વિવિધ વિભાગ
News of Monday, 18th January 2021

આચાર્ય દેવવ્રતની ખ્વાઇશ છે કે ગુજરાતમાં પ્રત્યેક ગામ પ્રાકૃતિક ખેતીનું રોલમોડલ બને

ભારતીય નસ્લની દેશી ગાયના ૧૦ કિલોગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડથી વધુ જીવાણું રહેલા છે : ૨૦૩૦ સુધીમાં દેશને ૧૪૦ કરોડ મેટ્રીકટન અનાજ જોઇશે ત્યારે હાલની ખેતી પદ્ઘતિ નહીં ચાલે : રાજયપાલનો જન્મદિન— વૈદિક સંસ્કૃતિ અને પરંપરાના ગૌરવને પ્રસ્થાપિત કરવાનો ધ્યેય

આચાર્ય દેવવ્રત એક એવા રાજયપાલ છે કે જેમનો ધ્યેય પ્રાકૃતિક ખેતીનો રહ્યો છે. ગુજરાતમાં તેઓ આ દિશામાં સતત પ્રયાસો કરતા રહ્યાં છે. તેમણે કુરૂક્ષેત્રના ગુરૂકુલમાં ૩૫ વર્ષ સુધી આચાર્ય તરીકે બાળકોને શિક્ષા તો આપી છે પરંતુ તેની સાથે તેમણે વર્ષો સુધી ખેતી પણ કરી છે. આ ગુરૂકુલમાં ૨૦૦ એકર જમીન છે અને ૩૦૦ ગાય છે જયાં તેમણે કૃષિ ક્ષેત્રે વ્યવહારિક પ્રયોગ કર્યા છે. કૃષિ અને ભારતીય શિક્ષણના તેઓ હિમાયતી છે. આચાર્યએ તેમના એક પ્રવચનમાં શિક્ષણ અંગે કહ્યું હતું કે આપણે એ દેશના લોકો છીએ કે જયાં આધ્યાત્મિક રૂપથી શિક્ષણના ક્ષેત્રમાં વિશ્વગુરૂ રહ્યો છે. આજકાલ આપણાં બાળકો ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં જઇને અભ્યાસ કરી રહ્યાં છે તો આપણે તેને સૌભાગ્ય માનીએ છીએ પરંતુ એક સમય હતો જયારે આપણી તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયમાં સમગ્ર વિશ્વમાંથી શિક્ષણ મેળવવા માટે બાળકો આવતા હતા.

આધુનિક ખેતીથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા

આચાર્ય કહે છે કે રાસાયણિક ખેતી પહેલાં દેશમાં કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોની બિમારી બહું ઓછી જોવા મળતી હતી. હવે આ ખેતીના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ મોટી બની છે. રાસાયણિક ખેતીના કારણે એવા અસાધ્ય રોગ પેદા થયા છે કે જે સ્વાસ્થ્યને ખતરો પેદા કરે છે. ગુજરાતમાં આયાર્યએ પ્રત્યેક જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરી એવો આગ્રહ કર્યો હતો કે, પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક ખેતીનું મોડલ ફાર્મ બનવું જોઇએ. ગુજરાતમાં ગાય આધારિત ખેતી માટે સરકાર ખેડૂતને પ્રતિ માસ ૯૦૦ રૂપિયા આપે છે તેથી તેનો લાભ લઇને ખેડૂતોએ આ પદ્ઘતિ પ્રત્યે જાગૃત બનવું જોઇએ.

આપણે જમીન બરબાદ થતી રોકવી જોઇએ

આચાર્યએ એક સમારંભમાં સુભાષ પાલેકર પ્રસ્તાવિત કૃષિ પદ્ઘતિ અંગે કહ્યું હતું કે આ એવી ખેતી છે કે જેમાં ઉત્પાદન ઓછું થતું નથી અને તેનો ખર્ચ શૂન્ય આવે છે. જે રસાયણિક ખેતીથી ભારતના ખેડૂતો લાભાન્વિત થઇ રહ્યાં છે તે કૃષિ પદ્ઘતિ ધીરે ધીરે બોજ બનતી જાય છે અને ભારે નુકશાન જોઇ શકાય છે. એક સમય હતો જયારે ખેડૂતો તેમની એક એકર જમીનમાં ૧૦ થી ૨૦ કિલોગ્રામ યુરિયા અને ડીએપી નાંખતા હતા અને વધુ ઉત્પાદન મેળવતા હતા. આજે સ્થિતિ એવી આવી છે કે આ બન્ને રસાયણિક ખાતરો ખેતરમાં વધુ માત્રામાં નાંખવામાં આવે છે છતાં ઉત્પાદન વધતું નથી. ખેતીના ખર્ચા વધી રહ્યાં છે. ખેડૂતો દેવામાં ડૂબી રહ્યાં છે અને પોષણક્ષમતા નષ્ટ પામતાં જમીન બરબાદ થઇ રહી છે.

