વિવિધ વિભાગ
News of Monday, 14th May 2018

સરકારી મહેમાન

મોદી હવે ‘ગ્લોબલ લિડર’ની દિશામાં, અમિત શાહને આખા હિન્દુસ્તાનમાં ‘પાવર’ જોઇએ છે

કોણ કહે છે કૃષિ સેક્ટરમાં ઇન્કમટેક્સ નથી, તપાસ કરી જૂઓ, કોણ ટેક્સ ચૂકવે છે : પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને સચિવાલયમાં મહત્વની જગ્યાએ વધારાના હવાલા છે : ગુજરાતમાં કરપ્શનનું દૂષણ, રૂપાણી સરકાર ચિંતીત પણ કઠોર કાયદાનો અભાવ

પાવર શક્તિ છે પછી તે ઇલેક્ટ્રિકનો પાવર હોય કે સત્તાનો પાવર. પહેલાં કોંગ્રેસે પાવર જોયો અને હવે ભાજપ પાવર જોઇ રહ્યો છે. હિન્દુસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે. દેશમાં એક નોન કોંગ્રેસ સરકાર સત્તાના પાંચ વર્ષ પૂર્ણ કરશે. સત્તાના પાવરનું મુખ્યકેન્દ્ર દિલ્હી છે અને દિલ્હીમાં બે ગુજરાતી રાજનેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહની પક્કડ વધારે મજબૂત બનતી જાય છે. કહેવાય છે કે બન્ને રાજનેતાઓ ગુજરાતના રાજકારણમાં કદી પાછા ફરશે નહીં. મોદી ભારતના વડાપ્રધાન છે અને અમિત શાહ તે પાર્ટીના સુપ્રિમો છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમનો ગોલ વડાપ્રધાન થવાનો હતો જ્યારે અમિત શાહનો ગોલ મુખ્યમંત્રી બનવાનો હતો. મોદીનો ગોલ સફળ થયો છે પરંતુ અમિત શાહ મુખ્યમંત્રીતો બન્યા પરંતુ તેઓ દેશભરના મુખ્યમંત્રીઓને મુઠ્ઠીમાં લઇને ફરી શકે છે. તેઓ સુપ્રિમ પાવરહાઉસ બની ગયા છે. મોદીની દિશા હવે ગ્લોબલ લિડર તરીકે ઉભરવાની છે ત્યારે અમિત શાહને ભારતના તમામ રાજ્યોમાં સત્તા જોઇએ છે કે જેથી તેઓ મુખ્યમંત્રી બન્યા વિના તેમનાથી અધિક વટ રાખી શકે. સંગઠનમાં સામ, દામ, દંડ અને ભેદ એમ તમામ રસમો અદા કરીને અમિત શાહ તમામ 31 રાજ્યોમાં ભાજપની સત્તા ચાહે છે. ભાજપ અને એનડીએ સમર્થક એવા રાજ્યોની સંખ્યા વધીને 20 થઇ છે. હવે દિવસો દૂર નથી કે અમિત શાહના હાથમાં પ્રત્યેક રાજ્યની કમાન આવી જાય. કર્ણાટકમાં ભાજપ આશાવાદી છે, જો આ સ્ટેટ મળે તો એનડીએ શાસિત રાજ્યોની સંખ્યા વધીને 21 થઇ શકે છે.

4120 સામે 1469 સભ્યો છતાં હિન્દુસ્તાન કબજામાં...

ભારતના કુલ 31 રાજ્યોમાં કુલ બેઠકોની સંખ્યા 4120 છે એટલે કે આટલી સંખ્યામાં ધારાસભ્યો ચૂંટાય છે જે પૈકી ભાજપ પાસે માત્ર 1469 ધારાસભ્યો છે છતાં ભાજપ હાલ 20 રાજ્યોમાં સત્તા પર છે અથવા તો ભાગીદારીમાં સત્તા ભોગવી રહ્યો છે. સાથે એનડીએ પાર્ટનરના ધારાસભ્યોની સંખ્યા 476 થવા જાય છે. ભાજપની સંપૂર્ણ સત્તા નથી તેવા રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરાલા, મિઝોરમ, ઓરિસ્સા, પંજાબ, તામિલનાડુ, તેલંગાણા, પશ્ચિમબંગાળ, દિલ્હી અને પોંડિચેરી છે. ભાજપના સત્તા સહયોગી રાજ્યોમાં બિહાર, જમ્મુ એન્ડ કાશ્મીર, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ અને સિક્કીમનો સમાવેશ થાય છે. ત્રણ રાજ્યો એવાં છે કે જ્યાં ભાજપના સભ્યોની સંખ્યા બે આંકડામાં પણ થતી નથી છતાં ત્યાં ભાગીદારીની સરકાર ચાલે છે. આમ થવાનું કારણ કોંગ્રેસને સાથ આપવા ખૂબ ઓછી પાર્ટીઓ તૈયાર થાય છે. નવી દિલ્હીમાં જેની પાસે પાવર હોય છે તેની પાસે અન્ય પાર્ટીઓ દોરાય છે કારણ કે પાર્ટીઓને પણ તેમના અસ્તિત્વનો સવાલ ઉભો થાય છે. ભારતમાંથી કોંગ્રેસ નામશેષ થતી જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. બિન કોંગ્રેસી સરકારોમાં કોંગ્રેસ જે કંઇ કરી શકી તે ભાજપ કરી બતાવે છે, એટલે અન્ય નાની મોટી પાર્ટીઓ ભાજપના વિજયરથ સામે ઝૂકી ઝૂકી ને સલામ ભરે છે.

ખેતરમાં ગાય પાળવા કરતાં ખેતી કરવી સારી...

ગ્રામીણ ભારતમાં પશુપાલન વંશ પરંપરાગત અને પ્રાચીન વ્યવસાય છે જે અર્ધકુશળ અને બિનકુશળ લોકોને રોજગારી પૂરી પાડે છે. ગુજરાતમાં 45 લાખ પરિવારો એટલે કે 41.58 ટકા પરિવારો વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરિવારો પૈકી 13.60 લાખ પરિવાર બીપીએલમાં આવે છે છતાં સરકાર તેમની પાસેથી ટેક્સ ઉઘરાવે છે. ભારત અને ગુજરાત સરકાર ખેડૂતોને એમ કહે છે કે કૃષિ અને કૃષિ પેદાશો પર ઇન્કમટેક્સ લાગુ કર્યો નથી પરંતુ કૃષિ સાથે જોડાયેલા ક્ષેત્ર પશુપાલન, મત્સ્યોદ્યોગ તેમજ મરઘાં પાલનની આવક પર ઇન્કમટેક્સ લાગુ કરવામાં આવેલો છે. દેશભરમાં વિવિધ સંગઠનોએ એવી માગણી કરી હતી કે પશુપાલન કૃષિ સાથે જોડાયેલું સેક્ટર છે તેથી તેની આવક પર લેવામાં આવતો ઇન્કમટેક્સ દૂર થવો જોઇએ પરંતુ આજદિન સુધી કોઇપણ સરકારે ટેક્સનું ભારણ દૂર કર્યું નથી. ખેડૂતો તેમજ સામાન્ય લોકોને એવું છે કે સરકાર ખેડૂતો અને કૃષિ પર ઇન્કમટેક્સ લેતી નથી પરંતુ હકીકતમાં એવું નથી. ખેતીવાડીની ઉપજ પર ઇન્કમટેક્સ લાગુ કરવામાં આવ્યો નથી તેમ છતાં પશુપાલનની ઇન્કમ પર ઇન્કમટેક્સ છે. ગુજરાત સરકારના એક કૃષિ તજજ્ઞ કહે છે કે પશુપાલનનો વ્યવસાય કરતાં પરિવારો પણ ખેડૂત છે. તેમની પાસે પણ જમીન છે અને ખેતી કરે છે. સાથે સાથે પશુપાલન કરે છે. સરકાર આમ જોઇએ તો કૃષિ અને પશુપાલન એક શબ્દ ગણે છે છતાં કૃષિ પર ટેક્સ નથી અને પશુપાલન પર ટેક્સ છે. ખેડૂતને કૃષિપાકમાં નુકશાન થાય ત્યારે પશુપાલન તેની આર્થિક સ્થિતિ બચાવી શકે છે આ બાબત સરકાર પણ જાણતી હોવા છતાં ઇન્કમટેક્સનું ભારણ લાગુ કરવામાં આવેલું છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને સૌથી મોટો અન્યાય કરી રહી છે.’

