વિવિધ વિભાગ
News of Monday, 7th December 2020

સરકારી મહેમાન

ગુજરાતમાં 19 એરપોર્ટ અને 208 હેલીપેડ છતાં ‘સપનો કી ઉડાન’ હકીકત બની નથી

7 ડિસેમ્બર એટલે સિવિલ એવિયેશન ડે- દેશમાં પહેલું ઉડ્ડયન 18 ફેબ્રુઆરી 1911માં: દુનિયામાં 48,400 વિમાન અને 9,000 જેટલી મહિલા સાથે કુલ 1.75 લાખ પાયલટ છે : ટાટા એરલાઇન્સ અંતે એરઇન્ડિયા બની પરંતુ હવે તેનું પ્રાઇવેટાઇઝેશન કરવાના પ્રયાસ

દુનિયાભરમાં 7મી ડિસેમ્બરે સિવિલ એવિયેશન ડે એટલે કે નાગરિક ઉડ્ડયન દિવસ મનાવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ સામાજીક અને આર્થિક વિકાસ માટે નાગરિક ઉડ્ડયન અંગે લોકોને જાગૃતિ આપવાનો છે. દુનિયાભરમાં ચાર બિલિયનથી વધુ યાત્રી વિમાન સેવાથી યાત્રા કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક શાખા છે જેની સ્થાપના શિકાગોમાં 1944માં થઇ હતી, જ્યારે 52 વર્ષ પછી 7મી ડિસેમ્બર 1996થી આ દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં નાગરિક ઉડ્ડયનની શરૂઆત 18મી ફેબ્રુઆરી 1911માં થઇ હતી, જ્યારે હેનરીએ પ્રયાગરાજ થી નેની સુધી છ માઇલની સફર કરી હતી અને તેની પહેલ મહારાજા ભૂપિન્દરસિંહે કરી હતી. તેમણે તેમના એન્જીનિયરને વિમાન ખરીદવા માટે યૂરોપ મોકલ્યા હતા.

1910માં હવાઇ સેવાની શરૂઆતનો તબક્કો...

બે અમેરિકી બંધુ આરિવિલ રાઇટ તેમજ વિલ્બર રાઇટને નાગરિક તેમજ સૈન્ય ઉડ્ડયનના જનક માનવામાં આવે છે. 1903માં આ બન્ને ભાઇઓએ પહેલી યાત્રા કરી હતી જેમાં વાયુયાન એન્જીનયુક્ત અને હવાથી ભારે હતું. 1910 સુધીમાં હવાઇ સફરને મોટાભાગના દેશો અપનાવી ચૂક્યાં હતા. પ્રથમ વિશ્વયુદ્ધથી હવાઇ સેવા શરૂ કરવાના પ્રસ્તાવ પર ચર્ચાઓ શરૂ થઇ હતી. 1911ના અંત સુધીમાં લંડન અને પેરિસ વચ્ચે વાયુચર્યા ચાલુ થઇ હતી. આ સમય થી 1931 સુધી ધારી પ્રગતિ જોવા મળી ન હતી. બીજા વિશ્વયુદ્ધ સમયે હવાઇ સફરમાં પ્રગતિનો યુગ શરૂ થયો હતો જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યારે મોટાપાયે વાયુમાર્ગોમાં વિસ્તાર જોવા મળ્યો હતો. પરિવહનની ક્ષમતા વધારી દેવામાં આવી હતી. 1958માં સંયુક્ત રાજ્ય અમેરિકા થી બ્રિટન અને ફ્રાન્સ સુધી મહાસાગરને પાર કરનારી પહેલી જેટ સર્વિસનું ઉદ્દધાટન થયું હતું જે ઉડાને જેટ યુગમાં પ્રવેશ કર્યો હતો.

વિશ્વયુદ્ધના કારણે હવાઇ સેવાને બળ મળ્યું છે...

