વિવિધ વિભાગ
News of Wednesday, 23rd May 2018

પુરૂષોતમ -સ્તવન

મિત્ર પ્રેમને લીધે શ્રી કૃષ્ણ અર્જુનના સારથી પણ બન્યા

અર્જુને વિરાટ રૂપના સાક્ષાત દર્શન કર્યા

અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે, હે જગન્નાથ, આપ મને આપનું સાચું સ્વરૂપ બતાવો હું આપના વિરાટ સ્વરૂપના દર્શન કરવા અધિરો છું. મારાથી આપનું તે સ્વરૂપ જોઇ શકાય તેમ હોય તો મારા પર અનુગ્રહ કરી, આપ મને તેના દર્શન આપો.

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, તું ચર્મ - ચક્ષુથી મારા વિરાટ સ્વરૂપને જોઇ શકીશ નહીં. માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. 'દિવ્ય દાદામિ તે મક્ષુ' - તેના વડે તુ મારા સાચા વિરાટ સ્વરૂપને જોઇ શકીશ.

....અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાનું ઐશ્વર્યયુકત દિવ્ય રૂપ બતાવ્યું. અર્જુને આ વિરાટ રૂપના સાક્ષાત દર્શન કર્યા.

ભગવાન શ્રી કૃષ્ણે વિરાટ રૂપના દર્શન માટે અર્જુનને 'દિવ્ય ચક્ષુ' આપ્યા. એની આસકિત ટળી. પરિણામે એ આનંદ અને આશ્ચર્ય સાથે પોતાના દિવ્ય ચક્ષુથી અગાઉ કયારેય જોયું હોય નહી તેવું ભગવાનનું વિશ્વરૂપ જોઇ શકયો.

ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના માધ્યમથી સૌને પ્રેરણા અને માર્ગદર્શન પુરૂ પાડયું છે. વેદ અને ઉપનીષદનો તમામ સાર તેમાં આવી જાય છે.

ગીતાજીમાં જન્મ, મૃત્યુ, આત્મા, પરમાત્મા, કર્મ, તેમજ ભકિત વિષે સીધી સાદી અને સરળ તેમજ સચોટ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સમજાવ્યું છે.

ભગવાન શ્રી કૃષ્ણે, ભાગવત ગીતાના પાંચમાં અધ્યાયમાં કહ્યું છે, કે મારો ભકત,  મને સર્વ યજ્ઞને અને તપોનો ભોગવનાર, સકળ લોકોના ઇશ્વરનો ય ઇશ્વર, પાણીઓનો સુહદ મિત્ર એવો જાણીને શાંતિ પ્રાપ્ત કરે છે.

ભગવાન સર્વના સુહૃદ છે. અને તેમાં યે અર્જુન, સુદામા, શ્રીદામા, જેવા મિત્રોની વાત આવે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું છે કે, અર્જુન કૃષ્ણનો આત્મા છે. કૃષ્ણ વિના અર્જુનને જીવતા રહેવું પસંદ નથી. અને અર્જુન માટે શ્રી કૃષ્ણ પોતાનો દિવ્ય લોક પણ તજી દેવાને માટે તત્પર બને છે. અર્જુન સાથે પોતાનો પ્રેમ ટકી રહે અને તેમાં નિરંતર વૃધ્ધિ થતી રહે એ માટે શ્રી કૃષ્ણે અગ્નિ નારાયણ પાસે વરદાન માગ્યુ હતું.

ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શક બની એને સતત પ્રેમ, જ્ઞાન અને માર્ગદર્શન, આપતા હતાં. અને મિત્રના પ્રેમને આધિન થઇને શ્રી કૃષ્ણ અર્જુનના સારથિ પણ બન્યા હતાં.

'તારી આશાની છાંયે જે કોઇ બેસે. તેને હરિ તું સંભાળ જે.'

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:48 am IST)