વડોદરામાં 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના
વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશ્નર સંજય ખરાત (આઈપીએસ) અને મનિષ સિંહ (આઈપીએસ), નિવૃત્ત્। પોલીસ અધિકારીઓ અને સાહિત્ય-પ્રેમીઓની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ : વડોદરા સ્થિત પોલીસ કમિશ્નરની કચેરી, મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ હેડ-કવાર્ટર અને ગુજરાત સરકારના ઐતિહાસિક મધ્યવર્તી પુસ્તકાલય ખાતે 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના થઈ. નવી પેઢીને આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત કરાવવાનું સુરક્ષા સેતુ સોસાયટી – વડોદરા શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક અભિયાન છે. છેલ્લા ત્રણ વર્ષમાં પિનાકી મેઘાણીની પ્રેરણાથી ગુજરાતભરમાં ૪૪ જેટલાં 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના થઈ છે જે ખાસ ઉલ્લેખનીય છે.
વડોદરા સાથે ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં છે. ગુજરાતના મૂક સેવક રવિશંકર વ્યાસ મહારાજના જીવન અને કાર્યને આલેખતું પુસ્તક માણસાઈના દીવા માટે ૨૯ ડીસેમ્બર ૧૯૪૬ના રોજ ડાંડિયા બજાર વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ ક્રિડા ભવન પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્ર્મમાં ઝવેરચંદ મેઘાણીને મહીડા પારિતોષિક થી સન્માનિત કરાયા હતા. પારિતોષિકની રોકડ રકમનો સવિનય અસ્વીકાર કરતાં ઝવેરચંદ મેઘાણીએ આની પર મહારાજનો જ હક છે કહીને તે એમને અર્પણ કરી. તો મહારાજે પણ તે સ્વીકારવાની ના પાડતાં કહ્યુ ઔષધિની કિંમત નથી; વૈદની જ કિંમત છે ! ૧૯૧૦માં વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત ઐતિહાસિક મધ્યવર્તી પુસ્તકાલયની પણ ઝવેરચંદ મેઘાણીએ મુલાકાત લીધી હતી. આથી આનું સવિશેષ મહત્વ છે.
વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેવી ભાવાંજલિ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે અર્પી હતી. ચોટીલાની પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં જન્મેલાં ઝવેરચંદ મેઘાણીનું લાઈન-બોય તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે તેમ લાગણીભેર જણાવ્યું હતું. પોલીસ કમિશ્નરની કચેરી, મહિલા પોલીસ સ્ટેશન અને પોલીસ હેડ-કવાર્ટરમાં સ્થાપાયેલ મેઘાણી-સાહિત્ય કોર્નરનો લાભ અહિ આવનાર મુલાકાતીઓ, ફરિયાદીઓ અને તેમનો પરિવાર તેમજ પોલીસ-પરિવાર લેશે તેવી આશા વ્યકત કરી હતી. લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો થકી અનોખી સ્વરાંજલિ અર્પણ કરી હતી. રિટાયર્ડ ગેઝેટેડ પોલીસ આઙ્ખફિસર અસોસિએશન દ્વારા પ્રકાશિત થયેલ ૨૦૧૯દ્ગક ડીરેકટરીમાં ઝવેરચંદ મેઘાણીનાં પોલીસ વિભાગ સાથેનાં લાગણીસભર સંભારણાંનો વિસ્તૃત ઉલ્લેખ કરવા બદલ અસોસિએશનના સર્વે હોદ્દેદારોનો પિનાકી મેઘાણીએ આભાર માન્યો હતો. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે માંડવી વિસ્તારમાં આવેલી મધ્યવર્તી પુસ્તકાલયની મુલાકાત લઈને અહિ જતનપૂર્વક સચવાયેલાં દુલર્ભ પુસ્તકો-ચિત્રો રસપૂર્વક નિહાળ્યા હતા અને સાહિત્ય-પ્રેમીઓને નિયમિતપણે આ ઐતિહાસિક-સમૃધ્ધ લાયબ્રેરીની મુલાકાત લેવા અપીલ પણ કરી હતી.
આલેખન
પિનાકી નાનકભાઇ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન મો. ૯૮રપ૦ ર૧ર૭૯