વિવિધ વિભાગ
News of Monday, 13th November 2017

સરકારી મહેમાન

અમરજીતસિંઘ નવેમ્બર, જોષી ડિસેમ્બરમાં અને અઢિયા સહિત 9 IAS 2018માં નિવૃત્ત

કોંગ્રેસના લિડર્સ ફર્સ્ટ ટાઇમ મુસ્લિમથી દૂર, હવે મંદિરોમાં પ્રાર્થના કરી રહ્યાં છે : બ્યુરોક્રેસીમાં હૈદરની ડ્યુટીની ચર્ચા, મંત્રીઓને શરમાવે તેવું કામ કરી રહ્યાં છે : ગુજરાત સરકારને હવે ઉદ્યોગની સાથે ફાયનાન્સ સેક્રેટરીની પોસ્ટ ભરવી પડશે

ગુજરાતના સરકારના બે સિનિયર આઇએએસ ઓફિસરો વર્ષના અંતે નિવૃત્ત થાય છે. આ ઓફિસરોમાં હાલ દિલ્હીમાં ડેપ્યુટેશન પર ગયેલા ડો. અમરજીતસિંઘ નવેમ્બરના અંતે વયનિવૃત્ત થાય છે જ્યારે ગુજરાત કેડરના બીજા અધિકારી ડી.પી.જોશી પણ ડિસેમ્બરના અંતે નિવૃત્ત થાય છે. ગુજરાત સરકારમાં સિનિયર ઓફિસરોની અછત સર્જાઇ છે. છેલ્લા પાંચ વર્ષમાં એક મોટો ફાલ નિવૃત્ત થયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી નિવૃત્ત થનારા આઇએસએસ ઓફિસરોમાં હાલના ફાયનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયા મુખ્ય છે. તેઓ નવેમ્બર 2018ના રોજ વય નિવૃત્ત થઇ રહ્યાં છે. રિટા તેવટીયા પણ જુલાઇ 2018માં નિવૃત્ત થાય છે. એ ઉપરાંત હાલના હોમ સુપ્રિમો એમ.એસ.ડાંગુર પણ જુલાઇમાં વયનિવૃત્ત થાય છે. બીજા નિવૃત્ત થનારા અધિકારીઓમાં એસ.બી.રાવલ અને કે.બી.ઉપાધ્યાય મે મહિનામાં, કે.ડી.ચંદનાની અને એચ.આર.સુથાર ફેબ્રુઆરીમાં, એન.એન.પુજારા જાન્યુઆરીમાં અને આર.જી.ભાલેરા જૂન મહિનામાં વયનિવૃત્ત થાય છે. નવી સરકારમાં પણ નિવૃત્તિની મોસમ આવી રહી છે. આ સાથે ગુજરાત સરકારમાં ફરજ બજાવતા બીજા ગુજરાતના અધિકારીઓ તેમજ કર્મચારીઓની નિવૃત્તિનો આંકડો 17 હજાર જેટલો થવા જાય છે.

રાહુલના હિન્દુત્વ પરિવર્તનથી ભાજપમાં ભય...

ગુજરાતમાં સરકારનું થાય કે ન થાય પરંતુ રાહુલ ગાંધીના પરિવર્તનથી ભાજપને ડર લાગવાનું શરૂ થયું છે કારણ કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં જ્યાં જ્યાં પ્રવાસ કર્યો છે ત્યાં ત્યાં તેઓ કોઇને કોઇ પ્રખ્યાત મંદિરની મુલાકાત લેવાનું ચૂક્યા નથી. રાહુલના હિન્દુત્વથી શિવસેના ખુશ છે પરંતુ ભાજપના નેતાઓના પગ નીચેથી જમીન સરકતી નજર આવી રહી છે. ભાજપના નેતાઓએ જ્યારે એવો પ્રશ્ન કર્યો કે રાહુલ ગાંધી હિન્દુ મંદિરોમાં કેમ જાય છે ત્યારે પ્રતિકારમાં કોંગ્રેસના સિનિયર નેતાની ટીપ્પણી એવી હતી કે- ભાજપ જેમ હિન્દુ છે તેમ કોંગ્રેસ પણ હિન્દુ છે. કોંગ્રેસના નેતાઓનો જન્મ હિન્દુ પરિવારમાં થયો છે અને તેઓ હિન્દુ છે. હિન્દુત્વ એ ભાજપનો અધિકાર નથી. કોંગ્રેસે પ્રથમવાર મુસ્લિમ સમાજથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો છે અને આમ કરવાનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસ મુસ્લિમોને સાથ આપતી હતી પરંતુ મુસ્લિમોએ કોંગ્રેસને મતો આપ્યા નથી. મુસ્લિમ મતોનું વિભાજન થતાં કોંગ્રેસે ભાજપના મતોનું વિભાજન કરવા આંશિક હિન્દુત્વનો સ્વિકાર કર્યો છે.