ભારતમાં તો હવાઇ ઉડ્ડયનની ચર્ચા 1917માં શરૂ થઇ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થતાં સપ્ટેમ્બર 1911માં સરકરે ભારતભરમાં ટપાલ પહોંચાડવાનું કાર્ય એક હવાઇ કંપનીને સોંપવાનું નક્કી કર્યું હતું પરંતુ તે કાર્ય થઇ શક્યું ન હતું. એક વર્ષ પછી એરપોર્ટ સ્થાપિત કરવા માટેની ચર્ચા શરૂ કરવામાં આવી હતી. કેટલાક વર્ષો પછી બ્રિટન, ફ્રાન્સ અને હોલેન્ડ એ હવાઇ સફર શરૂ કરતાં ભારતને વિચારવાની ફરજ પડી હતી. સરકારે ભારતીય વ્યાપારીઓ સાથે ચર્ચા શરૂ કરતાં ટાટા એરલાઇન્સ અને ઇન્ડિયન નેશનલ એરવેઝની ચર્ચાઓનો વિકાસ થયો હતો. આ કંપનીઓએ ટપાલ સેવા માટે એક એન્જીનવાળા વિમાનોનું સંચાલન શરૂ કર્યું હતું. ભારત સરકાર દ્વારા 1938માં બનાવવામાં આવેલી રાજકીય હવાઇ ટપાસ યોજનાથી આ ઉદ્યોગના વિસ્તારને પ્રોત્સાહન મળ્યું અને બીજા હવાઇ સાધનો શરૂ કરવામાં આવ્યા હતા.

1947 સુધીમાં 11 કંપનીઓ તૈયાર થઇ હતી...

યુદ્ધોતરના વર્ષોમાં ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં નવી ચેતનાનો સંચાર થયો હતો. બીજા ઉદ્યોગજૂથો આ ક્ષેત્રમાં કદમ લગાવવા માંડ્યા હતા. 1947 સુધીમાં તો દેશમાં 11 નવી કંપનીઓને અસ્થાયી અનુમતિપત્રો પ્રદાન કરવામાં આવ્યા હતા. દુનિયાની પહેલી સૌથી જૂની એરલાઇન્સ રોયલ ડચ એરલાઇન્સ છે જેની સ્થાપના 1919માં થઇ હતી અને તેની પહેલી ઉડાન એમ્સ્ડર્ડમ અને લંડન વચ્ચે 17મી મે 1920માં થઇ હતી. ભારતની સૌથી જૂની ટાટા એરલાઇન્સ છે જેને 1932માં જેઆરડી ટાટા દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી અને તે 1946માં એરઇન્ડિયા બની ગઇ હતી. હવે આ કંપની ખોટમાં જતાં તેનું પ્રાઇવેટાઇઝેશન શરૂ કરવામાં આવ્યું  છે. વિમાનચાલક એટલે કે પાયલોટ અને સહ પાયલોટ એક સરખું ભોજન કરી શકતા નથી તે નિયમ છે, કારણ કે જો ભોજન ઝેરયુક્ત હોય તો બીજો પાયલટ વિમાન ઉડાવી શકે છે. 2020માં દુનિયાના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં 48400 વિમાન સામેલ છે. સેના દ્વારા સંચાલિત ઉડાનને બાદ કરતાં તમામ પ્રકારની ઉડાન નાગરિક ઉડ્ડયનમાં આવે છે. વિશ્વમાં 9000 જેટલી મહિલા સહિત કુલ 1.75 લાખ જેટલા પાયલટ છે, જ્યારે ભારતમાં 1200 મહિલા પાયલટ સાથે કુલ 9000 જેટલા પાયલટ છે.

હવાઇ છંટકાવ માટે વિમાનનો ઉપયોગ...

