વિવિધ વિભાગ
News of Monday, 28th May 2018

સરકારી મહેમાન

2018માં ગુજરાતના 6 અને 2019માં બીજા 25 સિનિયર IAS ઓફિસરો વય નિવૃત્ત થશે

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 12 સંસદસભ્યોને ટીકીટ મળવાની શક્યતા નથી : બલવંતસિંહને વાંઘો નથી પણ બીજા બળવાખોર નેતાઓ ભાજપમાં દુખી થયા છે : સરકારી નોકરીમાં શૈક્ષણિક લાયકાત કે અનુભવ નહીં, વિચારધારા જ માપદંડ છે

ગુજરાત સરકારના સિનિયર આઇએસએસ ઓફિસરોની વય નિવૃત્તિ નજીક આવતી જાય છે. દિલ્હીમાં ફરજ બજાવતા રીટા તેવટીયા જુલાઇ મહિનામાં તો હસમુખ અઢિયા નવેમ્બર મહિનામાં વય નિવૃત્ત થાય છે. અન્ય ઓફિસરોમાં એમ.એસ.ડાંગુર જુલાઇ મહિનામાં એસ.બી.રાવલ અને કે.બી. ઉપાધ્યાય મે મહિનામાં, આર.જી, ભાલેરા જૂન મહિનામાં વયનિવૃત્ત થાય છે. જ્યારે લોકસભાની ચૂંટણીના વર્ષ 2019માં રાજગોપાલ જાન્યુઆરીમાં, સી.એસ. ચૌધરી ફેબ્રુઆરીમાં, વી.પી.પટેલ અને જે.ટી.અખાણી માર્ચમાં, રાજ્યના મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ. કે.બી. ઉપાધ્યાય અને એસ.એલ. અમરાણી મે મહિનામાં, આનંદ મોહન તિવારી. વી.એ. વાઘેલા. બી.કે. કુમાર અને આર.એમ.જાદવ જૂનમાં, એન.પી.ઠાકર, જે.કે. ગઢવી અને આર.જી. ત્રિવેદી જુલાઇમાં, સંજય પ્રસાદ, જી.સી.બ્રહ્મભટ્ટ, એસ.કે. લાંગા. એચ.જે. વ્યાસ અને પી.ડી.વાઘેલા સપ્ટેમ્બરમાં, એલ.પી.પાડલિયા અને એસ.બી. પટેલ ઓક્ટોબરમાં, સુજીત ગુલાટી. ગિરીશચંદ્ર મુર્મુ અને પ્રેમ કુમાર ગેરા નવેમ્બરમાં અને આર.જે. માંકડિયા ડિસેમ્બરમાં વયનિવૃત્ત થાય છે. આ સાથે એક આખી કેડર સરકારની બહાર જોવા મળશે. ત્રણેક ઓફિસરોને સરકાર નિવૃત્તિ બાદ પ્રવૃત્ત રાખી શકે તેમ છે જેમાં હસમુખ અઢિયા, જે.એન.સિંઘ અને ગિરીશચંદ્ર મુર્મુનો સમાવેશ થાય છે.

વિજય રૂપાણી અને નિતીન પટેલ ખૂશમાં છે...

ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે મનમેળ નથી તેવી અફવાઓ ચાલી છે પરંતુ તેમાં કોઇ તથ્ય એટલા માટે નથી કે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર પછી ગુજરાત ગુમાવવું ભાજપને પોસાય તેમ નથી. લોકસભાની ચૂંટણીમાં એનડીએ અને ભાજપને વધુમાં વધુ બેઠકોની જરૂર છે ત્યારે ગુજરાતમાં જો રાજકારણમાં કંઇ નવાજૂની થાય તો તેના પડઘા દિલ્હી સુધી પડે તેમ છે. પાર્ટીનું હાઇકમાન્ડ ગુજરાતની કેબિનેટમાં હમણાં કોઇ ચેન્જીસ કરવા માગતું નથી. સચિવાલયમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે સરકારમાં કંઇ નવા-જૂની થશે પરંતુ હાલના સંજોગોમાં એવી કોઇ ચહલપહલ જોવા મળતી નથી. બન્ને સુપ્રિમો ખૂશમાં છે, જો કે એક બાબત સ્પષ્ટ છે કે લોકસભાની ચૂંટણી જીતી શકે તેવા વર્તમાન ધારાસભ્યો કે મંત્રીઓ પૈકી કોઇને ચૂંટણી લડવાનું ઇજન મળી શકે છે, કારણ કે લોકસભાના હાલના સંસદસભ્યો પૈકી 12 નવા ચહેરા પાર્ટીને જોઇએ છે.

