વિવિધ વિભાગ
News of Monday, 30th April 2018

સરકારી મહેમાન

ગવર્મેન્ટ રિક્રુટમેન્ટની પ્રક્રિયા ઓનલાઇન કરી નાંખો, પછી જુઓ કેટલા વૃક્ષ કપાતા અટકે છે

શાસનના ચાર વર્ષ પછી નરેન્દ્ર મોદીએ સોંઘવારી માટેના પ્રયાસો કરવા જોઇએ : બંગલા થી ઓફિસનું અંતર બે કિલોમીટર હશે, શું સાયકલ પર ના જઇ શકાય : આલોચકોને મહત્વના પદ આપો, પછી જુઓ વહીવટમાં શું ફેરફાર આવી શકે છે

પેપરલેસ ઓફિસ બનાવવાના પગલાં સરાહનિય છે, કારણ કે પ્રતિવર્ષ લાખો ટન કાગળનો બચાવ થાય છે અને એટલા વૃક્ષ ઓછા કપાય છે. નરેન્દ્ર મોદીની દૂરંદેશીના કારણે ગુજરાત સરકારમાં પેપરલેસ વહીવટ શક્ય બન્યો છે. હવે સરકારી ઓફિસોમાં ફાઇલનું સ્થાન સોશ્યલ સાઇટ્સ લઇ રહી છે. અધિકારીઓની બદલી થાય ત્યારે ઓર્ડરની હજારો કોપી ઝેરોક્સ થતી હતી પરંતુ હવે આ કોપી મેઇલ કે વોટ્સઅપ જેવા સોશ્યલ સાઇટ્સના માધ્મમથી જે તે વ્યક્તિને પહોંચાડી શકાય છે. જેવી રીતે બેન્કોમાં પેપરલેસ વહીવટી થઇ રહ્યો છે તેવી રીતે સરકારમાં પણ આવું શક્ય બન્યું છે. સરકારની મોબાઇલ એપ્સ આ દિશામાં સૌથી ઉંચુ કદમ છે, પરંતુ તેને વેલ અપડેટ રાખવું પડશે કે જેથી લોકોના સચિવાલયના ધક્કા બચી શકે અને તેમને જે જોઇએ છે તે સીધું હાથમાં મળી શકે. માહિતી વિભાગ તો મિડીયા માટે સંપૂર્ણ પેપરલેસ થઇ ચૂક્યો છે. સરકારે હવે તમામ ભરતીમાં પેપરલેસ ઇન્ટરવ્યુ પણ લેવા જોઇએ. ભારતીય રેલ્વેમાં ખાલી પડેલી 80,000 જગ્યાઓમાં રેલ્વેએ ઉદાહરણીય કામ કર્યું છે. તમામ ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા લઇને રેકોર્ડબ્રેક કર્યો છે. રેલ્વેએ આમ કરીને 7.5 કરોડ પેપરશીટ અને 10 લાખ વૃક્ષો કપાઇ જતા અટકાવ્યા છે. ગુજરાત સરકાર પણ આવો ફાયદો ઉઠાવી શકે છે. સરકારની તમામ ભરતીની પરીક્ષામાં પેપરલેસ એટલે કે ઓનલાઇન આવેદનપત્રો મંગાવીને પરીક્ષા લેવી જોઇએ.

મોદીએ હવે મોરારજી દેસાઇ બનવું જોઇએ...