પોલીસ વિભાગમાં મહત્વની જગ્યાઓ ખાલી છે...

ગુજરાતના પોલીસ વિભાગમાં ભરતીઓ થાય છે છતાં પોસ્ટ ખાલી પડેલી જોવા મળે છે. રાજ્યની હાલની વસતી પ્રમાણેનું મહેકમ નિયત કરવામાં આવ્યું નથી તેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. પોલીસ પાસે જનતાની સુરક્ષા ઉપરાંત રાજનેતાઓની સુરક્ષાની સૌથી મોટી જવાબદારી હોવાથી પોલીસ મોટાભાગે રાજનેતાઓની સરભરામાં જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે ગુજરાત પોલીસના જવાનો દિવસના 15 કલાક ડ્યુટી કરે છે પરંતુ તેમને પગાર આઠ કલાકનો મળે છે. હાલના પોસ્ટીંગ પ્રમાણે સિનિયર પોલીસ અધિકારીઓના પોસ્ટીંગ જોઇએ તો મહત્વની જગ્યાઓ ખાલી પડેલી છે. સરકારે શિવાનંદ ઝા ને કાયમી ડીજીપી તરીકે નિયુક્ત કર્યા પછી ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ હોમગાર્ડ્સની જગ્યા ખાલી પડી છે. એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટરની જગ્યા પણ ખાલી છે. આર્મ્સ યુનિટના ડીજીપીની જગ્યાએ પણ કાયમી પોસ્ટીંગ થયેલું નથી. ગુજરાત પોલીસ આવાસ નિગમમાં પણ જગ્યા ખાલી છે. સીઆઇડી ઇન્ટીલિજન્સના ડીજીપીની જગ્યા પણ ખાલી છે. આ તમામ જગ્યાઓએ કાર્યકારી હવાલા આપવામાં આવેલા છે. સરહદી વિસ્તાર કચ્છમાં એસપી ઇન્ટેલિજન્સની જગ્યા સરકારે કોન્ટ્રાક્ટથી ભરેલી છે. એવી જ રીતે એસપી ઇન્ટેલિજન્સ, વડોદરાની જગ્યા પણ કોન્ટ્રાક્ટથી ભરવામાં આવેલી છે. પોલીસ વિભાગના આ સિનિયર પોસ્ટ ગણવામાં આવે છે. સચિવાલયના સૂત્રો કહે છે કે જ્યારે પોલીસ વિભાગમાં જિલ્લા પોલીસ સુપ્રિટેન્ડેન્ટની સામૂહિક બદલીઓ આવે છે ત્યારે આ ખાલી પડેલી જગ્યાએ કાયમી આઇપીએસ ઓફિસરની નિયુક્તિ થશે.

લાંચિયા ઓફિસરોને સરકાર લાભ બંધ કરો...