ઙ્ગહિમાચલનો અનુકરણિય સફળ પ્રયોગ

આચાર્યએ ગુજરાતમાં સુભાષ પાલેકર આધારિત ખેતીના પ્રયોગો શરૂ કર્યા છે અને તેના ઉત્ત્।મ પરિણામો મળ્યાં છે. આ પદ્ઘતિના કારણે જમીન વધે છે. પર્યાવરણ બચે છે. પાણીનો વપરાશ ઘટે છે. સ્વાસ્થ્ય સારૃં થાય છે. ગૌસંવર્ધન થાય છે. ખેડૂતોની આવક બમણી થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં આ મિશનની શરૂઆત કરી ત્યારે એક વર્ષમાં ૫૦૦ ખેડૂતોને જોડવાનું લક્ષ્ય રાખ્યું હતું પરંતુ ખેડૂતોનો ઉત્સાહ એટલો બધો વધ્યો કે આ મિશનમાં ૧૦,૦૦૦ કિસાનો જોડાયા હતા.

એક ગાયથી ૩૦ એકરમાં ખેતી કરી શકાય

પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રયોજીત ખેતી ગાય આધારિત છે. આ પદ્ઘતિમાં એક દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં ખેતી કરી શકાય છે. ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેડૂતો તેમનું ખાતર તૈયાર કરે છે. આ ખાતર તૈયાર કરવાની પદ્ઘતિને જીવામૃત કહેવાય છે. ભારતીય નસ્લની દેશી ગાયના ૧૦ કિલોગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ જીવાણુંઓ રહેલા છે. આ કુદરતી ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી બહારથી લાવવામાં આવતી નથી પરંતુ ખેતરમાં જ તૈયાર થાય છે જેથી ખર્ચ ઘટે છે અને જમીન ફળદ્રુપ બને છે. આ ખેતીનો મુખ્ય ધ્યેય ગામનો પૈસો ગામમાં રહે તે છે.

ઝીરો બજેટની ખેતીથી ખેડૂત ખુશહાલ બને

સુભાષ પાલેકરે છ વર્ષ સુધી સંશોધન કર્યા છે અને એવું શોધાયું છે કે આ પદ્ઘતિમાં દેશીગાય, બળદ કે ભેંસ ચાલે છે પરંતુ જર્સી હોસ્ટીન ચાલતી નથી. કાળા રંગની કપીલા ગાય સર્વોત્ત્।મ છે. છાણ જેટલું તાજું એટલું વધારે સારૃં અને અસરકારક હોય છે. એક ગાયથી ૩૦ એકરમાં ખેતી થઇ શકે છે. આ પદ્ઘતિમાં બિયારણને પટ આપવા માટે બીજામૃત, ફળદ્રુપતા વધારવા માટે હ્યુમસ (સેન્દ્રીય પદાર્થ), જીવામૃત, ઘન જીવામૃત, રોગ નિયંત્રણ માટે નીમાસ્ત્ર, બ્રહમાસ્ત્ર, અગ્નાસ્ત્ર, દશપર્ણી અર્ક, સપ્ત ધાન્યાંકુર અર્ક અને સૂંઠાસ્ત્રની બનાવટ હોય છે જેમાં મુખ્યત્વે ગાયનું ગોબર અને ગૌમૂત્ર સાથે અનેક સજીવ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના અનેક ઉપાયો આ ખેતી પદ્ઘતિમાં કરવામાં આવતા હોય છે. બીજા શબ્દોમાં આ પદ્ઘતિને ઝીરો બજેટની ખેતી કહેવાય છે.

અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી થવું જોઇએ

સુભાષ પાલેકર થોડાં સમય પહેલાં ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે — આજે દેશની જનસંખ્યા ૧૩૦ કરોડ છે જે ૨૦૨૩માં વધીને ૧૫૦ કરોડ થશે. આજે વાર્ષિક ૨૯ કરોડ મેટ્રીકટન અનાજનું ઉત્પાદન થાય છે જે ૨૦૩૦ સુધીમાં ૧૪૦ કરોડ મેટ્રીકટનની જરૂરિયાતને પહોંચશે ત્યારે હાલની ખેતી પદ્ઘતિથી તે શકય બનશે નહીં અને અનાજ આયાત કરવું પડશે. આખા દેશમાં ૫૦ લાખ જેટલા ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે જે પ્રગતિ માટે સારી નિશાની છે. જે ખેડૂત પાસે એક એકર જમીન છે તે ખેડૂત આ પદ્ઘતિથી ખેતી કરે તો વર્ષે ત્રણ થી છ લાખ રૂપિયાની કમાણી કરી શકે છે.

