વિવિધ વિભાગ
News of Monday, 1st February 2021

સરકારી મહેમાન

ગુજરાતના ચીફ સેક્રેટરીની સુપ્રીમ પોસ્‍ટ માટે ત્રણ દાવેદાર, મોદીના ‘માનિતા' નિયુક્‍ત થશે

કેન્‍દ્રમાં કેબિનેટે સેક્રેટરીની પોસ્‍ટ પર હજી ગુજરાતી કેડરના ઓફિસરને સ્‍થાન મળ્‍યું નથી : સ્‍થાનિક ચૂંટણીના રિઝલ્‍ટ વિધાનસભાના બજેટ સત્રમાં ગાજશે, બન્‍ને પક્ષનું એડીચોટીનું જોર : ઇલેકટ્રીક વાહનોની પોલિસી તેમજ ચાર્જીંગ સ્‍ટેશનની યોજનામાં હવે ઝડપ આવવી જોઇએ

ગુજરાતમાં બજેટસત્ર પૂર્વે સરકારને નવા ચીફ સેક્રેટરી મળશે, કારણ કે હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ ઓગષ્ટ ૨૦૨૦માં વયનિવૃત્ત થયા પછી તેમને છ મહિનાનું એક્‍સટેન્‍શન આપવામાં આવેલું છે જે ફેબ્રુઆરી ૨૦૨૧માં પૂર્ણ થાય છે. આ પદ માટે કુલ ત્રણ દાવેદારો છે જે પૈકી એક ઓફિસર દિલ્‍હી ડેપ્‍યુટેશન પર છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની નજીકના ઓફિસર આ સુપ્રીમ પોસ્‍ટ ઉપર નિયુક્‍ત થાય તેવી શક્‍યતા દેખાઇ રહી છે. ૧૯૮૬ બેચના ઓફિસર ડો. ગુરૂપ્રસાદ મહાપાત્ર કે જેઓ હાલ ભારત સરકારમાં ફરજ બજાવે છે તેમની પસંદગી થાય તેવી સંભાવના વધારે જોવામાં આવી રહી છે. તેઓ એપ્રિલ ૨૦૨૨માં વયનિવૃત્ત થાય છે. બાકીના બે નામ ચર્ચાઇ રહ્યાં છે તેવા એડિશનલ ચીફ સેક્રેટરી કે જેઓ ૧૯૮૬ બેચના આઇએએસ ઓફિસર છે. આ ઓફિસરોમાં રેવન્‍યુ અને હોમ ડિપાર્ટમેન્‍ટ સંભાળતાં પંકજકુમાર તેમજ વન અને પર્યાવરણ વિભાગ સંભાળતા ડો. રાજીવકુમાર ગુપ્તાનો સમાવેશ થાય છે. આ બન્ને ઓફિસરો એકસાથે મે ૨૦૨૨માં વયનિવૃત્ત થવાના છે. આ ત્રણેય ઓફિસરો પૈકી ડો. ગુરૂપ્રસાદ મહાપાત્ર સિનિયોરિટી પ્રમાણે સૌથી આગળ છે અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની ગુડબુકમાં રહેલા છે. જો તેમની પસંદગી થશે તો તેઓ બીજા ઓફિસર હશે કે જેઓ સતત દિલ્‍હી ડેપ્‍યુટેશન પરથી ગુજરાતની આ પોસ્‍ટ પર ફરજ બજાવશે.

 કેબિનેટ સેક્રેટરીની પોસ્‍ટ પર ગુજરાતી કેડર નહીં...