ભારતના રાજકારણમાં ઉત્તરપ્રદેશનો હંમેશા દબદબો રહ્યો છે. એવું નોંધાયું છે કે 47 વર્ષોમાં આ રાજ્યએ ભારતને આઠ પ્રાઇમ મિનિસ્ટર આપ્યા છે. આ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ આ સ્ટેટમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલબહાદુર શાસ્ત્રી, વી.પી.સિંહ, ચંન્દ્રશેખર અને ચરણસિંહનો પણ તેમાં સમાવેશ થાય છે. એકમાત્ર મોરારજી દેસાઇ ગુજરાતના કહી શકાય છે. નરેન્દ્ર મોદી ગુજરાતના બીજા એવા નેતા છે કે જેઓ રાષ્ટ્રીય ફલક બિરાજમાન છે. આજે દિલ્હીમાં ગુજરાતનો દબદબો છે. ભારતના વડાપ્રધાન ગુજરાતી છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતી છે. ભારતના સ્વાતંત્ય સેનાની અને છઠ્ઠા વડાપ્રધાન (1977-1979) મોરારજી દેસાઇ પ્રથમ હતા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચૂંટાયા હતા. ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન થી તેમને સન્માનિત કરવામાં આવેલા છે. આજે પણ બે રૂપિયા અને 20 પૈસામાં ભારતના લોકોને ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો તેમને યાદ કરે છે...તેઓ કહેતા હતા કે “લાઇફ એટ એની ટાઇમ કેન બીકમ ડિફિકલ્ટ, લાઇફ એટ એની ટાઇમ કેન બીકમ ઇઝી. ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન હાઉ વન એડજસ્ટ્સ વનસેલ્ફ ટુ લાઇફ.”… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વર્ષના શાસન પછી કોઇ એવું પ્રજાલક્ષી કામ કરવું જોઇએ કે જેનાથી ઇતિહાસમાં તેમનું નામ મોરારજી દેસાઇ જેટલું જ મોટું બની શકે...

મોદી લોકસભાની ચૂંટણી ક્યાંથી લડશે...

એનડીએ સરકારના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે તેની ચર્ચા શરૂ થઇ છે. 2019માં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં મોદી કઇ બેઠક પસંદ કરશે તેના પર દેશની નજર છે. એટલું તો સત્ય છે કે મોદી આ વખતે ગુજરાતની વડોદરા બેઠક પરથી ચૂંટણી નહીં લડે. તેઓ ઉત્તરપ્રદેશની કોઇ બેઠકમાંથી ચૂંટણી લડશે. સૂત્રો એવું પણ કહે છે કે મોદી વારાણસીની બેઠક પરથી ચૂંટણી લડશે, કારણ કે પીએસઓની સૂચના છે કે વારાણસીના જે કોઇ પેન્ડીંગ કામો હોય તે છ થી આઠ મહિનામાં પૂર્ણ કરી દેવા. 2001માં જ્યારે તેઓ મુખ્યપ્રધાન બન્યા ત્યારે મોદી પાસે ધારાસભાની કે લોકસભાની પોતાની કોઇ બેઠક ન હતી. તેઓ સંઘના પ્રચારક અને ભાજપ-સંઘના કો-ઓર્ડિનેટરની ભૂમિકામાં હતા. ગુજરાતમાં તેમણે પહેલાં એલિસબ્રીજની બેઠકના પરંપરાગત ધારાસભ્ય હરેન પંડ્યાને બેઠક ખાલી કરવા કહ્યું હતું પણ તેમને બેઠક ખાલી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ મોદી માટે નાણાપ્રધાન વજુભાઇ વાળાની રાજકોટ બેઠક ખાલી કરાવવામાં આવી હતી. 2007માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે મોદીએ વજુભાઇને ફરીથી ટીકીટ આપી તેઓ અમદાવાદના મણીનગર જતા રહ્યા હતા. મણીનગરમાં પણ ભાજપના કમલેશ પટેલ સિટીંગ ધારાસભ્ય હતા. તેમણે બેઠક ખાલી કરી આપી બદલામાં તેમને ટુરિઝમ કોર્પોરેશનની ચેરમેનશીપ મળી હતી. 2012માંથી પણ મોદી આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા. 2014ની લોકસભાની પહેલી ચૂંટણી મોદી વડોદરા અને વારાણસીથી લડ્યા હતા અને બન્ને જગ્યાએ જીતી ગયા હતા ત્યારબાદ મોદીએ વડોદરાની બેઠક ખાલી કરી દીધી હતી.

મંત્રીઓ અને અધિકારીઓ સાયકલ પર આવે...

