વિવિધ વિભાગ
News of Wednesday, 6th June 2018

પુરૂષોતમ -સ્તવન

માતાના હૈયે કુપુત્રના ય અપરાધ ન વસે

દેવરાજ હાથ જોડી ઈન્દ્ર પાસે ઉભા છે. ઈન્દ્ર પણ ગંભીર ચિંતામા છે. ચિંતાના કારણે તેનો ચહેરો ઉદાસ દેખાય છે. ગર્વીષ્ઠનો ગર્વ હણાય છે ત્યારે તેની જેવી હાલત થાય છે તેવી હાલત ઈન્દ્રની છે.

ઈન્દ્રના મનમાં અભિમાન હતુ કે મારો યજ્ઞ છોડીને ગોવર્ધન પર્વતનો યજ્ઞ કરનાર મૃત્યુ લોકના નાનકડા છોકરા કૃષ્ણને તથા તેના સાથીદારોને તો જીવતા રહેવા નહીં દઉં. પણ સાથોસાથ બાળક બુદ્ધિની મુર્ખાઈ કરનારને સાથ આપનારા નંદ, નંદ પરિવાર, વ્રજની સમગ્ર પ્રજા અને પશુઓ સાથે મેરૂ પર્વત જેવો ગોવર્ધન પર્વત બધાનો નાશ કરીશ.

અભિમાની ઈન્દ્રે અભિમાનમાં ચકચુર થઈને સાંવર્તક નામના વર્ષાના અધિપતિને બોલાવીને કહ્યુ, સાવર્તક મારા બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરનારા વ્રજના માનવીઓનો નાશ કરી નાખો કે જેથી દેવયજ્ઞનું અપમાન કરનારાઓ ભવિષ્યમાં આવી ભૂલ કરે નહી, ભય વગર પ્રિતી સંભવી શકે નહી.

ઈન્દ્રના આદેશને શિરોમાન્ય કરીને સાંવર્તક સાગરની અંદર પ્રવેશીને સાગરનું પાણી વર્ષારૂપે એવુ વરસાવ્યુ કે જાણે અતિવૃષ્ટિથી પ્રલય થઈ જશે. વ્રજનો નાશ થઈ જશે. વ્રજવાસીઓના કરૂણ આક્રંદથી સમગ્ર પૃથ્વી કંપી ઉઠશે. તેમ નક્કી કર્યુ, પરંતુ સાંવર્તકનુ અભિમાન પણ કામ ન આવ્યું. સાંવર્તકની શકિત કુંઠીત થઈ ગઈ.

અતિવૃષ્ટિ થવા લાગી એ વખતે શ્યામ રંગનો એક બાળક ત્યાં આવ્યો, જાણે રમત રમવા આવ્યો હોય એમ તેણે પોતાના હાથ ઉંચો કર્યો એ વખતે ચમત્કાર સર્જાયો ભૂમિના ઉંડાણ તળેથી ગોવર્ધન પર્વત ઉંચો થયો, એટલો ઉંચો કે જાણે હમણા આકાશને અડી જશે તેવુ સાંવર્તકને લાગ્યું. સાવંર્તકે જોયું તો ઉંચે ઉઠેલા પર્વત નીચે એ શ્યામ વર્ણનો બાળક ચાલ્યો ગયો.

સાંવર્તકને આશ્ચર્ય થયુ, કુતૂહલતાથી તેણે પર્વત નીચે જોયું તો કાળીયાએ એક હાથ ઉંચો કર્યો છે. તેની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ટકી રહ્યો છે. બાળક જોર જોરથી કહે છે એ બાપુ ! અરે માં ! એય ગોપીઓ ગોપાઓ ચાલ્યા આવો ! ચાલ્યા આવો ! આવો જુવો ! જેની આપણે પૂજા કરી છે તે ગોવર્ધન આપણી રક્ષા માટે પૃથ્વીને છેદીને બહાર આવ્યો છે માટે બધા પર્વત નચીચે આવી જાઓ, એ કહેતો હતો બધી ગાયોને અહીં લઈ આવો, ગોવર્ધનજીએ મને કહ્યુ કે જ્યાં સુધી વરસાદ વરસશે ત્યાં સુધી મારી ટચલી આંગળી ઉપર સ્થિર થઈને સૌની રક્ષા કરશે, એટલે તમે પર્વત પડશે તેવો ભય રાખ્યા વગર અંદર આવતા રહો.

બાળકની વાત સાંભળીને જોત જોતામાં તમામ વ્રજ વાસીઓ બધી ગાયો સાથે પર્વત નીચે આવી ગયા રહ્યુ બહાર એક માત્ર નિર્જન વન.

