વિવિધ વિભાગ
News of Thursday, 14th June 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

જો તમે તમારા જીવનને થોડંુ તપાસશો, ઓખળશો, અવલોકન કરશો તો તમને દરેક જગ્યાએ દૃષ્ટાંત મળશે કે-સર્વ કંઇ સંભવી રહ્યું છે. જીવન સંભવી રહ્યું છે. પ્રેમ પણ સંભવી રહ્યો છે. પરમાત્મા પણ આ રીતે જ સંભવશેઃ તમારા પ્રયાસથી નહિ, પ્રસાદ દ્વારા સંભવશે.

ક્ષુદ્રની પ્રાપ્તિ પ્રયાસ દ્વારા અને વિરાટની પ્રાપ્તિ પ્રસાદ દ્વારા ! વિરાટને કોણ મેળવી શકે ? તે વ્યકિત મેળવી શકે જેને એ સત્ય સ્પષ્ટ થઇ જાય કે પોતાના કરવાથી કંઇ થવાનુંનથી.

'પોતાનું' અસ્તિત્વ જ કયાં છે ! આવી પ્રતિતિ જેની સઘન થઇ જાય છે.તેના પર પ્રસાદ વરસે છે.

'આ કઇ રીતે સંભવે છે ? તે તો હું પણ નથી જાણતો...પ્રયત્નના અભાવમાં સંભવે છે! અ-મની કોઇ ભાવદશામાં સંભવે છે ! ગહન કોઇ પ્રેમભાવમાં સંભવે છે. !

પ્રસાદ એક અનિર્વચનીય તત્વ છે.

પ્રસાદ આ જગતમાં પ્રવેશતું અજ્ઞાતનું કિરણ છે. મનુષ્યના જીવનનું તે એવું દ્વાર છે જયાંથી આપણે આવ્યા છીએ અને તે દ્વાર મારફત જ બહાર નીકળવું શકય છે. અને હકીકત એવી છે કે તે દ્વાર સદાય ખુલ્લું છે.

પરમાત્માને પામવાના નથી. પરમાત્મા તો તમારા અંતરમાં હયાત છે, માત્ર તેની સ્મૃતિ ખોવાઇ ગઇ છે. સ્મૃતિને જગાડવાની છે.

બુધ્ધ તેને કહેછે- સમ્યક સ્મૃતિ ! નાનક, કબીર તેને કહે છે.-સુરતિ! પરમાત્માનું વિસ્મરણ થઇ ગયું છે.

તમે તેને વિસરી ગયા છો. પરમાત્માની મુલાકાત થયે સદીઓ પસાર થઇ ગઇ છે. પરમાત્માને તમે જાણો છો કારણ કે તેના દ્વારા જ તમે આવ્યા છો.

ઓરડામાં ફસાયેલું પક્ષી ખુલ્લા આકાશમાંથી જ આવ્યું છે : દરવાજા મારફત, પક્ષીમુકત આકાશને જાણે છે. માટે તો પાછું ત્યાં જવાનો પ્રયત્ન કરે છ.ે બંધ બારીઓ પર અથડાય છે.

તે જ રીતે તમે પણ જન્મોજન્મ થયાઃ બંધ દરવાજામાંથી બહાર નીકળવા માટે અથડાવ્યા કરો છો. એક જ દરવાજા પ્રયાસના છે. બસ, તે એક માર્ગ જ વિશ્રામનો છે. બીજા બધા તો શ્રમના છે. બસ, તે એક જ માર્ગ સમર્પણનો છે, બીજા બધાં તો સંકલ્પના છે.

પરમાત્મા, ભવિષ્યમાં પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નથી, અતીતમાં ભુલાયેલો સ્રોત છ.ે પરમાત્મા તો તમારા અંતરમાં બિરાજમાન છે. તમે ચારે દિશામાં ભાગતા ફરો છો. અને જેટલા ભાગો છો તેટલા જ પરાત્માને ચુકતા જાઓ છો. તમે થોડા વિશ્રામપૂર્ણ બનો. એક વખત શાંતિથી, પુનઃ વિચાર તો કરો કે તમે કયાંથી આવ્યા છો ? કઇ દિશામાંથી આવ્યા છો?

જે દિવસે તમે પોલી વાંસળી જેવા થઇ જશો તે દિવસે પરમાત્માનું ગીત તમારામાંથી વહેવા લાગશે. પરમાત્માનું ગીત તો અત્યારે પણ વહેવા તત્પર છે.પરંતુ તમે અહંથી ભરેલા છો. તમે 'તમારાથી' સભર છો. 'અહં' સિવાય તમારામાં બીજું કંઇ નથી. જેવો અહં ગયો કે તમે શુન્ય બન્યા. તે મહાશુન્યમાં પ્રસાદની વર્ષા થાય છ.ે

'અરે ! મેં તો હાથ અમસ્તા જ ફેલાવ્યા હતા. બસ, માત્ર ફેલાવ્યા હતા. અને...પ્રભુ ! તમે તો મારા હાથમાં બ્રહ્માંડ જ મુકી દીધું!'

તે મહાશુન્યમાં તમારા હાથ આપોઆપ ફેલાશે અને સંપૂર્ણ બ્રહ્માંડ તમારા પર વરસશે.

સર્વસ્વ પ્રાપ્ત થઇ શકે તેમ છે-તમે અહંરૂપે વિલીન થઇ જાઓ. આટલી કિંમત ચુકવી દો.

ભકિતનો સંપૂર્ણ સાર આટલી નાની અમથી વાતમાં છે.-ભકત વિલીન થાય તો ભગવાન સંભવે.

સંકલ્પનો અર્થ થાય છે- હું પણું ! સમર્પણનો અર્થ થાય છે-હુંપણાનો અભાવ ! સંકલ્પનો અર્થ થાય છે- કર્તાભાવ ! સમર્પણનો અર્થ થાય છે.અકર્તાભાવ !

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:18 am IST)