વિવિધ વિભાગ
News of Monday, 5th February 2018

સરકારી મહેમાન

ગુજરાતના બજેટના બાર ઘડવૈયા દિન-રાત એક કરે છે, ટીમ લિડર તરીકે અનિલ મુકીમ

ચૂંટણી નાક દબાવવા હોય છે! 2019 પહેલાં MLA ની નારાજગી વધતી દેખાશે : ચલો ગાંવ કી ઓર: મોદી અને જેટલીએ જે કર્યું તે નિતીનભાઇ અને રૂપાણી કરશે : ગુજરાતના પ્રત્યેક ડિપાર્ટમેન્ટમાં પંકજકુમાર જેવા એક્ટિવ સેક્રેટરી હોવા જોઇએ

ગુજરાતના સામાન્ય બજેટ 2018-19ના ઘડવૈયા કોણ છે તે જાણવું એટલું રસપ્રદ છે જેટલું નાણામંત્રી નિતીન પટેલ બજેટનું વાંચન કરે છે ત્યારે લોકોને જેટલું કૂતુહલ હોય છે... ગુજરાતનું બજેટ બ્યુરોક્રેસીમાં નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અનિલ મુકીમ તૈયાર કરી રહ્યાં છે. તેઓ બજેટના મુખ્ય ઘડવૈયા છે. તેમની ટીમમાં ઇકોનોમી એફેર્સ સેક્રેટરી સંજીવ કુમાર આવે છે. એક્સપેન્ડિચર સેક્રેટરી મિલિન્દ તોરવણે આવે છે. એ ઉપરાંત વિશાલ ગુપ્તા કે જેઓ ઇન્સ્ટીટ્યુશનલ ફાયનાન્સમાં છે. સી.જે.મેકવાન આવે છે કે જે ટેક્સના જોઇન્ટ સેક્રેટરી છે. કે.એચ.પાઠક, કે.કે.પટેલ, એસ.વી.પરમાર અને જે.બી.પટેલ કે જેઓ ડેપ્યુટી સેક્રેટરી છે. આ ઉપરાંત જીએસટી કમિશનર ડો. પી.ડી.વાઘેલા, એકાઉન્ટ્સ એન્ડ ટ્રેઝરીના ડાયરેક્ટર બી.એમ.ચાવડા, લોકલ ફંડના એક્ઝામિનર વી.એસ.ગુપ્તા, પેન્શન પ્રોવિડન્ટ ફંડના પી.એન. રોયલ અને ઇન્સ્યોરન્સના એસ.એસ.ઠાકરે છે. જો કે મુખ્ય 12 ઓફિસરો એવાં છે કે જેઓ ગુજરાતના બજેટ માટે દિનરાત મહેનત કરી રહ્યાં છે. બજેટ તૈયાર કરવામાં સૌથી મહત્વનું કામ રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ અને મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે.દાસ કરી રહ્યાં છે.

99 આપ્યા છે તેથી મુખ્યમંત્રીને સતત જોખમ...

સચિવાલય અને લોકોમાં એવી દહેશત ફેલાઇ છે કે ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર 2019 પછી જોખમમાં આવી શકે છે. આવું કેમ માનવામાં આવે છે તેનું સીધું કારણ ભાજપની સભ્યસંખ્યા છે. ભાજપ પાસે હાલ 99 ધારાસભ્યો છે જે સત્તામાં રહેવા માટે જરૂરી એવા 93 સભ્યોથી છ વધારે છે. પાર્ટીમાં અસંતોષની માત્રા વધતી જાય છે. સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં પણ ખાલી જગ્યાઓ પડી છે. મંત્રી નહીં બનાવાયેલા સભ્યો નારાજ છે. મધ્ય ગુજરાત મુયમંત્રીથી દુખી છે. પાર્ટીના સિનિયર ધારાસભ્યોને મંત્રીપદ જોઇએ છે. એટલું જ નહીં, જે મંત્રીઓ છે તેમને સારા ખાતાં પણ જોઇએ છે. મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીને વધુ સારૂં ખાતું જોઇએ છે. આ સારા ખાતાની વ્યાખ્યામાં શું આવે છે તે તો માગનારા મંત્રી જાણે, પરંતુ રૂપાણીને મુસિબતમાં મૂકવાની હોડ શરૂ થઇ છે. 2018ના અંત સુધી આ રીતે પજવણી ચાલશે અને જ્યારે ચૂંટણી વધારે નજીક આવશે ત્યારે જો પાર્ટીનું હાઇકમાન્ડ તકેદારી નહીં રાખે તો આ તોફાન જાહેરમાં આવે તેવી વકી છે.