ગુજરાત સરકારમાં લાંચનું પ્રમાણ વધી ગયું છે. રૂપાણી સરકાર સતત મોનિટરીંગ રાખે છે છતાં ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ભ્રષ્ટાચારનો અખાડો બનાવી દેતાં અધિકારીઓ એટલા બિન્દાસ અને ભયમુક્ત છે કે ઓફિસમાં 40 લાખ રૂપિયાની રોકડ રકમ મૂકી રાખતા હતા. વર્ષો પહેલાં મહેસાણા જિલ્લાના એક તલાટી પાસેથી 500 કરોડની સંપત્તિ સરકારે જપ્ત કરી હતી છતાં સરકારની આંખ ખુલી હતી પરંતુ લેન્ડ ડેવલપમેન્ટનું આખું કૌભાંડ બહાર આવ્યા પછી સરકાર સફાળી જાગી છે. સરકારે તમામ વિભાગોમાં લાંચ આપવી નહીં તેવા બોર્ડ તો મૂક્યાં છે પરંતુ વિભાગોમાં અસરકારક અને ઓચિંતી તપાસ થતી નથી એસીબી ત્યારે કેસ નોંધે છે જ્યારે કોઇ ફરિયાદ કરે છે. તપાસ સંસ્થાએ સમયાંતરે સરકારના વિભાગોની ખુદ સરપ્રાઇઝ વિઝીટ કરવી જોઇએ. એસીબીને સ્વતંત્રતા સાથે લાંચિયા ઓફિસરોના તમામ સરકારી લાભો બંધ કરી દે તેવા કાયદા બનાવવા જોઇએ. મુખ્યમંત્રીએ ઓસ્ટ્રીયાની ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન એકેડેમી સાથે પણ કરાર કર્યા છે સારી બાબત છે પરંતુ કાયદામાં પરિવર્તન પણ હોવું જરૂરી છે. બ્યુરોના આંકડા પરથી ફલિત થાય છે કે લાંચ રૂશ્વતના સપ્તાહમાં ચાર અને મહિને 15થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે જે ગુજરાતની કહેવાતી પારદર્શક સરકાર માટે ચિંતાનો વિષય છે.

સરકારમાં વિકટ સ્થિતિ, વધુ એક IAS દિલ્હી દ્વારે...

ગુજરાત કેડરના 2001 બેચના આઇએએસ અધિકારી વિજય નહેરા સ્ટડી ટૂર માટે અમેરિકા ગયા હતા તેઓ પાછા આવી રહ્યાં છે. તેમની સ્ટડી ટૂર પૂર્ણ થઇ છે. મે મહિનાના અંતમાં તેઓ ગુજરાત સરકારમાં પાછા આવી જશે. નહેરાએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને આનંદીબહેન પટેલની સરકારમાં સીએમઓમાં કામ કર્યું છે. ટૂર પર જતાં પહેલાં તેઓ એસટી નિગમમાં એમડી તરીકે ફરજ બજાવતા હતા. અધિકારીઓની બદલીમાં તેમને પણ નવું પોસ્ટીંગ મળી શકે છે. એવી રીતે 1998 બેચના આઇએએસ અઘિકારી મહંમદ શાહીદ અને 2002ની બેચના સંદીપકુમાર હાલ પોસ્ટીંગ વિનાના છે. શાહિદ ફિશરીઝ કમિશનર હતા અને સંદીપકુમાર સર્વ શિક્ષા અભિયાનમાં ડાયરેક્ટર પદે હતા તેમને સરકારે બદલ્યા છે. અલબત્ત, ગુજરાત સરકારના અન્ય એક સિનિયર અધિકારી અને એનર્જી પેટ્રો ડિપાર્ટમેન્ટના અધિક મુખ્ય સચિવ સુજીત ગુલાટી ડેપ્યુટેશન પર દિલ્હી જઇ રહ્યાં છે. જો તેઓ દિલ્હી જશે તો વધુ એક વિભાગમાં અધિકારીની અછત ઉભી થશે, કારણ કે હાલ જીએડી, ફાયનાન્સ, ઇન્ડસ્ટ્રીઝ જેવા મહત્વના વિભાગોમાં ખાલી જગ્યા પડેલી છે જે વધારાના હવાલાથી ચલાવવામાં આવે છે. રાજ્યની બ્યુરોક્રેસીમાં લાંબા ઇન્તજાર પછી બદલીઓની પોસ્ટપોન્ડ રહેલી પ્રક્રિયા મે એન્ડમાં કે જૂનના પ્રારંભમાં શરૂ થાય તેમ લાગી રહ્યું છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:41 am IST)