કોંગ્રેસના બળવાખોર લિડર્સના બે ય બગડ્યાં છે...

કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા શંકરસિંહ વાઘેલા જૂથના ધારાસભ્યો સરકારથી નારાજ છે. હમણાં જ આ જૂથના આગેવાનોની બેઠક શંકરસિંહની હાજરીમાં મળી હતી તેમાં આ રિબેલિયન લિડર્સ જોડાયા હતા. કોંગ્રેસના એકમાત્ર નેતા કે જેઓ ભાજપમાં ગયા છે તે બળવંતસિંહ રાજપૂતને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની લોટરી લાગી છે. તેઓ તેમના સ્થાન પર બેસીને આ નિગમમાં જે લાલીયાવાડી ચાલતી હતી તેને બંધ કરાવી નવા ઇનોવેશનને આવકાર આપી રહ્યાં છે. ઔદ્યોગિક વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓ, પ્લોટીંગની વ્યવસ્થા તેમજ આ વસાહતો વધુને વધુ સુવિધા કેમ મળે તેની ફિકર કરતા રહે છે પરંતુ ઔદ્યોગિક વસાહતોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે હાલના મેનેજીંગ ડિરેક્ટર ડી. થારા ફેવરેબલ નથી તેથી સરકારમાં ઔદ્યોગિક વસાહતોના અનેક લોકોએ રજૂઆત કરી છે અને કહ્યું છે કે વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ આવતી હોવાથી આ નિગમમાં પ્રેક્ટિકલ અને ઉદ્યોગોને સાચી રીતે સમજી શકે તેવા ઓફિસરની નિયુક્તિ થાય તે સરકારના હિતમાં છે.

કોંગ્રેસના સાઇડલાઇન નેતાઓ માટે અચ્છે દિન...

કોંગ્રેસની કેડર બદલાઇ છે. નવી દિલ્હીમાં ચેન્જ આવ્યો છે તેવો ચેન્જ ગુજરાતમાં આવી રહ્યો છે. નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે અનેક પડકારો છે પરંતુ તેમની નવી ટીમ સજ્જ થયા પછી કોંગ્રેસની દિશા સુધરી શકે તેમ લાગી રહ્યું છે. ગુજરાતના સિનિયર નેતાઓમાં શક્તિસિંહ ગોહિલને બાદ કરતાં ફર્સ્ટ કેડરના અન્ય નેતાઓ જેવાં કે અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી અને ભરતસિંહ સોલંકી હાલ તો સાઇડલાઇન થયા છે પરંતુ આ નેતાઓએ નારાજ થવાની જરૂર નથી કારણ કે કોંગ્રેસના હાલના ધારાસભ્યો પૈકી પાર્ટી પાંચ થી સાત ને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે તેથી તેમની ખાલી પડેલી બેઠક પર આ નેતાઓ પેટા ચૂંટણી લડી શકે છે. પાર્ટી લોકસભાના ઉમેદવારો જો અગાઉથી નક્કી કરે તો આ નેતાઓને વિધાનસભાની ચૂંટણી જીતવા માટેની તૈયારી કરવાની ખબર પડે. કોંગ્રેસમાં આ એક મોટી ખામી છે કે તેનું હાઇકમાન્ડ ઉમેદવારી પત્ર ભરવાના આગલા દિવસે ઉમેદવારોના નામ ડિક્લેર કરતી હોય છે. હકીકતમાં છ મહિના પહેલાં લોકસભાના ઉમેદવારો જાહેર થવા જોઇએ કે જેથી ઉમેદવારો તેમનો પ્રચાર શરૂ કરી શકે.