નિતીન પટેલને ગામડાં યાદ આવી રહ્યાં છે...

ગુજરાત વિધાનસભાનું સત્ર 19મી ફેબ્રુઆરી થી શરૂ થઇ રહ્યું છે. ગુજરાતનું બજેટ સત્ર છે. કેન્દ્રની મોદી સરકારે બજેટમાં ગ્રામીણ વિસ્તારો માટેની જે યોજનાઓ અમલમાં મૂકી છે તેવી યોજનાઓ ગુજરાતમાં મૂકવામાં આવે તેવો અણસાર છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો ભાજપ પાસે છે પરંતુ એક સર્વે પ્રમાણે જો અત્યારે ચૂંટણી થાય તો ભાજપ અડધી બેઠકો ગુમાવે છે. આ સ્થિતિથી બચવા માટે ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોમાં બજેટની ફાળવણી વધારી શકે છે. બજેટના ઘડવૈયા છે તેઓને સ્પષ્ટ સૂચના છે કે ગુજરાતમાં બેરોજગારી દૂર થાય તેવી નવી યોજનાઓને બજેટમાં સામેલ કરવામાં આવે. મોદી સરકારની અધુરી યોજનાઓને આ બજેટમાં વધારે નાણાં ફાળવાય તેવી પણ સંભાવના છે. ખેડૂતો અને તેમના ઉત્પાદન માટે સરકાર બજેટમાં નક્કર યોજનાઓ લાવી શકે છે. ગ્રામીણ મહિલાઓ અને યુવાનો માટે સ્વરોજગારની સ્કીમો દાખલ કરવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ઇરાદો ધરાવે છે.

વિધાનસભામાં MLA રોજનો 5500 ખર્ચ કરે છે...

ગુજરાત વિધાનસભાનું સત્ર મળે છે ત્યારે ધારાસભ્યોને દૈનિક ભથ્થાં મળતા હોય છે. એ ઉપરાંત વહીવટી કામમાં ઘણો ખર્ચ થતો હોય છે. સરકાર વિધાનસભાના સત્રમાં જે ખર્ચા કરે છે તે આપણી મહેનતની કમાણીના રૂપિયા છે કે જે ટેક્સરૂપે સરકારને મળે છે. જાણીને નવાઇ લાગશે કે 1960-61માં પહેલી વિધાનસભામાં સત્ર ચાલુ હોય ત્યારે રોજનો ખર્ચ 7393 રૂપિયા થતો હતો, એટલે કે સભ્યદીઠ રોજનો ખર્ચ 64.28 રૂપિયા હતો. આ આંકડો 2001-02માં વધીને અનુક્રમે 5.10 લાખ રૂપિયા અને 3200 રૂપિયા થતો હતો, હવે વિધાનસભાનો એક દિવસનો ખર્ચ સામાન્ય અંદાજ પ્રમાણે 10 લાખ રૂપિયા કરતાં વધુ થાય છે, જ્યારે સભ્યપ્રમાણેનો રોજનો ખર્ચ 5500 રૂપિયા થાય છે. સરકાર આટલા રૂપિયાનો ખર્ચ પ્રતિદિન કરતી હોય છે ત્યારે વિધાનસભામાં ધારાસભ્યોએ આવો કિમતી સમય ખોટી ચર્ચાઓમાં વ્યતિત કરવાની જગ્યાએ સાડા છ કરોડની જનતાની ભલાઇ માટે વાપરવો જોઇએ.

દરેક ડિપાર્ટમેન્ટમાં પંકજકુમાર હોવા જોઇએ...