સાયકલ એ ગાંધીનગરની ઓળખ છે. 1970 અને 1980ના દાયકામાં પાટનગરની સડકો ઉપર માત્ર સાયકલો દોડતી હતી. ક્રમે-ક્રમે વધતી જતી વસતી અને બદલાતી જતી લાઇફ સ્ટાઇલને અનુરૂપ પહેલાં દ્વિ-ચક્રી પછી ફોર-વ્હિલર વાહનોનું ચલણ વધ્યું છે. આજે સચિવાલયમાં સાયકલ સ્ટેન્ડ અદ્રશ્ય બની ચૂક્યાં છે ત્યારે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ સાયકલ ટ્રેક અને સાયકલ શેરીંગની ફોર્મ્યુલા અમલી બનાવી છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર 62 કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવીને ગુડા એ સાયકલ પ્રેમીઓને પ્રોત્સાહન આપ્યું છે. જીપીઆરએસ ટ્રેક ઉપર દોડતી સાયકલનું લોકેશન જાણી શકાય છે. ગુડાએ સાયકલ ટ્રેકના નિર્માણ માટે 16 કરોડનો ખર્ચ કર્યો છે. સચિવાલયમાં ચોથા વર્ગના એક કર્મચારીએ આ નિર્ણયને આવકારી એવી ટકોર કરી હતી કે સચિવાલયમાં કામ કરતા આપણા ઉચ્ચ અધિકારીઓ તેમજ પ્રધાનમંડળના તમામ સભ્યો પોતાના સત્તાવાર બંગલા થી ઓફિસ સુધી સાયકલ ઉપર આવે તો રોજનું હજારો રૂપિયાનું ઇંધણ બચી શકે...! આ બન્ને વચ્ચેનું અંતર માંડ બે કિલોમીટર છે તેથી તેઓએ સાયકલ પર આવવું જોઇએ.

ટીકાખોરોને મહત્વના પદો આપો, પછી જુઓ...

રશિયાના ઝારના મહામંત્રીએ એક દિવસ પોતાના સચિવને બોલાવીને સૂચના આપી કહ્યું કે- જે લેખકો પોતાના લેખમાં મારી આલોચના કરે છે તેમની યાદી બનાવી લાવો... આદેશ પ્રમાણે સચિવે 100 લેખકોની યાદી બનાવી અને રજૂ કરી ત્યારે મહામંત્રીએ કહ્યું કે- હવે સૌથી કઠોર આલોચના કરી હોય તેને મારી સામે રજૂ કરો... સચિવને એમ કે આ લેખકને સજા થશે, પરંતુ મહામંત્રીએ તેને બોલાવીને કાર્યાલયમાં ઉચ્ચપદે નિયુક્ત કરી દીધા. સચિવે આમ કરવાનું કારણ પૂછ્યું તો મહામંત્રીએ કહ્યું કે- સૌથી કઠોર આલોચક જ આપણો સાચો હિતેચ્છુ હોય છે, કારણ કે ખુશામત કરનારા તો આપણા માર્ગમાં અવરોધરૂપ બને છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ આલોચકોને સૌથી ઉંચી પદવીએ બેસાડે છે. બસ આ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યાં છે. ભૂતકાળમાં તેમના જે આલોચકો હતા તેઓને મોદીએ શાસનમાં આવ્યા પછી ઉચ્ચપદ આપ્યાં છે. કોંગ્રેસે મોદીની આ સ્ટાઇલમાંથી બોધપાઠ લેવો જોઇએ. મોદીના આલોચકોમાં સ્મૃતિ ઇરાનીનું નામ સૌથી ઉપર હતું આજે તેઓ કેન્દ્રીય કેબિનેટમાં પ્રધાન છે. ગુજરાતમાં ગોરધન ઝડફિયાએ શપથવિધિ સમયે જ ઇન્કાર કરી દીધો હતો અને નવી પાર્ટી બનાવી હતી. આજે ઝડફિયા પ્રદેશ ભાજપમાં અગ્રસ્થાને છે. આવા સંખ્યાબંધ ઉદાહરણો ગુજરાતે અને દિલ્હીએ જોયાં છે.

જોબની સાથે પર્સનલ એટીટ્યુડ પણ જાણો...

