વિવિધ વિભાગ
News of Tuesday, 26th September 2017

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભુમિ ચોટીલામાં ગુંજ્યા 'રઢિયાળી રાત'નાં પ્રાચીન લોકગીતો, રાસ-ગરબા

રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત 'રઢિયાળી રાત'નાં લોકજીવન અને લોકસંસ્કૃતિના અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો–રાસ–ગરબા, સતત આઠમા વર્ષે, એમની જન્મભૂમિ ચોટીલા ખાતે ગુંજયાં. ચોટીલા સ્થિત એન.એન.શાહ હાઈસ્કૂલ ખાતે, ખાસ વિદ્યાર્થીનીઓ માટે, 'રઢિયાળી રાત'કાર્યક્રમનું વિશેષ આયોજન સુરેન્દ્રનગર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા થયું હતું. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, મહંત પરિવારના જગદીશગીરી બાપુ, નિવૃત્ત્। જિલ્લા શિક્ષણ અધિકારી મુનાફભાઈ નાગાણી, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલિયા, શાળા પરિવારનાં કિરિટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા સહિત ૭૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જાણીતા લોકગાયક નીલેશ પંડ્યાની સાથે મિત્ત્।લબેન પટેલ અને સાથીઓએ મેઘાણી-ગીતોની રમઝટ બોલાવી હતી. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, આવી રૂડી અંજવાળી રાત જેવાં સદાબહાર લોકગીતો પર વિદ્યાર્થીનીઓ મન મૂકીને ગરબે રમી હતી. કુસુમબેન મેઘાણી, કિરીટસિંહ રહેવર (મામા), શિક્ષકો અને વાલીઓ પણ જોડાયા હતા. વિદ્યાર્થીનીઓની લાગણીને માન આપીને ઝવેરચંદ મેઘાણી સ્વરચિત ગીતો કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, શિવાજીનું હાલરડું, આષાઢી સાંજ પણ રજૂ થયા હતા. વાઘ-વૃંદ હિતેષ ગૌસ્વામી (કીબોર્ડ), હેમાંગ ધામેચા (ઓકટોપેડ), હરેશ વ્યાસ અને રવિ યાદવ (ઢોલ)એ બખુબી સાથ આપ્યો હતો. લોકગાયક નીલેશ પંડ્યા લાગણીથી પ્રેરાઈને આ કાર્યક્રમમાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, જગદીશભાઈ પટેલ, શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નવલસિંહ પરમાર, વિરમભાઈ, મનસુખભાઈએ આ કાર્યક્રમ માટે લાગણીથી જહેમત ઉઠાવી હતી. નવી પેઢી આપણા મૂલ્યવાન વારસાથી પરિચિત અને પ્રેરિત થાય તથા નવરાત્રીના સાત્વિક અને મૂળ સ્વરૂપને જાણી અને માણી શકે તે માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

 

(12:54 pm IST)