ગુજરાતના રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સોશ્યલ મિડીયા એવા ટ્વિટર પર તમામ 33 જિલ્લા કલેક્ટરોને એક્ટિવ બનાવ્યા છે અને તેનું રિઝલ્ટ મળી રહ્યું છે ત્યારે આવો પ્રયોગ રાજ્યના હોમ ડિપાર્ટમેન્ટમાં થવો જોઇએ. રાજ્યના તમામ જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ્સ અને મહાનગરોના પોલીસ કમિશનર માટે ટ્વિટર એકાઉન્ટ એક્ટિવ કરવા જોઇએ. જો તેમ થશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે મજબૂત બનશે. આ પહેલ જૂનિયર હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાએ કરવી જોઇએ. તેમણે ટ્વિટર પર લોકોની રજૂઆતોને રિપ્લાય કરી જે તે ઓથોરિટીને તે રજૂઆત મોકલી આપી તેનું ફોલોઅપ લેવું જોઇએ. જો તેમ થશે તો સાચા અર્થમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ થશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઇ રહેશે. માત્ર હોમ જ નહીં, પબ્લિક ડિલીંગ થાય છે તેવા અન્ય ડિપાર્ટમેન્ટ જેવાં કે અન્ન અને નાગરિક પુરવઠો, આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગને પણ ટ્વિટર એક્ટિવ સિસ્ટમથી જોડી દેવા જોઇએ. જે કામ પંકજકુમારે કર્યું છે તે કામ આપણા મિનિસ્ટર અને અન્ય વિભાગોના સેક્રેટરી પણ કરી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેના સત્તાવાર આદેશ જારી કરવા જોઇએ.

બદલીની મોસમ આવી રહી છે, પણ ક્યારે?...

ગુજરાત સરકારમાં બદલીની મોસમ આવી રહી છે. એકવાર નવી સરકાર સ્ટેબલ થાય તે પછી શક્ય છે. જિલ્લા અને મહાનગરોમાં વહીવટી તંત્રના ઓફિસરો તેમજ પોલીસ વિભાગનો સ્ટાફને બદલાય તેવી સંભાવના છે, કારણ કે ચૂંટણી પછી બદલીઓ થઇ નથી. 19મી ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થાય છે ત્યારે હાલ સચિવાલયમાં વિભાગોના અધિકારીઓ બજેટ કામગીરીમાં વ્યસ્ત હોવાથી હમણાં બદલીઓ થવાની શક્યતા જોવાતી નથી પરંતુ બજેટ સત્રના મધ્યમાં અથવા તો બજેટ સત્ર પછી સરકાર થોકબંધ બદલીઓ કરે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં હાલ પૂર્ણ કદના ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ નથી. એ સિવાય છ થી વધારે વિભાગોમાં વધારાના હવાલા ચાલી રહ્યાં છે. રાજ્યના વહીવટી તંત્રમાં એવા અધિકારીઓ છે જેમને એક જ જગ્યાએ ત્રણ વર્ષ કરતાં વધુ સમય થયો છે તે મુખ્યમંત્રીના ધ્યાનમાં છે. નવા ઓફિસરોને હાલ પોસ્ટીંગ આપ્યા છે તે કામચલાઉ છે તેને પણ કાયમી કરવાના થાય છે. પોલીસ વિભાગમાં પણ બદલીઓ પેન્ડીંગ છે. સચિવાલય સામૂહિક બદલીઓની રાહ જોઇને બેઠું છે.

ગુજરાતના બજેટમાં આ થવું જ જોઇએ...

ગુજરાતના બજેટમાં લોકોની અપેક્ષાઓ શું છે તે જાણવાનો સરકારે પ્રયાસ કર્યો નથી પરંતુ એવી કેટલીક બાબતો છે જેનો સમાવેશ બજેટમાં થાય તે જરૂરી છે.સરકાર મોટા શહેરોમાં પાર્કિંગની સુવિધા વધારે. પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર વધારે ભાર મૂકે. ટ્રાફિકના નિયમોનું સતત પાલન થાય તે રીતે નવી પોલિસી બનાવે. ફુડમાં ભેળસેળને રોકવાનો નક્કર ઉપાય કરે. ભ્રષ્ટાચારને દુર કરવા સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ લાગુ કરે. ગુજરાતની કોલેજો અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે જોબ કરી શકે તેવું પ્લાનિંગ વિચારે. લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદા વોટરનું બોટલિંગ કરે. એસ.ટી.બસોને નિયમિત કરે અને મુસાફરોને ખાનગી વાહનોની ભયજનક મુસાફરીમાંથી મુક્ત કરે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:24 am IST)