ગુજરાતમાં હવાઇ છંટકાવ દ્વારા ખેડૂતોને મદદ કરવા માટે નાગરિક ઉડ્ડનય પ્રવૃત્તિની શરૂઆત 1973માં કરવામાં આવી હતી. હેલીકોપ્ટર અને ફિક્સ પાંખના વિમાનો દ્વારા શેરડી, કપાસ, મગફળી અને તુવેરના પાક માટે ખેડૂતોને આ પ્રવૃત્તિ ઘણી રીતે લાભદાયી હતી. વરસાદની અછત હતી ત્યારે કૃત્રિમ વરસાદ પાડવા માટે એરક્રાફ્ટથી ક્લાઉડ સેડીંગ ઓપરેશન શરૂ કરવામાં આવતું હતું. સરકારે 2002માં નાગરિક ઉડ્ડયનનો સ્વતંત્ર વિભાગ શરૂ કર્યો હતો. આજે ગુજરાત સ્ટેટ સિવિલ એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેઇલ) રાજ્યમાં ઉડ્ડયન અને તેને સબંધિત આંતરમાળખાકીય વિકાસ માટે નોડલ એજન્સી છે. આ કંપનીનું મુખ્ય કાર્ય રાજ્યમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને પ્રવાસનને વેગ આપવાનું છે. એટલું જ નહીં, હવાઇ યાતાયાતની વધતી જતી માત્રાને પહોંચી વળવા નવા એરપોર્ટ બનાવવાનું લક્ષ્ય છે. ગુજરાતમાં હાલ 17 એરપોર્ટ છે જેમાંથી 9 એરપોર્ટ કેન્દ્ર સરકાર હસ્તક છે. ત્રણ ભારતીય વાયુસેનાના એરપોર્ટ છે. બે ખાનગી એરપોર્ટ છે. બે યુનિયન ટેરેટરીમાં આવે છે જ્યારે ત્રણ રાજ્ય સરકારની માલિકીના છે.

રાજ્યમાં 19 એરપોર્ટ, 208 હેલીપેડ બન્યાં છે...

સિવિલ એવિયેશનના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં હાલ કુલ 19 એરપોર્ટ છે અને સાત નવા એરપોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે. રાજ્યમાં હેલીપેડની સંખ્યા 208 જેટલી થવા જાય છે. રાજ્ય સરકારે યાત્રાધામના સ્થળોએ વિમાની સેવાઓ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સરકારનો પ્લાન છે કે અમદાવાદ, ભૂજ, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરત, ભાવનગર, માંડવી, દ્વારકા અને કેશોદ જેવા શહેરોને એકબીજાથી જોડીને નજીક લાવવામાં આવશે. એ ઉપરાંત રાજ્યમાં પાયલટ અને એરહોસ્ટેજ તેમજ બીજા ટેકનિશ્યનો તૈયાર કરવા માટે ઉડ્ડયન પ્રશિક્ષણ સંસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. સરકારે એવિયેશન પાર્ક બનાવવાનું પણ નક્કી કર્યું છે. ગુજસેઇલ દ્વારા અમદાવાદમાં વિવિધ પ્રકારની બનાવટોના બિઝનેસ જેટ, રોટરી વિંગ અને ટર્બોપ્રોપ વિમાનોની જાળવણી, સમારકામ, મરામત અને તપાસ માટે એક જનરલ એવિયેશન એમઆરઓ સ્થાપિત કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પોલીસ સેવા શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં પોલીસ દ્વારા રાજ્યમાં એન્ટી-નકસલ પ્રવૃત્તિ, જનતાની સલામતી તેમજ પોલીસને લગતી પ્રવૃત્તિઓ માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. રાજ્ય સરકાર પાસે હાલ એક એરક્રાફ્ટ અને એક હેલિકોપ્ટરની સુવિધા છે.

રાજ્યની ઉડાન યોજનામાં ધીમી પ્રગતિ છે...

મહત્વની બાબત એવી છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉડાન યોજનામાં ગુજરાતની પ્રગતિ ધીમી જોવા મળી છે. મુસાફરો સસ્તી હવાઇ સફર કરી શકે તે માટે ઉડાન યોજના બનાવવામાં આવી છે પરંતુ ગુજરાત સિવિલ એવિયેશનમાં હજી ઘણું પછાત છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હેલીકોપ્ટર ઉડી શકે છે પરંતુ એરક્રાફ્ટ નહીં. વાસ્તવમાં, નાના શહેરો માટે હવાઈ સફર શરૂ કરવા માટે જરૂરી એરપોર્ટ તૈયાર કરવાનું કામ જ મંથર ગતિએ ચાલે છે. આ યોજનાનું નામ ‘ઉડાન’ છે. ઉડાન યોજના પ્રમાણે જૂના એરપોર્ટમાં સુધારા કરવાની સાથે નવા એરપોર્ટના નિર્માણનું કામ સામેલ છે. આ સાથે જ એરલાઈન્સને પણ કેટલીક સુવિધાઓ મળશે. જોકે, એવિયેશનના એક અધિકારીએ કહ્યું હતું કે અમે પ્રયાસ કરીએ છીએ પરંતુ એવિયેશન સેક્ટરની કંપનીઓ ગુજરાતમાં મૂડીરોકાણ કરતી નથી. નાના શહેરોમાં નવા એરપોર્ટ બનાવવા અને જૂના એરપોર્ટ અપગ્રેડ કરવાનું કામ ઝડપથી આગળ વધતું નથી. એવામાં આગામી પાંચ વર્ષમાં 10 કરોડ વધુ પ્રવાસીઓને જોડવાનો સરકારનો હેતુ માર્યો જાય છે.