ભારતના વિકાસમાં ગુજરાતનો મોટો ફાળો રહ્યો હોવા છતાં ૧૯૫૦ થી અત્‍યાર સુધીમાં આવી ચૂકેલા ૩૨ જેટલા કેબિનેટ સેક્રેટરી પૈકી ગુજરાત કેડરના એક પણ આઇએએસ અધિકારીને તક મળી નથી. રાજયના ૩૫થી વધુ ઓફિસરો કેન્‍દ્ર સરકારમાં ફરજ બજાવે છે છતાં છેલ્લા સાત વર્ષથી આ સુપ્રીમ પોસ્‍ટ બીજા રાજયની કેડરના ઓફિસર પાસે ગઇ છે. કેબિનેટ સેક્રેટરીની સિનિયર પોસ્‍ટ માટે આખા દેશના આઇએએસ ઓફિસરો ભલામણ કરતા હોય છે પરંતુ આ પોસ્‍ટ માટે લાયક ઉમેદવાર હોવા છતાં ગુજરાત કેડરને ન્‍યાય મળ્‍યો નથી. ૨૦૧૦ પછી કેબિનેટ સેક્રેટરીનો પોસ્‍ટ પ્રાઇમ મિનિસ્‍ટરના અંડરમાં આવે છે. આ પોસ્‍ટ પર અધિકારીની ટર્મ વધુમાં વધુ ચાર વર્ષની હોય છે. વાઇસરોયની કાર્યકારી પરિષદમાં એક સચિવાલય હતું જેની અધ્‍યક્ષતા વાઇસરોયના પ્રાઇવેટ સેક્રેટરી કરતા હતા. તેઓ સચિવાલયના સચિવ તરીકે પણ ઓળખાય છે. આ પદ સમય જતાં સૌથી વધુ શક્‍તિશાળી બનતું ગયું છે, કેમ કે તેમાં સચિવાલયના તમામ વિભાગોની મુખ્‍ય ભૂમિકા હોય છે. ૧૯૪૬માં સચિવાલય કેબિનેટ સચિવાલય બની ગયું અને સચિવ કેબિનેટ સચિવ બની ગયા હતા. ૧૯૪૭માં આઝાદી પછી સચિવાલયના કાર્યમાં મોટો બદલાવ આવ્‍યો હતો. કેન્‍દ્રમાં ગુજરાતી નેતા નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન છે અને બીજા નેતા અમિત શાહ ગૃહમંત્રી છે છતાં આ પોસ્‍ટ પર ગુજરાતી કેડર નહીં હોવાનું આર્ય થાય છે.

 સર્વોચ્‍ચ પદે ૪ વર્ષ સુધી માત્ર ૨ ઓફિસરો રહ્યાં છે...

કેબિનેટ સેક્રેટરીએ કેન્‍દ્રના તમામ વિભાગોના હેડ હોય છે. તેઓ સિવિલ સેવા બોર્ડના અધ્‍યક્ષ તરીકે કામ કરે છે. એ ઉપરાંત તેમની પાસે વિશાળ સત્તા હોય છે. વિદેશ મંત્રાલયને બાદ કરતાં વિભાગોના સચિવ, અધિક સચિવ અને સંયુક્‍ત સચિવ જેવા પદોમાં પોસ્‍ટીંગ માટે તે ભલામણો કરતા હોય છે. કેબિનેટનો એજન્‍ડા તૈયાર કરવા ઉપરાંત તેઓ વડાપ્રધાનના વરિષ્ઠ સલાહકાર તરીકેનું કાર્ય પણ કરે છે. કેબિનેટ સેક્રેટરીનો પ્રતિમાસ સેલેરી ૨.૫૦ લાખ કરતાં વધુ હોય છે. કેન્‍દ્રમાં ૧૯૫૦થી કેબિનેટ સેક્રેટરીની પોસ્‍ટ પર નિયુક્‍તિ થાય છે. દેશના પહેલાં કેબિનેટ સેક્રેટરી એનઆર પિલ્લાઇ હતા. તેમની નિયુક્‍તિ ૬ ફેબ્રુઆરી ૧૯૫૦માં થઇ હતી અને તેઓ ૧૩મી મે ૧૯૫૩ સુધી કાર્યરત હતા. ચાર વર્ષ સુધી કામ કર્યું છે તેવા અધિકારીઓમાં બીડી પાંડે (પમિ બંગાળ) અને પીકે સિંહા (ઉત્તરપ્રદેશ) છે. બાકીના કેબિનેટ સેક્રેટરીનો પિરીયડ ચાર વર્ષ કરતાં ઓછો રહ્યો છે. સૌથી ઓછી એટલે કે માત્ર ત્રણ મહિના અને ૨૬ દિવસની મુદ્દત માટે ભારતના નિવૃત્ત ચૂંટણી કમિશનર ટીએન સેશાન રહ્યાં છે. જયારે વીસી પાંડે, એમકે વેલ્લોદી, એસ રાજગોપાલ એક વર્ષ કરતાં ઓછો સમય સુધી કેબિનેટ સેક્રેટરી તરીકે રહ્યાં છે. કેન્‍દ્રમાં અત્‍યાર સુધીમાં ૩૨ કેબિનેટ સેક્રેટરી આવ્‍યા છે જેમાં બીજા રાજયોને પ્રતિનિધિત્‍વ મળ્‍યું છે પરંતુ ગુજરાત કેડરના એકપણ આઇએએસ આ સર્વોચ્‍ચ પદ સુધી પહોંચ્‍યા નથી. હાલના કેબિનેટ સેક્રેટરી તરીકે ૩૦મી ઓગષ્ટ ૨૦૧૯થી રાજીવ ગુબા ફરજ પર છે. તેઓ ઝારખંડ કેડરના છે.