ગુજરાતના થ્રી-ઇડિયટ્સ ભાજપને હંફાવે છે...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના સુપ્રિમો હાર્દિક પટેલ સહિતના યુવા નેતાઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા છે અને પાટીદાર પરિવારોના ધરમાં જઇને તેમને 25મી ઓગષ્ટની ઘટના યાદ કરાવી એવું કહે છે કે- તમે કોઇને પણ મત આપ્યો ત્યારે આ દિવસની ઘટનાને યાદ કરીને આપજો. પાટીદાર યુવા આંદોલનકારી નેતાઓએ તેમના સમાજમાં ઇમોશનલ બનીને પ્રચાર શરૂ કર્યો છે. હાર્દિક પટેલે જાહેરાત કરી છે કે તે ભાજપ કે કોંગ્રેસ એમ કોઇ પાર્ટીમાં જોડાવાનો નથી પરંતુ ભાજપની સરકાર વિરૂદ્ધમાં પ્રચાર કરવાનો છે. હાર્દિકની સાથે જ મોટા થયેલા આંદોલનકારી ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર તો કોંગ્રેસમાં ભળી ગયા છે અને રાહુલ ગાંધીને વારંવાર મળીને માર્ગદર્શન આપે છે. એવી જ રીતે જીજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસને મદદ કરી રહ્યા છે. આ ત્રણ નેતાઓના કારણે ભાજપને તેની ચૂંટણી સ્ટેટેજીમાં છેલ્લી ઘડી સુધી પરિવર્તન કરવું પડશે તેવું લાગી રહ્યું છે. ભાજપને કોંગ્રેસનો ડર નથી પરંતુ થ્રી ઇડિટ્સની જેવા આ ત્રણેય યુવા નેતાઓનો ડર છે.

સચિવાલયની બ્યુરોક્રેસીમાં બદલાવ આવ્યો...

ગાંધીનગરના સચિવાલયમાં રાજકીય નેતાઓની હાજરી બંધ થઇ છે અને વહીવટી તંત્રની મિટીંગોનો દોર શરૂ થયો છે. કોઇને કોઇ મુદ્દો લઇને વિભાગોની મિટીંગો એ રોજની આદત બની ચૂકી છે. સરકારના વિભાગોમાં દિવાલ પર ટિંગાળેલા એલસીડી ટીવી મારફતે ઉચ્ચ અધિકારીઓ ચૂંટણીની માહિતી લઇ રહ્યાં છે. સચિવાલયમાં હવે મુલાકાતીઓની હાજરી પણ ઓછી થઇ છે. મંત્રીમંડળના સભ્યો અને તેમનો અંગત સ્ટાફ ચૂંટણી પ્રચારમાં ગળાડૂબ છે ત્યારે સેક્રેટરીઓ મિટીંગ સિવાય હળવાફુલ છે. હાલ સૌથી વધુ કામ કરતા અધિકારીઓમાં ચીફ સેક્રટેરી જે.એન.સિંઘ, મહેસૂલ વિભાગના પ્રિન્સિપલ સેક્રટેરી પંકજકુમાર, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અનિલ મુકીમ અને પ્રવાસન વિભાગના પ્રિન્સિપલ સેક્ટેરી એસ.જે.હૈદર છે કે જેઓ તેમના વિભાગોની ફાઇલો તેમજ અધુરાં પ્રોજેક્ટ પુરાં કરી રહ્યાં છે. સરકારના પેન્ડીંગ કામોનો નિકાલ કરવાની જવાબદારી આ અધિકારીઓની છે. આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગ, ઉર્જા વિભાગ, આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના અધિકારીઓ પાસે વહીવટી કામગીરી છે. જો કે સામાન્ય વહીવટ વિભાગને પણ આ સમયમાં સૌથી વધુ કામગીરી કરવાની રહે છે, કારણ કે આ વિભાગનો થોડો ભાગ ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં સામેલ છે.