વૃક્ષારોપણની જરૂરિયાત સચિવાલયને વધારે છે...

જંગલ વધારો અને વૃક્ષો વાવો તેવી ઝૂંબેશ શરૂ કરવામાં આવે છે પરંતુ સચિવાલયના પરિસરમાં વધારે વૃક્ષો વાવવાની જરૂર છે, કારણ કે પાર્કિંગમાં વૃક્ષોની સંખ્યા ઓછી હોવાથી વાહનો છાંયડામાં મૂકવાની હોડ ચાલે છે. કેટલાક કર્મચારીઓ છાંયડે વાહન મૂકવા માટે સચિવાલયમાં વહેલા આવી જાય છે. ઉનાળાની ગરમીમાં વાહનો તપી ન જાય તે માટે કર્મચારીઓ તેમજ મુલાકાતીઓ તેમના વાહનો વૃક્ષના સહારે મૂકતા હોય છે. સરકારે સચિવાલયમાં વૃક્ષારોપણ કરવું જોઇએ કે જેથી તમામ વાહનોને છાંયડો મળી શકે. પાર્કિગમાં શેડ બનાવવામાં આવેલા છે પરંતુ તે મર્યાદિત હોવાથી હવે વધારાના વાહનો સચિવાલયના ઇન્ટરનલ માર્ગોના છેવાડે પાર્ક કરવા પડે છે, કારણ કે ત્યાં વૃક્ષોનો છાંયડો મળે છે. સલામતી રક્ષકો પણ મુલાકાતીઓને તેમના વાહનો છાંયડા નીચે પાર્ક કરવાની અનુમતિ આપતા હોય છે. કેશુભાઇ પટેલની સરકારમાં સુકાભઠ્ઠ થઇ ચૂકેલા સચિવાલયના પટાંગણમાં મોદીએ લેન્ડસ્કેપીંગ કર્યું છે. સચિવાલયને ગ્રીનકવરનું સપનું નરેન્દ્ર મોદીએ જોયું હતું આશા છે કે વિજય રૂપાણીની સરકાર આ સપનાને સાકાર કરે અને આ વખતે ચોમાસુ શરૂ થતાં જ વૃક્ષારોપણ કર્મચારીઓના હસ્તે જ કરાવે.

વિચારધારા નોકરી માટેની મુખ્ય લાયકાત છે...

સરકારના વહીવટમાં માનવીય અભિગમ જોડવામાં આવે તો ખરા અર્થમાં તે ગુડ ગવર્નન્સ કહેવાય છે. તેને કોઇ સંસ્થા નહીં ખુદ સામાન્ય પબ્લિક શ્રેષ્ઠતાનો એવોર્ડ આપે છે. સચિવાલયમાં ભૂતકાળમાં એવા અધિકારીઓ હતા કે જેમણે નોકરી માટે આવનારા કોઇપણ જ્ઞાતિના યુવાનોને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. વિભાગમાં ખાલી પડેલી જગ્યા માટે કોઇ અરજદાર યુવાન બાયોડેટા સાથે નોકરી પર આવે તો તેઓ તેનો ઇન્ટરવ્યુ લઇને કોન્ટ્રાક્ટથી તુરંત જગ્યા ભરી દેતા હતા. આજે સરકારમાં એવાં પણ અધિકારી છે કે જેમણે કોન્ટ્રાક્યુઅલ જોબ માટે લાયકાત ધરાવતા યુવાનોના ઇન્ટરવ્યુ તો લીધા છે પરંતુ તેઓને નોકરી આપી શક્યા નથી. સરકારી કામમાં પાંચ થી સાત વર્ષનો અનુભવ હોય તેવા યુવાનો હાલ ઘરે બેઠાં છે. જ્યારે જ્યારે સરકાર બદલાય ત્યારે આ મુસિબત સામે આવે છે. મંત્રીઓ તેમના સગાવહાલાને અંગત સ્ટાફમાં ભરે છે પરંતુ જરૂરિયાત મંદ અને સ્કીલ્ડ યુવાનોને નોકરી આપતા નથી. યુવાનોએ એક વાત યાદ રાખવા જેવી છે કે- ગાંધીનગરમાં સરકારી નોકરીમાં તમારી શૈક્ષણિક લાયકાત જોવાતી નથી પરંતુ તમે ભાજપની વિચારધારામાં માનો છો કે કેમ તેમજ તમે શાખા જોઇન્ટ કરેલી છે કે કેમ તેવા વિચિત્ર પ્રશ્નો પૂછવામાં આવે છે. સરકારી નોકરીમાં આ જ લાયકાત ચાલે છે.

