વિવિધ વિભાગ
News of Monday, 9th July 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

યાદ રાખજો-જે રીતે ભોજન વગર શરીર મરી જાય છે, તે જ રીતે પ્રેમ વગર આત્મા મરી જાય છે. પ્રેમ છે તમારા આત્માનો શ્વાસ!

જો પ્રેમ સમસ્યા ઉભી કરતો હોય તો તો પછી ભકિતશાસ્ત્રનો સંપૂર્ણ આધાર જ નષ્ટ થઇ જાય. પ્રેમ દ્વારા ભકતોએ ભગવાનને શોધ્યા છે અને તમે કહો છો પ્રેમમાં સમસ્યા છે.

પ્રેમ સ્વયં સાધ્ય છે. તેને સાધન ન બનાવો. અને પછી તમે અનુભવશો કે જીવન અત્યંત શાંતિથી અને આનંદથી વહેવા લાગ્યું.

તમે માત્ર શાંત થઇ જાઓ તે પર્યાપ્ત નથી. આ વાતને સમજો. જે લોકોએ વિચારથી પ્રેમને છોડી દે છે. કે પ્રેમમાં સમસ્યા છે...તેઓ શાંત તો થશે પરંતુ આનંદિત નહીં થાય. જીવનમાં શાંતિને લક્ષ્ય નહિ બનાવતા શાંતિ આવશ્યક છે પરંતુ પર્યાપ્ત નથી. જીવન તો તમારા માટે આનંદનું દ્વાર ખોલી આપે છે.

જીવન જેવું છે, તેને જો તેનાં તે જ રૂપમાં સ્વીકારવા તૈયાર થાઓ અને જીવન જે શિક્ષણ આપે તેને શીખવા તત્પર બનો. તો પછી આ જીવનમાં કંઇ પણ છોડવા જેવું નથી. જે છોડવા લાયક હશે તે આપોઆપ છુટી જશે. અને જે બચાવવા જેવું હશે તે આપોઆપ બચી જશે. જીવનમાં સમગ્ર સ્વીકારવામાં ન તો તમારે કંઇ છોડવું પડશે કે ન તો કંઇ બચાવવું પડશે.

માટે જ હું તમને કહું છું-અહી ન કંઇ છોડવા યોગ્ય છે કે ન તો કંઇ પકડવા. મારો કહેવાનો અર્થ સમજી લેજો- અહીં તમે જીવનની ગહનતામાં ઉતરીને પસાર થઇ જાઓ. દુનિયામાંં પ્રેમનાં નામે ઘણું બધું ચાલી રહ્યું છે. પ્રેમના અનુભવમાંથી પસાર થતાં જ જે અયોગ્ય હશે તે આપોઆપ છૂટી જશે. પ્રેમની પીડામાંથી પસાર થશો અને સમજશો તો કાંટા આપમેળે છૂટી જશે. અને પ્રેમમાં કંઇક બચાવવા જેવું હશે....પરમાત્માની ઝલક, તે બચી જશે.

મારી દૃષ્ટિએ સંયમ, ચિત્તની એવી સ્થિતિ છે. એવી જાગ્રત સ્થિતિ છે. જેમાં બચાવવા યોગ્ય હોય છે તે બચી જાય છે અને જે છોડવા યોગ્ય હોય છે. તે છુટી જાય છે. આ સ્થિતિને આપણે પરમહંસ દશા કહીએ છીએે

હું તમને કહું છું.-આ સંસારમાં પદાર્થ પણ છે અને પરમાત્મા પણ છે, રોગ પણ છે અને સ્વાસ્થ્ય પણ છે, સમસ્યાઓ પણ છે. અને સમાધાન પણ છે, તમે અતિઓથી સાવધાન રહેજો, 'હંસો તો મોતી ચણે' કાંકરાં છોડી દેજો. મોતી ચણી લેજો. પ્રેમમાં ખૂબ મોતી છે.

અસીમ પ્રેમમાં જીવનની આત્મિક તેજસ્વિતાનો અનુભવ થાય છે. માટે જ હું કહું છું- અહિંસાનો મૌલિક અર્થ પ્રેમ છે.

તમે પ્રેમથી ગભરાતા નહિ. પ્રેમ તો તમને ઘણું બધું શીખવશે. પ્રેમ તમને તમારા અહંકારનું નરક બતાવશે. તેને છોડી દેજો. અને પ્રેમ જ તમને તમારા હૃદયનું સ્વર્ગ પણ બતાવશે. તેને પકડી લેજો.

પ્રેમમાં જાગ્રતિને સમ્મિલિત કરજો. પ્રેમને નહિ છોડતા. પ્રેમમાં ધ્યાનને સમાહિત કરજો. બસ, આટલું કરશો તો સમસ્યા વિદાય થઇ જશે. અને સમસ્યાને સ્થાને તમે અનુભવશો કે પ્રેમ એક અદ્દભૂત રહસ્ય છે...અને તે એવું રહસ્ય કે જેનાં દ્વારા પરમાત્માની અનુભૂતિ સંભવે છ.ે હું તમને કહું છું કે તમારા એકાન્તનું મુલ્ય પણ ત્યારે જ થાય જયારે તમારા સંબંધોમાં ગહનતા હોય છે. જીવનનું ગણિત મૃત ગણિત નથી.

અહીં તો તમે કેટલી તીવ્રતાથી, સઘનતાથી જીવન જીવ્યા છો તેટલાં જ પ્રમાણમાં એકાન્તમાંં તમારામાં અનોખી અનુભૂતિઓ સંભવશે.

માટે જ હું તમને કહું છું- પ્રેમમાં ઉતરો, કારણ કે તમારા ધ્યાનનું ઉંડાણ તમારા પ્રેમની ગહનતા પર નિર્ભર રહેશે.

તમે બીજાઓ સાથે જીવતાં શીખો જેથી તમે સ્વયં સાથે જીવવાનું રહસ્ય સમજી લો. અન્યના માધ્યમ દ્વારા તમે તમારી નિકટ પહોંચો છો. અન્ય સેતું છે. પ્રેમ તમારામાં સરળતા લાવશે. પ્રેમ તમારામાં વિનમ્રતા લાવશે. નિરહંકાર લાવશે. પ્રેમ તમારામાં ત્યાગ જન્માવશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:05 am IST)