નવા એરપોર્ટના નિર્માણમાં વિલંબ થાય છે...

સિવિલ એવિયેશનના એક અધિકારીએ કહ્યું હતું કે કેટલાક રાજ્યોનાં કહેવા પ્રમાણે તેમની પાસે સામાન્ય ઉપકરણો ખરીદવા માટે પણ ફંડ નથી. કેટલાક અન્ય કેસમાં એર ટ્રાફિક કંટ્રોલ ટાવર્સ, ટર્મિનલ બિલ્ડીંગ, સિક્યુરિટી સિસ્ટમ્સ તૈયાર કરવામાં વધુ સમય લાગી રહ્યો છે. રાજ્યમાં 14 એરપોર્ટ બનાવવાના થતાં હતા પરંતુ મોટાભાગના પ્રોજેક્ટ વિલંબમાં ચાલી રહ્યાં છે, એકમાત્ર ઘોલેરા એરપોર્ટ પર કેન્દ્ર અને રાજ્ય સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. ઉડાન યોજના અંતર્ગત 500 કિમીના અંતરમાં એટલે કે એક કલાકની ફ્‌લાઈટ કે 30 મિનિટની હેલિકોપ્ટર યાત્રા માટે 2500 રૂપિયા આપવાના રહેશે. કુલ 70 એરપોર્ટને ઉડાન યોજના સાથે જોડવામાં આવશે. દેશમાં 31 એરપોર્ટ એવા છે કે જેનો બિલકુલ ઉપયોગ નથી જ્યારે 12નો ઓછો ઉપયોગ થઇ રહ્યો છે. ઉડાન યોજના દેશમાં અને ગુજરાતમાં તદ્દન નિષ્ફળ થઇ છે, કેમ કે એવિયેશન કંપનીઓ દેવાંમાં ડૂબેલી છે અને નવું મૂડીરોકાણ કરવા તૈયાર નથી.

 મોદીની સી-પ્લેન યોજના આશાનું કિરણ...

ગુજરાતમાં પણ મોટા શહેરોની વચ્ચે આવી જ નાના પ્લેનની સેવાઓ રાજય સરકાર દ્વારા શરૂ કરાઈ હતી પરંતુ તે પૈકીની મોટાભાગની સેવાઓનું બાળમરણ થયું છે.  હાલ  સુરત, ભાવનગર, રાજકોટ અને જામનગર સુધીની હવાઇ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ તેમાં ટ્રાફિકનો પ્રશ્ન છે. રાજ્યની સૌથી મોટી જીઆઇડીસી આવેલી છે તે અંકલેશ્વર એક ઉત્તમ એરપોર્ટ બની રહે તેમ છે છતાં આ અંગેની કાર્યવાહી મંથર ગતિએ ચાલે છે. રાજ્યમાં માત્ર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના એરપોર્ટ પર ટ્રાફિક જોવા મળે છે પરંતુ બીજા નાના એરપોર્ટ પર ટ્રાફિક નહીં હોવાથી કોઇ કંપનીઓ મૂડીરોકાણ કરવા તૈયાર નથી. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ રિવરફ્રન્ટ થી કેવડિયા સુધીની સી-પ્લેન સુવિધા શરૂ કરી છે, જે આ ક્ષેત્રમાં આશાનું એક નવું કિરણ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:31 am IST)