વિવિધ વિભાગ
News of Monday, 12th October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

સત્યનો સાક્ષત્કાર

જ્ઞાનરૂપ નેત્રોથી પરમાત્માના દર્શન પ્રાપ્ત થાય છે જીવાત્માનું સાચુ સ્વરૂપ તો પરમાત્મા જ છે. અજ્ઞાન તેમજ અવિદ્યાના કારણે આપણે સત્યથી વંચિત રહીએ છીએ પણ એનાથી સત્યનું સ્વરૂપ બદલાઇ જતું નથી. ભગવાન કહે છે કે, આ જીવાત્મા પરમાત્માનો જ અંશ છે.

તેનું સ્વરૂપ જાણવા માટે જ્ઞાન ચક્ષુઓને ખોલવાની જરૂર છે આ બધામાં સર્વત્ર એકજ પરમાત્મા વ્યાપેલા છે. તો પછી ભ્રમ કેવો? શું બધેજ તે એક પરમાત્મા અભિવ્યકત થતા નથી ?

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધે એ જ પરમાત્મા રહેલા છે પરંતુ તેમને એ રૂપમાં જોવા માટે અજ્ઞાતનો પડદો દુર કરવાની જરૂર છે.

આ સત્યને અર્જુન કરતા વધારે કોણ સારી રીતે સમજી શકે ? ગીતા સંભળાવતી વખતે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે તેમણે તેને દિવ્યચક્ષુ આપ્યા હતા અને કહ્યું હતું કે ''દિવ્ય દાહિમ તે ચક્ષુઃ !'' દિવ્યચક્ષુ આપવાનું કારણ એ હતું કે તેના વગર પરમાત્માના સાચા સ્વરૂપને જાણી શકાતું નથી.

આપણે પ્રકૃતિના ગુણોમાં બંધાઇને વિષય ભોગોની કામના પુરી કરવામાં આંખોની શકિતને ખર્ચી નાખીએ છીએ.

ભગવાનને જોવા માટે અર્જુનને પણ તેમના દિવ્યચક્ષુઓ એટલે કે જ્ઞાનચક્ષુઓની જરૂર પડી હતી. તો પણ જે સામાન્ય માનવી છે જેઓ અવિદ્યા અને અજ્ઞાનના ઉંડા અંધકારમાં ડુબેલા છે તેમને તો વધારે પ્રયત્ન કરવાની જરૂર પડે.

આ સૃષ્ટિ બની તેની પહેલાથી જ જીવાત્મા અને પરમાત્મા એકરૂપ છે પ્રકૃતિના ગુણોથી પ્રેરાઇને મનની ઇચ્છાઓ પૂરી કરવાની હોડમાં જીવાત્મા સંમોહિત થઇ જાય છે. પરંતુ ભગવાન કહે છે કે આ સમયે પણ તેનામાં રહેલી દિવ્યતા યથાવત રહે છે.પણ તે અજ્ઞાનથી ઘેરાયેલી રહે છે.

જે રીતે સુર્યની આગળ વાદળ આવી જતા ધરતી પર પહોંચાડનારો પ્રકાશ ક્ષીણ થઇ જાય છે તો એનો અર્થ એવો નથી કે સુર્ય અશકત થઇ ગયો? વાદળ ખસી જતા તે ફરીથી પ્રકાશવા લાગે છે.

આમેય જીવાત્મા એના મુળ સ્વરૂપ એવા પરમાત્માના પ્રકાશથી પરિપૂર્ણને પણ અજ્ઞાનનું આચરણ ભ્રમ પેદા કરે છે.ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. કે આપણે અજ્ઞાતના આવરણને દુર કરી જ્ઞાન ચક્ષુઓ ખોલવાની જરૂર છે. જ્ઞાનના નેત્રો ખુલે એની સાથે જ મન મુકત થઇ જાય અને સત્યનો સાક્ષાત્કાર થઇ જાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:19 am IST)