વિવિધ વિભાગ
News of Monday, 8th January 2018

સરકારી મહેમાન

ગુજરાત સરકારના ૨૦૧૮-૨૦૧૯ના સામાન્ય બજેટનું કદ ૨,૦૦,૦૦૦ કરોડ પહોંચી શકે છે

કોંગ્રેસ આવે છે... ના પાટીયાં હવે તો ઉતારો, ભાજપનો રંગ લાગે તે સારૂં નહીં : લાલચ બહુત બુરી બલા હૈ: બિટકોઇન અને રિપલ સચિવાલયમાં પણ મશહૂર : ફરી પાછી બદલીની મોસમ: પરફોર્મન્સમાં નબળાં ઓફિસરો હશે તે બદલાશે

ગુજરાત વિધાનસભાની રચના થયા પછી સરકારનું મહત્વનું કામ 2018-19ના વર્ષનું સામાન્ય અંદાજપત્ર રજૂ કરવાનું હોવાથી સરકારના નાણા વિભાગમાં બજેટની દરખાસ્તો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતનું ચાલુ વર્ષના બજેટનું કદ 1,72,179 કરોડ રાખવામાં આવ્યું હતું જ્યારે રાજ્યનું 2018-19ના વર્ષના બજેટનું કદ 2,00,000 કરોડની આસપાસ હોવાની સંભાવના છે. નાણા વિભાગના સૂત્રો કહે છે કે નવા વર્ષના બજેટમાં ખેડૂતોની યોજનાઓને વધારે મહત્વ આપવું પડશે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો જનાધાર ઘટ્યો છે. રાજ્યના બજેટમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારની અધુરી યોજનાઓને પૂર્ણ કરવા માટેની દરખાસ્તો મંજૂર કરવામાં આવશે. સરકારની વેટની આવક સામે જીએસટીની આવકમાં જે ઘટાડો થયો છે તેને સરભર કરવા નાણામંત્રી નિતીન પટેલ જીએસટી સિવાયના વેરાઓમાં સુધારા કરી શકે છે. નવી યોજનાઓમાં અમદાવાદની મેટ્રોરેલને વધારે નાણાં ફાળવવામાં આવશે. સરકાર ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર યુવાનો માટે અલગથી સંખ્યાબંધ યોજનાઓ જાહેર કરી શકે છે.

કોંગ્રેસ આવે છે... હવે તો માથામાં વાગે છે...

ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઇ છે પરંતુ કોંગ્રેસ આવે છે...ના પાટીયાં હજી જોવા મળે છે. સોશ્યલ સાઇટ્સ અને કોંગ્રેસની વેબસાઇટમાં પણ તે હજી મોજૂદ છે. આ પાટીયાં હવે ઉતારી લેવાની જરૂર છે. રાજ્યમાં ભાજપની સરકારમાં જે કાર્યક્રમ પૂર્ણ થયો હોય છતાં તે કાર્યક્રમના હોર્ડિંગ્સ બીજી ઇવેન્ટ સુધી અકબંધ હોય છે. ખાસ કરીને સરકારી બસોમાં આ જાહેરાતો આખા વર્ષ સુધી જોવા મળતી હોય છે. ગાંધીનગરના માર્ગો પર હજી પણ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ-2017ના હોર્ડિંગ્સ દેખાય છે. પાટનગરને મેટ્રોરેલ આપવાની નથી છતાં છેલ્લાં પાંચ વર્ષથી ચ-ઝીરો સર્કલ થી રાજભવન જતા માર્ગોમાં મેટ્રોરેલના પાટીયા લગાવેલા છે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી વર્ષો સુધી આવા હોર્ડિંગ્સ જોવા મળે તે સરકારની સૌથી મોટી બેદરકારી છે. ઇવેન્ટ પૂર્ણ થયા પછીના બીજા દિવસે તે હોર્ડિંગ્સ બદલાઇ જવું જોઇએ. કોંગ્રેસ આવે છે... એવા સૂત્રો જોઇને એવું લાગે છે કે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે છે. કોંગ્રેસે હવે આવે છે... ને બદલે માફ કરશો, કોંગ્રેસ આવી શકી નથી... તેવું લખવું જોઇએ.

બિટકોઇન-રિપલની સચિવાલયમાં ચર્ચા...