પ્રવાસન વિભાગ તેના પ્રોજેક્ટમાં ગળાડૂબ...

સચિવાલયના પ્રવાસન વિભાગ અને તેને સંલગ્ન પ્રવાસન નિગમમાં હંમેશા ધમધમાટ રહે છે. પબ્લિક સાથે સીધું નહીં સંકળાયેલું આ ડિપાર્ટમેન્ટ પ્રવાસનના અધુરાં પ્રોજેક્ટને પૂર્ણ કરવા મથી રહ્યું છે. ગુજરાતમાં યોજાઇ રહેલા ફેલ્ટીવલ પર પણ આ વિભાગ ધ્યાન કેન્દ્રીત કરે છે. હાલ કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પ્રવાસનની નજર કચ્છમાં મંડરાયેલી છે. આ વિભાગના પ્રિન્સિપલ સેક્રટેરી એસ.જે.હૈદર તેમની કામગીરી રજા લિધા વિના 10 થી 12 કલાક સુધી નિભાવે છે. નવી ચૂંટાયેલી સરકારમાં તેમનું કામ હજી વધી શકે છે, કારણ કે ગુજરાત સરકારે ટુરિઝમ પર વધારે ધ્યાન આપ્યું છે. હાલ ગુજરાતમાં ચૂંટણી હોવાથી ઇલેક્શન ટુરિઝમનો ક્રેઝ શરૂ થયો છે. વિદેશી મહેમાનો ગુજરાત આવી રહ્યાં છે. 2014ની લોકસભામાં ઇલેક્શન ટુરિઝમ હેઠળ 10 હજારથી વધુ એનઆઇઆઇ ગુજરાતમાં આવ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયાને નિહાળી હતી. ટુરિઝમ વિભાગે હવે વોટર સ્પોર્ટ્સ અને બીચ ટુરિઝમ પર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પ્રવાસન વિભાગે 2018-19ના બજેટની કામગીરી અત્યારથી જ શરૂ કરી દીધી છે. વિભાગને લગતી નવી યોજનાઓ તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

અનિલ મુકીમ ડેપ્યુટેશન પર હવે દિલ્હી જશે...

ગુજરાતના સિનિયર મોસ્ટ અધિકારીઓ ડેપ્યુટેશન પર દિલ્હીની વાટે છે. મુખ્યમંત્રી ઓફિસમાં કામ કરતા પ્રિન્સિપલ સેક્રેટરી એસ.અપર્ણા અમેરિકા ગયા પછી હવે નાણા વિભાગના અધિક મુખ્યસચિવ અનિલ મુકીમ પણ ડેપ્યુટેશન માટે દિલ્હી જઇ રહ્યાં છે. મુકીમનું એમ્પેલમેન્ટ થઇ ગયું છે અને હવે કેન્દ્રમાંથી આદેશ થાય અને ગુજરાત સરકાર તેમને દિલ્હી જવા મુક્ત કરે એટલી વાર છે. સંભવ છે કે તેઓ ડિસેમ્બર અથવા તો નવી સરકારની રચના પછી દિલ્હી જઇ શકે છે. સચિવાલયના સૂત્રો કહે છે કે અનિલ મુકીમને દિલ્હીમાં મહત્વનો હોદ્દો મળી શકે છે. આ જ અરસામાં જો ગુજરાતનું પરિણામ ભાજપ તરફી આવ્યું તો હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે.કૈલાસનાથન પણ દિલ્હી જઇ રહ્યાં છે. તેમણે ગુજરાતમાં રહીને 2014ની લોકસભાની ચૂંટણીમાં જે કામગીરી કરી હતી તે તેઓ હવે દિલ્હી જઇને 2019ની લોકસભાની ચૂંટણી માટે કામગીરી કરશે. ગુજરાતમાં નવી સરકારને ઇન્ડસ્ટ્રી અને ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં નવા અધિક મુખ્ય સચિવની નિમણૂક કરવી પડશે, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં ફરજ બજાવતા એમ.કે.દાસ મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલા છે અને આ વિભાગમાં હાલ તેઓ વધારાનો હવાલો ધરાવે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(9:35 am IST)