 મોંઘા ઇંધણના વાહનો બંધ, માર્ગો પર સાયકલ વધી

ભૂતકાળમાં ક્‍યારેય નથી જોવા મળ્‍યા તેવા ભાવ પેટ્રોલ અને ડીઝલમાં જોવા મળી રહ્યાં છે તેમ છતાં કેન્‍દ્ર કે રાજય સરકાર લોકોને રાહત આપવાના મૂડમાં નથી ત્‍યારે લોકોએ પણ તેમની માનસિકતા બદલી છે. તાજેતરમાં રાજસ્‍થાનના એક શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે ૧૦૦ રૂપિયા પહોંચી ગયો હતો પરંતુ રાજસ્‍થાન સરકારે વેલ્‍યુ એડેડ ટેક્‍સમાં રાહત આપતાં ભાવ નીચો આવ્‍યો છે પરંતુ એ દિવસો દૂર નથી કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ૧૦૦ રૂપિયે લીટર મળશે. સચિવાલયમાં કામ કરતાં અધિકારી તેમજ કર્મચારીઓએ હમણાં નવા વાહનો લેવાનું માંડી વાળ્‍યું છે, કારણ કે મોંઘા વાહનો લઇને પણ પેટ્રોલ અને ડીઝલના આટલા ઊંચા ભાવ ચૂકવવા કોઇને પોસાય તેમ નથી. હવે તેઓ ઇલેક્‍ટ્રિક વાહનો (ઇવી) નો ઇંતજાર કરી રહ્યાં છે. સરકાર જો યુદ્ધના ધોરણે ઇવી અને ચાર્જીંગ સ્‍ટેશન માટેની પોલિસી બનાવે તો સચિવાલયમાં કામ કરતાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઇલેક્‍ટ્રિક વાહનોની ખરીદી કરી ગાંધીનગરને વાહનોના પ્રદૂષણથી મુક્‍ત કરી શકે છે. અત્‍યારે પેટ્રોલ અને ડીઝલના વાહનો મૂકીને મોટાભાગના કર્મચારીઓ સાયકલ પર આવી ગયા છે. તેઓ સાયકલ ચલાવી ઇંધણની બચત તો કરી રહ્યાં છે પણ સાથે સાથે તંદુરસ્‍ત બની રહ્યાં છે.