વિશ્વમાં વર્ચ્યુલ કરન્સી એ પોન્જી સ્કેમ જેવી છે તેવી ચિમકી ભારત સરકારે આપી હોવા છતાં ભારત અને ગુજરાતના યુવાનો બિટકોઇન અને રિપલ જેવી ક્રિપ્ટો કરન્સી પાછળ પાગલ થયા છે. બિટકોઇનમાં રોજના કરોડો રૂપિયાની ઉથલ-પાથલ થઇ રહી છે. આ કરન્સીએ ભારત સરકારની જેમ ગુજરાત સરકારની આંખ પણ ખોલી છે છતાં સરકારો કે તેમની નાણાકીય તપાસ સંસ્થાઓ હેલ્પલેસ છે. સરકાર એવું કહીને આશ્વાસન લઇ રહી છે કેઆ કરન્સીમાં રોકાણ જરાય સલામત નથી અને જો રૂપિયા ગુમાવ્યા કે ફ્રોડ થયો તો કોઇ જગ્યાએ ફરિયાદ કરી શકાશે નહીં. હાલની સ્થિતિએ વિશ્વમાં 1381 જેટલી કરન્સી બહાર પડેલી છે જે હકીકતમાં કોઇ ચલણ નથી પણ વર્ચ્યુલ મની છે. વિશ્વના ઘણાં દેશોમાં તે શોપિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે પરંતુ ભારતમાં હજી તેનાથી શોપિંગ કરી શકાતું નથી. ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે ક્રિપ્ટો કરન્સી અંગે એક પ્રેઝન્ટેશન બનાવવાનું નક્કી કર્યું છે જે સરકારમાં રજૂ કરાય તેમ મનાય છે.

લ્યો પાછી બદલીઓની મોસમ આવી રહી છે...

ગુજરાતમાં નવી સરકારની રચના થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ટૂંકસમયમાં બદલીઓની ફાઇલ ક્લિયર કરે તેમ મનાય છે. ચૂંટણી પૂર્વે જે જિલ્લાઓમાં વહીવટીય ફેરફારો કરવામાં આવ્યા હતા તે પાછા રિવાઇઝ કરવાનો સમય આવી ગયો છે. આશ્ચર્યની બાબત એવી છે કે ભાજપને સાત જિલ્લામાં એકપણ બેઠક મળી નથી અને બીજા સાત જિલ્લામાં એક કે બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. ભાજપની રાજકીય પાંખ એવું અનુમાન કરે છે કે જિલ્લામાં જે વહીવટી ઓફિસરોની નિયુક્તિ કરી હતી તેઓએ પરફોર્મન્સ બતાવ્યું નથી. રાજ્ય સરકાર જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ પોલીસ અધિક્ષકની બદલીઓની ફાઇલ તૈયાર કરી રહી છે જેમાં નબળી કામગીરી હશે તે ઓફિસરોની ટ્રાન્સફર નક્કી છે. એટલે કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં અને બજેટ સત્ર પૂર્વે મુખ્યમંત્રી બદલીઓનો દોર શરૂ કરે તેમ મનાય છે. હાલ સચિવાલયમાં એવા ઓફિસરોની યાદી બની રહી છે કે જેમના જિલ્લામાં ભાજપનો નબળો દેખાવ રહ્યો છે.

લોકસભા ચૂંટણી પૂર્વે લિટમસ ટેસ્ટ આવી રહ્યો છે...

ગુજરાતમાં 2015ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પછી ફેબ્રુઆરી મહિનામાં આવી રહેલી સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ફરી કસોટી થવાની છે. પહેલાં આનંદીબહેન પટેલના શાસનમાં ભાજપનું ધોવાણ થયું હતું. આજે 2017ની વિધાનસભા ચૂંટણી પછી સ્થિતિ એવી છે કે ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ કોંગ્રેસે પક્કડ જાળવી રાખી છે. આવતા મહિને 75 પાલિકા, બે જિલ્લા, 17 તાલુકા પંચાયત અને 1400 ગ્રામ પંચાયતોની મીની ચૂંટણી છે. આ ચૂંટણી 2019ની લોકસભાની ચૂંટણીનો લિટમસ ટેસ્ટ હશે. જે પાલિકામાં ચૂંટણી છે તેમાં સૌથી વધુ 59 પાલિકામાં હાલ ભાજપની સત્તા છે. 17 પૈકી 13 તાલુકા પંચાયતમાં ભાજપ છે, જ્યારે બે જિલ્લા પંચાયત- બનાસકાંઠા અને ખેડા પણ ભાજપ પાસે છે. રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પાર્ટીના સિમ્બોલ પર લડવામાં આવતી નથી તેથી ક્યાં કોણ છે તેની ખબર પડતી નથી. 2015ના સ્થાનિક ચૂંટણીના પરિણામો જોઇએ તો મોટાભાગે કોંગ્રેસે તાલુકા અને જિલ્લા પંચાયતો કબજે કરી હતી. 25 ટકા પાલિકા કોંગ્રેસને ફાળે આવી હતી. હવે ફેબ્રુઆરીમાં ચૂંટણી હોવાથી બન્ને પાર્ટીઓએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