મુશળધાર વર્ષા વરસતી રહી એક દિવસ નહીં પણ સાત સાત દિવસ સાંવર્તકે પોતાની શકિત તાંડવ ખેલ્યુ હવે તે વિચારવા લાગ્યો. પર્વત નીચે કંઈપણ આધાર વગર ભૂખ્યા તરસ્યા માનવીઓ અને ઘાસ વગરની ગાયોની સ્થિતિ મરણતોલ થઈ ગઈ હશે. એથી તેને ગીરીરાજની અંદર દ્રષ્ટિ કરવાની ઈચ્છા થઈ, તેણે ગીરીરાજની નીચે નજર કરી તો તે આભો બની ગયો.

આહ !! નો ઉદ્ગાર નીકળી ગયો, સાંવર્તકના મુખમાંથી તેણે એવું તો શું જોયું કે ગીરીરાજની અંદરના ભાગમાં વ્રજવાસીઓ સુંદર ગૃહ હતા. દરેકને તેની જરૂરીયાત મુજબ ગાયો રાખવાની ગૌશાળા હતી. ઋતુનો પવન વહેતો હતો. વર્ષાની કોઈ અસર વ્રજવાસીઓને નથી સૌ પોતપોતાનુ દૈનિક કાર્ય સરળતાથી કરે છે. રોજીંદો વ્યવહાર દેખીને સાંવર્તક આભો બની જાય, તેમા આશ્ચર્ય શું હોઈ શકે ?

સાંવર્તકનો ઉત્સાહ મંદ પડી ગયો, પરંતુ તેને તો તેના સ્વામીના આદેશનું પાલન કરવાનું હતુ. એથી તેણે તેની શકિતનો પુરેપુરો ઉપયોગ કરીને વરસાદ વરસાવ્યો. સાત સાત દિવસ સુધી વરસવાથી તે થાકી ગયો હતો છતા વ્રજની એક કીડી પણ મરી ન હતી.

ઐરાવત પર આવીને ઈન્દ્રએ આ દ્રશ્ય જોયુ અને તેનુ મોઢુ કાળુ થઈ ગયું. તેણે સાંવર્તકને વર્ષા બંધ કરવાની આજ્ઞા આપીને ઈન્દ્ર, ઈન્દ્રપુરીમાં આવ્યો તો ખરો, પરંતુ કોઈને મોઢું બતાવી શકયો નહીં. દેવરાજ ઈન્દ્રનું અભિમાન ઓગળી ગયું હતું. એથી નાના એવા વ્રજરાજનંદનનું સ્વરૂપ તેના હૃદયમાં દેખાયુ, ઈન્દ્ર મનમાં વિચારવા લાગ્યા, જેને હું મૃત્યુલોકના કૃષ્ણ કહુ છું, એ તો સર્વ દેવોના મહાદેવ છે. તેની ઈચ્છાથી તો હું ઈન્દ્ર છું ! એ ધારે તો ક્ષણ માત્રમાં મને ઈન્દ્રાસનથી ઉઠાડીને નરકમાં ધકેલી દયે. એ કૃષ્ણ, અભિમાનમાં હું આપને ઓળખી શકયો નહીં, મને ક્ષમા કરો, ક્ષમા કરો.

સરરાજ, પશ્ચાતાપની જવાળામાં સળગવા લાગ્યો. તેણે દેવોના ગુરૂ બ્રહ્મસ્પતિનું શરણ શોધ્યું. બ્રહ્મસ્પતિજીની સલાહ મળતા તે બ્રહ્માજી પાસે ગયો, જઈને પોતાના અપરાધની વાત કરી.

બ્રહ્માજીએ કહ્યું સુરરાજ તમે કરેલા અપરાધની ક્ષમા ઈચ્છતા હો તો તમારે માટે એક જ ઉપાય છે અને તે ગૌ જાતીની માતા સુરભિની શરણે જવાનો ગાય એ ભગવાન શ્રી કૃષ્ણને અતિપ્રિય છે. એથી જે સુરભિ તમારા અપરાધની ક્ષમા માટે નંદનંદનને કહેશે તો તમારા ગમે તેવા અપરાધ હશે તો પણ ઋષિકેશ ક્ષમા કરશે.

કૃષ્ણના અપરાધથી ખીન્ન થયેલા ઈન્દ્ર, ગાય માતા સુરભિ પાસે આવ્યા. પોતાની ભૂલની ક્ષમા માંગવા લાગ્યાં.

માતા તો દયાળુ હોય છે તેને હૈયે કુપાત્રના અપરાધ કદી વસતા નથી. એથી સુરદેવને શાંત્વન આપીને તેને સાથે લઈને બન્ને વ્રજભૂમિ ઉપર આવ્યાં.

એ દિવસ હતો, કાર્તિકી સુદ એકાદશીનો...

આવ્યો આવ્યો પુરૂષોતમ માસ

વૈકુંઠમાં લખવી કંકોતરી...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:57 am IST)