૧૯૮૧થી ૨૦૧૫ સુધી ગુરૂકુલના આચાર્ય રહ્યાં

ગુજરાતના ૨૫માં રાજયપાલ આચાર્ય દેવવ્રતની નિયુકિત ૧૫મી જુલાઇ ૨૦૧૯માં થઇ હતી. એ પહેલાં તેઓ હિમાચલ પ્રદેશના રાજયપાલ હતા. રાજયને વિદ્વાન રાજયપાલ મળ્યાં છે. રાજયપાલ તરીકેની જવાબદારી પહેલાં તેઓ ૧૯૮૧ થી ૨૦૧૫ સુધી હિમાચલના કુરૂક્ષેત્રમાં ગુરૂકુળના આચાર્ય રહ્યાં હતા. આ સંસ્થાનું સંચાલન રોહતકની આર્ય પ્રતિનિધિ સભા કરી રહી છે. આચાર્યએ પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૮૪માં હિન્દીમાં પોસ્ટ ગ્રેજયુએશન કર્યું છે. વાતાવરણને પ્રદૂષણ મુકત કરવાના અભિયાનમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. આચાર્ય દેવવ્રત બેટી બચાવો, જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, બેટી પઢાઓ અને મહિલા ભ્રુણ હત્યા સામેના કેમ્પેઇનમાં જોડાયેલા રહ્યાં છે. અગાઉ હિમાચલ પ્રદેશના રાજયપાલનો હોદ્દો સંભાળ્યો ત્યારથી તેઓએ સામાજીક મુદ્દાઓના નિવારણ માટે કાર્ય શરૂ કર્યું હતું. નશીલા પદાર્થો સામેની કામગીરી અને અસહિષ્ણુતા પર તેમણે ખૂબ કામ કર્યું છે.

રાષ્ટ્રવાદી ચિંતન અને સંસ્કૃતિનો વિકાસ...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા આચાર્ય ૧૮મી જાન્યુઆરી ૧૯૫૯ના રોજ હરિયાણામાં જન્મ્યા હતા. ઇતિહાસ ઉપરાંત તેમણે યોગ વિજ્ઞાન અને નેચરોપથીમાં ડોકટરેટ કર્યું છે. તેમણે માસિક પત્રિકા ગુરૂકુલ દર્શનના સંપાદન ઉપરાંત પ્રાકૃતિક ચિકિત્સા અંગે પુસ્તક લખ્યું છે. આર્ય સમાજના તેઓ પ્રચારક રહ્યાં છે. સરકારની કોઇ આર્થિક સહાય વિના તેમણે ૧૯૮૦ના દાયકાથી ગુરૂકુલ કુરૂક્ષેત્રના માર્ગદર્શક, વાલી, પ્રિન્સિપાલ અને વોર્ડન તરીકે સેવા આપી છે. તેમનો ધ્યેય રાષ્ટ્રવાદી ચિંતન અને ભારતીય સંસ્કૃતિને જનમાનસ સુધી પહોંચાડવાનો રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનથી પ્રભાવિત થઇને તેમણે એપ્રિલ ૨૦૧૫માં અંબાલામાં ચમનવાટિકા આંતરરાષ્ટ્રીય કન્યા ગુરૂકુલની સ્થાપના કરી હતી.

વિદેશ પ્રવાસ છતાં ભારતીય સંસ્કૃતિના પૂજક...

આચાર્ય દેવવ્રત અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, ઇટાલી, વેટિકન સિટી, નેપાળ, ભૂતાન, સિંગાપુર, મોરેસિયસ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ભ્રમણ કરી ચૂકયાં છે. સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ૨૦૦૨માં અમેરિકન મેડલ ઓફ ઓનર મળી ચૂકયો છે. સમાજની વિશિષ્ટ સેવાઓ માટે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયધીશ જસ્ટીસ પીએન ભગવતી દ્વારા ૨૦૦૯માં જનહિત શિક્ષક એવોર્ડ મળ્યો છે. આ સાથે અનેક એવોર્ડ તેમણે મેળવ્યા છે, જેમાં ઓલ ઇન્ટલેકચ્યુઅલ પરિસંઘ અને શોધ કેન્દ્ર દ્વારા તેમને મળેલો ઇન્ટલેકચ્યુઅલ પર્સનાલિટી (વિદ્વાન રત્ન) પણ મુખ્ય છે. તેઓ ૧૩ જેટલી વિવિધ સંસ્થાઓમાં સદસ્ય તરીકે કામ કરી રહ્યાં છે. તેમનું લક્ષ્ય વૈદિક સંસ્કૃતિ અને પરંપરાનું પ્રાચીન ગૌરવને પ્રસ્થાપિત કરી માનવ માત્રમાં તેની વૈજ્ઞાનિક સમજને વિકસિત કરવાનું છે.

સરકારી મહેમાન

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(4:23 pm IST)