વિવિધ વિભાગ
News of Tuesday, 27th March 2018

શહિદ દિને ભરૂચમાં ઝવેરચંદ મેઘાણી ગીતો ગુંજયા

 શહીદ દિને ભરૂચ ખાતે મેઘાણી-ગીતો ગુંજયાં. આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુએ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ દેશ માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કર્યા હતા. શહીદ-વીરોને સ્‍વરાંજલિરૂપે ‘વીરાંજલિ' કાર્યક્ર્‌મનું આયોજન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનની પ્રેરણાથી, ભરૂચની ત્રણ અગ્રગણ્‍ય સંસ્‍થાઓ નર્મદા એજયુકેશન એન્‍ડ વેલફેર ટ્રસ્‍ટ, ભરૂચ (નરેશભાઈ ઠક્કર, ઋષિભાઈ દવે, હરીશભાઈ જોષી), ‘મા'મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્‍ટ, નવેઠા (ધનજીભાઈ પરમાર), દિવ્‍ય ચેતના ચેરિટેબલ ટ્રસ્‍ટ, ભરૂચ (દિવ્‍યેશભાઈ પટેલ) તથા ભરૂચના ધારાસભ્‍ય દુષ્‍યંતભાઈ પટેલના સયુક્‍ત સૌજન્‍ય અને સહયોગથી થયું હતું. ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીનો સહયોગ રહ્યો હતો. શહીદ-વીરોને અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ તેની વેદનામાં ઝવેરચંદ મેઘાણીએ હ્રદયસ્‍પર્શી કાવ્‍ય ‘ફૂલમાળ' રચ્‍યું હતું : ‘વીરા  હતો ફાંસી રે નહિ, ફૂલમાળ.'  ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ભરૂચ ધારાસભ્‍ય દુષ્‍યંતભાઈ પટેલ, ભરૂચ કલેકટર સંદીપ સાંગલે (આઈએએસ), પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ મંત્રી ખુમાણસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્‍ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ આર. વી. પટેલ, ઉપપ્રમુખ પ્રફુલાબેન દૂધવાળા, સદસ્‍ય રાજેશભાઈ ચૌહાણ અને પૂર્વ પ્રમુખ દક્ષાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય ચંદ્રકાંતાબેન પરમાર, ભાજપના યોગેશભાઈ પટેલ (મામા), ધર્મેશભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ મિસ્ત્રી, દિવ્‍યેશભાઈ પટેલ, અનિલભાઈ રાણા અને ઈન્‍દિરાબેન રાજ, આરએસએસના મૂલચંદભાઈ ચૌહાણ, હરિહરભાઈ ભટ્ટ અને કેતનભાઈ પટેલ (વડોદરા), વીએચપીના નીરવભાઈ પટેલ, દલિત સમાજના ધર્મેશભાઈ પરમાર, રાજેન્‍દ્રભાઈ સુતરીયા (એડવોકેટ), કનુભાઈ પરમાર, ધનજીભાઈ ગોહિલ અને પંકજભાઈ, શિક્ષણજગતના પ્રવીણસિંહ રણા (આચાર્ય સંઘ પ્રમુખ), મહેશભાઈ ઠાકર અને ડો. ભગુભાઈ પ્રજાપતિ, ચેનલ નર્મદાના નરેશભાઈ ઠક્કર, ઋષિભાઈ દવે, હરીશભાઈ જોષી, જીગરભાઈ દવે અને ચંદ્રેશભાઈ ભટ્ટ, બિપીનભાઈ ભટ્ટ (બિલ્‍ડર), મહેન્‍દ્રસિંહ જાડેજા, ધર્મસિંહ રાજપૂત, કલાકાર નગીનભાઈ પટેલ, જગદીશભાઈ હરિયાણી (આણંદ), મિહિરસિંહ રાઠોડ, પિયૂષભાઈ વ્‍યાસ, વિનોદભાઈ મિષાી, સખી સહીયર મંડળ (મુક્‍તિનગર)ની બહેનો સહિત મોટી સંખ્‍યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને ભાવિકો ઉપસ્‍થિત રહ્યાં હતાં. યુવા પેઢી અને બહેનોની વિશેષ ઉપસ્‍થિતિ રહી. ૫૧ જેટલાં એનજીઓ પણ આ પ્રેરક કાર્યક્ર્‌મમાં જોડાયાં હતાં. પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખીચોખીચ ભરાઈ જતા, પ્રાંગણમાં વધારાની બેઠક વ્‍યવસ્‍થા કરવી પડી હતી. નર્મદા ચેનલે આ કાર્યક્ર્‌મનું જીવંત પ્રસારણ પણ કર્યું હતું. શહીદ-વીરો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની વિશાળ તસ્‍વીરોને સહુએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્‍યાસ, નવનીત શુક્‍લા અને હરિસિંહ સોલંકીએ રમઝટ બોલાવીને સહુને ડોલાવી દીધા હતા. શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંજલિ આપતા ઝવેરચંદ મેઘાણી રચિત અમર કાવ્‍ય ‘વીરા મારા! પંચ રે સિંધુને સમશાન, રોપાણાં ત્રણ રૂખડાં હો જી'ની અભેસિંહ રાઠોડ દ્વારા અર્થસભર હ્રદયસ્‍પર્શી રજૂઆતથી અનેકની આંખો આંસુભીની થઈ ગઈ હતી. ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો ‘વિરાટ દર્શન', ‘ઓતરાદા વાયરા ઊઠો ઊઠો', ‘શિવાજીનું હાલરડું', ‘ચારણ-કન્‍યા', ‘ભેટ્‍યે ઝૂલે છે તલવાર', ‘રકત ટપકતી સો સો ઝોળી'ખાસ રજૂ થયાં. અભેસિંહભાઈએ શહીદ ભગતસિંહના જીવનનાં પ્રેરક પ્રસંગો તથા અંતિમ પળો વિશે માહિતીસભર વાતો પણ કહી હતી. આજે પણ લોકમુખે રમતું અતિ લોકપ્રિય મેઘાણી-ગીત ‘કસુંબીનો રંગ'રજૂ કરીને કાર્યક્ર્‌મને વિરામ અપાયો. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્‍જો), જગદીશ વાઘેલા - નગીન સોલંકી (મંજીરા)એ સાથ આપ્‍યો. સાઉન્‍ડ સિસ્‍ટમ પી.સી. સાઉન્‍ડ - પ્રકાશભાઈની હતી. આવો સાત્‍વિક કાર્યક્ર્‌મ સહુને સ્‍પર્શી ગયો હતો.  જેલની કોટડીની સફાઈ કરતા વાલ્‍મીકિ સમાજના વયોવૃધ્‍ધ સફાઈ કામદારના હાથની બનેલી રોટી ખાવાની અંતિમ ઈચ્‍છા ફાંસી પહેલા શહીદ ભગતસિંહે વ્‍યક્‍ત કરી હતી. વાલ્‍મીકિ સમાજની આ ‘રોટી'નું ઋણ અને મૂલ્‍ય ક્‍યારેય વીસરાશે નહિ તેમ પિનાકી મેઘાણીએ લાગણીભેર જણાવ્‍યું હતું. નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્‍કાર-સિંચન તથા ગુજરાતની ગૌરવવંતી સંસ્‍કૃતિ, સાહિત્‍ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન સવિશેષ પ્રયત્‍નશીલ છે. બોટાદ પાસે આવેલ સરવા ગામના મૂળ વતની અને ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર વિશ્વવિખ્‍યાત લોકગાયક અભેસિંહ રાઠોડે છેલ્લા પાંચ દાયકાઓથી દેશ-વિદેશમાં વસતાં સેંકડો ગુજરાતીઓનાં હૈયે મેઘાણી-ગીતોને જીવંત રાખ્‍યાં છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(10:05 am IST)