જનધનમાં ધન છે પરંતુ 48 ટકા ખાતા નિષ્ક્રિય...

ભારતના વડાપ્રધાન મોદી સત્તા પર આવ્યા પછી ભારતીય બેન્કોના ખાતાઓની સંખ્યામાં તીવ્ર વધારો કરી દીધો છે પરંતુ દેશમાં નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા ખૂબ મોટી છે. વિશ્વબેન્કના એક સર્વેક્ષણમાં કહ્યું છે કે ભારતમાં નિષ્ક્રિય ખાતાઓની સંખ્યાનો હિસ્સો 48 ટકા છે જ્યારે વિકાસશીલ દેશોમાં આ ટકાવારી 25 ટકા જેટલી સિમિત જોવા મળે છે. દેશમાં જનધન યોજના બનાવી મોદી સરકારે ખૂબ પ્રચાર કર્યો હતો અને ચેતવણી આપી હતી કે બેન્ક ખાતા વિના તમારી સરકારી મદદ ક્યાંય જમા નહીં કરી શકો. તેમનો આ વિચાર ઉત્તમ હતો કેમ કે લાભાર્થીના હાથમાં રોકડ આપવાના કિસ્સામાં કટકી થતી હતી પરંતુ આ સરકાર લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ મેનેજ કરી શકતી નથી. આજે જનધન એકાઉન્ટની સંખ્યા 31.45 કરોડ છે અને તેમાં કુલ મળીને 80,000 કરોડ રૂપિયાની ડિપોઝીટ હોવાનું કહેવાય છે પરંતુ વિશ્વબેન્કના રિપોર્ટ પ્રમાણે 48 ટકા એટલે કે 15 કરોડ ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી. આ ખાતાઓ નિષ્ક્રિય બની ગયેલા છે. સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે પુરૂષ કરતાં મહિલાઓના બેન્ક ખાતાઓ વધારે નિષ્ક્રિય પડેલા છે.

લાંબા ઇન્તજાર પછી હવે બદલીઓ નિશ્ચિત...

ગુજરાતની બ્યુરોક્રેસીમાં ફેરફારોની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે પરંતુ હવે તેની ઘડી આવી પહોંચી છે. સચિવાલયના સૂત્રો કહે છે કે પહેલાં પોલીસ અધિકારીઓની બદલીઓ થશે ત્યારબાદ સિનિયર આઇએએસ ઓફિસરોની બદલી થવાની શકયતા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઇલમાં નિશ્ચિત કરેલી સંખ્યા પ્રમાણે બઘી મળીને કુલ 150થી વધારે ઓફિસરોની ફેરબદલ થવાની છે. બદલીઓ સાથે પોલીસ વિભાગમાં પ્રમોશન પણ આવી રહ્યાં છે. આ ફેરફારો જૂન પહેલાં પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવેલો છે તેથી ટૂંક સમયમાં ઓર્ડર થવાના ચાન્સ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:49 am IST)