અમેરિકામાં ફરવા જવું હોય અથવા તો યુએસના વિઝા જોઇતા હોય તો હવે તમારે ફેસબુક કે ટ્વિટર એકાઉન્ટના યુઝર આઇડી અને પાસવર્ડ ફરજીયાત આપવા પડશે તેવો નવો નિયમ યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન તરફથી લાગુ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે પણ ભરતી વખતે ઉમેદવારો પાસેથી આ પ્રકારના આઇડી મેળવવાનો આગ્રહ રાખવો જોઇએ, કારણ કે જોબની સાથે સાથે પર્સનલ એટીટ્યુડ પણ મહત્વનો ભાગ ભજવે છે. જે તે ઉમેદવારની વર્તણૂક સોશ્યલ સાઇટ્સ પરથી ખબર પડી શકે છે. તેના ગમા અને અણગમા જાણવા હોય તો પણ જાણી શકાય છે. સરકારમાં ભરતી કરતી વખતે એજન્સીઓ ઉમેદવારના મોબાઇલ નંબર અને મેઇલ આઇડી માગે છે તેમ હવે સોશ્યલ સાઇટ્સના આઇડી પણ માગવા જોઇએ.

ફરીવાર ગુજરાતી ફિલ્મોનો યુગ શરૂ થયો છે...

ગુજરાતી ફિલ્મોનો યુગ શરૂ થયો છે. આપણા ઉપેન્દ્ર ત્રિવેદીના અવસાન પછી ફરી એકવાર એવું લાગે છે કે આપણે આપણી ભાષાની ફિલ્મ જોઇએ છીએ. એક જમાનો હતો કે ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મો ગુજરાતના થિયેટરોમાં હાઉસફુલ જતી હતી. ખૂબ લોકપ્રિય બનેલી ફિલ્મોના કારણે ગુજરાતી કલાકારોને હિન્દી ફિલ્મોમાં પણ ખૂબ કામ મળી રહેતું હતું. આજે ફરી ગુજરાતી ફિલ્મોનો સમય આવ્યો છે. હાલની ગુજરાતી ફિલ્મોના નામ મોર્ડન છે અને કહાની પણ મોર્ડન હોય છે એટલે લોકોને ગમે છે. દક્ષિણ ભારતમાં જો ફિલ્મો રેકોર્ડબ્રેક સમય સુધી ચાલતી હોય, પંજાબ, રાજસ્થાન કે મહારાષ્ટ્રમાં જો ભાષાકીય ફિલ્મોને આંચ ન આવતી હોય તો આપણે ગુજરાતી કેમ પાછળ રહી જઇએ. સરકારની આર્થિક સહાયના કારણે ગુજરાતી ફિલ્મોનું નિર્માણ શક્ય બન્યું છે. કહેવાય છે કે એક સપ્તાહમાં એક નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે. આપણા ગુજરાતીઓ માટે એ ગૌરવનો વિષય છે. ગુજરાતી ફિલ્મો બને અને થિયેટરોમાં ચાલે તે માટે રાજ્ય સરકાર ઇન્સેન્ટીવ ભલે આપતી હોય, એવોર્ડ ભલે આપે, આર્થિક સહાય ભલે કરે પરંતુ જ્યાં સુધી મલ્ટીપ્લેક્સ તે ફિલ્મને પ્રાઇમ ટાઇમમાં નહીં બતાવે ત્યાં સુધી તેનો કોઇ અર્થ નથી. જાણવામાં આવ્યું છે કે ગુજરાતી ફિલ્મને પ્રાઇમ ટાઇમમાં મૂકવા માટે સપ્તાહ પ્રમાણે વધારાના દામ ચૂકવવા પડે છે. એટલું જ નહીં ફિલ્મને ચાર કે પાંચ સપ્તાહ ચલાવવા માટે પણ દક્ષિણા આપવી પડે છે. રાજ્ય સરકારે આ સિસ્ટમમાં સુધારો લાવીને મલ્ટીપ્લેક્સને ગુજરાતી ફિલ્મો પ્રાઇમ ટાઇમમાં દર્શાવવા માટે ફરજીયાત આદેશ કરવો જોઇએ, કારણ કે મલ્ટીપ્લેક્સના માલિકો પ્રાઇમ ટાઇમમાં માત્ર હિન્દી ફિલ્મો જ બતાવે છે. ગુજરાતી ફિલ્મ માટે સવાર કે બપોરનો સમય ફિક્સ કરે છે..

માલામાલ બનવા સરકારી પ્લોટ કાફી છે...