લેનમાં રહો, નહીં તો કાયમી લેન બહાર જશો...

ગુજરાતના શહેરોમાં નવી દિલ્હી અને મુંબઇ જેવી લેનસિસ્ટમ લાગુ કરવા સરકાર તૈયાર બની છે. રાજ્યના વાહનવ્યવહાર અને ગૃહ વિભાગ પાસેથી એક રિપોર્ટ મંગાવ્યો છે અને તેમાં અમદાવાદ સહિતના શહેરોમાં માર્ગો પર લેનસિસ્ટમ લાગુ કરવામાં આવનાર છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી લેનસિસ્ટમ લાગુ કરવામાં આવશે અને પછી અમદાવાદ, સુરત, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં તે ફરજીયાત લાગુ કરવામાં આવશે. લેનસિસ્ટમ તોડનાર વાહનચાલકને લાયસન્સ જપ્તી સુધીના પગલાં વિચારવામાં આવી રહ્યાં છે. જે વાહનો લેનમાં નહીં ચાલે અથવા તો ખોટી રીતે ઓવરટેઇક કરતા જણાશે તો તેમને દંડ, જેલ અને લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવા સરકાર વિધાનસભાના બજેટ સત્રમાં સુધારો લાવી રહી છે. ગુજરાતની ટ્રાફિક પોલીસ શરૂઆતમાં વાહનચાલકોને લેનમાં રહેવા સમજાવશે અને ચાલકો નહીં માને તો કાયદાનો ડર બતાવશે અને તમામ વાહનો લેનમાં ચાલે તે જોવા માટે ટ્રાફિકની મોબાઇલ વાન ફરતી રાખવામાં આવશે.

શહેરોના મત અલગ હોવાથી ઓફિસરો મૂંઝાય છે...

ગુજરાતમાં શહેરી પરિવહન સેવાને વધારે મજબૂત બનાવવા માટે શહેરી વિકાસ વિભાગ કામ કરે છે પરંતુ રાજ્યના શહેરોમાં જમીન સંપાદન કરવામાં ભિન્ન-ભિન્ન મતો જોવા મળે છે. સુરત એક એવું શહેર છે કે લોકો જમીન સંપાદનની પ્રક્રિયામાં સરકારને સાથ આપે છે, કારણ કે સુરતીઓ એવું માને છે કે રસ્તો કાઢવાથી જમીનના દામ સોનાની લગડી જેવા થઇ જશે. તેઓ વિરોધ કરતા નથી.ભૂજમાં તો ઓફિસરને ધમકીની ભાષા આપીને ચૂપ કરી દેવામાં આવે છે. લોકોથી ભરચક એવા રાજકોટના નાગરિકો રસ્તો કાઢવા માટે જમીન તો આપતા નથી પરંતુ બીજાને પણ જમીન આપવા દેતા નથી. વડોદરા શહેરને થોડી સુરતની અસર લાગી છે. વડોદરાની જનતાને વિકાસમાં રસ છે પરંતુ પોતાની જમીનમાં નહીં પણ બાજુની જમીનમાંથી રસ્તો કાઢો એવો મત મૂકે છે. અમદાવાદની જનતા અને પ્રોપર્ટી માલિકો મોડરેટ છે. રસ્તો કે હાઇવે નિકળતો હોય તો પહેલાં થોડી રકઝક થાય છે પરંતુ જેવી લાલચ બતાવવામાં આવે તેઓ માની જાય છે. ગાંધીનગરમાં તદ્દન ભિન્ન સ્થિતિ છે. ગાંધીનગરમાં નવા ડેવલપ્ડ વિસ્તારમાં જમીન ધારકો ખૂબ વિરોધ કરે છે. વાંઘા-વચકા કાઢે છે પરંતુ આખરે મંજૂરી આપે છે પણ તે શરતી મંજૂરી હોય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:42 am IST)