છે, નેતાનો અને તેમની કાર્યપદ્ધતિનો... મોદીની છાપ કડક સ્વભાવની છે તેથી ધારાસભ્યો ઉંચા થઇ શક્યા નથી પરંતુ વિજય રૂપાણી સોફ્ટ છે એટલે તેમને ધારાસભ્યો પજવે છે. સચિવાલયની બ્યુરોક્રેસી જાણે છે કે ધારાસભ્યો કેવા કેવા કામો લઇને આવે છે. પર્સનલ કામોનો ઉલ્લેખ અહીં કરતા નથી પરંતુ એવા કામો હોય છે કે જેને અધિકારી તો શું કેબિનેટના મંત્રી પણ સાફ ઇન્કાર કરી દેતા હોય છે. પ્રજાના પ્રતિનિધિ બનતાં આપણને બઘાં લાયસન્સ મળી જતાં નથી. હા, જાહેર જનતાનું કે એક મોટા સમૂહને અસર કરતું કોઇ કામ હોય અને સચિવાલયની બ્યુરોક્રેસીએ ન કર્યું હોય તો તે ઓફિસર દંડને પાત્ર છે. ધારાસભ્યોએ ફરિયાદ કરી કે અમારા કામ થતાં નથી પરંતુ ક્યા ક્યા કામ થયાં નથી તેની યાદી તેઓ આપી શક્યા નથી. ઓફિસરો પોતે એવી કોઇ યાદી આપી શકતા નથી, તેથી તેમને ઠપકો સાંભળવા મળે છે. કામની વ્યાખ્યા સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે.

રાજીવ ગુપ્તા પાસે નીમ પ્રોજેક્ટ રહેવો જોઇએ...

જીએનએફસીના એક અધિકારીએ કહ્યું હતું કે ડો. રાજીવ કુમાર ગુપ્તાની કોઇપણ ડિપાર્ટમેન્ટમાં બદલી કરો પરંતુ તેમની પાસે જીએનએફસીનો હવાલો રહેવો જોઇએ, કેમ કે તેમણે નીમ પ્રોજેક્ટમાં ઇન્ટરનેશનલ લેવલે ગૌરવ મળે તેવું કામ કર્યું છે. લીમડાના પાન અને લિંબોળીના ઉપયોગ કરીને તેમણે નીમ શોપ, નીમ શેમ્પુ, નીમ હેન્ડવોશ, નીમ ફર્ટિલાઇઝર જેવી આરોગ્યપ્રદ ચીજવસ્તુઓનું ધમાકેદાર માર્કેટીંગ કર્યું છે. લીમડાની લિંબોળી એકત્ર કરવાનું કામ ગુજરાતની આદિવાસી તેમજ ગ્રામીણ મહિલાઓ કરે છે અને તેમને વર્ષે કરોડો રૂપિયાનું મહેનતાણું ચૂકવવામાં આવે છે. નીમ પ્રોડક્ટ્સની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં ભારતભરમાં છે. તેમના આ પ્રોજેક્ટને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ વખાણ્યો છે. હવે તેઓ ઉત્તરગુજરાત જેવા વિસ્તારોમાં નજર દોડાવી રહ્યાં છે. હમણાં જ ગુજરાત સરકારના આ કોર્પોરેશને થાણું બનાવીને અમેઠીમાં ગ્રામીણ મહિલાઓ પાસે લિંબોળી એકત્ર કરવાનું કામ શરૂ કરાવ્યું છે જેના બદલામાં તેમને ગુજરાત સરકાર મહેનતાણું આપે છે. આ પ્રોજેક્ટમાં બીજા કોઇ ઓફિસર આવશે તો મળેલું ગૌરવ હણાઇ શકે છે. હાલ તેઓ લેબર એન્ડ એમ્પ્લોઇમેન્ટ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી છે.

નેનો કાર અસલમાં 'રતન' સાબિત થઇ ચૂકી છે...

ગુજરાતને નેનો કારના ઉત્પાદનમાં રતન મળ્યું છે. રતન ટાટાની મહેચ્છા હતી કે ભારતના લોકોને તેઓ સસ્તી માત્ર એક લાખ રૂપિયામાં કાર પ્રદાન કરે પરંતુ આ સ્વપ્ન બનીને રહી ગયું છે. ગુજરાત સરકારના 20 હજાર કરોડના ઇન્સેન્ટીવ પછી પણ આ પ્રોજેક્ટ તેના ઉત્પાદન વર્ષના આઠ વર્ષમાં ડચકાં ખાઇ રહ્યો છે. જાણીને નવાઇ લાગશે કે ટાટા મોટર્સે તેના સાણંદ પ્લાન્ટમાં ગયા જૂન મહિનાના 30 દિવસમાં માત્ર એક જ નેનો કાર બનાવી છે. આ કંપનીએ વર્ષે અઢી લાખ નેનો કારનું ઉત્પાદન કરવાનું વચન આપ્યું હતું જે હવે ફળિભૂત થાય તેમ નથી. કંપનીએ એક મહિનામાં એક કાર બનાવી અને કંપનીએ એ જ મહિનામાં માત્ર ત્રણ કારનું વેચાણ કર્યું છે. ગયા વર્ષે જૂન મહિનામાં ટાટા મોટર્સે 275 નેનો કાર બનાવી હતી અને 25 કારની નિકાસ કરી હતી. આ વર્ષે જૂનમાં અચ્યુચમ કેશવમ થઇ ગયું છે. ટાટાના પ્રવક્તા જ કહે છે કે અમે આ પ્રોજેક્ટને 2019થી આગળ વધારી શકીએ તેમ નથી.વાહ, ટાટા નેનોએ સરકારી લાભ લઇ લીધા અને હવે હાથ ઉંચા કરી દીધા છે. કંપનીએ અન્ય મોડલ્સનું ઉત્પાદન સાણંદમાં કરવાની પરવાનગી માગી છે પરંતુ કોન્ટ્રાક્ટ થયો છે માત્ર નેનો કાર ઉત્પાદન કરાવનો, હવે સરકારની કોર્ટમાં બોલ છે...

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

 

(9:10 am IST)