સરકારની ઇવી પોલિસી પર લોકોની નજર છે

ગુજરાતમાં બે વર્ષમાં એક લાખથી વધુ ઇલેક્‍ટ્રિક વાહનો માર્ગો પર દોડતા થાય તેવું એક આયોજન રાજય સરકારે વિચાર્યું છે. આ માટે સરકાર વાહન વ્‍યવહારની નીતિમાં ફેરફાર કરવા માગે છે. એટલું જ નહીં, ઇલેક્‍ટ્રિક વાહનોના વેચાણ માટે ખાસ પ્રોત્‍સાહક નીતિ અપનાવવા માગે છે. અત્‍યારે સરકારનું ધ્‍યાન દ્વિચક્રી વાહનોમાં કેન્‍દ્રીત થયું છે. સરકારે ગયા વર્ષે ઇવી પોલિસી બનાવવાનું નક્કી કર્યું હતું પરંતુ કોરોના સંક્રમણના કારણે આ પોલિસી બની શકી નથી પરંતુ હવે ફરીથી વિચારણા શરૂ કરી છે. ગુજરાતમાં અત્‍યારે વાહનોની સંખ્‍યા ત્રણ કરોડના આંકડે પહોંચવા આવી છે પરંતુ તેમાં સૌથી વધુ બે કરોડ વાહનો દ્વિચક્રી છે. ઇવી પોલિસીના ડ્રાફટ પ્રમાણે પ્રથમ દ્વિચક્રી વાહનોની સંખ્‍યા વધારવાનો પ્‍લાન છે. હાલ રાજયમાં ૧૧૦૦૦ જેટલા ઇલેક્‍ટ્રિક વાહનો છે જે ૨૦૨૨ સુધીમાં એક લાખ કરતાં વધુ વાહનો માર્ગો પર મૂકવાનું પ્‍લાનિંગ છે. સરકારના ડ્રાફટમાં ચાર્જીંગ સ્‍ટેશનનું પણ પ્રાવધાન છે. પ્રત્‍યેક પેટ્રોલપંપ અને જાહેર સ્‍થળોએ રાજય સરકાર ચાર્જીંગ સ્‍ટેશન માટેની જગ્‍યા ફાળવીને પ્રોત્‍સાહન આપવાનું નક્કી કરી રહી છે. આ પોલિસી માટે ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને નાણા વિભાગના અધિકારીઓ તૈયારી કરી રહ્યાં છે. જો કે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ૩૦ જેટલા ઇલેક્‍ટ્રિક વાહનો છે અને બીજા વધુ વાહનો ખરીદવા તેમજ ચાર્જીંગ સ્‍ટેશનો બનાવવા માટેનો પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે જે ઇલેક્‍ટ્રિક વાહનોને પ્રોત્‍સાહન આપવા માટેનું પહેલું પગથિયું છે.

 સ્‍થાનિક ચૂંટણીના પડઘા માર્ચના બજેટ સત્રમાં પડશે

ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણી પછી આવી રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં પરિણામના પડઘા પડશે. આ ચૂંટણીને ભાજપના ટોચના નેતાઓ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી માટેનો લિટમસ ટેસ્‍ટ માને છે, જયારે કોંગ્રેસના અસ્‍તિત્‍વનો સવાલ ઉભો થયો છે, કેમ કે ભાજપનો ટારગેટ આ વખતે ૧૭૫થી વધુ બેઠકો જીતવાનો છે. આ સંખ્‍યા સુધી પહોંચવા માટે ભાજપને જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકા અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવી જરૂરી છે. બન્ને પાર્ટીઓ પ્રદેશ નેતાઓ લોકલ બોડીના આ ઇલેક્‍શનમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તો એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે અમારો ટારગેટ ૨૦૨૨માં ૧૮૨ બેઠકો જીતવાનો છે પરંતુ તે કોઇ કાળે શક્‍ય એટલા માટે નથી કે કોંગ્રેસ હજી ગુજરાતમાંથી ખતમ થઇ નથી. જો કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી એવું ઇચ્‍છી રહ્યાં છે કે ગુજરાતમાં ભાજપને ૧૮૨માંથી ૧૫૦ પ્‍લસ બેઠકો મળે... આ ઇચ્‍છા એટલા માટે છે કે કોંગ્રેસના પૂર્વ મુખ્‍યમંત્રી માધવસિંહ સોલંકી રાજયમાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો મેળવી ચૂક્‍યાં છે. છેલ્લા ૨૫ વર્ષથી શાસનમાં રહેલા ભાજપના નેતાઓ હજી સુધી આ વિક્રમ તોડી શક્‍યા નથી. જો સ્‍થાનિક ચૂંટણીમાં ૭૦ ટકાથી વધુ સંસ્‍થાઓ ભાજપ કબજે કરે તો વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસને પરાજયના કડવા ઘૂંટડા પીવા પડશે. અન્‍યથા કોંગ્રેસને ૭૦ ટકાથી વધુ સંસ્‍થાઓ મળે તો ભાજપ માટે બજેટ સત્ર પડકારોથી ભરેલું હોઇ શકે છે.

 

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

 

(10:48 am IST)