ગાંધીનગરમાં સરકારી રાહતદરના પ્લોટ લઇને વેચી દેનારાઓની યાદીમાં માત્ર ઓફિસરો કે કર્મચારીઓ જ નથી, આપણા સંસદસભ્યો અને ધારાસભ્યોએ પણ કરોડો રૂપિયા લઇને સરકારી પ્લોટને વેચી માર્યા છે. ગાંધીનગરમાં આ પ્રકારના 1000 થી વધારે દાખલા મોજૂદ છે. ખરીદનારા વર્ગની કમનસીબી છે કે પ્લોટ લાખો રૂપિયામાં ખરીદે છે અને સરકારી પ્રિમિયમના દરો પણ ખરીદનાર વર્ગને જ ભરવો પડે છે. સરકારી નિતીમાં વેચનારને તગડો ફાયદો છે અને ખરીદનારને નુકશાન છે. ગાંધીનગરમાં હજી એવા 1000થી વધારે પ્લોટ છે કે જેમાં બાંધકામ થયું નથી અને શરતભંગ થયો છે છતાં સરકારના ચોપડે શરતભંગના ખૂબ ઓછા પ્લોટ બોલે છે... શહેરના સેક્ટર-1 થી સેક્ટર-8માં સરકારે આપેલા રહેણાંક, ઔદ્યોગિક, સામાજીક તેમજ શૈક્ષણિક હેતુના પ્લોટમાં શરતભંગના 544 કેસ શોધી કાઢવામાં આવ્યા છે. આ તમામને શરતભંગની નોટીસ આપી દેવાઇ છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે માત્ર એક જ પ્લોટ સરકાર હસ્તક કર્યો છે, બાકીના કિસ્સામાં દંડ ભરીને બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. આ શરતભંગ તો ઠીક પણ જેમણે પ્લોટ વેચી કાઢ્યા છે તેમના માટે આટલા વર્ષોમાં પગલાં ભરી શકાયા નથી. ગાંધીનગર માટે એવું કહેવાય છે કે માલામાલ થવું હોય તો ગમે તેમ કરીને સરકારી પ્લોટના માલિક બની જાવ, પછી બજાર તમારા માટે રાહ જોઇને બેઠું છે...

જાણો છો મોદીની અડધી શક્તિ ક્યાં છે ...

સંઘના કાર્યકરમાંથી પ્રથમ ગુજરાતના ચીફ મિનિસ્ટર અને ત્યારબાદ દેશના પ્રાઇમ મિનિસ્ટર બનેલા નરેન્દ્ર મોદીની અડધી શક્તિ ક્યાં છે તે જાણો છો... એ છે અમિત અનિલચંદ્ર શાહ... મોદીનો પડછાયો બનીને સાથે રહ્યાં છે. 2000ની સાલ થી 2018 સુધી એટલે કે અત્યાર સુધી મોદી સાથે જોડાયેલા એક ઉંચાકદના નેતા કે જેમણે ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવામાં જરાય પાછીપાની કરી નથી. કોંગ્રેસના ટોચના નેતાઓને ભાજપનો ખેસ પહેરાવનારા અમિત શાહ ઓછું બોલે છે પણ વ્યવહારૂં છે. મિત્રો માટે જે કરવું પડે તે કરવું... વફાદારી સર્વશ્રેષ્ઠ ગુણ છે. રાજનિતીમાં ટેકનિકલ માઇન્ડ ધરાવતો ગુજરાત ભાજપનો ચહેરો આજે રાષ્ટ્રીય ભાજપનો તારણહાર બન્યો છે. ઉત્તરપ્રદેશની ગલીઓમાં જઇને વિશાળ પાર્ટીઓને ધરાશયી કરીને 80 માંથી 71 બેઠકો મેળવવાના વિરલો ભાજપના હાઇકમાન્ડમાં પાક્યો નથી. રાજનિતીમાં અનેક યાતનાઓ ભોગવી ચૂકેલા આ અમિત શાહને આખી પાર્ટી નરેન્દ્ર મોદીની અડધી શક્તિ કહે છે. અમિત શાહના કારણે ભાજપને આજે ભારતના 21 રાજ્યોમાં સત્તા હાંસલ થઇ છે જે પહેલાં ક્યારેય ન હતી.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(9:19 am IST)